મુકેશભાઈની સદી:વિશ્વના ધનિકોની 100 બિલિયન ડોલર ક્લબમાં મુકેશ અંબાણીની એન્ટ્રી, એક જ દિવસમાં 3 અબજ ડોલરનો વધારો

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે અંબાણી વિશ્વના 10મી સૌથી આમીર વ્યક્તિ
  • ત્રણ વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થ બમણી થઈ ગઈ

ભારતની સૌથી આમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ આજે 8 ઓકટોબર 2021ના દિવસે 100 અબજ ડોલર (અંદાજે રૂ. 7.58 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ પહેલીવાર ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા છે. ગઇકાલે 7 ઓક્ટોબરે કંપનીએ અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (SEI) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. આ જાહેરાત બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.5 અબજ ડોલર (રૂ. 26,273.62 કરોડ)નો વધારો થયો છે.

ત્રણ વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થ 50 અબજ ડોલર વધી
ભારતના પેટ્રોલિયમ જાયન્ટ ગણાતા મુકેશ અંબાણીએ વૈશ્વિક મંદી વચ્ચે પણ પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. ફોર્બ્સના ડેટા મુજબ 2019માં અંબાણીની નેટવર્થ 50 અબજ ડોલર હતી, જે અત્યારે 100 અબજ ડોલર કરતાં પણ વધારે છે, એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ છે. ફોર્બ્સના ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુકેશ અંબાણી છેલ્લાં 14 વર્ષથી પહેલા નંબર પર છે.

100 બિલિયન ડોલર ક્લબમાં આવનારા પહેલા ભારતીય
વિશ્વના અમીરોની 100 બિલિયન ડોલર ક્લબમાં આવનારા મુકેશ અંબાણી પહેલા ભારતીય છે. આજસુધીમાં ભારતના કોઈપણ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન આ ક્લબમાં સામેલ થઈ શક્યા નથી. જોકે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અત્યારે 73 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે અને વીતેલા એક વર્ષમાં અદાણીની સંપત્તિ જે રીતે વધી છે એને જોતાં આગામી એક કે બે વર્ષમાં તેમનો પણ આ ક્લબમાં પ્રવેશ શક્ય છે.

રિલાયન્સનો શેર 3% વધ્યો
અપેક્ષા મુજબ અમેરિકન કંપની 7-ઇલેવન સાથેના જોડાણ બાદ આજે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 100 જેવો ઉછાળો આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે 3 વાગ્યે કંપનીનો શેર આગલા દિવસ કરતાં 3% વધીને રૂ. 2678.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ રિલાયન્સની માર્કેટ કેપ પણ રૂ. 16.78 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
2021માં રિલાયન્સના શેરની મૂવમેન્ટ

મહિનોભાવ (રૂ./શેર)
જાન્યુઆરી1,843.15
ફેબ્રુઆરી2,083.85
માર્ચ2,003.20
એપ્રિલ1,994.45
મે2,160.45
જૂન2,110.90
જુલાઇ2,035.40
ઓગસ્ટ2,259.30
સપ્ટેમ્બર2,517.00
ઓકટોબર2,678.20

સંદર્ભ: BSE

અગાઉ મુકેશ અંબાણી વિશ્વના 5મા સૌથી ધનિક બન્યા હતા
મુકેશ અંબાણી 22 જુલાઇ 2020ના રોજ વિશ્વના 5મી સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એ સમયે તેમની સંપત્તિ 75 અબજ ડોલર હતી. 2020માં કંપનીએ તેનાં ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ 15 અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. આને કારણે કંપનીના શેર્સ પણ ઘણા વધ્યા હતા, જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક, KKR સહિત 10 પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે.