• Gujarati News
  • Dvb original
  • Get Rid Of Mobile Phone Addiction By Going On A Screen Diet, You Don't Have These 6 Habits, Right? Find Out How To Get Rid Of It

મોબાઈલનું વળગણ છોડાવતું ગુજરાતનું પહેલું સેન્ટર:ફોન ના આપો તો કોઈ મારવા દોડે, કોઈ તોડફોડ કરે, અઘરા અઘરા કેસ આવે, જુઓ VIDEO

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: કમલ પરમાર
  • અમદાવાદના પિતાની આ વાત સાંભળશો તો બાળકને ક્યારેય ફોન નહીં આપો
  • મોબાઈલની લત છોડાવી રહ્યું છે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ચાલતું ડિજિટલ ડિટોક્સ સેન્ટર
  • ડૉક્ટર્સે અનુભવના આધારે કહ્યું, 6થી 30 વર્ષના લોકોમાં મોબાઈલના વળગણનું પ્રમાણ વધુ

“બાળકોને મોબાઈલ આપવો જ ન જોઈએ.મોબાઈલના કારણે મારો દીકરો એટલો એડીક્ટ થઈ ગયો હતો. કે જ્યારે તેની પાસેથી મોબાઈલ લઈ લઈએ ત્યારે તે જમતો નહીં, સતત રડ્યાં કરતો અને તેની માતાને પણ મારવા લાગતો” આ શબ્દો છે એ પિતાના જેમના દીકરાને માત્ર 9 વર્ષની ઉંમરમાં મોબાઈલનું વળગણ થઈ ગયું હતું.

હાલમાં આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યાં છે. જેમાં ટીનેજર્સને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જોવાની, વિવિધ પ્રકારની ગેમ્સ રમવાની આદત પડી ગઈ છે. આ આદત માત્ર અમદાવાદ જેવા સ્માર્ટ શહેરોના બાળકોમાં જ નહીં પરંતુ ગામડાંના બાળકોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે વાલીઓ તેમના સંતાનોને થયેલાં આ વ્યસનથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવા મોબાઇલના વ્યસનીઓનું વ્યસન છોડાવવા માટે હાલ અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં રાજ્યનું પહેલું "ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટર" ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા 6 મહિનામાં 6 વર્ષથી 30 વર્ષ સુધીના 147 લોકોએ અહીં સારવાર લઈને મોબાઈલના વ્યસનને ત્યજી દીધું છે.

કોરોના પછી "ડિજિટલ ડિટોક્સ વેલનેસ સેન્ટર"નો જન્મ થયો
કોરોનામાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું. જેના કારણે વાલીઓએ બાળકોને અલાયદો ફોન લઈ આપ્યો હતો. જેથી મોબાઈલથી એડિક્ટ થવાના કિસ્સાઓ વધવા લાગ્યાં હતા. ત્યારે કોરોના પછી આ "ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટર"નો જન્મ થયો છે. જેની શરૂઆત ડૉ. અજય ચૌહાણના નેતૃત્વ હેઠળ કરવામાં આવી.

અઠવાડિયાનું ટાઈમ ટેબલ તૈયાર કરીને મોબાઈલનું વ્યસન દૂર કરીએ છીએઃ ડૉ. દીપ્તિબેન ભટ્ટ
મનોચિકિત્સક ડૉ. દીપ્તિબેન ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, કોરોના પછી ઓપીડીમાં આવતા વાલીઓમાં કોમન પ્રકારની ફરિયાદ જોવા મળતી હતી. બાળકનું ભણવામાં ધ્યાન નથી રહેતું, તેમનો સ્વભાવ ચિડિયો થઈ ગયો છે, આખો દિવસ, મોબાઈલ જોવે છે. જેથી અહીં તેમની ચકાસણી અને પુછપરછ કરીને તેનામાં ડિજિટલ એડિક્શન છે કે નહીં તેવી પ્રાથમિક તપાસ કરીએ છીએ. એ પછી જરૂર જણાય તો ડિજિટલ ડીટોક્સ સેન્ટરને રિફર કરવામાં આવે છે.

જ્યાં ટીમ દ્વારા મોબાઈલ, સ્ક્રિન કે સોશિયલ મીડિયાના ઉપયોગ સામેની કેટલી અસર છે તે જોઈને તેમને લગતો અઠવાડીયાનું ટાઈમ ટેબલ તૈયાર કરે છે. જેમાં એડિક્ટ થયેલી વ્યક્તિને રિલેકસેશન ટેકનિક, બિહેવિયર થેરાપી, એજ્યુકેશન, સ્કેડ્યુઅલ અને સ્ટ્રક્ચર ટાસ્ક અપાય છે. આ સાથે જ તેમના પેરેન્સનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત એડિક્ટ થયેલી વ્યક્તિને પ્રેયર, યોગા, મેડીટેશન એક્સરસાઈઝ અને મનગમતી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. ડૉ. દિપ્તીબેન ભટ્ટે વધુમાં જણાવ્યું કે, હાલમાં અહીં દર મહિને નવા 20 થી 30 એડિક્ટ થયેલા લોકો સારવાર માટે ડિજિટલ ડીટોક્સ સેન્ટરમાં આવી રહ્યાં છે.

બાળક પોતાના ડિજિટલ વર્લ્ડને જ ખરેખર જીવન સમજી લે છેઃ ડૉ. ચિન્મય દેસાઈ

ડિજિટલ ડીટોક્સ સેન્ટરના સાઈકોલોજિસ્ટ ડૉ. ચિન્મય દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અહીં આવતા મોબાઈલના વ્યસનીઓનું વ્યસન દૂર કરવા માટે અમે તેમને સમજાવીએ ત્યારે તે લોકો અમારી વાત સ્વીકારતા નથી. તેમનું વ્યક્તિત્વ અને વિચારો મોબાઈલની અંદર સતત કાર્યરત હોવાના કારણે તેઓ ડિજિટલ વર્લ્ડને જ પોતાનું ખરું જીવન સમજી લે છે. જેના કારણે તેમની જીદ, વસ્તુઓ તોડફોડ કરવી, તેમના માતા-પિતાની વાત ન માનવી અને કાઉન્સેલિંગના સ્ટેપ ફોલો ન કરવા જેવી અનેક અડચણો ઉભી થાય છે.

પરંતુ સતત માર્ગદર્શન અને તેમની મનગમતી એક્ટીવિટીની સાથે સાથે અમે તેમને ઈન્ડોર ગેમ રમાડીને તેમની થોટ્સ પ્રોસેસને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે જ તેમના માતા-પિતાને બાળક સાથે આવા કિસ્સામાં કેવું બિહેવ કરવું, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે માર્ગદર્શન આપીએ છીએ.

મારો દીકરો સદનસીબે બચી ગયો, પણ તમે તમારા બાળકોને ક્યારેય ફોન ન આપતાઃ લાલાભાઈ

9 વર્ષની ઉંમરમાં બાળકને થયેલા મોબાઈલના વ્યસન અંગે લાલાભાઈ (નામ બદલ્યું છે)કહે છે કે, લોકડાઉન સમયે અમે દીકરાને દાદા-દાદી જોડે ગામડે મુકીને આવ્યા હતા. એ પછી દાદા-દાદી તેને મોબાઈલ આપી દેતા હતા. ધીમે ધીમે તેને મોબાઈલ જોવાની લત પડવા લાગી. એટલે તેને પાછો અમદાવાદ લઈ આવ્યા. એ સમયે ઓનલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો જેથી યુટ્યુબ જોવાની લત લાગી ગઈ. એ પછી અમે દીકરાને કઈ રીતે આ મોબાઈલની લત છોડાવી તે માટે તપાસ કરતા ડિજિટલ ડિટોક્સ સેન્ટરની જાણ થઈ. જ્યાં મારા દીકરાને થયેલા એડીક્શનની ચકાસણી કરીને તેને નિઃશુલ્ક સારવાર આપી. અહીં તેની હેબીટ પ્રમાણે ચાર્ટ તૈયાર કરી આપ્યો. જેને અમે ફોલો કર્યો. સાથે જ અમારું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. જેથી આજે મારા દીકરાની મોબાઈલની લત છુટી ગઈ છે.

લાલાભાઈએ દિવ્ય ભાસ્કરના માધ્યમ થકી અન્ય વાલીઓને કહેવા માંગુ છું કે, અમને પડેલી અનેક મુશ્કેલીઓ અને પીડા પછી સદ્દનસીબે મારો દીકરો બચી ગયો. પણ તમે તમારી વ્યસ્તતામાં બાળકને ક્યારેય મોબાઈલ ન આપશો. જો બાળકને ગેમ રમવાની ઈચ્છા થાય તો તેને ટીવીની વીડિયો ગેમ આપજો પણ બે હાથ જોડીને કહું છું કે મોબાઈલ તો ક્યારેય ન આપતાં.

(ગ્રાફિક્સઃ- હરિઓમ શર્મા)