• Gujarati News
  • Dvb original
  • New Quarters For MLAs: Apart From Three Bedrooms, Separate Office, 50 Square Feet Bathroom And Two Big TVs Each

ભાસ્કર ઇનડેપ્થગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ:ત્રણ બેડરૂમ, ઓફિસ, 50 સ્કવેર ફૂટનું તો બાથરૂમ, ત્રણ-ત્રણ સ્પ્લિટ એસી અને બે-બે મોટાં ટીવી

ગાંધીનગર22 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યો-મંત્રીઓએ 12 ડિસેમ્બરે શપથ પણ લઈ લીધા છે. મંત્રીઓને નવા બંગલા પણ ફાળવી દેવાયા છે. બીજી તરફ, ધારાસભ્યો માટે આલીશાન ફ્લેટ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલમાં આ ફ્લેટના પાયા ખોદાઈ રહ્યા છે. નવા ધારાસભ્યોને ત્રણ રૂમનો આધુનિક સુવિધા સાથેનો આલિશાન ફ્લેટ ભેટ આપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ ફ્લેટ તૈયાર થતા હજુ બે વર્ષનો સમય લાગશે, પરંતુ આ ટર્મના ધારાસભ્યોને રહેવા માટે આ ફ્લેટ મળશે તે નક્કી છે. આ પ્રોજેક્ટનો 1 ડિસેમ્બર, 2022થી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે 30 નવેમ્બર, 2024ના રોજ પૂર્ણ થશે.

નવા ધારાસભ્યોને ઝડપથી આ ફ્લેટ મળે તે માટે સરકારે ચૂંટણી જાહેર થયાના 6 દિવસ પહેલા એટલે કે 28મી ઓક્ટોબરે જ ટેન્ડર ફાઇનલ કરી દીધું હતું. હાલ વિધાનસભાની 182 બેઠકો છે પરંતુ આગામી સમયમાં નવા સિમાંકનથી નવી બેઠકો અસ્તિત્વમાં આવે તે સંજોગોમાં કુલ 216 ધારાસભ્યોને ધ્યાનમાં રાખીને એટલા ફ્લેટ બનાવવાનું નક્કી કરાયું છે.

ફ્લેટમાં કેવી ફેસિલિટી છે?
ધારાસભ્યો માટેના નવા ફ્લેટ ગાંધીનગરના સેક્ટર-21માં બની રહ્યા છે. 7 એકર જમીન પર 9 માળના કુલ 12 બ્લોક બનાવાશે. કુલ 216 ફ્લેટ બનાવાશે, જે માટે કુલ 203 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ફ્લેટની અંદરની સ્પેસ પહેલાં કરતાં ખૂબ વધુ છે. ફ્લેટમાં 204 સ્કવેર યાર્ડ (1836 સ્કવેર ફૂટ)ની સ્પેસ મળશે. આ ઉપરાંત એકથી એક ચડિયાતી ફેસિલિટી પણ ઉપલબ્ધ હશે.

વિશાળ ટોઇલેટ અને બાલ્કની
204 સ્કવેર યાર્ડના આ ફ્લેટમાં ત્રણ બેડરૂમ હશે, જેમાંથી બે બેડરૂમમાં અટેચ્ડ બાથરૂમ હશે. માસ્ટર બેડરૂમમાં 11.9 ફૂટ *15.9 ફૂટની સ્પેસ હશે. એની સાથે 50 સ્કૂવેર ફૂટનું વિશાળ ટોઇલેટ તેમજ ડ્રેસિંગ એરિયા પણ હશે. જ્યારે 12 ફૂટ*12 ફૂટનું તો કિચન હશે. આ ઉપરાંત 224 સ્કવેર ફૂટનો વિશાળ લિવિંગ રૂમ (હોલ) હશે, સાથે વોશ અને સ્ટોર માટે પણ સ્પેસ આપવામાં આવશે. આ ફ્લેટમાં 11.3 ફૂટ *11.9 ફૂટની મોટી ગેલેરી પણ આપવામાં આવશે.

ફ્લેટમાં અલગથી ઓફિસ અને સર્વન્ટ માટે રૂમ
ધારાસભ્યોના આ ફ્લેટમાં સર્વન્ટ માટે અલાયદો રૂમ પણ આપવામાં આવશે. જ્યારે ઘરેથી કામ કરવામાં સગવડતા રહે એ માટે ફ્લેટમાં જ ઓફિસની પણ સુવિધા ઊભી કરવામાં આવશે. આ માટે 10.4 ફૂટ*13 ફૂટની ઓફિસ સ્પેસ ઊભી કરવામાં આવશે, જેની સાથે ટોઇલેટ પણ અટેચ્ડ હશે. આ ઉપરાંત મહેમાનો માટે 132 સ્કવેર ફૂટનો વેઇટિંગ એરિયા પણ રાખવામાં આવ્યો છે.

કિચનમાં આ હશે સુવિધાઓ
મોટા ફ્લેટ ઉપરાંત અંદર ધારાસભ્યોની સુવિધા માટે નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરમી ન લાગે એટલા માટે ફ્લેટમાં કુલ ત્રણ-ત્રણ સ્પ્લિટ એસી ફિટ કરવામાં આવશે તેમજ લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઈંચનાં બે મોટાં ટીવી લગાડવામાં આવશે. આ ઉપરાંત કિચનમાં રેફ્રિજરેટર અને આરઓ મશીન પણ ફિટ કરવામાં આવશે, સાથે બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ ફેસિલિટી હશે.

સ્વિમિંગ પૂલ અને જિમની પણ ફેસિલિટી
ધારાસભ્યોની આ સોસાયટીમાં સુંદર ગાર્ડન અને વિશાળ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત કમ્યુનિટી હોલ, જિમ, ડાઈનિંગ હોલ અને ક્લિનિક સહિતની ફેસિલિટી હશે. સોસાયટી ફરતે કમ્પાઉન્ડ વોલ હશે. બધા ઈન્ટર્નલ રોડ આરસીસીના બનાવવામાં આવશે તેમજ પાણી માટે એક લાખ લિટર પાણીની કેપિસિટીવાળો અન્ડરગ્રાઉન્ડ પમ્પ ઉપરાંત બોરવેલ તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ વેલની ફેસિલિટી પણ હશે.

કેટલો થશે ખર્ચ?
ધારાસભ્યો માટેના આ ફ્લેટ્સ બે વર્ષમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે. એ માટે કુલ 203 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શ્રીજી કૃપા પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપની આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે

182 ધારાસભ્ય છે તો 216 ફ્લેટ કેમ?
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું કુલ સંખ્યાબળ 182નું છે તો પછી નવા 216 ફ્લેટ કેમ બનાવવામાં આવી રહ્યા છે? એનો જવાબ એ છે કે ગુજરાતમાં વર્ષ 2026થી નવું સીમાંકન લાગું પડવાનું છે. એ મુજબ ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને અંદાજે 230 થઈ શકે છે. તેમાંથી મંત્રીઓને બાદ કર્યા બાદ બાકીના તમામ ધારાસભ્યોને સમાવી શકાય એ માટે ફ્લેટની સંખ્યા 216 રાખવામાં આવી છે.

ચોથી વખત બની રહ્યા છે ધારાસભ્યોનાં આવાસ
ગુજરાતની પહેલી સરકાર બની ત્યારથી લઈને અત્યારસુધીમાં આ ચોથી વખત ધારાસભ્યોનાં અવાસ બની રહ્યાં છે. ગાંધીનગરમાં વર્ષો પહેલાં સેક્ટર-17માં સૌપ્રથમ ધારાસભ્યોનાં કવાર્ટર બનાવવામાં આવ્યાં હતાં, જે ખૂબ નાનાં હોવાથી થોડો સમય પછી એનાથી થોડેક દૂર હનુમાન મંદિર નજીક મોટા આવાસો બાંધી ધારાસભ્યોને ફાળવવામાં આવ્યાં હતાં. બાદમાં આ આવાસો પણ નાનાં પડતાં હોવાની ફરિયાદ થતાં ગાંધીનગરના સેક્ટર-21માં ત્રીજી વખત નવાં આવાસા બનાવવામાં આવ્યાં હતાં, જ્યાં હાલ ધારાસભ્યો વસવાટ કરી રહ્યા છે. ધારાસભ્યોને આ સેક્ટર-21ના ફ્લેટ પણ હવે નાના પડવા લાગ્યા છે, એટલે ફરી હવે પાછા સેકટર-17માં ચોથી વખત વૈભવી નવા ફ્લેટ બની રહ્યા છે.

ધારાસભ્યોને પગાર સહિત 1.16 લાખ રૂપિયા મળે છે
નોંધનીય છે કે જે ધારાસભ્યો પાસેથી ફ્લેટનું ભાડું 37 રૂપિયા વસૂલવામાં આવે છે તેમને મસમોટો પગાર અને ભથ્થાં મળે છે. ધારાસભ્યોને 78,800 રૂપિયા પગાર તેમજ વિવિધ ભથ્થાં મળી કુલ 1.16 લાખ રૂપિયા મળે છે. એમાં 7 હજાર ટેલિફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાવન્સનો સમાવેશ થાય છે.

ધારાસભ્યો માટે નવા ફ્લેટની કેમ જરૂર પડી?
હાલમાં ધારાસભ્યો ગાંધીનગર ખાતે જે નિવાસ સ્થાનમાં વસવાટ કરી રહ્યા છે તે ધારાસભ્ય નિવાસ સ્થાન વર્ષ 1990માં બનાવવામાં આવ્યા હતા. હવે જ્યારે આ નિવાસ સ્થાન બનાવ્યા ને 33 વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે આ નિવાસ સ્થાન જર્જરિત અવસ્થામાં છે તેમ અધિકારીઓની જાત તપાસમાં સામે આવ્યું હતું. આ જ કારણોસર ભૂપેન્દ્ર પટેલની ગત ટર્મમાં નવા એમએલએ કવાર્ટર્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હાલ MLAને આ સુવિધાઓ મળે છે અને આટલું છે ભાડું
ગાંધીનગરનાં સેક્ટર-21માં આવેલા હાલના MLA ક્વાર્ટર 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. જોકે, મકાનનું લાઈટબિલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે.

કેટલીવાર બનાવ્યા MLA ક્વાર્ટર?
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે ચોથી વખત આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે.વર્ષો પહેલા સેકટર-17માં સૌ પ્રથમ MLA કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. જે ખૂબ નાના હોવાથી અહીંથી થોડેક દૂર હનુમાન મંદિર નજીક મોટા આવાસો બાંધી ધારાસભ્યોને ફાળવવામાં આવ્યા હતા. હાલમાં બંને જગ્યાના આવાસો યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત થઈ ચૂક્યા છે. તે વખતે આ સેક્ટરમાં ધારાસભ્યો રહેતા હોવાથી રાજકીય ચહલ પહલ રહેતી હતી. ત્યારે ગાંધીનગરનાં સરકારી કર્મચારીઓની રહેવા માટે સેક્ટર 17 પહેલી પસંદ પણ હતી. આ આવાસો પણ ધારાસભ્યોને નાના પડ્યા હોવાથી સેકટર-21 માં નવા આવાસોનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે સેકટર-21ના આવાસો પણ નાના પડતાં હોવાથી ફરી પાછા સેકટર-17માં જ ધારાસભ્યો માટે અદ્યતન મોટા હાઈટેક સુખ સુવિધા સાથેના આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને ફરી પાછી સેકટર-17ની રોનક પાછી આવી જશે.

પ્રતિદિન 1.25 રૂપિયા આવાસનું ભાડું
ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે એમ.એલ.એ ક્વાટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ, જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...