તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Farmer Of Olpad Successfully Cultivated The Black Wheat Prepared By The University Of Punjab, Got A Net Profit Of Rs. 51,000 From One And A Half Branches

આજની પોઝિટિવ સ્ટોરી:પંજાબની યુનિવર્સિટીએ તૈયાર કરેલા કાળા ઘઉંની ગુજરાતના ખેડૂતે સફળ ખેતી કરી, દોઢ વિઘામાંથી 51 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો

સુરતએક મહિનો પહેલાલેખક: દિલીપ ચાવડા
  • જમરૂખ સહિતના ફળોની બાગાયતી ખેતી કરવામાં સફળતા મેળવ્યા બાદ કાળા ઘઉંની ખેતી કરી

ગુજરાતમાં અવનવી ખેતી કરવા ટેવાયેલા પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય બહારના અનાજ સાથે ફળ-ફૂલની ખેતી કરતા થયા છે. ત્યારે ઓલપાડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિરલભાઈ પટેલે પંજાબમાં થતા અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી કાળા ઘઉંની સફળ ખેતી કરી બતાવી છે. દોઢ વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરવાનું સાહસ ખેડી પ્રાથમિક તબક્કે મોટી સફળતા મેળવી છે. દોઢ વિઘા જમીનમાં 45 મણ જેટલા ઘઉં થયા છે. ખર્ચો કાઢતા દોઢ વિઘામાં 51 હજાર રૂપિયાની આવક થઈ છે. જેથી સાંધીયેર ગામના યુવાન ખેડૂત વિરલભાઈ પટેલએ હવે મોટા પાયે ખેતી કરવાની તૈયારી કરી રહ્યાં છે. કાળા ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન અને ફાઈબર જેવા તત્વો વધુ હોવાથી ડાયાબિટિસ-કેન્સર સહિતના દર્દીઓ માટે લાભકારક હોવાનું કહેવામાં આવે છે.

નવા પ્રયોગના સ્વરૂપમાં ખેતી કરી
ઓલપાડના સાંધીયેર ગામના પ્રગતિશિલ ખેડૂત વિરલભાઈ પટેલ ખેતીમાં સતત નવા પ્રયોગ કરતાં આવ્યાં છે. રાજ્ય બહાર થતાં પાકોની પણ ખેતી કરે છે. જેમાં કાળા ડાંગની ખેતી કરી હતી. જેમાં સફળતા મળ્યા બાદ વિરલભાઈ બળવંતભાઈ પટેલે બાગાયતી પાકોની ખેતી કરવામાં સફળ થયા હતાં. બાદમાં હવે તેમણે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા નવી વિકસાવાયેલી કાળા ઘઉંની જાતની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી રાજસ્થાનથી 65 રૂપિયા કિલોના ભાવે 50 કિલો બિયારણ લાવીને પોતાના ખેતરમાં દોઢ વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરી હતી.

ઓર્ગેનિક રીતે ઘઉં પકવ્યા
વિરલભાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકવન કે ટુકડી સહિતની ઘઉંની જાતની જે રીતે ખેતી કરવામાં આવે છે તે રીતે જ કાળા ઘઉંની ખેતી કરવામાં આવી હતી. ઘઉંને જેમ વધુ ઠંડી મળે તેમ સારો પાક આવે છે. જોકે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું હતું. જેથી બધા ઘઉંની જેમ કાળા ઘઉંનો ઉતારો પણ ઓછો આવ્યો છે. કાળા ઘઉંની ખેતી ઓર્ગેનિક રીતે કરવામાં આવી હતી. જેથી દોઢ વિઘા જમીનમાં અંદાજે 45 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન મળ્યું છે.

દોઢ વિઘા જમીનમાં 45 મણ જેટલા ઘઉં થયા અને ખર્ચો કાઢતા દોઢ વિઘામાં 51 હજાર રૂપિયાની આવક થઈ.
દોઢ વિઘા જમીનમાં 45 મણ જેટલા ઘઉં થયા અને ખર્ચો કાઢતા દોઢ વિઘામાં 51 હજાર રૂપિયાની આવક થઈ.

કાળા ઘઉં ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે
ઓલપાડના મદદનીશ નિયામક કે.વી.રાણાએ જણાવ્યું હતું કે, કાળા ઘઉંનો લોટ પણ કાળો થતો હોવાથી તે ખાવામાં પસંદ નથી પડતા જ્યારે સ્વાસ્થની દ્રષ્ટિએ વાત કરીએ તો કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નનું પ્રમાણ વધારે હોવાથી ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે. જયારે આટલું જ નહીં પણ બ્લડ સુગર અને સંધિવા અને મેદસ્વીપણા જેવા રોગો સામે રક્ષણ આપે છે. ગુજરાતમાં ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના ખેડૂત વિરલભાઈએ કાળા ઘઉંની સફળ ખેતી કરનાર પ્રથમ ખેડૂત છે.

કાળા ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન અને ફાઈબર જેવા તત્વો વધુ હોય છે.
કાળા ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન અને ફાઈબર જેવા તત્વો વધુ હોય છે.

ઘઉંનું ઓનલાઈન વેચાણ કર્યું
કાળા ઘઉં પકવનાર વિરલભાઈ પટેલે જણાવ્યું કે, અવનવા પાકો બનાવવા ગમે છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમે મેં કાળા ઘઉંની ખેતી થતી હોવાની માહિતી મેળવવા સાથે તેનું બિયારણ પણ મેળવ્યું છે. હાલ મેં પ્રથમ તબક્કે દોઢ વિંઘા જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરતા નજીવો ખર્ચ થયેલ છે. કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થની કાળજી લેતા થયા છે ત્યારે કાળા ઘઉંની પણ માંગ વધી છે. સેમ્પલ પણ દર્દીઓને આપવામાં આવે છે. આ સાથે જ ઓનલાઈન પણ વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. જેમ ઓર્ડર મળે તેમ તેઓ લોકો સુધી ઘઉં પહોંચાડે છે.

સાંધીયેર ગામના યુવાન ખેડૂત વિરલભાઈ પટેલએ હવે મોટા પાયે ખેતી કરવાની તૈયારી કરી રહ્યાં છે.
સાંધીયેર ગામના યુવાન ખેડૂત વિરલભાઈ પટેલએ હવે મોટા પાયે ખેતી કરવાની તૈયારી કરી રહ્યાં છે.

કાળા ઘઉંમાં 100થી 200 PPM હોય છે
ફળ, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેવા પ્લાન્ટ પિગમેન્ટ કે રંગદ્રવ્ય કણોની માત્રા પર આધારિત હોય છે. કાળા ઘઉંમાં એન્થોસાએનિન નામના પિગમેન્ટ હોય છે. સામાન્ય ઘઉં એન્થોસાએનિનું પ્રમાણ માત્ર પાંચ પીપીએમ હોય છે પણ કાળા ઘઉંમાં તે 100થી 200 પીપીએમ આસપાસ હોય છે. એન્થોસાએનિન ઉપરાંત કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નના પ્રમાણમાં ફેરફાર હોય છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 60 ટકા વધારે આયર્ન હોય છે. કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે. જેમાં જાંબુ અને બ્લૂ બેરીના ફળોનો સમાવેશ થાય છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભલે તેનો રંગ કાળો હોય પણ તેની રોટલી બ્રાઉન રંગની જ બને છે.

પહેલાં જ વર્ષે મબલક આવક થઈ.
પહેલાં જ વર્ષે મબલક આવક થઈ.

કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક
જૂની સિવિલ હોસ્પિટલના ડો. શક્તિએ જણાવ્યું હતું કે, કાળા ઘઉં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જેમાં પારંપરિક ઘઉંની સરખામણીએ કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયરન અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે આના સેવનથી ડાયાબિટીસ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે. આ ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટશે અને એસિડિટીથી મુક્તિ પણ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...