ભાસ્કર એક્સક્લૂસિવમહારાષ્ટ્ર પેટર્નથી NCP ગુજરાતમાં ચૂંટણી લડશે:મહાગઠબંધન કરી ગુજરાતમાં સત્તા મેળવવાનો પ્રયાસ, BTP સાથે વાતચીતનો દૌર શરૂ

ગાંધીનગર6 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાતમાં એક તરફ ત્રિપાંખિયો જંગ ચૂંટણી માટે જોવા મળી રહ્યો છે ત્યારે એનસીપી દ્વારા પોતાની ચૂંટણી રણનીતિનું એક પત્તું ખોલવામાં આવ્યું છે. એનસીપીનું કેન્દ્રીય સ્તરે કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાને કારણે ગુજરાતમાં પણ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે આગામી ચૂંટણીમાં ગઠબંધન જોવા મળશે.

એનસીપી નેતા જયંત બોસ્કી (ફાઈલ તસવીર)
એનસીપી નેતા જયંત બોસ્કી (ફાઈલ તસવીર)

મહાગઠબંધન કરીશું : જયંત બોસ્કી
એનસીપી નેતા જયંત બોસ્કી સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મહાગઠબંધન કરીને ગુજરાતમાં એનસીપી ચૂંટણી લડવા જઈ રહી છે. સમગ્ર ચિત્ર આગામી ત્રણથી પાંચ દિવસમાં સ્પષ્ટ કરી દઈશું.

10 કરતાં વધુ સીટ પર એનસીપી ઉમેદવારો મૂકશે
એનસીપી નેતા જયંત બોસ્કીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 10 કરતાં વઘુ સીટ પર એનસીપીના ઉમેદવારો ચૂૂંટણી લડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના ઝોનમાં એનસીપી આગામી સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરશે.

બીટીપી સાથે ગઠબંધનની વાતચીત ચાલુ
થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો નાતો તોડનારા બીટીપી સભ્યો સાથે એનસીપીના નેતાની વાતચીત ચાલી રહી છે. એનસીપી આગામી સમયમાં બીટીપી સાથે પણ ગઠબંધન કરશે. આમ, મહાગઠબંધનની લીટી લાંબી કરવાની એનસીપીની રણનીતિ છે.

વિપુલ ચૌધરીની ધરપકડથી AAPની ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી મુશ્કેલ
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને બીજી વખત જેલના સળિયા ગણવાનો વારો આવી ચડ્યો છે. આ વખતે તો એટલી કડક કલમો લગાવાઈ છે, જેમાં હવે વિપુલ ચૌધરી માટે ચૂંટણીનો સમય પણ જેલના સળિયા પાછળ જ વિતાવવો પડશે એવી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપમાં જ રહીને ભાજપને પ્રેશરમાં લાવવાનો પ્રયાસ કરવા માટે અર્બુદા સેનાની રચના કરવી અને ત્યાર બાદ અલગ સંગઠન ઊભું કરી વર્ચસ્વની લડાઈ લડવા માટે વિપુલ ચૌધરીનું સપનું અધૂરું રહ્યું હોય એમ લાગે છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વિપુલ ચૌધરીની મની લોન્ડરિંગ જેવા કેસમાં ધરપકડ થઈ છે, ત્યારે આ કેસમાંથી બહાર નીકળવા માટે લાંબો સમય નીકળી જઈ શકે એમ છે.

ભાજપ સામે હરીફાઈ વધી
ગુજરાતમાં સતત 27 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે ખરેખર એક અલગ પ્રકારનો પડકાર છે અને એ આમ આદમી પાર્ટી ફેંકી રહી છે. આમ આદમી પાર્ટીનો ગ્રામ્ય સ્તરે વધતો જતો વ્યાપ એ હવે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

AAP વિસ્તરતી ગઈ અને સંગઠન રોકી ન શક્યું
આમ આદમી પાર્ટી(AAP) ગ્રામ્ય સ્તરે જે રીતે વિસ્તરી રહી છે એ રીતે હવે દેખીતી રીતે જોઈએ તો આપની લોકચાહના વધતી જતી હોય એમ લાગે છે. અત્યારસુધીમાં ગ્રામ્ય સ્તરે વોટ બેંક કોંગ્રેસતરફી હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને છુટ્ટા હાથે જે રીતે પ્રજાએ મેન્ડેટ આપતાં લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હોવાનું જોવા મળ્યું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ AAPએ કરેલી મહેનતને આધારે ગ્રામ્ય સ્તરે એની લોકચાહના વધતી જઈ રહી છે. ત્યારે AAP વિસ્તરતી ગઈ અને સંગઠન રોકી શકવા સક્ષમ ના રહ્યું એમ પણ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...