ભાસ્કર એક્સક્લૂસિવદીકરો ગુમાવનાર પાટીદાર પિતાનું કરુણ આક્રંદ:'પુત્રવધૂ મીરાને દીકરી કરતાં પણ સવાઈ રાખી અને તેણે અનસ મનસૂરી સાથે મળી મારા દીકરાને મરાવી નાખ્યો'

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

'મારું સીધુંસાદું ગરીબ ઘર છે. મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઈ રાખી હતી, તોપણ તેણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માગતા હતા. હવે હું કેમની હિંમત રાખું. મહેશના દીકરાઓનું કોણ?,' આટલું બોલતાં જ ગોબરભાઈ લક્કડ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

સાવરકુંડલાના વીરડી ગામના રહેવાશી પટેલ ખેડૂત ગોબરભાઈ લક્કડ હતભાગી પિતા છે, જેણે ચાર દિવસ પહેલાં જ જુવાનજોધ પુત્ર ગુમાવ્યો છે. દીકરા મહેશને યાદ કરીને હજી પણ તેઓ રડ્યા રાખે છે. તેઓ માનવા તૈયાર નથી કે તેમનો લાડલો દીકરો હવે આ દુનિયામાં નથી.

શું હતી ઘટના?
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનૈતિક સંબંધમાં એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો હતો. પત્નીએ વિધર્મી પ્રેમી સાથે મળીને પતિને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો, જેમાં પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનસ ઉર્ફે લાલો મનસૂરી અને તેની બહેનપણી ખુશી સથવારાને ઝડપી પાડ્યાં હતાં. શોકિંગ વાત તો એ છે કે આરોપી પત્ની અને તેના પ્રેમી વચ્ચે 30 દિવસ પહેલાં જ પ્રેમસંબંધ બંધાયો હતો. આટલા ટૂંકા ગાળામાં પત્ની મીરાએ 8 વર્ષથી સાથે રહેતા પતિનું કાસળ કાઢવાનું નક્કી કરી લીધું હતું. આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતક મહેશના પિતા ગોબરભાઈ લક્કડ સાથે વાત કરી હતી, જેમાં ચોંકાવનારી વાતો સામે આવી હતી.

દીકરાએ કહ્યું- મારે હવે અમદાવાદ જવું છે
ગોબરભાઈ લક્કડે જણાવ્યું હતું કે હું ખેતી કરીને ગુજરાન ચલાવું છું. મારે બે દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો ઉદય સુરતમાં હીરા ઘસે છે, જ્યારે નાનો દીકરો મહેશ પહેલાં મારી સાથે ખેતીકામ કરતો હતો. તેના 8 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. પુત્રવધૂનું નામ મીરલ ઉર્ફે મીરા છે. દીકરા મહેશે થોડાક દિવસ પહેલાં મને કહ્યું હતું કે પપ્પા, હવે મારે અમદાવાદ જવું છે. અમદાવાદમાં તેનું સાસરું છે. તેના સસરા છે અને સાસુ નથી. તો મેં કહ્યું કે એમ પણ ત્યાં તારા સસરા છે અને સાસુ નથી. તો તેમને પણ રાંધવાનું થઈ રહેશે. જવું હોય તો જાઓ. દસેક મહિના પહેલાં જ તે ત્યાં ગયાં હતાં. અમદાવાદના નિકોલમાં કૃષ્ણનગરમાં મહેશ અને તેની પત્ની સસરા સાથે જ રહેતાં હતાં.

બાજુમાં રહેતી બહેનપણીના સંપર્કમાં આવી અને...
મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ વધારે રાખી હતી. મારા ઘરે માતાજીની મહેરબાની છે. દીકરાની વહુને સાચવીએ તો એ રહે, નહીંતર જતી રહે એવું પણ આપણને મનમાં હોય. મેં તેને ક્યારેય કંઈ ઘટવા નથી દીધું, પણ જ્યારથી તેના પપ્પાના ઘરની સામે રહેતી તેની બહેનપણીના સંપર્કમાં આવી ત્યાંથી આ બધું ચાલુ થયું. કહેવત છે ને કે એક ખરાબ હોય તો પાંચને ખરાબ કરે. એટલે ખરાબ તો પહેલેથી હતી, પણ આપણે થોડું ચલાવીએ રાખ્યું. તેના પિતા સ્ટેશનરીની દુકાને જતા રહે. મારો દીકરો રિક્ષા ચલાવતો હતો, એટલે તે પણ ઘરે ન હોય. આદમી ઘરનું ધ્યાન રાખે તો એ ખાય શું?

આપણા ઘરે અનસ મનસૂરી કેમ વારંવાર આવે છે?
ગોબરભાઈ કહે છે કે તેમના ઘરનું મોટા ભાગનું કરિયાણું હું ગામડેથી મોકલાવતો. એ પછી મેં મહેશને રિક્ષા લઈ આપી. એ ચોરાઇ ગઈ તો બીજી નવી લાવી આપી. તેનું ઘર ચાલે એટલે સારું. ભલે અહીંથી મારે થોડો ટેકો કરવો પડે. છોકરા સચવાય એટલે રેડી. માવતરને બીજું શું જોઈએ? મેં કહ્યું તમે મોજથી રહો. બસ, જિંદગીમાં કોઈનું ખોટું કરતા નહીં. કોઈને દેવું હોય તોપણ માણસ આપઘાત કરે, પણ મારા દીકરા પર એક રૂપિયનું કોઈનું દેવું નહોતું. બે વર્ષ પહેલાં મહેશ સુરત ગયો હતો. ત્યારે પણ એકવાર મીરાએ કોઈ સાથે આવું કર્યું હતું. તેના ફોટા અને સબૂત બધું જ છે. ઘરમાં કોઈ બીજું આવીને બેસતું હોય તો પતિને પૂછવાનો હક તો છે ને... આ કોણ છે? મહેશ પણ પૂછતો કે આ આપણા ઘરે કેમ અનસ ઉર્ફે લાલો મનસૂરી અવારનવાર આવે છે? તો એ કહેતી કે મેં તેને ભાઈ માન્યો છે.

મીરા અને અનસ મનસૂરી.
મીરા અને અનસ મનસૂરી.

ફોનમાં વહુ અને તેના પ્રેમીના ફોટો હતા
ગોબરભાઈ કહે છે, મહેશને ફોનમાં બધું જોતા આવડતું. તેણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનસ મનસૂરીના સાથે ફોટા હતા. પછી તો માણસને શંકા જાય કે ન જાય? સુરતમાં હતું એ પણ અલગ હતું. મહેશે કહ્યું કે એકવાર મેં જતું કર્યું, બીજી વખત કેમ કરું? તેણે કહ્યું કે તારે આવું કેમ કરવું જોઈએ? અને આવું જ કરવું હતું એટલે અમદાવાદ મને લાવવો હતો ને? આવું કહેવા પર તે મહેશને દબાવતી.

પપ્પા હું ગામડે પાછો આવું છું
ગોબરભાઈએ ઉમેર્યું કે હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો. તો તેના સસરાએ કહ્યું કે છોકરાં નાનાં છે, તેમને ઠંડી લાગશે એટલે તેમને બસમાં મોકલી દો અને તમે રિક્ષામાં જતા રહેજો. તેણે બસની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. મેં એ દિવસે સાડાનવે ફોન કર્યો. મહેશ એક નહીં તો બીજી રિંગે તો ફોન ઉપાડી જ લે. 12 વાગ્યા સુધીમાં મેં 20 ફોન કર્યા હશે. પછી મહેશ કયાં છે એ જાણવા માટે મીરાને ફોન કર્યો. મીરાને બદલે ખુશી (મીરાની બહેનપણી)એ ફોન ઉપાડ્યો. મેં કહ્યું કે મીરાને ફોન આપો. તો એ કહે કે એ સૂઈ ગઈ છે. પછી મારાથી ના રહેવાયું તો મેં તેના સાળા પંકજભાઈને ફોન કર્યો હતો. તેણે એવો જવાબ આપ્યો કે મહેશ પીને ક્યાંક સૂતો હશે. મેં તેમને પણ કહ્યું કે એવી શંકા ન કરો. મારો દીકરો પીતો નથી. અમે સ્વામિનારાયણ ધર્મ પાળીએ છીએ.

તમે આવો આપણે સમાધાન કરીએ
મહેશની ભાળ માટે બીજા દિવસે હું અમદાવાદ આવવા બસમાં બેઠો ત્યારે અનસ મનસૂરીએ ફોન કરીને કહ્યું કે તમે અમદાવાદ પહોંચો એટલે ફોન કરજો. અમે તમને લેવા આવીશું, પણ આવું કારસ્તાન થઈ ગયું હશે એ તો આપણને ખબર પણ ન હોય ને. જેવો ગીતા મંદિરે બસમાંથી ઊતર્યો ત્યારે મને ફોન આવ્યો કે પપ્પા ક્યાં પહોંચ્યા? તમે ક્યાં ઊતરવાના? મેં કહ્યું કે હું મારા દીકરા પાસે જ જઈશ ને. મારે પહેલાં તેને મળવું છે. પછી મને ફોન કરીને કહ્યું કે તમે અહી આવો. આપણે સમાધાન કરીને બધું પતાવી દઈએ. એ સામે મને લેવા આવવાનો હતો, પણ આવ્યો નહીં. પછી મીરા અને અનસે મને ફોન કરીને કહ્યું કે તમે મહેશને અમદાવાદમાં તમારા સગાને ત્યાં શોધો, પણ મારા સગાને ત્યાં મહેશ હોય તો તેઓ મને ફોન કરીને જણાવે તો ખરાને.

મારા મહેશને સંઘર્યો હોય તો છોડી દો
મેં જેટલા ફોન કર્યા ત્યારે ખુશી અને અનસ મનસુરીએ જ વાત કરી હતી. ત્યારે મને શંકા ગઈ સમાધાન કરીને કંઈ કર્યું નહીં હોય ને! મેં અનસ અને મારી પુત્રવધૂને પણ કહ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું. છોકરાને તમે સંઘર્યો હોય તો છોડી દો. હું મારો છોકરો લઈને જતો રહીશ. તમે બંને છૂટાં. તેણે કહ્યું કે કાકા શોધીએ છીએ, મળી જાય તો તમે છોકરાને લઈને નીકળી જજો. એ બધું તેમણે ગોઠવેલું હતું. અમે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં તેમણે આવીને ઊલટો મારા પર આરોપ મૂક્યો. તેમણે પોલીસને કહ્યું કે મેં મારા સગાએ મહેશને ગામડે બોલાવી સંઘરી દીધો છે.

મારો છોકરો દારૂ પીતો જ નથી
મેં મારા ભાઈને વાત કરી. તેણે ભાજપના નેતા ગોરધનભાઈ ઝડફિયાને ફોન કર્યો. તેમણે કૃષ્ણનગરમાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. હું પણ ત્યાં ગયો ત્યારે મીરા, તેની બહેનપણી ખુશી અને અનસ મનસુરી મારી સાથે જ હતાં. એ વખતે પોલીસે મને કહ્યું કે પત્ની મીરા તો ગઇકાલે એવું લખાવીને ગઈ છે કે તેનો પતિ દારૂ પીને ગુમ થઈ ગયો છે. તો મેં પણ પોલીસને કહ્યું કે મારો છોકરો દારૂ પીતો જ નથી અને પીતો હોય તો પણ 3 દિવસ તો નશામાં ન હોય. મહેશનો સીધોસાદો સ્વભાવ હતો. ક્યારેય ગરમ થતો નહોતો. કોઈનું મોં તોડવું કે ઝઘડવું એવું કંઈ નહોતું.

આબુ ફરવા ગયા ત્યાં...
પુત્ર મહેશને એ બધાં રાજસ્થાન ફરવા ગયાં હતાં. ત્યાં જ તેમણે કદાચ કંઈ કરવું હશે, પણ મેળ નહીં આવ્યો હોય. ઉદયપુર પણ એ મારા છોકરાને અને પૌત્રને મૂકીને 3-4 કલાક જતી રહેતી હતી. મેં પણ મારી પુત્રવધૂ સાથે વાત કરી હતી કે જવું હોય તો રાજીખુશીથી જતાં રહો. તમે તમારી લાઈફ બગાડો છો. તું મારી દીકરી છે, તારે મારા દીકરા સાથે ન બનતું હોય તો છૂટા થઈ જાઓ. મેં કહ્યું- બેટા, જે થયું એ. બંધ મૂઠી સવા લાખની. બધું ઢાંકી દે. હવે આવું ન કરતી. તું ઘરે રહે. અમે તારું ઘર ચલાવશું. ધણી કામે ગયો હોય અને પાછળ આવાં કારસ્તાન ન કરવાં જોઈએ. પુત્રવધૂ તેના બે દીકરા (પૌત્ર) વિશે કહેતી કે એ તો મારી સાથે જ આવશે.

નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને તપાસ અધિકારી કેડી જાટ.
નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને તપાસ અધિકારી કેડી જાટ.

સુરતમાં પણ પુત્રવધૂએ લફરું કર્યું હતું
અનસ મનસુરી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. મહેશે મને જાણ કરી હતી કે મને મારી નાખવાની ધમકી આપી છે. તેણે સમાધાન કરવાને નામે દગો કરી આવું કારસ્તાન કરી નાખ્યું. અગાઉ સુરતમાં લફરું થયું એ વિશે મીરલના પિતાને જાણ કરી હતી તો તેમણે કહ્યું હતું કે એક ભૂલ થઈ ગઈ. જવા દો. માફ કરી દો. અમે પણ અંદરોઅંદર પતે અને સગાંવહાલાં કહેતાં હોય તો જતું કરીએ એમ વિચારીને જતું કરેલું.

મહેશના દીકરા અનાથ થઈ ગયા
આને ફાંસી મળવી જોઈએ. મારા છોકરાનો કોઈ વાંક નહીં, કોઈ ગુનો નથી. મહેશના દીકરા મા-બાપ વિનાના થઈ ગયા. તેને મોટામાં મોટી સજા કરો. એ મિરલને પણ સજા કરો, તેણે આ નાના છોકરા સામે પણ ના જોયું. એ ખુશી (મીરાની બહેનપણી) નામની છોકરીએ મને ગાળો દીધી છે. મારા નાના છોકરાઓને રઝળાવી દીધા. તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. બંને બાળકો અત્યારે મારી પાસે છે. મારા દીકરાની જેમ જ સાચવું છું. મારે તેમને પ્રેમ આપવો પડે. મારી માથે મુસીબત આવી પણ અત્યારે તેમનો હું નહીં તો કોણ?

શું કહે છે પોલીસ?
આ અંગે દિવ્ય ભાસ્કરે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તપાસ અધિકારી કેડી જાટ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આરોપી અનસ અને મહેશની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેમણે નક્કી કર્યું કે આપણે હવે સાથે જ રહેવું છે તો વચ્ચે આવતા મહેશને કોઈપણ રીતે પતાવી દઈએ. એ માટે આ બંનેની મિત્ર ખુશીએ અનસને ચઢાવ્યો કે તું ગમે તેમ કરીને આનો નિકાલ કરી દે. 2 જાન્યુઆરીએ મહેશનો પરિવાર તથા ખુશી અને અનસ માઉન્ટ આબુ ફરવા ગયાં હતાં. ત્યાં પણ તેમને ટસલ થઈ. ત્યાં નક્કી હતું, પણ ત્યાં તેમને કોઈ મોકો મળ્યો નહીં. પાછા અમદાવાદ આવ્યાં. 5 તારીખે અનસે મહેશને ફોસલાવીને મારા ઘરે ચા-પાણી કરતાં આવીએ એમ કહ્યું હતું. અનસનું ઘર કઠવાડા છે. અનસ કૃષ્ણનગરથી બાઇક પર બેસાડી મહેશને પોતાના ઘરે લઈ ગયો. એના ઘરની પાછળ આવેલા ખેતરમાં બંને બેઠા. ત્યાં અનસે પાછળથી તેને પકડીને છરી મારી દીધી. સ્વરપેટીમાંથી બ્લીડિંગ થવાને કારણે તેનું મોત નીપજ્યું.

અનસ ફોંસલાવીને મહેશને બાઈક પર લઈ ગયો
પીઆઈ કેડી જાટે વધુમાં કહ્યું હતું કે અનસે ખેંચીને મહેશનો મૃતદેહ કૂવામાં નાખી દીધો. પછી કંઈ બન્યું જ ન હોય એ રીતે બે દિવસ રહ્યા. મહેશ ઘરે આવવાનો હતો તો આવ્યો નહીં અને તેનો ફોન ન લાગતાં પરિવારે મહેશની પત્નીને ફોન કર્યો તો ખુશી ફોન ઉપાડતી હતી અને કહેતું કે તે અહી જ હતો અને બે દિવસ પહેલાં અનસ જોડે ફરવા ગયેલો છે, પણ હજુ આવ્યો નથી. એક-બે દિવસ વાતો ચાલી પછી 7 તારીખે ગોબરભાઈ અમદાવાદ આવ્યા અને કૃષ્ણનગર પોલીસને જાણ કરી. તેમણે શંકા પણ હતી કે મહેશના ગુમ થવા પાછળનું કારણ મીરા-અનસ અને ખુશી હોઈ શકે. પોલીસ પૂછપરછ કરતાં અનસે કબૂલ્યું હતું કે મર્ડર કરીને ડેડબોડી કૂવામાં નાખી દીધી હતી. એના આધારે ફાયરબ્રિગેડની મદદથી સર્ચ કરતાં મૃતદેહ મળ્યો હતો.

ખુશી મારફત અનસ-મીરા મળ્યાં હતાં
પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનસ છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. મીરા-અનસના પ્રેમસંબંધને એક મહિના જેટલો સમય થયો હતો. ખુશી અને અનસ છેલ્લાં 4 વર્ષથી મિત્ર હતાં. ખુશી મીરાની બાજુના જ ઘરમાં રહે છે અને તેની પણ મિત્ર હતી. ખુશી મારફત અનસની મીરા સાથે ઓળખાણ થઈ હતી. પછી બંનેને પ્રેમસંબંધ થયો હતો. મહેશને મારવાનું પ્લાનિંગ આબુમાં થઈ જ ગયું હતું, પણ એવું એકાંત કે મોકો મળ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...