• Gujarati News
  • Dvb original
  • The Shop In The Basement Was Raided By The Police, The Eyes Widened After Reading The Poster Inside, The Daily Crowd To Place Bets In The Narrow Place.

ભાસ્કર એક્સક્લૂસિવ15 મિનિટનો ખેલ, ને 10 ગણા નફાનો નશો:ભોંયરામાં બનેલી દુકાનમાં પોલીસે પાડી રેડ, અંદરનું પોસ્ટર વાંચીને આંખો થઈ ગઈ પહોળી, સાંકડી જગ્યામાં દાવ લગાવવા રોજ લાગતી ભીડ

17 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક

'જુગાર રમતા કેટલાક ઈસમોની પોલીસે ધરપકડ કરી'.

આવા સમાચાર ખરેખર તો નવાઈ પમાડે એવા નથી હોતા. અત્યાર સુધીમાં વરલી મટકા, તીન પત્તી, ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાનું તમે સાંભળ્યું હશે. પરંતુ જેમ-જેમ દુનિયા ડિજિટલાઈજેશન તરફ આગળ વધી રહી છે, તેમ-તેમ જુગારીઓ પણ હાઈટેક થતા જઈ રહ્યા છે. હાલમાં, અમદાવાદ શહેરમાં એક એવા જ જુગારધામનો પર્દાફાશ થયો, જેની જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી.

રાતના સાડા આઠ વાગ્યાની આસપાસનો સમય હતો. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડના જવાનો એકઠા થયા. પોલીસ જવાનોને મળેલી સૂચના પ્રમાણે એક ચોક્કસ જગ્યાએ રેડ પાડવાની હતી. જે સ્થળે રેડ પાડવાની હતી, ત્યાં કેટલો ખતરો હોઈ શકે?, કેટલા જવાનોની જરૂર પડે? કેવા પ્રકારનાં હથિયાર કામ લાગશે? આ બધી જ સંભાવનાઓ પર બારીકાઇથી હોમવર્ક કરીને પોલીસ જવાનોનો કાફલો નીકળી પડ્યો.

જે સોફ્ટવેર દ્વારા જુગાર રમવામાં આવતો હતો, તેની તસવીર. જેમાં વિવિધ યંત્ર, ટાઈમિંગ, રિચાર્જનું બેલેન્સ વગેરે વિગતો જોવા મળે છે.
જે સોફ્ટવેર દ્વારા જુગાર રમવામાં આવતો હતો, તેની તસવીર. જેમાં વિવિધ યંત્ર, ટાઈમિંગ, રિચાર્જનું બેલેન્સ વગેરે વિગતો જોવા મળે છે.

દુકાનની અંદરનાં દૃશ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી
ગણતરીની મિનિટોમાં જ પોલીસની ગાડીઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જૈનવાડી સામે આવેલા ખાડિયા શોપિંગ સેન્ટર સામે આવીને ઊભી રહી. અગાઉ નક્કી કરેલી રણનીતિ મુજબ જવાનોએ શોપિંગ સેન્ટરના ભોંયરામાં આવેલી એક દુકાનને ઘેરી લીધી. હાશકારો થયો કે ખાનગી બાતમી સાચી પડી. આ દુકાનમાં 16 લોકો હતા, પોલીસ જવાનોએ જ્યારે દુકાનની અંદરનાં દૃશ્યો જોયાં તો આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે આ તો એક હાઈટેક જુગારધામ હતું. જ્યાં કોમ્પ્યુટર, એક મોટી એલસીડી સ્ક્રિન, પ્રિન્ટર, સ્કેનર, કેમેરા વગેરે અત્યાધુનિક સાધનો હતાં. આ ઉપરાંત દુકાનમાં શ્રીયંત્ર, હનુમાન યંત્ર, વશીકરણ યંત્ર એમ અલગ-અલગ ધાર્મિક યંત્રના ફોટા હતા. કોમ્પ્યુટર સ્ક્રીન પર પણ આવા જ ફોટા હતા, જેના આધારે જુગાર રમવામાં આવતો હતો. નિમેષ ચૌહાણ નામના શખ્સે દુકાન ભાડે રાખીને કેટલાક સમય પહેલાં જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. સૌથી ચોંકાવનારાં તો બે પોસ્ટર હતાં, જ્યાં હાઈકોર્ટના એક ચુકાદાના નામે કંઈક એવું લખ્યું હતું.

‘આથી લાગતા, વળગતા તમામ લોકોએ નોંધ લેવી કે ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન 767/2020થી હુકમ મેળવેલ છે કે યંત્રનું વેચાણ કરે છે તે કાયદેસર છે. તેમાં જુગારધારાની કોઈપણ ખોટી રીતે હેરાન-પરેશાન કરવા નહીં, તે મુજબનો હુકમ મેળવેલ છે.

-લિ. ગુજરાત હાઈકોર્ટ’

ખાડિયાની દુકાનમાં જ્યાં જુગાર રમાતો હતો ત્યાં આવાં પોસ્ટર જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
ખાડિયાની દુકાનમાં જ્યાં જુગાર રમાતો હતો ત્યાં આવાં પોસ્ટર જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

આ સિવાય બીજા એક પોસ્ટર પર લખ્યું હતું...

‘એક યંત્રની કિંમત 11 રૂપિયા. વિજેતાને સિલ્વર કોઈનનો સ્ટોક ન હોય તો 100 રૂપિયા રોકડા આપવામાં આવશે.’

કાયદાકીય રીતે છટકબારી શોધવા માટે દુકાનમાં આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.
કાયદાકીય રીતે છટકબારી શોધવા માટે દુકાનમાં આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.

આ અગાઉ માળિયા હાટીનાના કુકસવાડા ગામે પણ પોલીસે આ પ્રકારનું જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં એક સોફ્ટવેરના માધ્યમથી જ જુગાર રમાડવામાં આવતો હતો. માળિયા હાટીના અને અમદાવાદના ખાડિયામાં ઝડપાયેલા જુગારધામમાં એક સરખી પદ્ધતિથી જ જુગાર રમાડવામાં આવતો હતો.

  • અહીં બે પ્રશ્નો ઊભા થાય

1- કોમ્પ્યુટર મારફતે ધાર્મિક યંત્રના નામે જુગાર કેવી રીતે રમાય છે?

2- જુગારધામ પર ગુજરાત હાઈકોર્ટના એવા તે કયા ચુકાદાનો ઉલ્લેખ છે, જેને આધાર બનાવીને આવી પ્રવૃત્તિ ચાલી રહી છે અને જો ખરેખરમાં કોર્ટે આવો ચુકાદો આપ્યો હોય, તો પોલીસે દરોડા કેમ પાડ્યા?

સૌથી પહેલાં વાત જુગારની હાઈટેક રીત અંગે
નાનો એવો રૂમ કે દુકાન રાખીને ત્યાં કોમ્પ્યુટર સેટઅપ ગોઠવવામાં આવે છે. આ કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર ઈન્સ્ટોલ હોય છે. એક ઓપરેટર તેને ઓપટેર કરે છે. સોફ્ટવેરમાં શ્રી યંત્ર, હનુમાન યંત્ર, વશીકરણ યંત્ર એમ અલગ-અલગ 10 યંત્ર હોય છે. આ યંત્ર જેવા જ ચાંદીના સિક્કા પણ કોમ્પ્યુટર પાસે રાખવામાં આવતા હોય છે. આ ઉપરાંત અલગથી એક બિલ બનાવતું મશીન હોય છે, જેમાંથી કોઈ કેફે કે રેસ્ટોરામાં હોય એવા નાનકડા બિલ જેવી પહોંચ પણ બહાર આવે છે. સાથે જ એક સ્કેનર હોય છે, જેનાથી પહોંચને સ્કેન કરવામાં આવે છે.

ધાર્મિક યંત્રના નામે હાઈટેક જુગાર કેવી રીતે રમાય છે?
કોમ્પ્યુટર પર જોવા મળતાં તમામ યંત્રને એકથી દસ સુધીના નંબર આપવામાં આવે છે. જુગાર રમતા લોકો પોતાની ઈચ્છા મુજબ કોઈ નંબર નક્કી કરીને તેના પર દાવ લગાવે છે. જેમ કે, 1 નંબર પર 10 રૂપિયા, 5 નંબર પર 20 રૂપિયા વગેરે.

જુગારની પહોંચ પર GSTના ઉલ્લેખનો શું અર્થ?
આ પ્રકારે પૈસા લગાવનાર વ્યક્તિએ 10 રૂપિયા લગાવ્યા હોય તો 11 રૂપિયા આપવા પડે, 20 રૂપિયા લગાવ્યા હોય તો 22 રૂપિયા, એટલે કે જેટલા પણ રૂપિયાનો દાવ લગાવે તેનાથી 10 ટકા વધુ રૂપિયા ચૂકવવા પડે છે. આ 10 ટકાની રકમ એટલે જુગાર રમાડતી વ્યક્તિનું કમિશન. જુગારીઓ 11ના ગુણાંકમાં જ રૂપિયા લગાવી શકતા હતા. આટલી પ્રક્રિયા થયા બાદ જે નંબર પર જેટલા પૈસા લગાવે તેની પહોંચ પણ તાત્કાલિક મશીનમાંથી કાઢીને આપવામાં આવે છે. આ જુગારમાં આશ્ચર્યજનક વાત એ પણ છે કે જુગારીને મળતી પહોંચમાં GSTનો પણ ઉલ્લેખ હોય છે.

યંત્ર પર રૂપિયા લગાવ્યા બાદ જે તે વ્યક્તિને આ પ્રકારે પહોંચ મળતી હતી. જેને સ્કેન કરવામાં આવતી.
યંત્ર પર રૂપિયા લગાવ્યા બાદ જે તે વ્યક્તિને આ પ્રકારે પહોંચ મળતી હતી. જેને સ્કેન કરવામાં આવતી.

રૂપિયા લગાવ્યા બાદ હાર-જીત કેવી રીતે નક્કી થાય?
જુગારીએ રૂપિયા લગાવ્યા બાદ પહોંચ થોડી મિનિટો માટે સાચવી રાખવી પડે છે. આમ, આ પ્રકારનો જુગાર માત્ર કેટલીક મિનિટો જ ખેલ હોય છે. લોકો પાસેથી રૂપિયા લીધા બાદ કોમ્પ્યુટર ઓપરેટરના કમાન્ડથી કસીનોની જેમ જ સ્ક્રીન પર નંબર ફરવા લાગે છે. થોડા સમયમાં આ પ્રોસેસ પૂરી થતાં જ નંબર સામે આવે છે. એટલે જે વ્યક્તિએ આ નંબર પર રૂપિયા લગાવ્યા હોય તેને ચાંદીના યંત્રનો સિક્કો આપવો પડે. પરંતુ આવા જુગારધામમાં ચાંદીના સિક્કા માત્ર દેખાવ પૂરતા જ હોય છે. જે વ્યક્તિનો નંબર લાગે તેની પાસે રહેલી પહોંચને સ્કેનરમાં સ્કેન કરીને 10 ગણી રકમ રોકડ રૂપે પરત મળે છે, જ્યારે બાકીના લોકોને રૂપિયા ગુમાવવાનો વારો આવે છે.

ઘણી કંપનીઓએ જુગાર માટે કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવ્યાં છે
જુગાર રમવાની આવી હાઈટેક પદ્ધતિમાં ઘણી કંપનીઓ અન-ઓફિશિયલી ઝંપલાવી ચૂકી છે. અત્યાર સુધી નોંધાયેલા ગુનામાં અલગ-અલગ કંપનીઓની સંડોવણી સામે આવી ચૂકી છે. જેમાં 4 મિનિટ, 14 મિનિટ અને 30 મિનિટના સમયગાળામાં ડ્રોના નામે જુગાર રમાતો હોય છે. એક વખત પૈસા લગાવ્યા બાદ પરત આપવામાં આવતા નથી કે નંબર પણ બદલવામાં આવતો નથી. જ્યારે ડ્રો શરૂ થાય તરત ન પૈસા લગાવવાના શરૂ થાય અને ડ્રો પૂરો થાય તેની 10 સેકેન્ડ સુધી પૈસા લગાવી શકાય છે. મોટા ભાગે રમવાવાળી વ્યક્તિને એક કે બે ડ્રો લાગવાનો ચાન્સ હોય છે, એટલે જ લોકોને રમવાની લાલચ જાગે છે.

ઘણી કંપનીઓએ આવા સોફ્ટવેર બનાવીને માર્કેટમાં ગેરકાયદે રીતે મૂક્યાં હોવાનો ભાંડો ફૂટ્યો છે.
ઘણી કંપનીઓએ આવા સોફ્ટવેર બનાવીને માર્કેટમાં ગેરકાયદે રીતે મૂક્યાં હોવાનો ભાંડો ફૂટ્યો છે.

‘જુગારીઓના સરદાર’ને આવું હાઈટેક સોફ્ટવેર ક્યાંથી મળ્યું?
વાત જરા અજુગતી છે, પરંતુ આવા સોફ્ટવેર માર્કેટમાં આસાનીથી એક માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે મળી જતા હોય છે. અમદાવાદના ખાડિયામાં જુગારધામ પર પડેલા દરોડા બાદ ખુલાસો થયો કે કેટલીક કંપનીઓ આખા કોમ્પ્યુટર સેટઅપ સાથે જ આવા સોફ્ટવેર વેચતી હોય છે. જેના માટે જાણે કે કોઈ ફ્રેન્ચાઈઝી અપાતી હોય તેમ 35 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. આ સોફ્ટવેરને ખોલવા માટે સાડા સાત હજાર રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે. જેના બદલે સોફ્ટવેરમાં 10 હજાર રૂપિયા જમા થાય છે, એટલે કે અઢી હજાર રૂપિયા જુગાર રમાડતા વ્યક્તિને કમિશન તરીકે મળે છે.

માત્ર ગણતરીની મિનિટોમાં જ દસ ગણા રૂપિયા મળી જતા હોવાના આવા ડ્રો કાયદેસર છે કે નહીં તેની લોકોને શંકા પણ જઈ શકે. એટલે જ ગુજરાત હાઈકોર્ટના નામે એક ચુકાદાનો ઉલ્લેખ કરતું પોસ્ટર ખાડિયાના જુગારધામમાં લગાવવામાં આવ્યું હતું.

સિનિયર વકીલે કહ્યું, ‘આવા કિસ્સામાં પોલીસ કેસ કરી શકે છે’
દિવ્ય ભાસ્કરે તપાસ કરતા જાણકારી મળી કે આ પ્રકારના સોફ્ટવેર બનાવતી એચ.એસ.ઓનલાઈન માર્કેટિંગ નામની કંપનીનો કેસ વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં અરજદારના જે તે સમયના સિનિયર વકીલ એસ.એ.પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘આ કેસને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો એટલે ઘણી બધી બાબતો યાદ નથી. પરંતુ તમને કાયદાકીય રીતે કેટલીક બાબતો સ્પષ્ટ કરી દઉં. કોઈ વ્યક્તિ ક્યાં, કયા ઉદ્દેશથી રૂપિયા રોકે છે, તે જુગારની વ્યખ્યામાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે. જ્યારે કોઈ વસ્તુની કિંમત કરતાં અનેકગણું વળતર આપવામાં આવે, તેને વસ્તુના વેચાણની માર્કેટિંગ સ્ટ્રેટેજી નહીં પરંતુ જુગાર કહેવાય. આવા કેસમાં કોર્ટના ચુકાદા મુજબ પોલીસ દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જો ગુજરાત હાઈકોર્ટના કોઈ ચુકાદાના નામે ક્યાંય આવું લખાણ (જુગારધામમાં લખ્યું હતું એમ) લખ્યું હોય તો તે ચુકાદાનો ખોટું અર્થઘટન અથવા તો લોકો અને ઓથોરિટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણી શકાય. એટલે આ ચુકાદો એચ.એસ.ઓનલાઈન માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડના વિરુદ્ધમાં ગણી શકાય.’

યંત્ર ખરીદવાના નામે મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા.
યંત્ર ખરીદવાના નામે મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા.

જુગારધામ પર લાગેલાં પોસ્ટરથી પોલીસ પર ગૂંચવાઈ હતી
ધાર્મિક યંત્રની આડમાં છેલ્લા 3 મહિનાથી જુગાર રમાડવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આ આખાય પ્રકરણમાં નવાઈની વાત એ પણ છે કે પોલીસને જાણ હોવા છતાં પણ શરૂઆતમાં દરોડા નહોતા પાડવામાં આવ્યા. કારણ કે હાઇકોર્ટેના નિયમો મુજબ જ ડ્રો કે યંત્રનું વેચાણ થતું હોવાનાં પોસ્ટરના કારણે પોલીસ પર ગેરમાર્ગે દોરાઈ હતી પરંતુ, હાઇકોર્ટે આવી કોઈ પરવાનગી કે ચુકાદો આપ્યો ન હોવાનો માહિતી સામે આવતાં જ પોલીસે દરોડા કરીને ગુનો નોંધ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીએ કાયદાકીય ગૂંચવણ દૂર કરી
સોફ્ટવેર મારફતે રમતો જુગાર સંદર્ભ અમદાવાદના DCP કક્ષાના એક પોલીસ અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'યંત્ર ઉપર રમતા જુગાર સંદર્ભે ગુનો દાખલ થઈ શકે છે. આ અંગે અમે બે ગુના અગાઉ દાખલ કર્યા છે. આ પ્રક્રિયામાં આપવામાં આવતી ચિઠ્ઠી પર GST નંબર લખવામાં આવેલો હોય છે. એ સંદર્ભે પણ તપાસ કરવાના આદેશ આપી દીધા છે.'

16 લોકોને પોલીસે કર્યા જેલ હવાલે
​​​​​​​
ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.સોલંકીએ જણાવ્યું કે, 'જુગારધામ પર દરોડા દરમિયાન હાર-જીતના ફેરમાંથી મેળવેલ 6950 રૂપિયા, 25 હજાર 950ની કિંમતના ઈલેક્ટ્રોનિક સાધનો, તથા 8150 રૂપિયા રોકડા મળીને કુલ 41 હજાર 50 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમાડનાર નિમેશ ચૌહાણ સહિત, રાજુ દરબાર, નિલાંગ ભટ્ટ, અતિત રાવલ, મુકેશ શર્મા, બિપીન ઠાકોર, દર્શન મહેતા, અલ્પેશ રાવળ, અંકિત પટેલ, ઉપેન્દ્ર નિર્મળ, દર્શન રાણા, મનીષ રાણા, હર્ષદ બારોટ, મેહુલ ચૌહાણ, પ્રકાશ સોલંકી અને પ્રતીક રાણા નામના જુગારીઓને ઝડપી લીધા છે.'

ડાબેથી કેસનો મુખ્ય આરોપી નિમેશ ચૌહાણ અને નિલાંગ ભટ્ટ
ડાબેથી કેસનો મુખ્ય આરોપી નિમેશ ચૌહાણ અને નિલાંગ ભટ્ટ

ધાર્મિક યંત્રની આડમાં ચાલતો જુગાર અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલે છે. જોકે થોડા દિવસ પહેલાં જ ગાયકવાડ હવેલી પોલીસે યંત્રની આડમાં ચાલતો જુગાર પર રેડ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...