21 એપ્રિલ 2019 ના રોજ, ઇસ્ટરના અવસર પર શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટથી હચમચી ગયું હતું. આ હુમલા માટે ઇસ્લામિક ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ પીડા દેશની 10 ટકા મુસ્લિમ વસ્તી ભોગવી હતી. તેમના પર તમામ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, એક રીતે તેઓ અલગ-અલગ થઈ ગયા હતા, પરંતુ શ્રીલંકાની નબળી આર્થિક પરિસ્થિતિએ તેમને પણ દેશના અન્ય સમુદાયો સાથે એકજુથ કરી દીધા છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર મુસ્લિમ વસ્તીને સમગ્ર દેશનું સમર્થન મળી રહ્યું છે.
ભાસ્કરે મુસ્લિમ સમુદાયના તમામ લોકો સાથે વાત કરી અને તેમના પ્રત્યે લોકોના મનમાં આવેલા બદલાવ વિશે પણ વાત કરી. તમે પણ વાંચો...
ઇસ્ટર પર પ્રાર્થના અને ઇફ્તારી સાથે-સાથે
કોલંબોના કોચીકોડે વિસ્તારમાં સેન્ટ એન્થોની ચર્ચની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્ટર પર ડચ શાસન દરમિયાન બાંધવામાં આવેલ વિશાળ કેથોલિક ચર્ચમાં પ્રાર્થના કરવા આવતા લોકોની ભીડ છે. ત્રણ વર્ષ પહેલા ઇસ્ટરના અવસર પર શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં પણ આ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અહીં 93 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલાઓમાં કુલ 269 લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું અને શ્રીલંકાની સરકાર ઇસ્લામિક જૂથો અને સંગઠનો પર ક્રેકડાઉન કર્યુ હતું.સેંકડો મદરેસા બંધ થઈ ગયા હતા. મુસ્લિમ મહિલાઓના હિજાબ પહેરવાની મનાઈ કરાઈ હતી.
હુમલા બાદ દેશને જાતીવાદના આધાર પર પણ વહેંચવામાં આવ્યો હતો. શ્રીલંકાની વસ્તીના લગભગ દસ ટકા મુસ્લિમો અલગ પડી ગયા હતા. શ્રીલંકાની ગંભીર આર્થિક કટોકટીએ મુસલમાનોને મુખ્ય પ્રવાહમાં પરત લાવ્યા છે. તેમને સમર્થન પણ મળી રહ્યું છે.
રાજધાની કોલંબોના ગલફેસ વિસ્તારમાં ચાલી રહેલા સરકાર સામેના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ સામેલ છે. રમઝાનનો મહિનો છે અને તેઓ અહીં સેહરી અને ઈફ્તારી કરે છે.
રાજપક્ષે સરકારથી મુસ્લિમો વધુ નારાજ
આલિયા હિજાબ પહેરીને તેના બાળકો સાથે આવી છે. આ લોકો વિરોધ સ્થળે જ ઈફ્તારી કરશે. આલિયા કહે છે, “મુસ્લિમ મહિલાઓ અહીં હિજાબ પહેરીને આવી છે અને હવે તેનાથી કોઈને કોઈ સમસ્યા નથી."
શ્રીલંકાના મુસ્લિમો ખાસ કરીને રાજપક્ષે સરકારથી નારાજ છે. તેમને લાગે છે કે ઈસ્ટર હુમલા પછી ષડયંત્રના મૂળ સુધી પહોંચવાને બદલે સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. હવે તે વર્તમાન પરિસ્થિતિને સરકારથી છૂટકારો મેળવવાની તક તરીકે જોઈ રહ્યા છે.
અફઝલ હુસૈન એક વિદ્યાર્થી છે અને તે વિરોધ સ્થળ પર ઈફ્તાર કો-ઓર્ડિનેટર છે. પ્રોટેસ્ટ સાઈટ પર સાંજ થતા સુધીમાં ઈફ્તારીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મોટી સંખ્યામાં એકસાથે ઈફ્તારી કરે છે. આમાં ઉપવાસ કરનારા મુસ્લિમો સિવાય અન્ય લોકો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે.
ભારત, કેનેડા, લંડનથી પણ મદદ મળી રહી છે
અફઝલ કહે છે, "ઈસ્ટર હુમલા પછી લોકો ધર્મો અને સમુદાયોમાં વિભાજિત થઈ ગયા હતા. ઘણો તફાવત થઈ ગયો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિએ બધાને એક કરી દીધા છે. અમે બધા અહીં સાથે છીએ."
તે કહે છે, “આ વિરોધની પાછળ ખાનગી અને સરકારી કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ પણ છે. અમે અહીં ઈફ્તારની વ્યવસ્થા કરીએ છીએ. શ્રીલંકા ઉપરાંત અમને અન્ય દેશોમાંથી પણ મદદ મળી રહી છે. ભારત, કેનેડા અને લંડન જેવા સ્થળોએથી લોકો અમને મદદ મોકલી રહ્યા છે.”
અફઝલ કહે છે, "અમે સરકાર પાસેથી એ જ ઈચ્છીએ છીએ કે તમામ લોકોને સમાન રીતે જોવામાં આવે, કોઈ પણ ધર્મને અલગ કરીને ન જોવો જોઈએ."
ફરહા એક વિદ્યાર્થી છે અને હિજાબ પહેરીને આ વિરોધમાં સામેલ છે. ફરાહ અને તેના જેવી ઘણી મુસ્લિમ છોકરીઓએ ઇસ્ટર હુમલા પછી હિજાબ પહેરવાનું બંધ કરી દીધું હતું અને તેમણે પોતાનો પરંપરાગત પોશાક પણ બદલી નાખ્યો હતો, પરંતુ ફરહા હવે ફરીથી હિજાબ પહેરી રહી છે અને તે કહે છે કે હવે તેનાથી કોઈને કોઈ સમસ્યા નથી.
ફરહા કહે છે, "અહીં અત્યારે જાતિવાદ નથી, બધાં એક થઈ ગયા છે, પરંતુ ઈસ્ટર હુમલા પછી આખા મુસ્લિમ સમુદાયને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જે થયું હતુ, તેનાથી અમે મુસ્લિમો પણ ખૂબ જ દુઃખી હતા, પરંતુ અમને અલગ પાડી દેવાયા હતા."
ફરહા કહે છે, “અમને કહેવામાં આવ્યું હતું કે ઘરની બહાર ન નીકળો. તે સમયે હું હિજાબ પહેરીને બહાર નીકળવામાં ડરતી હતી. હું માનું છું કે અત્યારે જે થઈ રહ્યું છે તે ભગવાને કર્યું છે. ભગવાને અમને કહ્યું છે કે એકતા વિના કંઈ થઈ શકતું નથી અને કોઈના પર ખોટો આરોપ લગાવવાથી કંઈપણ પ્રાપ્ત થશે નહીં."
કોરોનામાં મુસ્લિમોના મૃતદેહને બાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો
કોવિડ મહામારી દરમિયાન, શ્રીલંકામાં સરકારે મુસ્લિમોના મૃતદેહોને સળગાવવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમો તેમના મૃતદેહોને દફનાવે છે અને મૃતદેહોને બાળવાના આદેશે તેમને ઘણો આઘાત પહોંચાડ્યો હતો. તેને મુસ્લિમોના ધાર્મિક અધિકારોના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવ્યું હતું. વિરોધ કરવા છતાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો ન હતો.
ફરહા કહે છે, "કોવિડ મહામારી દરમિયાન, શ્રીલંકામાં મુસ્લિમોના મૃતદેહો સળગાવવામાં આવ્યા હતા. અમે મુસ્લિમો મૃતદેહને દફનાવીએ છીએ. અમે રડતા રહ્યા, પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં,"
ફરાહ અને તેના જેવા ઘણા યુવાનો જેમણે વિરોધમાં ભાગ લીધો હતો તેઓને લાગે છે કે શ્રીલંકાના લોકો હવે સમજી ગયા છે કે સરકારે સત્તામાં રહેવા માટે લોકોને જાતિવાદના આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તે કહે છે, "હવે જુઓ શું થયું, બધા સમજી ગયા છે કે રાજપક્ષેએ દેશને બરબાદ કર્યો છે. સિંહલા હોય, તમિલ હોય કે મુસ્લિમ હોય કે પછી ખ્રિસ્તી, હવે બધા જાણે છે કે શ્રીલંકાના પૈસાની રાજપક્ષેએ લૂંટ કરી છે."
ખ્રિસ્તીઓને મુસ્લિમો સાથે કોઈ સમસ્યા નથી
એમી આલ્વેઝ કેથોલિક છે અને નિયમિતપણે ચર્ચમાં જાય છે. એમી કહે છે, "હુમલો થયાને ત્રણ વર્ષ થઈ ગયા છે અને હજુ પણ એ જાણી શકાયું નથી કે તેની પાછળ કોણ હતું, કોણે યોજના ઘડી હતી. સરકારે એવું દેખાડ્યું કે જાણે કટોકટી હોય, મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી, પરંતુ તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી. એક દિવસ તે તમામ છુટી જશે. આ કેસમાં ન્યાય થયો નથી. અમને હવે આ સરકાર પાસેથી કોઈ આશા નથી."
શ્રીલંકામાં આ હુમલાઓના લગભગ સાત મહિના પછી ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજપક્ષે પરિવારની પાર્ટીએ એકતરફી જીત મેળવી હતી. હવે લોકો વિચારે છે કે આ હુમલાથી નારાજગીના કારણે રાજપક્ષે પરિવારે સત્તા મેળવી.
એમી કહે છે, "સરકાર માત્ર લોકોમાં જાતિવાદ ફેલાવવા માંગે છે, પરંતુ આજે આપણે બધા શ્રીલંકન છીએ. અમને લાગે છે કે મુસ્લિમો, તમિલો, અમે અને બાકીના બધા લોકો સમાન છે અને માત્ર શ્રીલંકન છે."
રંજન ફર્નાન્ડો એક કેથોલિક છે અને 30 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા બાદ શ્રીલંકા પરત ફર્યા છે. હવે તેને શ્રીલંકા પરત ફરવાનો પસ્તાવો છે.
ફર્નાન્ડો કહે છે, “ઈસ્ટર હુમલા પછી દેશનું વિભાજન થયું હતું, પરંતુ હું હજુ પણ માનતો નથી કે ઈસ્ટર હુમલા માટે કેટલાક મુસ્લિમો જવાબદાર હતા. તેના પાછળ આતંકવાદીઓ હોઈ શકે છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય."
ગોલફેસ પ્રદેશમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ છે તે ફર્નાન્ડો કહે છે, "હું 30 વર્ષ સુધી યુ.એસ.માં રહ્યો અને પછી શ્રીલંકા પાછા ફરવાનું નક્કી કર્યું. હવે મને મારા નિર્ણય પર પસ્તાવો થાય છે,"
ફર્નાન્ડો કહે છે કે, “હવે લોકો પણ સમજી ગયા છે કે એક થઈને જ સરકારને હટાવી શકાય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે આ વિરોધમાં તમામ વર્ગના લોકો સામેલ છે અને દરેક એકજુથ છે."
મુસ્લિમો પ્રત્યેનું વલણ બદલાયું
ફહમીઝ એક મુસ્લિમ બિઝનેસમેન છે જે ફોન એસેસરીઝનું કામ કરે છે. તે આખા પરિવાર સાથે આ વિરોધમાં સામેલ છે. ફહમીઝનું કહેવું છે કે ઈસ્ટરના હુમલા બાદ તેમને ઘણી સમસ્યાઓ હતી, પરંતુ હવે બધું બરાબર છે.
તે કહે છે, “હવે લોકો સમજી રહ્યા છે કે મુસ્લિમો ખોટા ન હતા. હવે તે બધા અમારી સાથે છે. લોકો સમજી ગયા છે કે સરકારે જાતિવાદના આધાર પર ભાગલા પાડીને મત મેળવ્યા અને દેશને લૂંટ્યો. લોકો હવે આ લૂંટનો હિસાબ માંગે છે."
જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ વિરોધ સ્થળે ઈફ્તારની તૈયારીઓ તેજ થતી જાય છે. લોકો એકસાથે રોઝા કરે છે. આમાં ઘણા લોકોનો સમાવેશ થાય છે જેઓને રોઝા નહોતા. બીજી તરફ ઇસ્ટરની પૂર્વ સંધ્યાએ તમામ ચર્ચ શ્રદ્ધાળુઓથી ભરેલા છે. દિવસ દરમિયાન દરેક જગ્યાએ ખાદ્યપદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એમી કહે છે, “શ્રીલંકાના તમામ લોકો, કૅથોલિકો, કાર્ડિનલ, બધા તે માને છે કે ઇસ્ટર હુમલાનું સંપૂર્ણ સત્ય બહાર આવ્યું નથી. અમને લાગે છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકો સામે કોઈ પુરાવા નથી. હું પ્રાર્થના કરું છું કે શ્રીલંકાના કેથોલિક લોકોને ન્યાય મળે. જેમણે તેમના પરિવારો, તેમના બાળકો ગુમાવ્યા છે, તેમને ન્યાય મળે. આ આઘાતમાંથી તે આજદિન સુધી બહાર નીકળી શક્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.