• Gujarati News
  • Dvb original
  • My Childhood Was Spent Amidst US Drone Strikes, Always Wanting To Fight For Afghanistan; But Only His Wife Is Remembered During The War ....

તાલિબાનના સૈનિકનો પહેલો EXCLUSIVE ઇન્ટરવ્યુ:અમેરિકી ડ્રોન હુમલા વચ્ચે મારું બાળપણ વીત્યું, હંમેશાં અફઘાનિસ્તાન માટે લડવા માગતો હતો; પણ યુદ્ધ વખતે પત્નીની યાદ આવતી

એક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • અમે નથી ઈચ્છતા કે મહિલાઓ એવું કોઈ કામ કરે, જે તેમના માટે મુશ્કેલ હોયઃ તાલિબાન

આ છે ઉકાબ અલ હનફી. અફઘાનિસ્તાનનો તાલિબાની સૈનિક. ઉંમર 28 વર્ષ અને એમાંથી 10 વર્ષ તાલિબાન સાથે વીત્યું. ઉકાબ સાથે અમે ચર્ચા કરી હતી. ઘણીવાર વ્હોટ્સએપ-કોલ પણ કર્યા હતા. ટ્રાન્સલેટરની સહાયતાથી એ સમજ્યા અને ઈન્ટરવ્યુ લખ્યો હતો.

અમે બસ એ જ સમજવા ઇચ્છતા હતા કે તાલિબાની સૈનિકોની જિંદગી કેવી હોય છે? રોજ તેઓ શું કરે છે? અંગત જીવનમાં શું મુશ્કેલીઓ પડે છે? એન્જોયમેન્ટ માટે શું કરો છો? કોને સારા કહો છો અને કોને ખરાબ કહો છો? આવા જ કેટલાક સવાલ..... અંતે તો તેઓ માણસ જ છે.....

ઉકાબ સાથે પણ તમામ વિચારો અંગે ખૂલીને વાત કરી હતી. તાલિબાને પણ પોતાની સોશિયલ મીડિયા ટીમ બનાવી છે. ઉકાબ તેનો ભાગ છે અને હા.... કોઈપણ તાલિબાન સાથે વાત કરવાની આ પહેલી તક હતી અને કોઈપણ તાલિબાની સૈનિકે હિંદ મીડિયાને આપેલા પહેલા ઈન્ટરવ્યુના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર ફેરવીએ....

સવાલઃ સૌથી પહેલા તો હું તમારા વિશે જાણવા માગું છું. તમારું મૂળ નિવાસસ્થાન શું છે, શું કરો છો?
જવાબઃ મારું નામ ઉકાબ અલ હનફી છે અને હું 28 વર્ષનો છું તથા છેલ્લાં 10 વર્ષથી તાલિબાન સાથે જોડાયેલો છું. હું મૂળ પરવાન પ્રાંતનો છું અને મારા ગામનું નામ મંડી છે, જે બગરામ એરપોર્ટથી થોડાક જ કિલોમીટર દૂર છે. સુરક્ષાનાં કારણોથી મારું બાળપણ વિવિધ જગ્યાએ વીત્યું છે. મારા લગ્ન થઈ ગયા છે અને હું 2 દીકરી તથા 1 દીકરાનો પિતા છું. 19 વર્ષનો હતો ત્યારથી જ મારા લગ્ન થઈ ગયા હતા અને મારાં બાળકોને સારું જીવન મળે એ માટે હું ઘણી મહેનત કરતો રહું છું.

હું મારા પરિવારનું ભરણપોષણ કરવા તથા કેટલાક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા સક્ષમ છું, જેનો મને ગર્વ છે. મારા પરિવારને ઉછેરવાની સાથે સાથે હું તાલિબાનની સેવા પણ કરી રહ્યો છું. અત્યારે હું કાબુલમાં છું. મારે ફરી મારા ગામ જવું છે. હું દસ વર્ષથી તાલિબાન સાથે છું અને વિવિધ વિસ્તારોમાં લડ્યો છું. સુરક્ષાનાં કારણોસર અમે અમારા નિવાસસ્થાનો બદલતાં રહ્યાં અને છુપાઈ રહ્યા. મેં લાંબા સમયથી મારા ગામમાં કેટલાક સંબંધીઓને જોયા નથી. આશા છે કે હું જલદી મારા ગામ જઈ શકું. હું મારા વિશે દુનિયા સાથે વાત કરીને ખુશ છું.

છેલ્લાં વીસ વર્ષથી તાલિબાન અને ઇસ્લામિક અમીરાત તેમનો સંદેશો આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વિશ્વમાં કોઇએ તેમની સાથે વાત કરી ન હતી. અમારા માટે આ સારા સમાચાર છે કે હવે દુનિયા આપણને સાંભળી રહી છે, આપણો સંદેશ દુનિયા સુધી પહોંચી રહ્યો છે.

સવાલ: તમારું બાળપણ કેવું હતું, અફઘાનિસ્તાનમાં તમારા બાળપણની તમારી યાદો કેવી છે?
જવાબ: મારું આખું બાળપણ અને કિશોરાવસ્થા ડ્રોન અને ફાઇટર પ્લેન બોમ્બધડાકા જોવામાં વીતી હતી. હું મારું બાળપણ ક્યારેય જીવી શક્યો નથી. મારા પિતા તાલિબાની કમાન્ડર હતા. અમેરિકાએ હુમલો કર્યો ત્યારે હું બહુ નાનો હતો. મારા પિતાએ પોતાનાં હથિયારો છુપાવીને પહાડોમાં છુપાવવું પડ્યું હતું. તેઓ રશિયન આક્રમણ દરમિયાન જે પર્વત પર રહેતા હતા એ જ ગુફામાં રહેવા ગયા હતા. તે દિવસ દરમિયાન ઘરે આવતા હતા અને રાત્રે પાછા જતા રહેતા હતા. મને યાદ છે એક દિવસ જ્યારે માર પિતા ઘરે આવ્યા ત્યારે અમારા ઘર પર ડ્રોન ફરતું હતું.

બાળપણથી મારું એક જ સ્વપ્ન હતું - મુજાહિદ બનવું અને મારા લોકો માટે લડવું. મારો દેશ લાંબી ગુલામીમાં હતો, હું તેની સ્વતંત્રતા સિવાય બીજું કશું વિચારી શકતો ન હતો. એક બાળક તરીકે, મારા પિતા મને કુરાન વાંચવાનું શીખવતા હતા. જ્યારે મેં કેટલાક શ્લોકો વાંચ્યા ત્યારે તે ખૂબ ખુશ હતો.

યુવાના અવસ્થામાં જ હું તાલિબાનમાં જોડાયો. દસ વર્ષ સુધી જુદા જુદા ભાગોમાં લડ્યા. આટલા લાંબા સંઘર્ષ પછી મેં મારા દેશને આઝાદ જોયો છે. હવે જ્યારે અમેરિકા ભાગી ગયું છે, મારાં બધાં સપનાં સાકાર થયાં છે. મારી પેઢીએ ઘણું જોયું છે, પણ હવે જ્યારે હું મારા દેશને મુક્ત અને મારા લોકોને સુરક્ષિત જોઉં છું ત્યારે હું બધી પીડા ભૂલી ગયો છું.

સવાલઃ તાલિબાનમાં તમારી ભૂમિકા શું છે, શું તમે સૈનિકો, કમાન્ડરો અથવા ચોક્કસ એકમનો ભાગ છો?
જવાબ: તાલિબાનમાં ક્રમ અથવા પદથી કોઈ ફરક પડતો નથી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે આપણું કામ યોગ્ય રીતે અને ખંતથી કરી રહ્યા છીએ. હું માત્ર એક સૈનિક છું. મેં છેલ્લા કેટલાક સમયથી તાલિબાન મીડિયા માટે ઘણું કામ કર્યું છે. હું સુરક્ષાની ફરજમાં પણ રહ્યો છું. અત્યારે મારી પાસે બે જવાબદારી છે, એક તાલિબાન મીડિયા માટે કામ કરવાનું અને બીજી સુરક્ષા ફરજ.

જ્યાં તાલિબાનને મારી જરૂર છે ત્યાં હું મહેનત અને નિષ્ઠાથી મારો ભાગ ભજવું છું. તાજેતરમાં મને કાબુલ એરપોર્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મેં કાબુલથી છેલ્લાં US વિમાનોને ઊડતાં જોયા ંછે. છેલ્લું અમેરિકન વિમાન ઉડાન ભરીને ગયું ત્યારે તે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી. મને લાગ્યું કે મારા જીવનનો હેતુ પૂરો થયો છે.

સવાલઃ તાલિબાન તરીકે તમારો દિવસ કેવી રીતે પસાર થાય છે, તમે શું કરો છો?
જવાબ: અમે અમારા દિવસની શરૂઆત સવારે ફજરની નમાઝથી કરીએ છીએ. પછી કુરાન વાંચીએ છીએ. ત્યાર પછી અમે સવારે 7:30 વાગ્યાની વચ્ચે નાસ્તો કરીએ છીએ અને પછી રાજધાની કાબુલમાં સુરક્ષાની કાળજી લેવા માટે પોતાની ફરજ પર જતા રહીએ છીએ. અમે શેરીઓમાં પેટ્રોલિંગ કરીએ છીએ અને સુરક્ષાનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે એક શિફ્ટમાં ફરજ પૂરી થાય છે ત્યારે બીજી શિફ્ટમાંથી લોકો આવે છે. અમારા કેટલાક સાથીઓની પણ નાઇટ શિફ્ટ છે. અત્યારે આપણું સમગ્ર ધ્યાન આપણા દેશ અને લોકોની સલામતી પર છે.

સવાલ: તમે તાલિબાનમાં ક્યારે જોડાયા અને શા માટે?
જવાબ: હું 18 વર્ષનો હતો ત્યારે તાલિબાનમાં જોડાયો હતો. એ સમયે અમારા દેશ પર અમેરિકાનો કબજો હતો અને મને સમજાયું કે મારા દેશને કબજામાંથી મુક્ત કરવાની જવાબદારી મારી છે. દેશ માટે સ્વાતંત્ર્યસૈનાની બનવા માગતો હતો. હું હંમેશાં વિચારતો હતો કે મારે પણ દેશને આઝાદ કરવામાં ભૂમિકા ભજવવી જોઈએ.

છેલ્લાં દસ વર્ષથી હું અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાં રહું છું અને અમેરિકા સામે લડત આપતો રહ્યો હતો. જેમ અમેરિકાએ જાપાન પર કબજો કર્યો હતો અને જાપાનના લોકો પોતાના દેશ માટે લડ્યા હતા, તેવી જ રીતે હું મારા દેશ માટે લડી રહ્યો હતો. દેશની આઝાદી માટે લડવાની જવાબદારી મારી અને દરેક અફઘાન નાગરિકની હતી. હું છેલ્લાં દસ વર્ષથી આ લડાઈ લડી રહ્યો હતો.

સવાલ: શું તમે તમારી પોતાની મરજીથી તાલિબાનમાં જોડાયા હતા કે પછી તમને દબાણ કરવામાં આવ્યું હતું?
જવાબ: વિદેશી મીડિયા, ખાસ કરીને અમેરિકન મીડિયા, પ્રચાર કરે છે કે તાલિબાન યુવાન છોકરાઓને તેમની સાથે જોડાવા દબાણ કરે છે. આ બધું જુઠ્ઠાણું છે. મોટા ભાગના તાલિબાન, પછી ભલે તેઓ ખૂબ નાના હોય, 18-20 વર્ષના હોય કે કમાન્ડર હોય, બધા પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તાલિબાનનો ભાગ બને છે. મારા જેવા યુવાનો તાલિબાનોને લડાઈમાં જોડાવા વિનંતી કરે છે. જેઓ લડવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે વેઈટિંગ લિસ્ટ છે.

ઘણી વિનંતીઓ પછી હું પણ તાલિબાનમાં સામેલ થયો. અમે વીસ વર્ષથી આ જૂઠું સાંભળી રહ્યા છીએ કે તાલિબાન અમને લડવા માટે દબાણ કરે છે. સત્ય એ છે કે પોતાના દેશ માટે લડવું એ દરેક અફઘાન નાગરિકની જવાબદારી છે અને અમે અમારી પોતાની મરજીથી તાલિબાન સાથે જોડાઈએ છીએ. પોતાના દેશ માટે શહીદ થવું અમારા માટે ગૌરવની વાત છે.

સવાલ: શું તમે તાલિબાન તરફથી હિંસક હુમલામાં સામેલ થયા છો?
જવાબ: હું તાલિબાન વતી અમેરિકા સામે ઘણી વખત લડ્યો છું. આ દરમિયાન અમેરિકા ડ્રોન હુમલાઓ કરતું હતું, જેમાં ઘણી વખત ગ્રામીણ વિસ્તારોના સામાન્ય લોકો માર્યા ગયા હતા. જ્યારે મેં અમારી નિર્દોષ મહિલાઓ અને બાળકોને મારતાં જોયાં ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો.

જ્યારે અમે અમેરિકન સૈનિકો અને તેમના સહયોગીઓને IED વિસ્ફોટોથી નિશાન બનાવ્યા ત્યારે મને એ ગમ્યું હતું, કારણ કે તે અમારો બદલો હતો. તાલિબાન માટે લડવાની મારી સારી અને ખરાબ બંને યાદો છે. અમેરિકન ડ્રોનનો ઉપયોગ અમારા સૈનિકોને નિશાન બનાવવા માટે થતો હતો. મેં મારા ઘણા મિત્રોને અમેરિકન હુમલામાં ગુમાવ્યા છે, પરંતુ જ્યારે અમે બદલો લીધો ત્યારે અમે ખૂબ ખુશ હતા. જ્યારે અમે તેમની ટેન્કો અને વાહનોનો નાશ કર્યો ત્યારે અમને લાગ્યું કે અમારો બદલો પૂર્ણ થઈ ગયો છે.

સવાલ: શું તમને ક્યારેય લાગ્યું છે કે તમે લડાઈમાં મોતને ભેટશો, શું તમે ડરતા હતા?
જવાબ: જ્યારે પણ હું યુદ્ધમાં હતો ત્યારે હું માત્ર મારી પત્ની વિશે જ વિચારતો હતો. મારા પિતા વિસ્તારની જાણીતા અને આદરણીય વ્યક્તિ હતા. લડાઈ દરમિયાન હું વિચારતો હતો કે જો હું મરી જઈશ, તો મારા પરિવારનું શું થશે, પરંતુ જ્યારે મેં મારા દેશને અમેરિકન કબજા હેઠળ જોયો અને મારા લોકોને દરરોજ મરતા જોયા ત્યારે મેં મારા પરિવાર કરતાં વધુ પ્રાધાન્ય દેશને આપ્યું હતું. મેં નક્કી કર્યું હતું કે હું કોઈપણ સમયે શહીદ થઈ શકું છું અને મારા પરિવારને મારા મૃત્યુની પીડા સહન કરવી પડશે.

સવાલ: તમારા કેટલાક મિત્રો લડતાં લડતાં મરી ગયા? તમે તેમને કેવી રીતે યાદ કરો છો?
જવાબ: મારા ઘણા નજીકના મિત્રો અને એકસાથે લડનારાઓ આ યુદ્ધમાં શહીદ થયા છે. તેમનાં નામની યાદી એટલી લાંબી છે કે મને નામ આપવામાં ઘણો સમય લાગશે. હબીબુલ્લા નામનો મારો બાળપણનો મિત્ર હતો. હું રોજની જેમ કુરાનનો પાઠ કરી રહ્યો હતો. ત્યારે એક દિવસ મને ખબર પડી કે તે શહીદ થઈ ગયો છે. તેણે એક હોટલ પર આત્મઘાતી હુમલો કર્યો, જ્યાં અમેરિકનો રોકાયા હતા. આ હુમલામાં ઘણા અમેરિકનો માર્યા ગયા હતા. તેમના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખી થયો હતો.

જ્યારે હું દુઃખ વ્યક્ત કરવા તેમના ઘરે ગયો ત્યારે મેં જોયું કે ત્યાંના દરેક ખૂબ ખુશ હતા અને એકબીજાને તેમની શહીદી પર અભિનંદન આપી રહ્યા હતા. જ્યારે મેં તેની માતા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કહ્યું કે મારા પુત્રના મૃત્યુથી દુઃખી ન થાઓ, પરંતુ મને અભિનંદન આપો, તે શહીદનું અવસાન થયું છે. હું ખૂબ જ ખુશ છું કે મેં આવા પુત્રને જન્મ આપ્યો જેણે પોતાના લોકો માટે શહાદત આપી. હું ખૂબ જ નસીબદાર માતા છું.

અમારી માતાઓનું હૃદય મોટું છે, જ્યારે તેઓ તેમના પુત્રોને તાલિબાન માટે, દેશ માટે લડતા જુએ છે ત્યારે તેઓ ખુશ થાય છે. તે તેની શહીદીની ઉજવણી કરે છે. મારા ઘણા મિત્રોએ આત્મઘાતી હુમલા કર્યા છે. તેઓ હવે દુનિયામાં નથી. હું પણ એક માનવી છું, તેના મૃત્યુથી મને આધાત પહોંચ્યો હતો. હું તેમને ઘણી વખત યાદ કરું છું.

સવાલ: તમારી પાસે કયાં હથિયારો છે, તમારું મનપસંદ હથિયાર કયું છે?
જવાબ: મારી પાસે AK-47 છે. જ્યારે હું લડાઇમાં હતો ત્યારે મારી પાસે હંમેશા AK-47 હતી, પરંતુ મારી મનપસંદ બંદૂક M-4 છે, જે અમેરિકન છે. અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર તમામ M-4 રાઇફલો એકઠી કરી રહી છે અને એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં પણ એ જ રાઇફલ અમીરાતના સૈનિકોને આપવામાં આવશે.

સવાલ: શું તમને તાલિબાન તરફથી કોઈ પગાર મળે છે?
જવાબ: તાલિબાન સરકારમાં સામેલ દરેક સૈનિકથી લઈને કમાન્ડર સુધી કોઇપણ વ્યક્તિને પગાર મળતો નથી. વિશ્વની આ એકમાત્ર સરકાર અને નેતૃત્વ છે, જ્યાં કોઈ પગાર લેતું નથી, માત્ર લોકો દેશની સેવા માટે કામ કરે છે. મેં તાલિબાન પાસેથી ક્યારેય પગાર લીધો નથી.

મારા ભાઈનો એક નાનો વ્યવસાય છે, અમારું કુટુંબ તેમાંથી ચાલે છે. અમારી પાસે જેટલું છે એનાથી અમારું જીવન ઘણું સારું ચાલી રહ્યું છે. મારા પરિવારે અને અફઘાનિસ્તાનના દરેક પરિવારે દેશ માટે મહાન બલિદાન આપ્યાં છે. જો એક ભાઈ થોડો રોજગાર કરે તો બીજા બે તાલિબાન માટે લડે. તાલિબાન કમાન્ડરને, ન્યાયાધીશને, સંસદસભ્યને પગાર મળતો નથી. બધા લોકો અન્ય સ્રોતો દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે. કેટલાક પાસે નાના ઉદ્યોગો છે, કેટલાક પાસે ખેતી કરવા માટે જમીન છે.

સવાલ: તમે તમારા જીવનમાં મનોરંજન માટે શું કરો છો, શું તમે બોલિવૂડની ફિલ્મો જુઓ છો, સંગીત સાંભળો છો?
જવાબ: મારો એક જ શોખ છે - મારા મિત્રો અને સાથી તાલિબાનો સાથે પર્વતો પર ફરવું. આ સિવાય મારી પાસે કોઈ મનોરંજન માટે સમય નથી. હું હોલિવૂડ કે બોલીવૂડની ફિલ્મો જોતો નથી. મેં મારા જીવનમાં એટલું દુ:ખ અને પીડા જોઈ છે કે આવા મનોરંજન માટે કોઈ સ્થાન નથી. મારા ઘણા મિત્રો શહીદ થયા છે અને હવે આ દુનિયામાં નથી. હું તેમને ખૂબ યાદ કરું છું. છેલ્લાં દસ વર્ષથી મેં માત્ર એક જ કામ કર્યું છે - હું અફઘાનિસ્તાન માટે લડી રહ્યો છું. મારી નવરાશની પળોમાં હું અમારા નેતાઓના સંદેશા સાંભળું છું.

સવાલ: મહિલાઓ વિશે તમારો અભિપ્રાય શું છે, શું તમે તમારી દીકરીને ડોક્ટર, શિક્ષક કે એન્જિનિયર બનાવવા માગો છો?
જવાબ: વિશ્વભરના મીડિયા, ખાસ કરીને પશ્ચિમી મીડિયા અફઘાનિસ્તાનની મહિલાઓ વિશે ઘણો પ્રચાર કરે છે. હું તમને એક ઉદાહરણ આપું, તમે તેને મજાક માની શકો છો. મારો એક મિત્ર એક દુકાન પર ગયો અને દુકાનદારને એવી ડુંગળી આપવાનું કહ્યું જે એકદમ ગોળ હોય. આ સાંભળીને દુકાનદારે કહ્યું કે આવી ડુંગળી અસ્તિત્વમાં નથી. મારો મિત્ર હસી પડ્યો અને તેને કહ્યું કે મારે એવી ડુંગળી લેવી છે, જે મારી પત્ની સરળતાથી કાપી શકે. આનો અર્થ એ છે કે અમે અમારી મહિલાઓનું ખૂબ ધ્યાન રાખીએ છીએ.

અમે નથી ઈચ્છતા કે મહિલાઓ એવું કોઈ કામ કરે, જે તેમના માટે મુશ્કેલ હોય. અમે હંમેશાં તેમની સરળતા વિશે વિચારીએ છીએ. આ પશ્ચિમી પ્રચાર છે કે અમે અમારી મહિલાઓને અધિકારો આપતા નથી. હું પણ ઇચ્છું છું કે મારાં બાળકો સારું શિક્ષણ મેળવે, પણ મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે હું નથી ઇચ્છતો કે આપણી ભાવિ પેઢીઓ દેશદ્રોહી બને અને પશ્ચિમના પ્રભાવ હેઠળ આવે. જે અગાઉની સરકાર દરમિયાન થયું હતું. હું ઈચ્છું છું કે મારાં બાળકો દેશ પ્રત્યે વફાદાર રહે, ઈસ્લામ પ્રત્યે વફાદાર રહે. હું ઈચ્છું છું કે તેઓ સફળ થાય, પણ સૌથી પહેલા હું ઈચ્છું છું કે મારાં બાળકો સારાં પાત્રો બને.

અન્ય સમાચારો પણ છે...