અંદાજે 15 દિવસ પહેલાંની વાત છે. ધોળકા પાસેના ગામમાં ઘરના મોભીનું અકસ્માતમાં મોત થયું હતું. એને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો. મૃતકની પત્ની રડતાં રડતાં પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ત્યાં જઈને તે બોલવા લાગી કે 'મારા પતિને મારી નાખ્યો, ડમ્પરવાળાને સજા કરાવો,' આથી પોલીસે સ્ટેટમેન્ટ આપવાનું કહ્યું તો મહિલાએ ના પાડી દીધી. એટલું જ નહીં, પોસ્ટમોર્ટમ કરાવવાનો પણ ઈનકાર કર્યો. પોલીસ અકસ્માતનું સ્થળ શોધવા ગઈ તો એ પણ ન મળ્યું. શંકા જતાં પોલીસે પોતાની રીતે તપાસ કરી તો ચોંકાવી દેતો ઘટસ્ફોટ થયો હતો.
શું હતો બનાવ?
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બેગવા ગામે રહેતા ભરતભાઈ પગીનું રોડ અકસ્માતમાં મોત થયાની ફરિયાદ દાખલ થઈ હતી. સામાન્ય અકસ્માત લાગતાં આ બનાવમાં પાછળથી હિન્દી ફિલ્મને ટક્કર મારે એવા ભેદ ખૂલ્યા હતા. આ અંગે દિવ્ય ભાસ્કરે તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં અનેક ઘટસ્ફોટ થયા હતા.
વાહનચાલક એક્સિડન્ટ કરીને ભાગી ગયો છે
કોઠ પોલીસ સ્ટેશનના PSI કલોત્રાએ જણાવ્યું હતું કે ગઈ 22 તારીખે અમને ધોળકાથી ટેલિફોન વરધી મળી હતી કે એક અજાણ્યો વાહનચાલક એક્સિડન્ટ કરીને ભાગી ગયો છે, જેમાં ભરત પગી નામની વ્યક્તિનું મોત થયું છે, જેથી અહીંથી ટીમ ત્યાં ગઈ. ધોળકા જતાં પીએમ કરવાની વાત આવી તો મૃતકનાં પરિવારજનોએ કહ્યું કે 'અમારે કોઈ કેસ કરવો નથી. અમે સહી નહીં કરીએ.' એટલે જમાદારે મને ફોન કર્યો કે મૃતકના દીકરો અને માતા હાજર છે અને કેસ કરવાની ના પાડે છે. તો શું કરવું? તેમનો કોઈ આક્ષેપ નથી.'
DySPએ કહ્યું- PM તો કરવું જ પડશે અને હત્યા બહાર આવી
PSI કલોત્રાએ ઉમેર્યું હતું કે આ અંગે મેં DySP સરને ફોન કરીને રાત્રે સાડા અગિયાર વાગ્યે જાણ કરી કે આવો કેસ છે. કોઈ આક્ષેપ નથી. વાલીવારસે નજરે જોયું છે કે કોઈ વાહન અથડાવીને જતું રહ્યું છે. આવું સ્ટેટમેન્ટ પણ આપવા તૈયાર છે. જોકે DySP સરે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ તો કરવું પડશે. પછી હું પોતે હોસ્પિટલ ગયો. ત્યાં ડેડબોડી જોઈને જ ખ્યાલ આવી ગયો કે આ એક્સિડેન્ટ લાગતો નથી, પરંતુ ઘણા કેસમાં જરા પછડાટ લાગી હોય તોપણ આવું થાય. એટલે હવે અમે પીએમ રિપોર્ટ પર ડિપેન્ડ હતા. અમે પરિવારને કહ્યું કે પીએમ તો કરાવવું જ પડશે. તમને બોડી નહીં મળે. એ હવે અમારી કસ્ટડીમાં છે. તમારે બોડી સ્વીકારવી હોય તો સ્વીકાર જો, નહીં તો જે પ્રમાણે થતું હશે એ પ્રમાણે કરીશું. તમે ઘરે જઇ શકો છો. સવારે પીએમ કરાવવાની મારી ડ્યૂટી છે. મેં ડૉક્ટરને પણ કહી રાખ્યું કે પીએમ માટે ના પડે છે અને એલિગેશન જેવું લાગે છે. એ દરમિયાન એક બીજો ગુનો બન્યો હતો એટલે હું ત્યાંથી નીકળી ગયો. આખી રાત ત્યાં હતા. એ પછીના દિવસે પણ એક બીજી મોટી ઘટના હતી. તેમાં બંદોબસ્ત અને કોમ્બિંગ નાઈટ કરી હતી.
અકસ્માતનું સ્થળ બતાવી ન શક્યા
PSI કલોત્રાએ કહ્યું હતું કે બીજા દિવસે સાંજે અમે પૂછ્યું કે કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો તો એ જગ્યા બતાવી ન શક્યા. ત્યાંથી શક મજબૂત થયો. અમે તપાસ ચાલુ કરી કે ખરેખર બનાવ શું છે. ત્યારે ગામમાં કોઈ ચર્ચા નહોતી. એ દરમિયાન અમને ખબર પડી કે મૃતકનો પરિવાર એક મેરેજમાં ગયો હતો, ત્યાં પણ ઝઘડો થયો હતો. એ દિશામાં તપાસ શરૂ કરી ત્યારે સ્પષ્ટ લાગતું હતું કે દીકરા સાથે કંઈ કનેક્શન હોઇ શકે, પરંતુ હજુ પણ કોઈ આક્ષેપ કે ફરિયાદ કરવા સામે આવ્યા નહોતા.
અકસ્માત થયો, પણ ઇજા ન થઈ!
LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના PI આર. એન. કરમટિયાએ કહ્યું હતું કે મૃતકને બીજી કોઈ ઇન્જરી નહોતી. ફક્ત ને ફક્ત હેડ ઇન્જરી જ હતી. એટલે થોડી શંકા ગઈ, કારણ કે કોઈ વાહન ટક્કર મારે તો શરીરમાં ક્યાંક ને ક્યાંક ઘસારા જોવા મળે કે ફ્રેકચર થાય. તપાસ શરૂ કરી તો પ્રાથમિક વિગતો સામે આવી કે ભરત પગી ગામમાં અવારનવાર દારૂ પીને ઝઘડા કરતો. ક્યારેક મારામારી કરતો અને તેને ઘરમાં પણ સંબંધો બોરબર નહોતા. ભરત પગી અને તેનો દીકરો મહેન્દ્ર પગી બંને જુદા રહે છે.
દસેક વર્ષ પહેલાં લગ્ન
તપાસમાં ત્યારે મોટો ઘટસ્ફોટ થયો, જ્યારે જણાવા મળ્યું કે ભરત પગીને તેના જ દીકરા મહેન્દ્ર પગીની પત્ની એટલે કે પોતાની પુત્રવધૂ સાથે આડાસંબંધ હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે દસેક વર્ષ પહેલાં દીકરા મહેન્દ્ર પગીના લગ્ન થયા હતા. મેરેજ પછી તરત જ સસરા-પુત્રવધૂ વચ્ચે અફેર થયું હતું. જે પછી પરિવારને પણ ખબર પડી હતી. શરૂઆતમાં કદાચ પોઝિટિવ હોય પણ પછી દીકરા મહેન્દ્રની પત્નીની બિલકુલ ઘસીને ના હતી. એને કારણે અવારનવાર પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થતા રહેતા. એ બાબતે જ ઝઘડો કરીને મહેન્દ્રની પત્ની પણ પિયર જતી રહી. ભરત પગી તેની પુત્રવધૂ મજૂરી કે ખેતીકામે જાય તો પીછો કરતો. ઘણી હેરાનગતિ કરતો. કોઈએ ખૂલીને નથી કહ્યું, પરંતુ આ વાત સામે આવી છે. જોકે એ તપાસનો વિષય છે.
અફેરના એંગલ બાદ ભરત પગીની પત્ની અને પુત્રે મહેન્દ્રની કડક પૂછપરછ કરી તો બંને તૂટી પડ્યાં હતાં. પહેલાં ભરત પગીની પત્નીની પૂછપરછ દરમિયાન અગ્રેસિવ થઈને બોલી કે 'આ નાલાયકે આમ કર્યું.' ત્યાં અમને હિંટ મળી ગઈ. પછી વધુ તપાસમાં માતા અને દીકરો બંને ભાંગી પડ્યાં.
પિતાએ લાકડું માર્યું ને
શરૂઆતમાં તો મહેન્દ્રએ ના જ પાડી હતી. અકસ્માતને જ વળગી રહ્યો હતો. મહેન્દ્રના શરીર પર પણ ઇજાનાં નિશાન હતાં. એ વિશે પૂછ્યું કે આ શું થયું? ત્યારે તેણે કહ્યું કે એ વખતે મારે મારા પિતા ભરત પગી સાથે ઝઘડો થયો હતો. અને મને અવારનવાર શંકા રહેતી કે મારા પિતાને મારી પત્ની સાથે આડાસંબંધો છે અથવા મારા પિતાની નજર ખરાબ છે. ગામના લોકો પણ એ અંગે વાતો કરતા હતા, જે તેણે સાંભળ્યું હતું. તેની પત્ની પણ પિયર ગઈ હતી. એ બધાં સમીકરણો જોઈને વ્યવસ્થિત તપાસ કરી એટલે બધું જાણવા મળ્યું કે જે-તે સમયે મહેન્દ્ર અને તેના પિતા ભરતને ઝઘડો થયો હતો. અવારનવાર બંનેને ગામ આખું જુએ એ રીતે જ ઝઘડા થતા હતા. બંને સામસામે મારામારી પણ કરતા હતા. ઘટનાના દિવસે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ દરમિયાન પહેલા ભરતભાઈએ દીકરા મહેન્દ્રને લાકડાથી માર્યો હતો. લાકડાનો સપાટો મહેન્દ્રના હાથ, પીઠ અને આંગળા પર માર્યો હતો. આથી ગુસ્સામાં મહેન્દ્રએ બાજુમાં પડેલા બાવળનું લાકડું લઈ પિતા ભરતભાઈ પગી પર એક જ ઘા મારી દીધો. ભરતભાઈ પીવાની આદતવાળા હતા એટલે શરીર પણ થોડું વીક હશે. ત્યાં ને ત્યાં જ તેઓ ઢળી પડ્યા. ઇનર ઇન્જરી થતાં નાક અને મોંથી લોહી નીકળ્યું. અમને ઇનર ઇન્જરીને કારણે જ વધારે શંકા ગઈ હતી, કારણ કે અકસ્માત થાય તો આવું ના થાય, પણ મલ્ટીપલ ઇન્જરી થાય. બોડીની ઇજાઓ જોયા પછી આખું ઇન્ટ્રોગેશન કર્યું. તપાસમાં આખું પિક્ચર ક્લિયર થયું. પછી તો સાથે આવેલા 2-3 લોકો પણ બોલી પડ્યા કે આવો બનાવ બન્યો હતો. એ પછી મારવામાં વપરાયેલું લાકડું વગેરે મળી આવ્યું.
ખોટી ફરિયાદનું કારણ
જોકે આખી ગેરમાર્ગે દોરનારી ફરિયાદનું મૂળ કારણ એવું હતું કે તેની માતાએ એમ વિચાર્યું કે મારો પતિ હવે નથી અને છોકરો પણ જેલમાં જશે તો અમે રખડી પડીશું. એના આધારે પછી આવી ખોટી ફરિયાદ કરી હતી. બનાવ બન્યા બાદ બધા ભરતભાઈને લઈને સીધા હોસ્પિટલ ગયા હતા. ગામના અમુક માણસો સાથે ગયા હતા. ત્યારે પોલીસ સ્થળ પર પહોંચે અને ડેડબોડી જુએ એવી સ્થિતિ જ ન થઈ. તેમનો પણ આગ્રહ હતો કે અમારે પીએમ નથી કરાવવું. અગ્નિસંસ્કાર કરવા છે, પરંતુ પોલીસે કડક થઈને કહ્યું હતું કે પીએમ તો કરવું જ પડશે.
ઘણા પોઈન્ટ હતા જે..
અમારી પાસે પોઈન્ટ ઘણા હતા. શરીર પર ઇજા, પીએમ કરવાની ના પાડવી વગેરે. એ દિશામાં તપાસ દરમિયાન ધીરે ધીરે એ ઘેરાતો ગયો. આરોપીના હાથમાં લાકડું જોયું હોય એ બધા બોલવાના જ છે, કારણ કે કોઈ પોતાના ઉપર ન લે. બીજું એવું થયું કે શંકા વધારે એટલે ઘેરી બની કે મહેન્દ્ર પિતાની લાશ સાથે પીએમ કરાવવા કે હોસ્પિટલે ક્યાંય નહોતો આવ્યો. તેનો ભાઈ આવ્યો હતો. તેને પૂછ્યું કે એ દિવસે ગામમાં હતો છતાં તું કેમ નહોતો ગયો? તેની પાસે એના કોઈ જવાબ નહોતા. મહેન્દ્રએ કહ્યું કે મને શંકા હતી અને મારી વાઇફે પણ જણાવ્યું હતું કે મારા (પિતા)ની નજર કેવી છે. એ બાબતે બંનેને બોલાચાલી પણ થઈ હતી. ઘટના સમયે તેની પત્ની પિયર સુરેન્દ્રનગર ખાતે હતી.
પહેલાં એ લોકો સાથે રહેતા હતા, પરંતુ આવી અફેરની વાત બહાર આવ્યા પછી અલગ થઈ ગયા હતા. પછી ભરત એવું કંઈ નહોતો કરતો, પરંતુ મહેન્દ્રના મનમાં આ વાત ઘોળાયાં જ કરતી હતી. કોઈ બીજો ઝઘડો હોય તોપણ આ જ વાત વારંવાર યાદ આવતી હતી. ઉપરથી ગામમાં ચર્ચા ચાલતી હોય એટલે એવું પણ થાય કે કેવી રીતે મોં બતાવવું?
તમામ લોકોએ હકીકત છુપાવી
પછી તેના સમર્થનમાં બીજા લોકોએ પણ સ્ટેટમેન્ટ પણ આપ્યા. અફેરને કારણે જ ઝઘડો થયો હતો અને બનાવ પણ બન્યો હતો. આરોપી બહાર હતો અત્યારે મૃતક તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. આરોપી આવ્યો અને વચ્ચે પડ્યો. બાદમાં બંને બહાર આવ્યા હતા. ત્યાં મહેન્દ્રને માર માર્યો હતો. એ દરમિયાન આરોપી મહેન્દ્રએ પણ ફટકો મારી દીધો. એ આખી ઘટના ઘરની બહાર રોડ પર બની હતી. ત્યારે તેમનાં સગાં હાજર હતાં. પછીથી તેમણે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે કે એક્સિડન્ટ નહીં આ બંને વચ્ચે ઝઘડો થયો છે અને તેમની સામે જ હત્યા પણ થઈ છે. આમ જોવા જઈએ તો તમામ લોકોએ હકીકત છુપાવી હતી. હાલના તબક્કે મહેન્દ્ર આરોપી છે, પરંતુ ખોટી ફરિયાદ આપવા માટે એની માતા પર પણ કાર્યવાહી થશે. ઉપરાંત અકસ્માતની કલમો રદ કરવામાં આવશે.
પુત્રને ખબર નથી કે પિતા મરી ગયા
ઝઘડો થયો એ વખતે મૃતકે દારૂ પીધો હતો. એટલે આરોપીને થયું કે પડી ગયા હશે. ભલે પડ્યા, એમ વિચારીને તે ત્યાંથી નીકળી ગયો. બીજા લોકો તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે પિતા ભરતભાઈ મરી ગયા છે. મહેન્દ્રને ત્યાં સુધી કંઈ ખબર જ નહોતી. એની લાશ લઈને આવ્યા ત્યારે ખબર પડી. જોકે એ પહેલાં અકસ્માતની આખી વાર્તા હોસ્પિટલમાં જ બધાએ તૈયાર કરી હતી. ખરેખર તો આ લોકોએ શરૂઆતમાં જ સાચું કહ્યું હોત તો આટલી હેરાનગતિ ન થાત. મિસ ગાઈડ કરવાને કારણે હવે વધારે હેરાન થશે. મહેન્દ્ર 3 દિવસના રિમાન્ડ પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.