રાજકારણમાં ખેંચતાણ, પ્રહાર અને ભાષણોનો સ્તર જે હદે નીચે ગયો છે એને ફરી પાછા લાવવાનું કામ અઘરું જ નથી, પરંતુ અસંભવ પણ લાગે છે. મોટા હોદ્દા પર બેઠેલા રાજકારણીઓ આવાં નિવેદનો કરે છે, જાણે તેઓ ક્યારેય શાળાએ ગયા જ ન હોય. જોકે શાળામાં જવા સાથે રાજકારણને કોઈ લેવાદેવા નથી, પરંતુ પરિવાર, સમાજ અને ઘરોમાં તેઓ કશુંક શીખ્યા કે સમજ્યા નથી એમ કહેવું વધુ યોગ્ય રહેશે.
અત્યારે, તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના કેબિનટ મંત્રી અખિલ ગિરિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચહેરાને લઈ ટિપ્પણી કરી હતી. ખબર નથી કે તેમને આ અધિકાર કોણે આપ્યો, પરંતુ તેમણે એક સભામાં કહ્યું- અમે કોઈના ચહેરા પર નથી જોતા, પરંતુ અમારા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? હવે, ત્યાં થયો હંગામો. અને ભારે હોબાળો શરૂ થઈ ગયો.
ભાજપે આકરી પ્રતિક્રિયા આપી તો અખિલ ગિરિએ ફરી બફાટ માર્યો. તેઓ કહેવા લાગ્યા - મેં કોઈનું નામ નથી લીધું. સત્ય તો એ છે કે નામ ભલે લેવામાં ન આવ્યું હોય, પરંતુ રાષ્ટ્રપતિ તો કહ્યું જ હતું... અને દેશમાં માત્ર એક જ રાષ્ટ્રપતિ છે. એમાં નામ લેવું ક્યાં જરૂરી છે?
હવે વિવાદના મૂળમાં જઈએ તો મંત્રીના નિવેદનનો વિરોધ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી પોતે દૂધે ધોયેલી નથી. ખરેખર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી ત્યાંના વિપક્ષના નેતા છે અને તેમણે ફરી આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. શુભેન્દુએ પોતાના નિવેદનમાં મંત્રી અખિલ ગિરિને કદરૂપા કહ્યા હતા. છેવટે કોઈના દેખાવ પર આવી ટિપ્પણી કરવી કેવી રીતે અને કેટલી હદ સુધી યોગ્ય છે?
ઉપરાંત વિપક્ષના નેતા પોતે કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવે છે. તેમની ગંભીરતા ક્યાં ગઈ? રાજકારણ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, ક્રિયા થશે તો પ્રતિક્રિયા ચોક્કસપણે આવશે. કંઈ પણ થાય, રાષ્ટ્રપતિને બિનજરૂરી રીતે કોઈપણ વિવાદમાં ન ખેંચી શકાય. એ પણ મહિલા રાષ્ટ્રપતિ!, પરંતુ પરિસ્થિતિની વાત કરીએ તો ઉશ્કેરણી કરનારને પણ દોષિત ગણવામાં આવશે.
શુભેન્દુ અધિકારીને આ અધિકાર કોણે આપ્યો કે કોઈને ભરેલી સભામાં કદરૂપા કહી શકાય? કેન્દ્રમાં તમારી સરકાર છે એટલે તમે કંઈપણ કરી શકો અને કંઈપણ કહી શકો? રાજકારણનું આ સ્વરૂપ ખૂબ જ વિકૃત છે. એના સુધારા માટે તમામ રાજકીય પક્ષોએ પ્રયાસો કરવા જોઈએ.
ખાસ કરીને શાસક પક્ષે, કારણ કે સત્તા પક્ષના નેતાઓ વધુપડતા મોટાં નિવેદનો આપતા હોય છે. દેશે આ બધું જોયું પણ છે. સરકારમાં ગમે તે પક્ષ કેમ ન હોય. જોકે આ અંગે હજુ સુધી ભાજપના કોઈપણ રાષ્ટ્રીય નેતા કે તૃણમૂલનાં પ્રમુખ મમતા બેનર્જી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એવું લાગે છે કે મોટા નેતાઓનું આ મૌન રાજકીય હિંસાને ઉશ્કેરે છે અને સાચાને સાચા અને ખોટાને ખોટું કહેવાની ભાવનાને નિરાશ કરે છે.
ભારતીય રાજકારણમાં આ બેવડી નીતિ બંધ થવી જોઈએ. એને તાત્કાલિક રોકવી જોઈએ. મોતી જેવા શબ્દો બોલનાર અટલજીને આપણા નેતાઓ આટલી જલદી ભૂલી જશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.