ભાસ્કર ઇન્ટરવ્યૂઆ વર્ષનાં 3 સુપરહિટ ગીતોના સર્જક કેદાર-ભાર્ગવનો ઇન્ટરવ્યૂ:‘મનડાં લીધાં મોહી રાજ’ ગીત એક જ કલાકમાં સર્જાયેલું! જો એક ઘટના ન બની હોત તો ‘ચાંદલિયો ઊગ્યો રે’ ગીત બન્યું જ ન હોત!

2 મહિનો પહેલાલેખક: જયેશ અધ્યારુ
  • ‘મનડાં લીધાં મોહી રાજ’ ગીત સાંભળો ગીતકાર-સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવના અવાજમાં

બે યુગ જેવાં લાંબાં બે વર્ષ પછી હવે નવરાત્રિ પૂરબહારમાં ખીલી છે. ફરી પાછો ચણિયાચોળી અને કેડિયાં-ચોરણી જેવા ‘ટ્રેડિશનલ’ ડ્રેસનો દરિયો છલકાયો છે. ઢોલ અને જાતભાતનાં વાજિંત્રોના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. તમને ગરબે ઝૂમવાનો શોખ હોય કે ન હોય, પરંતુ કાન સરવા કરીને સાંભળશો તો જૂનાં રાસ-ગરબાની વચ્ચે ત્રણ નવાં ગીતો પણ સંભળાશે. એ ત્રણ ગીતો એટલે ‘ગોરી તમે મનડાં લીધાં મોહી રાજ’ (ફિલ્મઃ ‘સૈયર મોરી રે’), ‘બોલ મારી અંબે’ (ફિલ્મઃ ‘ફક્ત મહિલાઓ માટે’) અને ‘ચાંદલિયો ઊગ્યો રે’ (ફિલ્મઃ ‘નાડી દોષ’). રસપ્રદ વાત એ છે કે લોકોની જીભે ચડીને હૈયે વસી ગયેલાં આ ત્રણેય ગીતોની સર્જક જોડી એક જ છેઃ કેદાર-ભાર્ગવ. એટલે કે ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત. આ જોડીએ બંને ગીતોને સ્વરબદ્ધ કર્યા છે અને ભાર્ગવભાઇએ તેને શબ્દોમાં પરોવ્યા છે. નવરાત્રિની એક ખુશનુમા સાંજે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ કેદાર-ભાર્ગવના રેકોર્ડિંગ સ્ટુડિયો (લેગાટો લેબ્સ, અમદાવાદ) ખાતે પહોંચી ગઈ. ચાની ચુસ્કીઓ અને હાસ્યની છોળો વચ્ચે અમે આ ગીતોની સર્જનપ્રક્રિયા વિશે ભારે રસપ્રદ વાતો કરી. આવો એ વાતો વાગોળીએ...

દિવ્ય ભાસ્કર (DB): આ ત્રણેય ગીતો કેવી રીતે સર્જાયાં?
ભાર્ગવ પુરોહિત (BP): ‘મનડાં લીધાં મોહી રાજ’ (‘સૈયર મોરી રે’) ગીતની મેકિંગ પ્રોસેસ બહુ ઓર્ગેનિક હતી. ગીત અમને જેવું સ્ફૂર્યું એવું જ અમે કમ્પોઝ કર્યું. ઘણી વખત ગીતો કમ્પોઝ કર્યા પછી પણ તેમાં તોડફોડ કરીએ, કંઇક ક્રાફ્ટ ઉમેરીએ. આમાં એવું કશું જ થયું નથી. આખી કમ્પોઝિશન અમને જેવી ‘આવી’, એવી જ અમે કમ્પોઝ કરી, ડિરેક્ટરને મોકલી અને એમને પણ ગમી ગઇ. ગીતમાં આ કે પેલું નથી જામતું એવું કશું જ નહોતું થયું. શૂટિંગ વખતે પણ કાસ્ટ-ક્રૂને ગીત ખૂબ જ ગમી ગયું.

ડૉ. કેદાર ઉપાધ્યાય (KU): હા, શરૂઆતથી જ અમે ત્રણ તાળી-હીંચ ઉલાળિયા પ્રકારનું ગીત બનાવવાની બ્રીફને વળગી રહેલા. પહેલો સ્ક્રેચ જ અમે ડિરેક્ટરને મોકલેલો અને બધાંને ગમી ગયો. ઘણી વખત ડિરેક્ટરને પહેલું વર્ઝન ન ગમે, ક્યારેક અમે પહેલા વર્ઝન સાથે કન્વિન્સ ન હોઇએ, પરંતુ આ ગીત તો પહેલા જ ધડાકે જામી ગયું. લિરિક્સ (ગીતના શબ્દો)માં પણ કોઈ ફેરફાર નથી થયો.

BP: તમે નહીં માનો, શબ્દો અને કમ્પોઝિશન એક જ કલાકમાં તૈયાર થઈ ગયેલાં!
KU: કુલ મળીને પાંચ-સાત દિવસમાં ગીતનું સંપૂર્ણ પ્રોડક્શન કમ્પ્લિટ થઇ ગયું. એમાં એકાદ દિવસ રિધમ કમ્પોઝ કરી હોય, બે-એક દિવસ પ્રોગ્રામિંગ પાછળ ગયા હોય, એકાદ દિવસ સિંગર્સનો અવાજ ડબ થયો હોય અને ત્રણેક દિવસ આ બધાના મિક્સિંગમાં.

DB: ગ્રેટ! હવે આવીએ યશ સોનીને ચમકાવતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ના ગરબા ‘બોલ મારી અંબે’ની સર્જન પ્રક્રિયા પર...
KU: આમાં પણ એવું જ છે. આ કમ્પોઝિશન અમને સૂઝી, અમે તેના મુખડાની ટ્યૂન ફિલ્મના પ્રોડ્યુસર વૈશલ શાહ અને ડિરેક્ટર જય બોડસને સંભળાવી. એમનું પહેલું રિએક્શન હતું, ‘બસ, આ જ જોઇએ છે!’ મુખડાના શબ્દોમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’ એ હૂક ફિક્સ હતી.
BP: ફિલ્મની થીમ પ્રમાણે પણ મા અંબા પર આ ગરબો હોવો બહુ જરૂરી હતો. વાર્તાના મુખ્ય પાત્રને અંબાજીના મંદિરમાં જ વરદાન મળે છે. એટલે નખશિખ મા અંબાની આરાધના સ્વરૂપે આ ગરબો આવશે એ નક્કી હતું. અને જેના પર રમી શકાય એવી સિમ્પલ ફોક ટ્યૂન જ છે. આખું સોંગ બહુ લિમિટેડ નૉટ્સથી તૈયાર થયું છે.

DB: સેઇમ ક્વેશ્ચન ત્રીજી વાર... ‘નાડી દોષ’નો થોડો સ્લો-સૂધિંગ રાસ ‘ચાંદલિયો ઊગ્યો રે’ કઈ રીતે સર્જાયો? BP: સેઇમ આન્સર ત્રીજી વાર, અગેઇન ઓર્ગેનિક! હવે તમે જ્યારે પૂછો છો ત્યારે અમને પણ સમજાય છે કે આપમેળે જે (રચના) ઊગે તેને ઓર્ગેનિક જ રહેવા દઇએ, ત્યારે તેના કનેક્ટ થવાના ચાન્સિસ પણ વધી જાય છે. KU: ‘ચાંદલિયો ઊગ્યો રે’ ગીતની રચના પાછળની સ્ટોરી બહુ રસપ્રદ છે. આ ગીત મૂળે અમે ‘મેના ગુર્જરી’ નામના નાટક માટે બનાવેલું. એ નાટક મૂળે અમદાવાદમાં ભજવાવાનું હતું, પરંતુ ઇવેન્ટ જ ન થઈ. એ નાટકમાં રાધા-કૃષ્ણનાં પ્રતીકો સાથેના બહુ બધા રાસ-ગરબા છે. એમાંનો એક ગરબો આ ઢાળમાં હતો. એ ગરબો બનતો હતો ત્યારે અમે કે.ડી. (ડિરેક્ટરઃ કૃષ્ણદેવ યાજ્ઞિક)-વૈશલ શાહ (પ્રોડ્યુસર)ની એક ફિલ્મ પર પણ કામ કરી રહ્યા હતા. હું એ ગરબાનો ઢાળ યાદ રહે એટલે તેને ફોનમાં વોઇસ નોટ તરીકે રેકોર્ડ કરતો હતો. બરાબર એ જ વખતે કે.ડી.-વૈશલભાઈ સ્ટુડિયોમાં આવ્યા. એમણે સાંભળ્યું તો કહે કે બહુ સરસ છે આ. એ વાતને ચારેક વર્ષ વીતી ગયાં. ‘નાડી દોષ’ ફિલ્મના એક ગીત માટે રાસ-ગરબાની સિચ્યુએશન આવી, ત્યારે કે.ડી.ભાઇએ પહેલો સવાલ એ પૂછ્યો, કે પેલી કમ્પોઝિશન પડી છે કે વપરાઈ ગઈ? અમે કહ્યું કે એ તો નાટકની ઇવેન્ટ જ કેન્સલ થયું, એટલે એ ધૂન પણ વપરાયા વિનાની જ પડી છે. તો કે.ડી.સર કહે કે, તો પછી એને આપણી ફિલ્મ માટે લૉક કરી દો. BP: આમ પણ દરેક રચનાની પોતાની એક ડેસ્ટિની હશે, કે એને કઈ રીતે ક્યારે બહાર આવવું. KU: શરૂઆતની ત્રણેક લાઇન્સને બાદ કરતાં અમે આખું ગીત ફરીથી કમ્પોઝ કર્યું. એ ગીતનું અરેન્જમેન્ટ તદ્દન મિનિમલિસ્ટ-સોફ્ટ રાખવું છતાં પણ ગરબાની રીતે પણ એ પાવરફુલ હોય એ પણ નક્કી જ હતું. બીજું, કે ફિલ્મની સ્ટોરી પ્રમાણે આ ગીત બે ભાગમાં છે. પહેલા સોફ્ટ ‘ચાંદલિયો ઊગ્યો રે’ આવે છે અને પછી વાર્તા પ્રમાણે રૅપ-સપાકરું સ્ટાઇલનું ગીત આદિત્ય ગઢવી પાસે ગવડાવ્યું. અલબત્ત, ઑડિયો પ્લેટફોર્મ પર તમે ફુલ વર્ઝન સાંભળી જ શકો છો.

DB: અચ્છા, કોઈ ફિલ્મ માટે આવાં રાસ-ગરબાનાં ગીતો બનાવવાનાં થાય, ત્યારે નવરાત્રિ તમારા ધ્યાનમાં હોય ખરી? અથવા તો ફિલ્મની રિલીઝ નવરાત્રિની નજીક આવવાની હોય, તો આવું એક ગીત નાખી દેવાની લાલચ થાય ખરી?
BP: નવરાત્રિની સિચ્યુએશનનું કોઈ સોંગ ગુજરાતી ફિલ્મ માટે કમ્પોઝ કરવાનું આવે ત્યારે અફકોર્સ, બૅક ઑફ ધ માઇન્ડ એવું હોય ખરું કે આ ગીત જો ચાલી ગયું, તો આવતી નવરાત્રિમાં તે રિફ્લેક્ટ થશે જ. જો લોકોને ગમી ગયું તો આ ગીત તેઓ જ ઉપાડી લેશે અને તેના પર નાચવાનું પસંદ કરશે. પરંતુ એ જ એકમાત્ર ઉદ્દેશ નથી હોતો, કેન્દ્રમાં તો ફિલ્મ જ હોય છે. દાખલા તરીકે, ‘સૈયર મોરી રે’ ફિલ્મ માટે ‘ગોરી તમે...’ ગીત બનાવતી વખતે ડિરેક્ટરના મનમાં ક્લિયર જ હતું કે મારે અહીં ટિટોડો પ્રકારનું ગીત જ બનાવવું છે, કેમ કે, વાર્તાનો હીરો (મયૂર ચૌહાણ aka માઇકલ) ઢોલી છે અને કોઇકનાં લગ્નમાં વગાડી રહ્યો છે, ત્યાં એ હિરોઇનને જુએ છે એવી સિચ્યુએશન હતી. બીજી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં પણ અંબાજીના મંદિરથી વાત શરૂ થાય છે અને નવરાત્રિ પર પૂરી થાય છે. ત્યારે ત્યાં એક સેલિબ્રેટરી ગરબો હોય તે જરૂરી હતું. એટલે બંનેમાં ફિલ્મની જરૂરિયાત તો હતી જ. અને જો આપણાં બનાવેલાં ગીતો ફિલ્મની બહાર પણ ચાલે, નવરાત્રિમાં પોતાનું સ્થાન બનાવે તો તેનો વિશેષ આનંદ હોય જ.

DB: અત્યારે આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે નવરાત્રિ ધોધમાર ચાલી રહી છે. તમારાં ફેવરિટ નવરાત્રિ સોંગ્સ વિશે કહી શકો...?
BP: આ વખતે તો આ જ (‘મનડાં લીધાં મોહી રાજ’) ચાલે છે...!
KU: અવિનાશભાઈ (વ્યાસ)નાં ‘રંગલો’ (‘છોગાળા તારા’)થી શરૂ કરીને ‘આજ ગગનથી ચંદન ઢોળાય રે’... અનેક ગીતો છે. મારો અને ભાર્ગવનો બંનેનો એક કોમન પ્રેમ મેલડી છે. અમે જે કમ્પોઝ કરીએ તે પણ મેલોડિયસ હોય, અમારા જે થોટ્સ આવે તે પણ મેલડી ઓરિએન્ટેડ હોય. અત્યારે બનતાં ગીતો મેલડી કરતાં સાઉન્ડ ઓરિએન્ટેડ વધુ હોય છે. એમાં કશું ખોટું નથી, પણ અમે બંને નેવુંના દાયકાનાં મેલોડિયસ ગીતોના ઝોનના પણ ફૅન છીએ. તેમાં એ. આર. રહેમાન, અનુ મલિક, નદીમ-શ્રવણ, જતીન-લલિત બધા આવી જાય. એમનાં ગીતો જુઓ તો તેમાં મેલડીની ભરમાર હોય. એટલે જૂનાં મેલડી આધારિત ગરબાઓ અમને વધુ ગમે. હજુ ગઇકાલે જ અમારી સોસાયટીમાં ‘ઘોર અંધારી રે’ વાગતું હતું, ત્યારે મને ફીલ થયું કે આ ગીત અદભુત ટ્રાન્સ છે. આ અને ‘રંગતાળી રે’ બંને. ઘણા ગાયકો આ બંને ગીતોને ચલતીમાં બેક-ટુ-બેક સાથે ગાય છે પણ ખરા. આ બધા શાશ્વત ગરબાઓ છે...

DB: તમે બંને ખૂબ સરસ ગાઓ છો. તો અમારા દર્શકો માટે થોડું થઈ જાય..?
KU:
અત્યારે ‘મનડાં લીધાં મોહી રાજ’ ટ્રેન્ડિંગ છે તો એ જ ગાઇએ...

એ સાથે જ એક સૂરિલી ધુન પર અમારી આ મુલાકાત સંપન્ન થાય છે. કેદાર-ભાર્ગવના કંઠે આ નવરાત્રિનું સૌથી હિટ ગીત ‘મનડાં લીધાં મોહી રાજ’ સાંભળવા માટે અને આ ઇન્ટરવ્યૂ માટે આ સ્ટોરી સાથે જોડેલો વીડિયો ક્લિક કરો. અને આ આખો ઇન્ટરવ્યૂ ગમ્યો હોય તો તમારા મિત્રો-સ્નેહીઓ સાથે શૅર કરવાનું ચૂકશો નહીં...

અન્ય સમાચારો પણ છે...