માસ્ટરકાર્ડ...વિઝા બાદ દુનિયાની બીજી સૌથી જાણીતી કેશલેસ પેમેન્ટ કંપની છે. કંપનીની માર્કેટ કેપ 28 લાખ કરોડ રૂપિયા છે. માસ્ટરકાર્ડ આજે 150 દેશોમાં પોતાનો બિઝનેસ કરી રહ્યું છે. દર સેકન્ડે 5000થી વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરતી માસ્ટરકાર્ડ કંપની વર્ષભરમાં 297 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરે છે.
એટલે કે એક મિનિટમાં 53 લાખ રૂપિયાની લેવડદેવડ. જો કે માસ્ટરકાર્ડ પોતાના પૂર્વ સીઈઓ અજય બંગાને કારણે ચર્ચામાં છે. અજય વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ હોઈ શકે છે. આજે મેગા એમ્પાયરમાં જાણો દુનિયામાં પ્રાઈસલેસ ખુશીઓ વહેંચતી કંપની માસ્ટરકાર્ડની કહાની...
10 વર્ષના કાર્યકાળમાં અજય બંગાએ માસ્ટરકાર્ડને 21મી સૌથી મૂલ્યવાન કંપની બનાવી
માસ્ટરકાર્ડની સફળતા પાછળ ભારતીય મૂળના અજય બંગા જ છે. તેઓ 2009માં માસ્ટરકાર્ડ સાથે જોડાયા હતા, તે સમયે તેમની સામે સૌથી મોટો ટાસ્ક વિઝાનો મુકાબલો કરવાનો હતો. જુલાઈ 2010 થી 31 ડિસેમ્બર 2020 સુધી અજય માસ્ટરકાર્ડના સીઈઓ હતા.
પોતાના કાર્યકાળ દરમિયાન અજયે માસ્ટરકાર્ડને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીની યાદીમાં 256મા સ્થાન પરથી 21મા સ્થાને પહોંચાડી દીધી હતી. આ દરમિયાન માસ્ટરકાર્ડના શેરના ભાવ 30 ડોલરથી 250 ડોલર સુધી પહોંચી ગયા હતા.
આ સિવાય કંપનીએ આ સમયગાળા દરમિયાન તેના શેરધારકોને 1581 ટકા રિટર્ન આપ્યું હતું. 2019માં અજય બંગાના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે માસ્ટરકાર્ડે યુએસ સરકારની મહિલા વિકાસ અને સમૃદ્ધિ સંસ્થા સાથે મળીને કામ કર્યું છે. ભારત સરકારે 2016માં બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
'વિઝા'ની મોનોપોલીને ખતમ કરવા માટે 'માસ્ટરકાર્ડ'ની સ્થાપના કરવામાં આવી હતી
1960 અને 1966ની વચ્ચે અમેરિકામાં માત્ર 10 ક્રેડિટ કાર્ડ કંપનીઓ હતી. પરંતુ 1966થી 1968 સુધી દેશમાં લગભગ 440 ક્રેડિટકાર્ડ કંપનીઓ બની ગઈ હતી. માસ્ટરકાર્ડની શરૂઆત પાછળ વિઝા છે. 1958માં બેંક ઓફ અમેરિકાએ તેનું ક્રેડિટકાર્ડ 'બેંક અમેરિકન કાર્ડ' લોન્ચ કર્યું હતું, જે હવે 'વિઝા' ના નામથી ઓળખાય છે.
ઇન્ટરબેંક કાર્ડ એસોસિયેશને બેન્ક અમેરિકા કાર્ડના જવાબમાં 1966માં પોતાનું ક્રેડિટકાર્ડ લોન્ચ કર્યું. જેને 'માસ્ટરચાર્જ - ધ ઇન્ટરબેંક કાર્ડ'ના નામે ઓળખાય છે. 1979માં માસ્ટરચાર્જનું નામ બદલીને માસ્ટરકાર્ડ કરવામાં આવ્યું હતું.
બિઝનેસ મોડલ - ગ્રાહકો પાસેથી નહીં, પણ બેંકો પાસેથી કમાણી કરે છે માસ્ટરકાર્ડ
માસ્ટરકાર્ડ ક્રેડિટ કાર્ડ જાહેર કરતી બેંકો પાસેથી તેની કમાણી કરે છે. આમાં ટ્રાન્ઝેક્શન ફી લાગુ પડે છે. ગ્રાહકો મૂળભૂત રીતે માસ્ટરકાર્ડને સીધી ચુકવણી કરતા નથી. ગ્રાહકો બેંકોને ચુકવણી કરે છે અને માસ્ટરકાર્ડ તે બેંકોને ફી વસૂલ કરીને રૂપિયા કમાય છે. આ ચાર્જીસમાં કનેક્ટિવિટી ચાર્જ અને જ્યારે જરૂર પડે છે ત્યારનો સ્વિચિંગ ચાર્જ પણ લેવામાં આવે છે.
માસ્ટરકાર્ડ ઝડપથી વધી રહ્યું છે. 2018માં કંપનીએ લગભગ 122 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી. જેમાં 2019માં 21 ટકાનો વધારો થયો હતો. જ્યારે તે વર્ષે વિઝાની આવકમાં માત્ર 11.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સેલ્સની વાત કરીએ તો, વર્ષ 2019માં માસ્ટરકાર્ડના સેલ્સમાં 12.2 ટકાનો વધારો થયો હતો અને વિઝાનો સેલ્સ ગ્રોથ માત્ર 11.5 ટકા હતો. હાલમાં માસ્ટરકાર્ડ એપલ સાથે પણ ભાગીદારીમાં છે.
માસ્ટરકાર્ડ હોલોગ્રામનો ઉપયોગ કરનારી પ્રથમ કંપની છે
ઘણીવાર આપણે નકલી નોટોના વેપાર વિશે સાંભળતા રહીએ છીએ. એ જ રીતે અગાઉ કેશલેસ કાર્ડના બિઝનેસમાં કાઉન્ટરફિટિંગનો ભય રહેતો હતો. તેને અટકાવતી પ્રથમ કંપની માસ્ટરકાર્ડ હતી. 1983માં પ્રથમ વખત માસ્ટરકાર્ડે હોલોગ્રામનો ઉપયોગ કર્યો હતો.
ક્રેડિટ કાર્ડ્સ પર ઉપયોગ કરવામાં આવતા હોલોગ્રામ ઈમેજેસના અનેક સ્તરોથી બનેલ હોય છે, જેને વિવિધ એંગલ્સથી લેવામાં આવે છે. તે બનાવટી, છેતરપિંડીને અટકાવે છે કારણ કે ઓપ્ટિકલ કોમ્પ્યુટર સ્કેનર્સ દ્વારા એકસાથે અનેક સ્તરો સ્કેન કરી શકાતાં નથી. હોલોગ્રામના ઉપયોગના મદદથી નકલીનો અંત આવ્યો. આજે પાસપોર્ટથી લઈને બેંક નોટ સુધી દરેકમાં હોલોગ્રામનો ઉપયોગ થાય છે.
માસ્ટરકાર્ડ દુબઈમાં રોયલ ફેમિલી માટે ડાયમંડ અને ગોલ્ડ કાર્ડ બનાવે છે
માસ્ટરકાર્ડે દુબઈ ફર્સ્ટ રોયલકાર્ડ બનાવ્યું છે. જેને કદાચ દુનિયાનું સૌથી સ્પેશિયલ ક્રેડિટકાર્ડ કહેવામાં આવે છે. આ કાર્ડની કોઈ મર્યાદા હોતી નથી. ક્રેડિટકાર્ડની બંને બાજુએ ગોલ્ડનું લેયરિંગ કરવામાં આવ્યું છે. કાર્ડની મધ્યમાં 0.235 કેરેટનો ડાયમંડ લગાવવામાં આવેલ છે. દુબઈ ફર્સ્ટ રોયલ ક્રેડિટકાર્ડ માત્ર રાજવી પરિવારના સભ્યો માટે ઉપલબ્ધ હોય છે. તે મેળવવા માટે કોઈ એપ્લિકેશન કરવાની હોતી નથી.
માસ્ટરકાર્ડ કેશલેસ અને કેશફ્લો, બંને બિઝનેસમાં એક્ટિવ છે
વર્ષ 1988માં માસ્ટરકાર્ડ એટીએમ બિઝનેસમાં પણ એન્ટ્રી કરી હતી. વૈશ્વિક સ્તરે, માસ્ટરકાર્ડે તે સમયે સૌથી મોટા ATM નેટવર્ક સાઈરસને 34 મિલિયન ડોલરમાં ખરીદી હતી. આ ખરીદીએ માસ્ટરકાર્ડ/સાઈરસ એટીએમ નેટવર્કનું નિર્માણ થયું, જે મર્જર પછી માસ્ટરકાર્ડના કાર્ડધારકોને ઝડપી અને સરળતાથી રોકડ ઉપલબ્ધ થવા લાગી હતી.
ત્યાર પછી, 1992માં યુરોકાર્ડ અને માસ્ટરકાર્ડે એક જોઈન્ટ પાર્ટનરશિપ કરી હતી, ત્યારબાદ જ ફેમસ મેસ્ટ્રો ઇન્ટરનેશનલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. જો કે 2002માં માસ્ટરકાર્ડ અને યુરોકાર્ડ બંને મર્જ થયાં અને યુરોકાર્ડ માસ્ટરકાર્ડમાં એક થઈ ગયું હતું.
2006માં માસ્ટરકાર્ડે તેનો IPO રજૂ કર્યો. તે સમયે કંપનીએ શેર દીઠ 39 ડોલરના ભાવે 95 મિલિયન શેર વેચ્યા હતા. બાદમાં 2016માં માસ્ટરકાર્ડે 20 વર્ષમાં પ્રથમ વખત તેની કંપનીનો લોગો બદલ્યો હતો.
વિવાદ: ભારતમાં 1 વર્ષ સુધી માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ રહ્યો
વર્ષ 2021માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેટા સ્ટોરેજ નિયમોનું પાલન નહીં કરવાને કારણે માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે અંતર્ગત માસ્ટરકાર્ડને નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ પ્રતિબંધના લગભગ 1 વર્ષ બાદ રિઝર્વ બેન્કે માસ્ટરકાર્ડ પર લગાવેલા પ્રતિબંધોને દૂર કર્યા હતા. માસ્ટરકાર્ડે જરૂરી નિયમોનું પાલન કર્યું હતું. હવે માસ્ટરકાર્ડ પહેલાંની જેમ જ પોતાનો બિઝનેસ ચાલાવી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.