તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Didi Proved Newton's Third Law In The Bengal Elections, Now The 'Bengal Model' Will Be Decisive In Politics?

વિશ્લેષણ:બંગાળની ચૂંટણીમાં દીદીએ ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત કરી દીધો, હવે 'બંગાળ મોડેલ' રાજનીતિમાં નિર્ણાયક બનશે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીના તમામ બ્રહ્માસ્ત્ર, 'દીદી ઓ દીદી' પ્રકારે વિરોધીઓને મજાકનું સાધન બનાવવાની આવડત વ. કશું કામ ન લાગ્યું
  • પવાર, ચંદ્રાબાબુ હાલ અપ્રસ્તુત છે, કેજરીવાલનું હજુ ગજુ નથી એ સંજોગોમાં મોદીનો રથ રોકવા મમતાને તક મળી શકે

રાજનીતિ ક્યારેક કળા પણ હોય છે અને ક્યારેક વિજ્ઞાન પણ બની જાય છે. બંગાળની ચૂંટણીના પરિણામોએ પદાર્થવિજ્ઞાનના ન્યૂટનના ત્રીજા નિયમને સાચો સાબિત કર્યો છે. ન્યૂટનનો ત્રીજો નિયમ એવો છે કે આઘાતબળ અને પ્રત્યાઘાત બળ એકસરખા અને પરસ્પરથી વિરુદ્ધ દિશામાં હોય છે. દિવાલ પર જેટલાં જોરથી દડો ફેંકો, એટલાં જ જોરથી એ દિવાલની સામેની દિશાએ ફેંકાય છે.

બંગાળની ચૂંટણી જીતવા ભાજપે કાયમી આદત અને કાયમી આવડત મુજબ મતદારોનું ધ્રુવીકરણ કરવાના ભરચક પ્રયાસો કર્યા. સરવાળે એવું થયું કે ભાજપવિરોધી મતનું મમતા દીદીની તરફેણમાં મજબૂત ધ્રુવીકરણ થયું અને 200 બેઠકના સપના જોનાર ભાજપ બે આંકડામાં ઊભું રહી ગયું. ભાજપની તમામ તાકાત છતાં તૃણમૂલ કોંગ્રેસને મળેલી સફળતા આવનારા દિવસોમાં ભારતીય રાજનીતિમાં નિર્ણાયક બની શકે છે.

આક્રમકતા અને જીદ બંને મામલે મમતા બેનર્જી ભાજપ સામે ઝીંક ઝિલવામાં સફળ રહ્યાં છે
આક્રમકતા અને જીદ બંને મામલે મમતા બેનર્જી ભાજપ સામે ઝીંક ઝિલવામાં સફળ રહ્યાં છે

ભાજપ વિ. મમતા
બંગાળની ચૂંટણીમાં ભાજપે વડાપ્રધાન મોદીની અંગત લોકપ્રિયતા ઉપરાંત સંગઠનની તમામ તાકાત કામે લગાડી દીધી હતી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સળંગ ત્રણ મહિનાથી બંગાળ ખૂંદી રહ્યા હતા. કૈલાશ વિજયવર્ગિયને તો કાયમી ટ્રાન્સફર આપી હોય તેમ તેમણે બંગાળમાં જ નિવાસસ્થાન બનાવી લીધું હતું. દેશભરના વિવિધ પ્રાંતોના સંગઠન મંત્રીઓના નેતૃત્વ હેઠળ સમગ્ર પ્રાંતમાં ચૂંટણી તંત્ર મહિનાઓથી ગોઠવાઈ રહ્યું હતું. એ પછી પણ ભાજપે દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું અને બે આંકડામાં સમેટાઈ ગયું તેને મમતા બેનર્જીની ઠંડી તાકાતનો પૂરાવો ગણવામાં આવે છે.

આગામી દિવસોમાં મમતા બેનર્જીને રાષ્ટ્રીય રાજનીતિમાં વિપક્ષી એકતાના સંયોજક તરીકે વધુ એક તક મળે તો પણ નવાઈ નહિ. મમતાના વિજય પછી તેમને અભિનંદન આપનારાઓમાં અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે વ. મુખ્ય હતા. એ જ દર્શાવે છે કે આવનારા સમયમાં ભાજપ વિરુદ્ધ ઓલ માઈનસ કોંગ્રેસ એવી ધરી બની શકે છે.

વિપક્ષો એકજૂટ થશે તો જ ભાજપનો સામનો થઈ શકશે એવું દૃઢપણે માનતાં મમતા બેનર્જી અગાઉ પણ બિનભાજપી પક્ષોને એક મંચ પર લાવવા પ્રયાસ કરી ચૂક્યાં છે.
વિપક્ષો એકજૂટ થશે તો જ ભાજપનો સામનો થઈ શકશે એવું દૃઢપણે માનતાં મમતા બેનર્જી અગાઉ પણ બિનભાજપી પક્ષોને એક મંચ પર લાવવા પ્રયાસ કરી ચૂક્યાં છે.

મમતાના અગાઉના બે પ્રયાસ
અગાઉ મમતા બેનર્જીએ બે વખત ભાજપ વિરોધી તમામ પક્ષોને એકજૂટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રથમ પ્રયત્ન, 2014ઃ મમતાએ વિપક્ષી નેતાઓને પત્ર લખીને ભાજપ સામે એક મંચ પર આવવા અપીલ કરી હતી. એ વખતે શરદ પવાર, મુલાયમસિંહ યાદવ અને ખાસ તો સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીની ક્ષમતાને ઓછી આંકીને મમતાની હાકલનો જવાબ આપ્યો ન હતો. પરિણામ નજર સામે આવ્યું અને એ ચૂંટણીમાં ભાજપે સાડા ત્રણ દાયકા પછી સંસદમાં સ્પષ્ટ બહુમતીનો ઈતિહાસ સર્જી દીધો.

બીજો પ્રયત્ન, 2019ઃ એ વખતે તેમણે પત્ર લખવાને બદલે દરેક નેતા સાથે ટેલિફોનથી વ્યક્તિગત સંપર્ક કરીને અધિવેશનનું આયોજન કર્યું હતું. એ વખતે કુલ 22 પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ અને તેજસ્વી યાદવ મમતાના નેતૃત્વ હેઠળ વિપક્ષી ગઠબંધન રચવાના કાયમી હિમાયતી રહ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે પણ તેમાં જોડાયા છે.

ત્રીજો પ્રયત્ન, 2021ઃ હાલમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર બુલંદી પર હતો ત્યારે ફરી વખત મમતાએ દરેક વિપક્ષી નેતાઓ ઉપરાંત પાંચ રાજ્યોના બીનભાજપી મુખ્યમંત્રીઓને પત્ર લખીને પોતાના રાજ્યમાં ભાજપ દ્વારા ચૂંટણી પંચ સહિતની સંવૈધાનિક સંસ્થાઓના દુરુપયોગ અંગે રાવ કરી હતી. એ પત્રના જવાબમાં કોંગ્રેસ સિવાય ચંદ્રાબાબુ નાયડુ, કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવે તરત મમતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો હતો.

બંગાળ પૂરતી જ લોકપ્રિયતા અને મુસ્લિમ તુષ્ટિકરણના આરોપના કારણે રાષ્ટ્રીય સ્વિકૃતિ ઊભી કરવી મમતા માટે પણ આસાન નહિ હોય
બંગાળ પૂરતી જ લોકપ્રિયતા અને મુસ્લિમ તુષ્ટિકરણના આરોપના કારણે રાષ્ટ્રીય સ્વિકૃતિ ઊભી કરવી મમતા માટે પણ આસાન નહિ હોય

વિપક્ષ પાસે મોદીના વિકલ્પનો અભાવ
બંગાળમાં સામ્યવાદી પક્ષના જ્યોતિ બસુનું શાસન 23 વર્ષ સુધી અડીખમ રહ્યું હતું. મમતા બેનર્જી હવે સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા પર આવી રહ્યા છે. અન્ય વિપક્ષી નેતાઓ હાલ હાંસિયામાં ધકેલાઈ ચૂક્યા છે તો કેટલાંકની ઉંમર થઈ ચૂકી છે.

ચંદ્રાબાબુ નાયડુ એક સમયે રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર હતા પરંતુ હાલ તેમનો કોઈ કરિશ્મા ખુદના રાજ્યમાં પણ રહ્યો નથી.

શરદ પવાર આજે પણ રણનીતિ ઘડવામાં માસ્ટરમાઈન્ડ ગણાય છે પરંતુ ઉંમર અને સ્વાસ્થ્યના પ્રશ્નોના લીધે રાષ્ટ્રીય નેતૃત્વ કરવા સક્ષમ નથી.

અરવિંદ કેજરીવાલ ક્ષમતા, રણનીતિ અને ઉંમર એ દરેક મોરચે સજ્જ છે પરંતુ તેમને હજુ મોદી સામે મેદાને પડવાની વાર છે. એ સંજોગોમાં હાલ મમતા બેનર્જી તેમના ફાઈટર મિજાજ અને ખાસ તો હાલની ચૂંટણીની સફળતાના કારણે ફરી એક વાર મોદી સામે મેદાને પડવાનું બીડું ઝડપે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...