કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જારી કર્યું હતું કે કોઈપણને તમારો આધાર નંબર આપશો નહીં. આના કારણે લોકો પેનિક થયા, એટલે કેન્દ્ર સરકારે 27 મે, 2022ના દિવસે આ નોટિફિકેશન પરત ખેંચી લીધું અને કહ્યું હતું કે આધાર નંબર કોઈપણ જગ્યાએ આપજો, પણ સચેત રહેજો. હવે શું કરી શકાય ? બધી જગ્યાએ આધાર માગવામાં આવે છે તો સચેત રહેવું કેવી રીતે ? આવા સવાલો દરેકને થાય, પણ અહીં એના બે ઉપાય આપવામાં આવ્યા છે. ગ્રાફિકમાં આપેલા ઉપાય વાંચો એ પહેલાં અહીં આપેલી થોડી વિગતો વાંચી લો તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
માસ્ક્ડ આધાર અને વર્ચ્યુઅલ આઈડી
માનો કે તમારે તમારા આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર નથી આપવો તો તમે આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા જ દેખાય એવું આધારકાર્ડ આપી શકશો, બાકીના આઠ આંકડામાં XXXX XXXX આવું આવી જાય. એટલે પૂરેપૂરો આધાર નંબર કોઇ પાસે જશે નહીં અને સિક્યોર રહેશે. આ પ્રકારના આધારકાર્ડને માસ્ક્ડ આધાર કહે છે. એવું માની લો કે આઠ આંકડાની પર માસ્ક પહેરાવી દીધું છે! આ સરકારી રીતે વેલિડ છે અને સરકારી વેબસાઈટમાંથી જ ડાઉનલોડ કરી શકાય છે.
બીજો પ્રકાર છે વર્ચ્યુઅલ આઈડી નંબર. તમારે 12 આંકડાનો આધાર નંબર કોઈને આપવો નથી અને માસ્ક્ડ આધારના ચાર આંકડા પણ કોઈને આપવા નથી તો તમે 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી નંબર બનાવી શકો છો અને એ નંબર આધારકાર્ડના બદલે કોઈને પણ આપી શકો છો. આમ કરવાથી તમારો આધાર નંબર કોઈ પાસે જશે નહીં ને સિક્રેટ રહેશે. 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી નંબર આધારકાર્ડના બદલે ચાલશે. વર્ચ્યુઅલ આઈડી નંબર કોઈ સ્વીકારે નહીં કે માન્ય નહીં ગણે એ નહીં ચાલે, કારણ કે કેન્દ્ર સરકારની આધારકાર્ડની વેબસાઈટમાંથી જ આ નંબર મળે છે. કોઈ આ નંબર માન્ય ન ગણે અને આધાર નંબરનો જ આગ્રહ રાખે તો તમે સરકારમાં ફરિયાદ પણ કરી શકો છો. હા, એક વાત ખાસ ખાસ નોંધી રાખો. એ છે કે તમારે કોઈ સરકારી સહાય યોજનાનો લાભ લેવો છે તો તમારે પૂરેપૂરો આધાર નંબર આપવો પડશે. સરકારી સહાયનો લાભ લેવા માટે માસ્ક્ડ આધાર કે વર્ચ્યુઅલ આઈડી નંબર નહીં ચાલે.
એક વાતનું ધ્યાન રાખવું પડશે
કેન્દ્ર સરકારે આધાર નંબર ન આપવો પડે એટલે માસ્ક્ડ આધારકાર્ડનું ઓપ્શન આપ્યું. એ ઉપરાંત વર્ચ્યુઅલ આઈડી નંબરનું ઓપ્શન પણ આપ્યું, પણ એક મુદ્દે લૂપફોલ છે. આધારકાર્ડ હોય કે માસ્ક્ડ આધાર હોય, એમાં ક્યૂ.આર. કોડ હોય છે અને આ ક્યૂ.આર.કોડ સ્કેન કરો તો તમારી બધી ડિટેઈલ આવી જાય, એટલે કોઈને માસ્ક્ડ આધારકાર્ડ આપો તો ક્યૂ.આર.કોડ તો તેની સાથે જાય જ છે, એટલે ક્યૂ.આર.કોડ પણ હિડન કરવાનો રસ્તો થાય એ જરૂરી છે. હવે ગ્રાફિકમાં સમજીએ સંપૂર્ણ રીત...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.