જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ, એટલે કે નીતિન જાની હવે બધાને હસાવવાની સાથે સાથે 34 વર્ષના આ યૂટ્યૂબર વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરી તેમણે આ કાર્યનો પ્રારંભ કરી દીધો છે. તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર ગૌશાળા અને વૃદ્ધાશ્રમ નિર્માણ પામશે. નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો રહી શકશે. અહીં વૃદ્ધો માટે મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ઘ કરાવાશે. તો ગૌશાળામાં 100 જેટલી ગાયો રાખવામાં આવશે.
નીતિન જાની કોરોના પહેલાં માત્ર યુટ્યૂૂબર તરીકે જ ઓળખાતા હતા. જોકે લોકડાઉનમાં દાબેલીવાળા, ગોલાવાળા જેવા નાના વેપારીઓને બેરોજગાર જોઈને નીતિનને સેવા કરવાની પ્રેરણા મળી હતી. તેમણે આ નાના વર્ગના લોકોની સેવા શરૂ કરી અને પછી એ સરવાણી પહોંચી સૌરાષ્ટ્ર સુધી. કોરોનાકાળમાં જ તાઉ-તે વાવાઝોડું આવ્યું એ સૌરાષ્ટ્રવાસીઓ માટે પડ્યા પર પાટુ સમાન હતું. જોકે ભાણવડના વતની એવા નીતિન જાની વતન માટે કશુંક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ટીમ સાથે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પહોંચી જાય છે. વૃદ્ધોની સેવા શરૂ કરી અને જોતજોતાંમાં 161 જેટલાં ઘર બનાવીને સમાજસેવક તરીકે ઊભરી આવ્યા ત્યારે દિવ્યભાસ્કરે જ આ સેવાકાર્યને બિરદાવતા નીતિન જાનીને ‘ગુજરાતનો સોનુ સુદ’ કહ્યા હતા.
હવે નીતિનને માનવસેવામાં સંતોષ મળવા લાગ્યો હતો, આથી છેલ્લે હરિદ્વાર ગયા ત્યારે પણ સાઈકલવાળાઓને આર્થિક મદદ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા સ્ટારમાંથી સોશિયલ વર્કર બનેલા નીતિન જાની અન્ય યુવાનોને સેવાકાર્યની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.