તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉકટર છીએ તો આજે આપણે છીએ:18 દિવસથી મોત સામે ઝઝૂમતા નવજાત શિશુને નવજીવન મળ્યું, આણંદના ડૉક્ટર ભગવાન બન્યા

3 મહિનો પહેલાલેખક: તેજસ શાહ

નડિયાદની ખાનગી હોસ્પિટલમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂ બોર્ન પીડિત બાળકને આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં મોટી તકલીફ હતી તેમજ તેના લિવર, હૃદય અને કિડનીના રિપોર્ટ ચિંતાજનક ગંભીર હતા. આ ગંભીર અને દયાજનક પરિસ્થિતિમાં હોસ્પિટલની સારવાર, સંભાળ, ડોકટર્સનું અનુભવ જ્ઞાન અને પરિવારની પ્રાર્થના ફળી અને બાળક 18 દિવસે માતાના ખોળામાં પહોંચ્યું છે.

દીકરાને ડોકટર્સના ભરોસે નડિયાદથી ટ્રાન્સફર લઈ આણંદ લાવ્યા
નડિયાદના મધ્યમવર્ગીય પરિવારની પુત્રવધૂ નિર્મિતા અખાજા લગ્ન બાદ બે દીકરી હતી. લગ્નના આઠ વર્ષ બાદ તે ત્રીજી વખત ગર્ભવતી બની હતી. નિર્મિતાને પ્રસવ પીડા થતાં તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ દરમિયાન તેણે પુત્રને જન્મ આપતાં પરિવારમાં વારસદાર આવ્યાની ખુશીઓ હતી. જોકે આ ખુશીઓ ક્ષણભંગુર સાબિત થઈ. ખુશીઓનો શ્વાસ રૂંધાયો હતો. પરિવારજનો પર ચિંતા અને ભયનાં વાદળો ઘેરાતાં પ્રાર્થના શરૂ થઈ અને દીકરાને ડોકટર્સના ભરોષે નડિયાદથી ટ્રાન્સફર લઈ આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડોકટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરાની સ્થિતિ અતિગંભીર છે
આ વિકટ પરિસ્થિતિને યાદ કરતાં નિર્મિતાની નણંદ હિના ચૂડાસમાના શબ્દો તૂટતા હતા અને હાથે રૂંવાડાં ઊભાં થઇ ગયાં હતાં. તેણે જણાવ્યું હતું કે 20 એપ્રિલ 2021 ના રોજ જે દરમ્યાન ડોકટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરાની સ્થિતિ અતિગંભીર છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વેન્ટિલેટર સહિતની આધુનિક સારવાર ત્વરિત મળી રહે એ માટે સમયનો વિલંબ કર્યા વગર પહોંચવાનું જણાવતાં અમે સૌ ભાંગી પડ્યા હતા. બાળકને પરમાત્મા કે કોઈ ચમત્કાર બચાવી શકે એવી પરિસ્થિતિ હતી. અમે આણંદ આકાંક્ષા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

માતાના કોવિડ રિપોર્ટ કરાવ્યા તો એ પણ નેગેટિવ
આ આકાંક્ષા હોસ્પિટલમાં નવજાત બાળકની સારવારનાં નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે જણાવ્યું હતું કે નવજાત શિશુને અહીં દાખલ કરાયું ત્યારે તે મોત સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારજનક સ્થિતિમાં નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનું પંપિંગ પણ ઓછું અને જે કારણે બ્લડપ્રેશર ઓછું જણાતાં તેને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરી હતી. વધુ તપાસ અને મેડિકલ રિપોર્ટમાં એસિડની માત્રા વધારે હતી અને લિવર તેમજ કિડની રિપોર્ટ પણ અતિગંભીર જણાયા હતા. આ પરિસ્થિતિમાં બાળકને કોરોનાની શક્યતા જણાતી હતી. જોકે પ્રસૂતિ સમયે માતાના કોવિડ રિપોર્ટ નેગેટિવ હતા. અમે અહીં ફરી વખત માતાના કોવિડ રિપોર્ટ કરાવ્યા તો એ પણ નેગેટિવ આવ્યો હતો. શિશુના કોવિડ રિપોર્ટ પણ નેગેટિવ આવતાં રોગનું કારણ પકડવામાં અસમંજસતા પ્રવર્તી હતી.

બાળકના ગર્ભકાળ દરમિયાન માતાને કોરોના સંક્રમણ થયું
ડો.બિરાજ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં બ્લડના તમામ રિપોર્ટ કરાવ્યા, જેમાં ચોંકાવનારી સ્થિતિ જણાઈ આવી હતી.20 એપ્રિલ 2021 ના રોજ જન્મેલ નવજાત શિશુનું ડિડાઈમર 21000થી વધુ હતું, પ્રોબીએનપી 9000થી વધુ હતું. આ પરિસ્થિતિમાં શિશુના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા એ પોઝિટિવ આવ્યા હતા. જે દ્વારા તારણ કાઢ્યું કે બાળકના ગર્ભકાળ દરમિયાન માતાને કોરોના સંક્રમણ થયું હોય અને જે એન્ટિબોડી ગર્ભમાં રહેલા બાળકને પહોંચ્યા અને તેની કિડની, હૃદય અને લિવરની તંદુરસ્તીને ભારે નુકસાનકારક રહ્યા છે. આ રોગને મેડિકલ ભાષામાં "મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂબોર્ન "કહેવામાં આવે છે.

મને ક્યારે કોરોના થયો અને ક્યારે મટ્યો એની મને ખબર નથી
આ અંગે નવજાત શિશુની માતા નિર્મિતા અખાજાએ જણાવ્યું હતું કે મારા માટે આ ડોકટર જ ભગવાન છે. હું મારા બાળકને જોવા માટે તરસતી હતી. પરિવારજનોએ આ કપરી પરિસ્થિતિ તેના ચહેરે લાવા દીધી નહોતી. ડોક્ટરે 18 દિવસ બાદ મારા પુત્રને હસતો-ખેલતો મારા ખોળે મૂક્યો. એ દિવસ દુનિયાનો શ્રેષ્ઠ દિવસ હતો. મને સઘળી જાણકારી આપી હતી. જોકે મને ક્યારે કોરોના થયો અને ક્યારે મટ્યો મને ખબર નથી. આ દીકરાનું નામ અમે હેતાર્થ પાડ્યું છે. જોકે પરિવારજનો તેને લાડકા નામ હરિથી સંબોધે છે.

8 દિવસે બાળકને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવ્યું
આકાંક્ષા હોસ્પિટલનાં બાળરોગ નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે આ રોગ પકડી પોતાના અભ્યાસ અને અનુભવ-જ્ઞાન મુજબ નવજાત શિશુને વધુ નુકસાન ન થાય એ તકેદારી રાખી પરિવારજનોને પ્રત્યેક પરિસ્થિતિ અવગત કરી જોખમપૂર્વક સારવાર હાથ ધરી હતી. વેન્ટિલેટર પર જરૂરી ઈન્જેકશન અને દવાઓથી ચમત્કારિક પરિણામ મળ્યું અને 8 દિવસે બાળકને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવ્યું હતું. એ બાદ ઓક્સિજન સપોર્ટ પર સારવાર બાદ 18મા દિવસે બાળકને તેની માતાના ખોળામાં રમતું મૂક્યું હતુ. સારવારના અંતે તેઓ જણાવે છે કે આ દિવસો જેટલા પરિવારજનો માટે પીડાદાયક અને માનસિક તાણ ઊભી કરનારા હતા તેટલા જ અમારા માટે પણ ખૂબ જ પડકારજનક હતા. જોકે આ મહેનત અને પ્રાર્થના ફળી છે.

ગર્ભવતી સ્ત્રીઓને વેક્સિનેટ નથી કરાતી એનું મૂળ કારણ જ આ છે
ડો.બિરાજ ઠક્કરે જણાવ્યું હતું કે હાલ ગર્ભવતી સ્ત્રીઓને વેક્સિનેટ નથી કરાતી, એનું મૂળ કારણ જ આ છે. જો તેનામાં એન્ટિબોડી ડેવલપ થાય તો તે ગર્ભસ્થ શિશુને જીવલેણ નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ આરોગ્યમાં કોઈપણ અસામાન્ય ચિહન કે ફેરફાર જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી તેની તપાસ કરવી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...