રિયલ એસ્ટેટ:અમદાવાદમાં મકાનોનું વેંચાણ 37 ટકા વધ્યું છતાં ખાલી પડેલા ઘરોની સંખ્યા પણ વધી!,નવા પ્રોજેક્ટના લોન્ચિંગમાં 99%નો વધારો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વચ્ચે અમદાવાદમાં ઘરના વેચાણમાં 37% વધારો થયો
  • નીચા વ્યાજદર અને ભાવમાં સ્થિરતાથી હાઉસિંગ સેલ્સ વધ્યું

વર્ષ 2021માં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક રહી હોવા છતાં રિયલ એસ્ટેટ માર્કેટ માટે ઘણું જ સારું સાબિત થયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંક ઈન્ડિયાએ ભારતના અગ્રણી શહેરોની રિયલ એસ્ટેટ માર્કેટ પર એક વાર્ષિક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં જાન્યુઆરી-ડિસેમ્બર 2021 દરમિયાન નવા મકાનોનું વેચાણ 37% વધ્યું છે અને તેના કારણે નવા હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગને પણ બૂસ્ટ મળ્યું છે. 2020ની સરખામણીએ 2021માં નવા ઘરના પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં 99%નો વધારો થયો છે.

અમદાવાદમાં 2021માં બમણા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા
નાઇટ ફ્રેંક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 2021માં 14,648 હાઉસિંગ યુનિટ માટેના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા જે 2020ના 7,372 યુનિટ કરતાં લગભગ બમણા છે. આ ઉપરાંત અમદાવાદમાં 2016 પછી 2021માં આટલા મોટા પ્રમાણમાં નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે. નાઈટ ફ્રેન્કના જણાવ્યા પ્રમાણે નવા ઘરનું વેચાણ વધવાથી ડેવલપર્સ દ્વારા નવા પ્રોજેક્ટ્સ વધું આવ્યા છે.

ભાવ સ્થિર રહેતા નવા ઘરનું વેચાણ વધ્યું
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું કે, રિયલ એસ્ટેટ માર્કેટ માટે નીચા વ્યાજદર ઘણા જ ફાયદાકારક સાબિત થયા છે. આ ઉપરાંત મોટાભાગે ભાવમાં પણ સ્થિરતા જોવા મળી છે જેના કારણે નવા ઘરના વેંચાણમાં વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં 2020ના 6,506 યુનિટ્સની સામે હાઉસિંગ સેલ્સ 37% વધી અને 2021માં 8,911 યુનિટ્સ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ભાવ પર સ્ક્વેર ફૂટ રૂ. 2,800ના લેવલ પર સ્થિર છે.

ઘરની ખરીદી માટે ઉત્તર અને પશ્ચિમ અમદાવાદ ફેવરિટ
રિપોર્ટ મુજબ અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર ભાગમાં નવા ઘરનું વેચાણ સૌથી વધું જોવા મળ્યું છે. પશ્ચિમમાં બોપલ, આંબલી, ઘુમા, પ્રહલાદ નગર, સિંધુભવન, સાયન્સ સિટી જેવા વિસ્તારોને લોકો પસંદ કરી રહ્યા છે. જ્યારે ઉત્તરમાં ગોતા, વૈષ્ણવદેવી સર્કલ, ચાંદખેડા, ન્યુ રાનીપ, મોટેરા સહિતના વિસ્તારોમાં લોકો નવું ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

વેચાયાં વગરના ઘરની સંખ્યા 16,231 યુનિટ પર પહોંચી
નાઈટ ફ્રેન્કના નેશનલ ડિરેક્ટર બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું કે, નવા ઘરના લોન્ચિંગની સાથે સાથે અનસોલ્ડ ઇન્વેન્ટરી એટલે કે વેચાયાં વગરના ઘરનું પ્રમાણ પણ અમદાવાદમાં વધ્યું છે. 2020ના 10,494 યુનિટ સામે 2021માં અમદાવાદમાં વેચાયાં વગરના ઘરની સંખ્યા 16,231 યુનિટની રહી છે. આ રીતે એક વર્ષમાં અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં 55% જેવો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...