તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે નવતર પ્રયોગ તરફ વળી રહ્યા છે, જેમાં ક્યારેય સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતાનો પણ સામનો કરવો પડતો હોય છે. જાત મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈ પોતાની ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહ્યા છે. અગાઉ તેમણે જરબેરાનાં ફૂલો અને કાકડીની ખેતી કરી હતી, પરંતુ એમાં જોઈએ તેટલી સફળતા ન મળતાં નેધરલેન્ડનાં રંગબેરંગી કેપ્સિકમ મરચાંની સફળ ખેતી કરી છે. દરિયાકિનારનો વિસ્તાર નજીક હોઈ પોતાની જમીન સારી હોવા છતાં અન્ય સ્થળેથી કાળી માટી લાવીને એક વીઘા જમીનમાં ગ્રીનહાઉસ ઊભી કરીને 30 લાખના ખર્ચે મરચાંની ખેતી કરી રહ્યા છે. ચેતનભાઈ કહે છે, રંગીન મરચાંની ખેતીમાં સફળ રહ્યા છીએ અને વર્ષે પાંચેક લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છીએ.
જરબેરાની ખેતી કરી ચૂક્યા છે
કરંજ ગામના ચેતનભાઈ કહે છે, અમારી જમીન ઓલપાડ તાલુકામાં આવે છે. દરિયો નજીક છે, પરંતુ જમીન સારી છે. બહુ ખારાશ નથી. તેમ છતાં મને કંઈક કરવાનો વિચાર આવ્યો હતો એટલે સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી કાળી માટી લઈ આવ્યો હતો. પાંચેક લાખના ખર્ચે એક વીઘા જમીનમાં એ માટી પાથરી હતી. બે વર્ષ અગાઉ જ એક વીઘા જમીનમાં જરબેરાનાં ફૂલોની ખેતી કરી હતી, પરંતુ માર્કેટ ન હોવાથી ભાવ પૂરતા મળતા નહોતા, એટલે કાકડીની ખેતી કરી હતી. બાદમાં નેધરલેન્ડના રંગીન મરચાંની ખેતી તરફ વળ્યા છીએ.
રંગીન કેપ્સિકમ મરચાંનો પ્રયોગ સફળ કર્યો
જરબેરા અને કાકડીની ખેતી પણ સારીએવી થઈ હતી, પરંતુ એના યોગ્ય ભાવ ન મળતાં નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સિકમ મરચાંની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. આ ખેતી ભારે ખર્ચાળ છે, કેમ કે મોંઘાં બિયારણ અને ગ્રીન હાઉસ બનાવવા પાછળ 30 લાખ જેટલો ખર્ચ કરવો પડ્યો હતો, જેમાં સરકાર તરફથી 50 ટકા જેટલી સબસિડી પણ મળી હતી. જોકે મહેનત માગી લેતી મરચાંની ખેતીમાં ઉત્પાદન સારૂંએવું આવી રહ્યું હોવાનું ચેતનભાઈ સ્વીકારી રહ્યા છે.
80 ટકા ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી
નેધરલેન્ડનાં રંગીન મરચાંની ખેતી કરતાં ચેતનભાઈએ કહ્યું, અમે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છીએ. ખાતર અને રસાયણનો ઉપયોગ કરતા નથી; લગભગ એમ કહી શકાય કે 80 ટકા ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છીએ, જેથી ઉત્પાદનમાં ફરક ન પડે. સંપૂર્ણ રીતે તાત્કાલિક ઓર્ગેનિક પર જવાથી ઉત્પાદન સદંતર બંધ થઈ જતું હોય છે. જોકે ધીમે ધીમે ઓર્ગેનિક રીતે ખેતી કરવાથી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ પર ટૂંક સમયમાં જઈ શકાય છે.
દેશભરમાંથી માગ આવે છે
ચેતનભાઈએ કહ્યું, નેધરલેન્ડ બ્રીડના એક વીઘા જમીનમાં 5 હજાર જેટલા રોપા જાતે જ ઉછેરીને વાવ્યા છે. બધું જ વ્યવસ્થિત ચાલે છે. ઉત્પાદન પણ લાલ,પીળાં અને લીલા મરચાંનું યોગ્ય રીતે આવે છે. દેશના દિલ્હી, બેંગ્લોર, મુંબઈ સહિતના વિસ્તારોમાંથી સંપર્ક વેપારીઓ કરી રહ્યા છે, પરંતુ પેમેન્ટ ન આવતું હોવાથી ચેતનભાઈ કહે છે કે અમે તેમને વેચાણ કરતા નથી. સ્થાનિક બજારમાં ઓછાવધતા ભાવે જ વેચાણ કરવામાં આવે છે.
સ્થાનિક બજારમાં 30થી 100નો ભાવ મળે છે
કરંજ ગામના ચેતનભાઈ નેધરલેંડ બ્રીડનાં કલર કેપ્સિકમ મરચાંની ખેતી કરી છે. સામાન્ય રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બજારમાં વેચતાં લીલાં કેપ્સિકમ મરચાંનો ભાવ 8થી 10 રૂપિયા ભાવ મળતો હોય છે, પરંતુ ચેતનભાઈ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલાં કલર કેપ્સિકમ મરચાંનો ભાવ સ્થાનિક બજારમાં 30 રૂપિયાથી 100 રૂપિયા મળી રહે છે. અન્ય બજારોમાં ભાવ સારા છે, પરંતુ ત્યાં વેચાણ કરતા ન હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ખેડૂતોને નવો રાહ ચીંધ્યો
ઓલપાડના ઈન્ચાર્જ વિસ્તરણ અધિકારીએ દેવેશ પટેલએ જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં ખેડૂતો ડાંગર, શેરડી જેવા પાક લેતા હોય છે, પરંતુ સમયની સાથે ખેડૂતો બદલાવ કરી રહ્યા છે. હાલમાં મંદ્રોઈ ગામના ખેડૂતોએ થાઈલેન્ડ અને ચાઈના બ્રીડના બ્લેક રાઈસની સફળ ખેતી કરી હતી ત્યારે હવે ઓલપાડના કરંજ ગામના ચેતન પટેલે નેધરલેંડ બ્રીડનાં કલર કેપ્સિકમ મરચાંની ખેતી કરીને નવો રાહ ચીંધ્યો છે .ઓલપાડના કાંઠા વિસ્તારના ખેડૂતો હવે ખેતીમાં બદલાવ કરી સારી કમાણી કરી રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે આવા પ્રગતિશીલ ખેડૂતોને સબસિડી આપી ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન આપે એવી માગ ચેતનભાઈ દ્વારા કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.