પંથસળગતી ચિતાની રાખથી હોળી:ગળામાં નરમુંડની માળા અને સાપ; હવામાં ભસ્મ ઉડાડતાં કાઢે છે 'શિવ બારાત’

બનારસ25 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

અહીંના રસ્તાઓ સ્મશાનની રાખથી ઢંકાઈ ગયા છે. જ્યાં નજર પડે ત્યાં કોઈ તેના ચહેરા પર રાખ લગાવી રહ્યું છે તો કોઈ ચિતાની ભસ્મથી નહાઈ રહ્યું છે. કેટલાક તેમના ગળામાં માનવ ખોપરીની માળા પહેરીને નાચી રહ્યા છે તો કોઈ મોંમાં જીવતો સાપ દબાવીને નૃત્ય કરી રહ્યું છે તો કોઈ જાનવરોનું ચામડું ઓઢીને ડમરું વગાડી રહ્યું છે. એક તરફ ચિતાઓ બળી રહી છે, તો બીજી બાજુ લોકો એની રાખથી હોળી રમી રહ્યા છે, એટલે કે સુખ અને દુ:ખ એકસાથે.

સામાન્ય માણસ જે ચિતાની રાખથી દૂર ભાગે છે, આજે એ એક ચપટી ભસ્મને પ્રસાદ માનીને કલાકો સુધી રાહ જુએ છે. ભીડ એટલી કે પગ મૂકવાની પણ જગ્યા નથી.

આ નજારો છે બનારસની મસાણ હોળીનો. માન્યતા એ છે કે ચિતાની રાખથી હોળી રમવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આજે પંથ સિરીઝમાં વાત આ જ મસાણ હોળીની...

મોંમાં સાપ લઈને નૃત્ય કરતા ઓઘડ.
મોંમાં સાપ લઈને નૃત્ય કરતા ઓઘડ.

કાશીમાં હોળીના 4-5 દિવસ પહેલાં મસાણ હોળી શરૂ થાય છે. આ માટે માત્ર દેશભરમાંથી જ નહીં, મોટી સંખ્યામાં વિદેશીઓ પણ અહીં મસાણ હોળી રમવા આવે છે. આ જ કારણ છે કે કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ એકપણ હોટલ કે ગેસ્ટ હાઉસ ખાલી નથી.

અઘોરી બાબા રસ્તામાં વિવિધ સ્થળોએ કરતબ બતાવી રહ્યા છે. કેટલાક હાથમાં સાપ લઈને ફરતા હોય છે તો કેટલાક આગ સાથે રમતા હોય છે. ચિતાની રાખ હવામાં એવી રીતે ભળી ગઈ છે કે મને દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી.

હરિશ્ચંદ્ર ઘાટ પર મૃતદેહો દિવસ-રાત સળગતા રહે છે. અહીંના મુખ્ય આયોજક પવનકુમાર ચૌધરી છે. તેઓ ડોમરાજા કાલુરામના વંશજ છે. પવન ચૌધરી મસાણ હોળી સંબંધિત એક પૌરાણિક વાર્તા કહે છે.

'રાજા હરિશ્ચંદ્રને અમારા બાબા કાલુ રામ ડોમે આ જ જગ્યાએ વેચી દીધા હતા. તેમનાં પત્ની પણ કાલુ રામ ડોમને ત્યાં કામ કરવા લાગી. જ્યારે રાજા હરિશ્ચંદ્રએ તેમની પત્ની તારાને તેમના પુત્રના અંતિમ સંસ્કાર માટે પણ કર ચૂકવવા કહ્યું, ત્યારે તારાએ તેની સાડી ફાડીને કર ચૂકવ્યો.

એ દિવસે એકાદશી હતી. રાજાની આ સત્યતા જોઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું કે રાજા, તમે તમારી તપસ્યામાં સફળ થયા છો. તમે અમર રહેશો અને આ જગત તમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરીકે ઓળખશે.

હરિશ્ચંદ્ર ઘાટ પર આજે પણ ભગવાન વિષ્ણુની પાદુકાનાં નિશાન છે. અહીંથી ચિતા ભસ્મ હોળીની શરૂઆત થાય છે.’

લોકો ઢોલ-નગારાંની સાથે ચિતાની રાખથી હોળી રમી રહ્યા છે. તેમની વચ્ચેથી જ અંતિમસંસ્કાર માટે મૃતદેહને લઈ જવાઈ રહ્યો છે.
લોકો ઢોલ-નગારાંની સાથે ચિતાની રાખથી હોળી રમી રહ્યા છે. તેમની વચ્ચેથી જ અંતિમસંસ્કાર માટે મૃતદેહને લઈ જવાઈ રહ્યો છે.

મણિકર્ણિકા ઘાટના ડોમ લોકેશ ચૌધરી કહે છે, 'રંગભરી એકાદશીના દિવસે ભગવાન શિવ માતા પાર્વતીને ગૌના વિધિ બાદ લઈને આવ્યા હતા. આ પછી તેમણે કાશીમાં પોતાના ગણો સાથે રંગ અને ગુલાલની હોળી રમી, પરંતુ તેઓ સ્મશાનમાં રહેતા ભૂત, પ્રેત, પિશાચ, કિન્નરો અને અન્ય જીવ-જંતુઓ સાથે હોળી ન રમી શક્યા.

તેથી જ રંગભરી એકાદશીના એક દિવસ પછી, મહાદેવે સ્મશાનમાં રહેતા ભૂત અને પિશાચો સાથે હોળી રમી હતી. ત્યારથી અહીં મસાણ હોળી રમવામાં આવે છે.’

હરિશ્ચંદ્ર ઘાટ પર ભગવાન શિવનું મંદિર છે. આ મસાણ મંદિર કહેવાય છે. અહીં સવારથી જ ઉજવણીનો માહોલ છે. શિવલિંગ પર દૂધ, દહીં, મધ, ફળ, ફૂલ, માળા, ધતૂરા, ગાંજો, ભસ્મ ચઢાવવામાં આવે છે. પાંચ પૂજારી રુદ્રાભિષેક કરાવી રહ્યા છે. આ પછી બાબાને ધોતી અને મુગટ પહેરાવવામાં આવે છે. વર્ષમાં માત્ર એક જ દિવસે બાબા મસાણ મુગટ પહેરે છે.

આ માટે રથને શણગારવામાં આવ્યો છે. એના પર છોકરાને શિવ તરીકે અને છોકરીને પાર્વતીના રૂપમાં બેસાડવામાં આવે છે. ત્યાર બાદ તેમની ચિતા સમક્ષ પૂજા કરવામાં આવે છે. આ પછી ઝાંખી કાઢવામાં આવે છે.

ઝાંખીમાં કીડા-મકોડા, સાપ-વીંછી સાથે ઓઘડને જોવા એ એક નજારો છે. મહિલાઓ પણ આમાં પાછળ નથી. માથા પર મુગટ, હાથમાં ત્રિશૂળ, કટાર, મોં પર કાળો રંગ અને લાલ જીભ લટકતી હોય છે. જાણે સાક્ષાત કાલી અહીં અવતર્યાં હોય.

ડીજે પર ભક્તિ ગીતો વાગી રહ્યાં છે. 'હોળી ખેલ મસાણે મેં... કાશી મેં ખેલે, ઘાટ મેં ખલે, ખેલે ઓઘડ મસાણે મેં...'

કંઈક આ રીતે નીકળે છે શિવજીની જાન.
કંઈક આ રીતે નીકળે છે શિવજીની જાન.

આ ઝાંખી અહીંથી લગભગ 700 મીટર દૂર અઘોરાચાર્ય કિનારામના આશ્રમમાં જાય છે. ત્યાર બાદ આશ્રમથી બાબા ભોલેનાથની શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રામાં ભીડ એવી છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. અઘોરી અને તાંત્રિકો એમાં ભાગ લે છે તેમજ સામાન્ય લોકો પણ એમાં ભાગ લેવા આતુર હોય છે.

આજે રંગભરી એકાદશી છે. અઘોરીઓનાં દર્શન કરવા હજારો લોકો ઊમટી પડ્યા છે. કોઈ કહે છે કે આવા બાબા વર્ષમાં એક જ વાર દેખાય છે, તેથી જ તેમને જોવા એ સૌભાગ્યની વાત છે. મીડિયા અને યુટ્યૂબર્સ પણ અહીં ભેગા થયા છે. દરેક વ્યક્તિ આવા અદ્ભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કરવા માગે છે.

આ ઝાંખી લગભગ 2 વાગ્યાની આસપાસ અઘોરપીઠ આશ્રમ પહોંચે છે. આ પછી બધા અઘોરી બાબા અને ડોમ રાજા એ જ સ્થાને પહોંચે છે જ્યાં ભગવાન વિષ્ણુ રાજા હરિશ્ચંદ્ર સમક્ષ પ્રગટ થયા હતા. અહીં એક મંચ છે. દરેક વ્યક્તિ સ્ટેજ પર પહોંચે છે.

ત્યારપ છી શિવલિંગ પર ચડાવવામાં આવેલી ચિતાની ભસ્મ મગાવવામાં આવે છે. અઘોરી બાબા એકબીજા પર ચિતાની રાખ ઉડાડવાનું શરૂ કરે છે. આ પછી બાકીના લોકો પણ એકબીજા પર રાખ લગાવવા લાગે છે.

હવામાં ભસ્મ ઉડાડતા હોળી રમી રહેલા ઓઘડ.
હવામાં ભસ્મ ઉડાડતા હોળી રમી રહેલા ઓઘડ.

પવન કુમાર ચૌધરી કહે છે, અઘોરાચાર્ય કિનારામ કાલુ રામ ડોમના શિષ્ય હતા. તેમણે આ જ હરિશ્ચંદ્ર ઘાટ પર શિવની સાધના કરી હતી અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ કારણથી અહીં શિવ-પાર્વતીની પાલખી લાવવામાં આવે છે. અહીં અઘોરપીઠની સ્થાપના કરવામાં આવી છે. અઘોરપંથના લોકો શિવના રૂપમાં પણ કિનારામની પૂજા કરે છે.

અઘોરપીઠમાંથી દરરોજ એક વ્યક્તિ હરિશ્ચંદ્ર ઘાટ પર આવે છે અને ચિતાના સળગતાં લાકડાંને પોતાના ખભા પર લઈને અઘોરપીઠ જાય છે. આ ચિતાઓનાં લાકડાં પર આશ્રમમાં પ્રસાદ અને લંગર બનાવવામાં આવે છે. અહીં દૂર-દૂરથી લોકો પોતાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આવે છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ચાલુ છે.

અઘોરીઓ ફક્ત હોળી, દિવાળી અને રંગભરી એકાદશીના દિવસે જ ખુલ્લામાં બહાર નીકળે છે
પવન કહે છે, અઘોરી કાશીમાં ગુપ્ત રીતે રહે છે. તેઓ ક્યારે સ્મશાનમાં ધ્યાન માટે આવે છે અને ક્યારે નીકળી જાય છે તેની કોઈને ખબર નથી. તેઓ હોળી, દિવાળીની રાત્રે અને રંગભરી એકાદશી પર ખુલ્લામાં બહાર આવે છે.

આ ત્રણ દિવસમાં અહીં એ બધું જોવા મળે છે, જેને સામાન્ય નબળા હૃદયવાળા માણસ જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ અઘોરી ઢીંગલીમાં સોય ખૂંચવી રહ્યા છે, કેટલાક મરઘાનું માથું કાપીને તેના લોહીથી સાધના કરે છે, જ્યારે કેટલાક માછલીઓને બાળે છે. જેવો સંકલ્પ, એવી સાધના.’

અઘોરીઓને કોઈપણ ચીજથી નથી ભય હોતો કે નથી જરાપણ ઘૃણા.
અઘોરીઓને કોઈપણ ચીજથી નથી ભય હોતો કે નથી જરાપણ ઘૃણા.

અઘોરાચાર્ય બાબા કિનારામ અઘોર સંશોધન અને સેવા સંસ્થા ચંદૌલીના મંત્રી બાબા સૂર્યનાથ સિંહ કહે છે, 'અઘોરનો અર્થ એવો થાય છે કે જે ઘોર નથી. એટલે કે જે મુશ્કેલ નથી. આ એક રસ્તો છે જેના પર અઘોરી ચાલે છે. તેમને કોઈપણ ચીજથી બિલકુલ નફરત હોતી નથી.

જેમ ગંગા જીવંત અને મૃત તથા તમામ ગંદકીને પોતાની અંદર ગ્રહણ કરે છે, એમ છતાં તે પવિત્ર રહે છે. એવી જ રીતે અઘોરી પણ પોતાની અંદરની બધી મલિનતાને શોષીને પવિત્ર રહે છે.

અઘોરને તંત્ર સાથે કોઈ લેવાદેવા નથી. તેમનું ધ્યાન પાંચ પ્રકારની પ્રવૃત્તિઓ પર છે - માંસ, માછલી, મદિરા, મુદ્રા અને મૈથુન. આને પંચમકાર કહે છે. એ જ રીતે માંસમાં પાંચ પ્રકારના મહામાંસ હોય છે, જેમાં માનવ માંસનો પણ સમાવેશ થાય છે. બધા અઘોરી માનવ માંસ ખાતા નથી.

અઘોર માર્ગને અનુસરનારા ગૃહસ્થ હોઈ શકે છે, પરંતુ અઘોર સાધકો અપરિણીત હોય છે. અઘોરી બનવા માટે ગુરુ પસંદ કરવા પડે છે. તેમની પાસેથી દીક્ષા લીધા પછી વ્યક્તિ અઘોરી બની જાય છે.’

આજે ભોળાનાથની નગરી કાશીમાં ચિતાની રાખથી આસમાન છવાઈ ગયું છે.
આજે ભોળાનાથની નગરી કાશીમાં ચિતાની રાખથી આસમાન છવાઈ ગયું છે.