નવ નવ રાત્રિમાં ગરબે ઘુમ્યા પછી દશેરાના દિવસે સમગ્ર ગુજરાત ફાફડા-જલેબીમય બની જાય છે. કોઈક પોતાના પરિવાર સાથે તો કોઈક પોતાના મિત્રો સાથે ફાફડા-જલેબી ખાઈને આ દિવસની ઉજવણી કરેે છે. ત્યારે આજે ફાફડા-જલેબીને લઈને લોકોનો કેવા ઉત્સાહ છે ને બજારનો માહોલ કેવો છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર એસ.જી હાઈવે પર આવેલા ઓસવાલ ફાફડા-જલેબી હાઉસમાં પહોંચ્યું હતું. જ્યાં બહારથી જ રીતસરની લાઈનો લાગી હતી. જેના કારણે બહારથી જ ભીડ જોવા મળી હતી. જોકે, દુકાનદારના જણાવ્યા મુજબ તો અહીં મોડી રાતથી જ લાંબી લાઈનો લાગી હતી.
ફાફડા-જલેબીનો અસલ ટેસ્ટ તો ઓસવાલનો જ
અહીં આવતા ફાફડા-જલેબીના સ્વાદના શોખીનો સાથે વાત કરતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દશેરા હોય એટલે અમે માત્ર ને માત્ર ફાફડા- જલેબી જ ખાઈએ છીએ. આજે તો એ સિવાય બીજું કંઈ ખવાય જ નહીં. તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે હું અહીં બે કલાકથી લાઈનમાં ઊભો છું. ભલે હજુ વધારે એક કલાક ઊભું રહેવું પડે પણ ફાફડા-જલેબીની મજા તો ઓસવાલના ટેસ્ટમાં જ છે. તો અહીંનાં ફાફડા-જલેબીનો ચસકો નાનાં બાળકોમાં પણ જોવા મળ્યો હતો.
ફાફડા 960 રૂપિયા, જલેબી 1080 છતાં લોકો અહીં તૂટી પડ્યા
આમ તો ગુજરાતમાં અનેક જગ્યાએ ફાફડા- જલેબી મળે છે. પરંતુ ગુજરાતના સૌથી મોંઘાં ફાફડા-જલેબી ઓસવાલમાં મળે છે. અહીં ફાફડા 960 રૂપિયે કિલો મળે છે જ્યારે જલેબી 1080 રૂપિયે મળે છે. છતાં તેના ટેસ્ટના કારણે લોકો અહીં લાંબી લાઈનોમાં ઊભા રહીને થાકતા નથી ને પોતાનો નંબર આવવાની રાહ જુએ છે. કેટલાક ગ્રાહકો મોડી રાતથી તો કેટલાક વહેલી સવારે જ લાઈનમાં ઊભા રહી જાય છે. ઓસવાલનાં ફાફડા-જલેબીનો ટેસ્ટ અમદાવાદીઓને એટલો પસંદ હોય છે કે પેરેન્ટ્સ તેમનાં સંતાનોને લઈને ખરીદી કરવા ઊમટે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.