'એની ફ્લાઇટ સવારે 2.30 વાગ્યે આવવાની હતી. મુંબઈમાં મારો એક મિત્ર રહે છે. તેને મેં બુકે લાવવા માટે કહી રાખ્યું હતું, કારણ કે હું આસણા ગામ (નવસારી)થી લઈ જાત તો પહોંચતા સુધીમાં બધું ખરાબ થઈ જાય. હું મુંબઈ પહોંચવા આવ્યો ત્યારે મેં તેને ફોન કર્યો કે મને ફાઉન્ટેન હોટલ પર બુકે આપી જા, પણ અચાનક તેની મમ્મી બીમાર થઈ ગઈ, એટલે તે તેની મમ્મીને લઈને હોસ્પિટલ ગયો હતો. હું રાત્રે મુંબઈમાં બુકે શોધવા નીકળ્યો, પણ મને ન મળ્યું. એ વખતે રાતના 1 વાગ્યા હતો એટલે બધું બંધ થઈ ગયું હતું. ફાઉન્ટેન હોટલની સામે મુસ્લિમ સમાજનું મુસાફરખાનું છે, જેમાં એક ગાર્ડન છે. ત્યાં દરેક જાતનાં ફૂલ છે. ત્યાં જઈને રાત્રે ફૂલ તોડીને એને ટિશ્યૂ પેપરમાં રેપ કર્યા. એ રીતે જાતે બુકે બનાવ્યું. એ બુકે લઈને હું એરપોર્ટ પર ગયો અને ઝો બહાર આવતાં જ ફરી તેને પ્રપોઝ કર્યું. એ બહુ જ ખુશ થઈ ગઈ અને રડી પડી.'
કહેવાય છે કે સાચો પ્રેમ ક્યારેય પૈસા, ઉંમર કે નાત-જાતના ભેદ નથી જોતો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં નવસારીના નાનાએવા ગામના સામાન્ય પરિવારના 12 પાસ યુવકને ઈંગ્લેન્ડની 40 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ ગુજરાત દોડી આવી યુવક સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં, જેમાં આખું ગામ જોડાયું હતું.
દિવ્ય ભાસ્કરે ઈંગ્લેન્ડની ઝો મેકપીસ નામની યુવતીનું મન મોહી લેનારા ગુજરાતના યુવક વસીમ અક્રમ અબરાર પટેલ સાથે વાત કરી હતી, જેમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પર કમેન્ટથી શરૂ થયેલી આ લવસ્ટોરી કેવી રીતે લગ્નબંધનમાં પરિણમી એની રસપ્રદ વિગતો સામે આવી હતી.
12 પાસ વસીમ જમીન લે-વેચનું કામ કરે છે
નવસારી જિલ્લાના આસણા ગામે રહેતો વસીમ અક્રમ અબરાર પટેલ ધોરણ 12 સુધી ભણ્યો છે અને હવે જમીન-મકાન લે-વેચનો ધંધો કરે છે. તેના પિતા અબરાર પટેલ જૂનાં વાહનો લે-વેચનું કામ તથા સ્પેરપાર્ટ્સની શોપ પણ ધરાવે છે. જ્યારે માતા રાબિયાબેન ગૃહિણી છે. વસીમને એક નાનો ભાઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટથી વાત શરૂ થઈ
વસીમ અક્રમ પટેલ જણાવે છે મારી અને ઈંગ્લેન્ડની ઝો મેકપીસ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર મુલાકાત થઈ હતી. તારીખ 24 એપ્રિલ 2022માં અમે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. શરૂઆતમાં અમારે ફ્રેન્ડલી વાત ચાલતી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ હતી. એના પર એક કમેન્ટ હતી. એ કમેન્ટ પર મેં રિપ્લાય કર્યો હતો અને એ પરથી અમારી વાત શરૂ થઈ હતી. શરૂઆતમાં હાય, હાઉ આર યુ? જેવી વાતો થતી. 15- 20 દિવસ વાતો ચાલી, એ દરમિયાન મેં તેના ફેમિલી વિશે અને તેણે મારા ફેમિલી વિશે જાણ્યું. પછી અમે શું જોબ કરીએ છીએ એ વાતો કરી.
વસીમ અક્રમ પટેલ કહે છે ઝો મેકપીસના પરિવારમાં તેના પિતા ડૉગલાસ મેકપીસ છે. માતા જુલિયા હાઉસવાઈફ છે, જ્યારે ભાઈ પોલ મેકપીસ ફાયરબ્રિગેડમાં કામ કરે છે. એ લોકો મૂળ ન્યુકાસલના છે. પણ હાલમાં માન્ચેસ્ટરમાં રહે છે. ઝો આશરે 40 વર્ષની છે. એ માન્ચેસ્ટરમાં બ્યુટિપાર્લરમાં કામ કરે છે. એ ઘણું ભણેલી છે, પણ ત્યાંની ડીગ્રીઓ ઘણી અલગ હોય છે.
વસીમે વધુમાં જણાવ્યું હતું કે 'ગયા વર્ષે મે મહિનાની શરૂઆતમાં અમે બંને વાતો કરતાં હતાં. એ વખતે મેં વાતવાતમાં જ તેને કહ્યું હતું કે 'તું મને બહુ ગમે છે,' પરંતુ તેણે મને કોઈ જવાબ નહોતો આપ્યો. તેણે કહ્યું કે 'હું તને વિચારીને કહીશ,' પણ એક અઠવાડિયા સુધી તેણે કંઈ ન કહ્યું. એ દરમિયાન તેણે મને ભારત વિશે પૂછ્યું કે 'અહીં શું કલ્ચર છે? શું ચાલે છે?' અઠવાડિયા બાદ તેણે મને કહ્યું કે 'હું પણ તને લાઇક કરું છું.' 18મી મેએ તેણે મને પોઝિટિવ જવાબ આપ્યો. એ પછી 19મીએ તેણે સામેથી જ ફોન નંબર આપ્યો હતો. એ પછી તો અમે વાતો કરતાં જ રહ્યાં. અમે એકબીજાને સમજતાં થયાં. એકબીજાની ફીલિંગ્સને સમજવા લાગ્યાં. ત્યારે મેં તેને મેરેજ માટે પૂછ્યું કે 'આઇ વોન્ટ ટુ ગેટ મેરી વિથ યુ.' અને તેણે તરત જ હા પાડી દીધી. મેં તેને કહ્યું કે તું ભારત આવ. પછી હું આપણા મેરેજ માટેની વ્યવસ્થા ગોઠવી દઇશ.
પ્રપોઝ કર્યું ત્યારે કેવું રિએક્શન હતું?
ઝોને એ ખબર જ હતી કે હું પ્રપોઝ કરવાનો છું. ફોન પર પ્રપોઝ કર્યું ત્યારે પણ તે ખુશ હતી, પણ બહુ રિએક્શન નહોતું, પરંતુ તે અહીં આવી અને મુંબઈ એરપોર્ટ પર હું તેને લેવા ગયો હતો. જાતે ફૂલો વીણી બુકે બનાવી મેં તેને પ્રપોઝ કર્યું. આ વખતે એ વધારે એક્સાઇટ થઈ ગઈ હતી. એ રડી પડી હતી.
પહેલી વાર મળ્યાં ત્યારે
ઝો 40 વર્ષની છે, એટલે મેં એવું ધાર્યું હતું કે એ મારા કરતાં અલગ દેખાતી હશે, પણ એ 25થી 30ની વચ્ચે હોય એવી લગતી હતી. મેં ધાર્યું હતું એના કરતાં બહુ જ ખૂબસૂરત હતી. ટુ મચ, ગોર્જિયસ. તે પણ મને જોઈને ગળે મળી ત્યારે એનાથી રડી પડાયું હતું.
લગ્ન માટે ધર્મ બદલ્યો
હું તેની સાથે રિલેશનશિપમાં આવ્યો તેના ત્રણ મહિના બાદ મેં પરિવારને જાણ કરી હતી. મારાં માતાપિતા તરફથી અમને છૂટ આપવામાં આવી છે કે જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરી શકો, પરંતુ સારી છોકરી અને સારા ફેમિલી સાથે. મેં ઝો વિશે વાત કરી ત્યારે પેરન્ટ્સને થોડો શોક લાગ્યો હતો. તેમનું કહેવું હતું કે એ ગોરી છે. ક્રિશ્ચયન છે. તેને તું કેવી રીતે કન્વર્ટ થવા કન્વિન્સ કરીશ? આ બધું કેવી રીતે થશે? મેં ઘરે કહ્યું કે એ ઓલરેડી કન્વર્ટ થઈ ચૂકી છે. તેણે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. પછી જ અમે નિકાહ કરીશું. તેણે 30 જુલાઈએ પહેલા ઈંગ્લેન્ડમાં જ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. મેં તેને કહ્યું હતું કે તું મારો ધર્મ કબૂલ નહીં કરે ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરી શકીએ. તો તેણે કહ્યું કે સારું, તારા માટે હું મારો ધર્મ પણ છોડવા તૈયાર છું. મેં તેને કહ્યું કે હું તને ફોર્સ નથી કરતો, પણ તું મારો ધર્મ કબૂલ કરે તો આપણે બંને લાઈફટાઈમ એકસાથે રહી શકીશું. તેણે મને કહ્યું કે હા, મને ખબર છે. એ પછી તેણે તેની ખુશીથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો, પહેલા માન્ચેસ્ટરમાં અને પછી ગુજરાતમાં આવીને.
ઝોનાં પરિવારજનોનું શું રિએક્શન હતું?
એક્ચ્યુલી ઈંગ્લેન્ડમાં બાળકો 18 વર્ષનાં થઈ જાય પછી માતાપિતા તેમની લાઈફમાં ઇન્ટરફિયર નથી કરતાં. બધા પોતપોતાની રીતથી જીવે. પરિવાર સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે તમે તમારી રીતે જે કરવું એ કરી શકો. તમે ખુશ રહો એટલે અમને કોઈ વાંધો નથી. તેના પરિવાર સાથે મારે વાત થઈ એ બધા અમારા નિર્ણયથી ખુશ છે. અમે બે ગ્રુપ બનાવ્યાં છે. એક ઇંગ્લેન્ડના ફેમિલીનું ગ્રુપ, જેમાં ઝોના ફેમિલી મેમ્બર અને હું છું. જ્યારે બીજું ભારતનું ફેમિલી ગ્રુપ, જેમાં મારો પરિવાર અને ઝો છે.
રિસેપ્શનમાં આખું ગામ ઊમટ્યું
એ અહીં આવી એ પહેલાંથી જ લગ્ન નક્કી કરી કર્યા હતા. ઝો આવી એ જ દિવસે અમે મસ્જિદમાં નિકાહ કર્યા હતા. એના એક અઠવાડિયા પછી અમે રિસેપ્શન રાખ્યું હતું. એ આખું અઠવાડિયું અમે શોપિંગ કર્યું હતું. રિસેપ્શન ઘણું ભવ્ય હતું. એમાં 2200 લોકોને ઇન્વિટેશન આપ્યું હતું. ઝોને ફેરીટેલ બહુ ગમે છે તો તેને સરપ્રાઈઝ આપ્યું હતું. ઝોને ગીતો ગમતાં હોવાથી એ વગાડ્યાં. જે જે તેને ગમતું હતું એ બધું જ સરપ્રાઈઝ આપ્યું હતું. ગામમાં મારાં સગાંથી લઈને બધા જ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો. બધા જ ખુશ હતા. મારા ગામના સરપંચ અત્યારે કેનેડા છે. તેમણે મને ત્યાંથી વીડિયો કોલ કરી દુવાઓ આપી હતી.
એનું દિલ બહુ નરમ છે
વસીમ અક્રમ પટેલે કહ્યું હતું, ઓબ્વિયસલી, બધા જ છોકરાઓને ખૂબસૂરત છોકરી જોઈએ છે. મને એ બહુ સુંદર લાગી. તે બહુ જ લોયલ છે. કોઈ દિવસ જૂઠું ન બોલે. હું તેને કહું કે આ જૂઠું છે, પણ તારે મારા પેરન્ટ્સને આવું કહેવાનું. તોપણ જૂઠું ન બોલે. મેં તેની ઘણી પરીક્ષા લીધી, પણ તે જૂઠું ન બોલી. એ મને ઘણું ગમ્યું. તેને પ્રાણીઓ ઘણાં ગમે છે. તેની પાસે એક હજાર પાઉન્ડ (આશરે 1 લાખ રૂપિયા)નું મેડી નામનું એક કૂતરું છે. ઝો કામ સિવાય એનાથી ક્યારેય દૂર ન રહે, પણ મારા માટે એક મહિનો મેડીને છોડીને મારી પાસે આવી હતી. એ એકદમ શાંત સ્વભાવની છે અને બહુ જ સોફ્ટ છે, કારણ કે તમે જરાક જોરથી બોલો તોપણ તે રડવા લાગે છે. અપસેટ થઈ જાય. તેનું દિલ બહુ જ નરમ છે.
તેને તમારામાં શું ગમ્યું?
પ્રપોઝ કર્યા પછીની વાત છે. મેં તેને મારા વિશે બધું સાચું કહ્યું હતું. કેટલી ગર્લફ્રેન્ડ હતી. મારી લાઈફમાં શું ચાલે છે. મારા ફેમિલીમાં કોણ છે વગેરે. હું તેની સાથે ઘણા પ્રેમથી વાતો કરતો. મને ખબર છે કે મેં 6 મહિના સુધી તેની સાથે વાત કરી. એ દરમિયાન હું ક્યારેય તેની પર ગુસ્સે નથી થયો. મેં તેને સમય ઘણો આપ્યો. એ તેને બહુ જ ગમ્યું, કારણ કે તે લોકો પૈસાના ભૂખ્યા નથી, એ મોટી વસ્તુ નથી. તે લોકોને સમય અને પ્રેમ વધુ જરૂરી લાગે છે.
વસીમ પટેલે ઉમેરે છે, હું લોકલ ક્રિકેટ રમું છું. ક્યારેક ઓપન ક્રિકેટમાં રમવા માટે ભરૂચ પણ જઉં છું. જ્યારે ઝોને ફૂટબોલ બહુ ગમે છે, પરંતુ એ અહીં હતી ત્યારે મારી ત્રણ મેચ હતી. એ મેચ જોવા આવી હતી અને એન્જોય પણ કર્યું હતું. તેનો હસબન્ડ ક્રિકેટ રમે છે એટલે એ લાઇક કરવાની જ છે, પણ ક્રિકેટ જોયા બાદ તેને એમાં પણ રસ પડ્યો. જ્યારે વસીમને સવાલ કર્યો કે શું તમે ઝો માટે ફૂટબોલ શીખવાના છો તો તેણે કહ્યું કે શીખવાનો તો નહીં, પરંતુ રમીશ ખરા. પહેલાં હું રમતો હતો, પછી છોડી દીધું. મને ક્રિકેટમાં વધારે રસ છે. બધાને ખબર છે આપણે ત્યાં ક્રિકેટ વધારે ચાલે છે.
તમે ક્યારે જશો યુકે?
મારે અહીં હજુ ઘણું કામ છે. મારી પત્ની (ઝો)ત્યાં જઈને ફાઇલ મૂકશે, પછી હું જોઈશ, પણ જેમ બને એમ જલદી જવાનો ટ્રાય કરીશ, કારણ કે મારે તેને પાછું મળવું છે. તેની બહુ યાદ આવે છે. હું રોજ તેને 3 કલાક આપું છું. 1 કલાક દિવસે અને 2 કલાક રાત્રે અમારી વાત થતી હોય છે. ત્યાં ગયા પછી હું શું કરીશ એ વિશે મેં કંઈ નથી વિચાર્યું, પણ ત્યાં જઈને સેટલ થવાનું છે તો કાંઈ ને કાંઈ કરવું જ પડશે.
આસણામાં ઘણા લોકો વિદેશમાં
મારા પરિવારમાં આશરે 300 લોકો વિદેશમાં છે. આખા ઈંગ્લેન્ડમાં લંડન, બ્રેડફોર્ડ, લેસ્ટર જેવા સિટીમાં વસેલા છે. ફક્ત મારી મમ્મી અહીં છે, બાકી મમ્મી તરફનો આખો પરિવાર ત્યાં છે. અમે ઘણો સમય પસાર કર્યો. તેને તાજમહેલ ઘણો ગમતો હતો એ જોવા લઇ ગયો. અમે સાથે રહ્યાં, સાથે જમ્યાં એ બધો જ સમય યાદ આવે છે.
ઝોએ કહ્યું- યુકેના લોકો સેલ્ફિશ છે, જ્યારે ઈન્ડિયાના લોકો સારા છે
ઝોને સિટી કરતાં વિલેજની લાઈફ વધારે ગમી. મારા ગામમાં ઘણી શાંતિ છે. તેને ઠંડું વાતાવરણ ઘણું ગમે છે. તેને હું મારા ગામની નદી જોવા લઈ ગયો હતો. એ ભારત પહેલવાર આવી છે. તેને અહીંના લોકો બહુ જ ગમ્યા. તેનું કહેવું છે કે ત્યાંના લોકો સેલ્ફિશ છે, જ્યારે અહીંના લોકો ઘણા સારા છે. હેલ્પ જોઈએ તો મળી રહે, પણ ઈંગ્લેન્ડમાં તમને કોઈ ન પૂછે. ભારતનું કલ્ચર ઘણું સારું છે. ભારતમાં ફ્રી લાઈફ છે. કામ કરવું હોય ત્યારે થાય. બિઝનેસ પણ કરી શકો. તાજમહેલ વિશે તેને પહેલેથી ખબર હતી એટલે તેણે મને કહ્યું હતું કે ભારત આવું ત્યારે તાજમહેલ જોવા લઈ જજે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.