ભાસ્કર સ્પેશિયલ:રૂ.5માં 10 જાતના જ્યૂસ વેચે છે વૃદ્ધ, લક્ઝુરિયસ કાર લઈને પીવા આવે છે લોકો, કહ્યું- વધુ પૈસા લઈ મારે ક્યાં બંગલા બનાવવા છે

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર
  • અમદાવાદના CTM વિસ્તારમાં રેંકડીમાં 12 વર્ષથી આયુર્વેદિક જ્યૂસ વેચે છે
  • 65 વર્ષના બાબુભાઈ વાળંદ સાધુ જેવો ભેખ ધરી લોકોની તંદુરસ્તી વધારવાનું કામ કરે છે
  • રોજ બે ગ્લાસ જ્યૂસ પીવું છું, વર્ષોથી દવા નથી લીધી: કસ્ટમર
  • લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આરામ થાય એમાં હું ખુશ છું: બાબુભાઈ વાળંદ

અમદાવાદમાં એક સેવાભાવી માણસ સાધુ જેવો ભેખ ધરી લોકોની તંદુરસ્તી વધે એવું કામ કરી રહ્યા છે. 65 વર્ષના વૃદ્ધ સવારે પાંચ-છ વાગ્યે પોતાના સ્થાન પર પહોંચે એ પહેલાં લોકો તેમની રાહ જોતા ઊભા હોય છે. ઢળતી ઉંમર હોવા છતાં 12 વર્ષથી વૃદ્ધ સતત રહીશોને આરોગ્યપ્રદ જ્યૂસ પીવડાવે છે, એ પણ ફક્ત પાંચ રૂપિયામાં. આજના જમાનામાં જ્યારે પાણીની બોટલ પણ 20 રૂપિયાની મળે છે ત્યારે વૃદ્ધ કોઈ હરખ-શોક વગર સેવાભાવથી પોતાનું કામ કર્યે રાખે છે. આ વૃદ્ધનું નામ છે બાબુભાઈ વાળંદ. બાબુભાઈના આયુર્વેદિક જ્યૂસ પીવા લોકો લક્ઝુરિયસ કાર લઈને પણ આવે છે. મોટા બિઝનેસમેનથી લઈને અધિકારીઓ તેમના રોજના ગ્રાહકો છે.

અમદાવાદમાં CTM વિસ્તારમાં જોગેશ્વરી BRTS સ્ટેન્ડ સામે ફૂટપાથ પર બાબુભાઇ વાળંદ છેલ્લાં 12 વર્ષથી ઊભા રહે છે. વહેલી સવારે છ વાગ્યે તેઓ રેંકડીમાં અલગ અલગ બરણીમાં જ્યૂસ ભરીને પહોંચી જાય છે. બાબુભાઇ દસ પ્રકારના જ્યૂસ બનાવે છે. કડવું કરિયાતું, આમળાં, બીટ, ગાજર, દૂધી, કારેલાં, લીમડાં, મેથી અને આદું. આ દરેક જ્યૂસ સ્વાસ્થ્ય માટે સારા છે. સાંજે માર્કેટમાંથી સામાન લઈને આવ્યા બાદ રાત્રે અઢી વાગ્યે બાબુભાઇ ઊઠી જાય છે અને જ્યૂસ બનાવવાનું શરૂ કરે છે. એ બનાવતાં તેમને બેથી અઢી કલાક લાગી જાય છે. આ કામમાં તેમનાં પત્ની શાંતાબેન તેમનો સાથ આપે છે. બાદમાં પાંચ વાગ્યે બાબુભાઇ ગાયત્રી મંદિરની સામે તેમના સ્થળ પર આવી જાય છે.

વિચાર કેવી રીતે આવ્યો?
બાબુભાઇ વર્ષો અગાઉ મિલમાં નોકરી કરતા હતા. નોકરી જતી રહેતાં તેમણે શાકભાજીની લારી પણ શરૂ કરી હતી. પછી કોથળા પર પણ શાકભાજી વેચતા હતા. એક દિવસ બાબુભાઇ અને તેમનાં પત્ની રોજની જેમ જ બેઠાં હતાં. એ સમયે અચાનક જ તેમને જ્યૂસ બનાવવાનો વિચાર આવ્યો. છેલ્લાં બાર વર્ષથી તેઓ આ જ ધંધો કરે છે.

મારે બંગલા નથી બનાવવા, તો પછી ભાવ કેમ વધારું?
દિવ્ય ભાસ્કરે આ અંગે વાત કરતાં બાબુભાઈએ જણાવ્યું હતું, 'બાર વર્ષથી આ ધંધો કરું છું અને શરૂઆતથી જ અત્યારસુધી જ્યૂસનો ભાવ નથી બદલ્યો. ભાવ વધારવાની કોઈ ઈચ્છા પણ નથી. લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આરામ થાય એમાં હું ખુશ છું. ઉપરાંત મારા રોટલા નીકળે એટલું મને મળી રહે છે. પરિવારમાં એક પુત્ર છે, જે માનસિક રીતે બીમાર છે.'

ભાવ વધારવા અંગે તેઓ કહે છે, 'પત્ની તો કહે છે કે આ મોંઘવારીમાં પાંચ રૂપિયા ના પોસાય, ભાવ વધારો, પરંતુ મને એવું થાય છે કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેમણે આરામ થાય એટલે ખુશી છે. મારી સેવા કરવાની ભાવના છે. અમે ત્રણ જણ છીએ. અમારે જોઈએ કેટલું? આનાથી મારું ઘર ચાલી જાય છે. મારી પાંસઠની ઉંમર થઈ ગઈ છે. મને કોઈ બહાર ત્રણસો રૂપિયા આપવાનું નથી. એ વાત ચોક્કસ છે. તો હું ઘરે જાતે જ મજૂરી કરું. મને 500-600 મળતા હોય તો જેનાથી મારું ચાલે છે. મને આનંદ છે. વધુ પૈસાની જરૂર નથી. બંગલા બનાવવા નથી. ગાડી લાવવી નથી કે છોકરા પરણાવવા નથી. રોટલો જોઈએ, માલિક રોટલો આપે છે.'

પૈસા આપો તોપણ રામ રામ, ન આપો તોપણ રામ રામ
આસપાસના લોકો પાસેથી જાણ્યા બાદ બાબુભાઈને પૂછતા તેઓ કહે છે કે કેટલાક લોકો આવે છે, જ્યૂસ પીવે છે, પણ પૈસા નથી હોતા, પરંતુ પૈસા હોય તોપણ રામ રામ, ન આપે તોપણ રામ રામ. બધું રામભરોસે ચાલે છે. કેટલાક લોકો નામ સાંભળીને ઘણા દૂરના વિસ્તારોમાંથી આવે છે. કેટલાક આવીને એમ કહે છે કે "કાકા, રોજ જ્યૂસ પીવા આવવું છે પણ બહુ જ દૂર પડે છે". તેમને બાબુભાઇ કહે છે, 'જ્યુસ પીવા રોજ આવવું. તમારા રૂપિયા હું નહીં લઉં." આગળ કહે છે કે નહીં ધંધો નહીં ગ્રાહક. મિત્રતા અને સેવા તરીકેનું વર્તન કરું છું.'

અમારા વિસ્તારનું હરતુંફરતું આરોગ્ય કેન્દ્ર છે: વિનોદભાઈ
બાબુભાઇ પાસે રોજ જ્યૂસ પીવા આવતા વિનોદ મહેતા પોતે ખાનગી કંપનીમાં અધિકારી તરીકે નોકરી કરે છે અને એક અગ્રણી રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છે. તેઓ કહે છે, 'કાકાને બાર વર્ષ થયાં છે. પહેલા જ દિવસથી અમે તેમના કસ્ટમર છીએ. તેઓ જે કામ કરે છે એ સેવાકીય કામ જ છે અને મારા વિસ્તારના નાનામોટા, વડીલો અને સિનિયર સિટિઝન્સ દરેક માટે તેમની કામગીરી સેવાકીય જ છે. કોઈ ગરીબ માણસ આવે ને પૈસા ના હોય તો કોઈ આગ્રહ કરતા નથી. રામ ભરોસે ચાલતું હોય એવું જ છે. આ અમારા માટે આ વિસ્તારનું હરતુંફરતું આરોગ્ય કેન્દ્ર છે, એથી પણ વિશેષ એ કે આરોગ્ય કેન્દ્ર બીમાર થાય એની સારવાર કરે છે, પણ બાબુકાકા અમને બીમાર થવા દેતા જ નથી. કેટલાંક વર્ષોથી મેં કોઈ દવા લીધી નથી, કારણ કે હું દરરોજ એક બે ગ્લાસ જ્યૂસ પીવું છું. અમારા વિસ્તારમાં ઘણાં દવાખાનાં અને હોસ્પિટલ છે, પરંતુ બાબુકાકા અમને ત્યાં જવા દેતા જ નથી. હું પોતે ઘણી વખત જ્યૂસ પેક કરાવીને ઓફિસના સ્ટાફ માટે લઈ જાઉં છું.'

બાબાને મહારાષ્ટ્ર લઈ જવા છે: ડો. ડીકે પટેલ
તેમના ગ્રાહકોમાં ડૉક્ટર પણ સામેલ છે. ડૉકટર ડીકે પટેલ ધુલિયા મહારાષ્ટ્રના રહેવાસી છે. તેઓ કહે છે, 'હું ત્રણચાર દિવસથી અહીં છું. મને નાનપણથી આયુર્વેદમાં રસ છે. મેં જોયું તો મને લાગ્યું કે બાબા કરે છે એ પુણ્યનું કામ છે. બાબા જે કરે છે એ બધી જગ્યાએ હોવું જોઈએ. જો તેઓ મહારાષ્ટ્રમાં આવે તો એ પાંચ રૂપિયામાં નહીં, કમસે કમ વીસ રૂપિયામાં મળશે. આજકાલ પાણીની બોટલ પણ પાંચ રૂપિયામાં આવતી નથી. મને એટલું સારું લાગ્યું કે બાબાને મહારાષ્ટ્રમાં લઈ જવા છે.'

મારો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયો: રોહિત પટેલ
જ્યારે અન્ય એક ગ્રાહક રોહિત પટેલ જણાવે છે, 'લગભગ સાડાચાર વર્ષથી હું જ્યૂસ પીઉં છું. કાકા શિયાળો, ઉનાળો અને ચોમાસું એટલે કે કોઈ ઋતુ એવી નથી, જેમાં દિવસ પાડ્યો હોય. મારો પોતાને ચારસો - સાડાચારસો ડાયાબિટિસ રહેતો હતો, પણ જયૂસ પીધા બાદ હવે 120-125ની વચ્ચે રહે છે. કાકાની સેવાની ભાવના છે, પૈસાની ભાવના નથી.'

અન્ય સમાચારો પણ છે...