યાદગીરી:1983માં સ્ટેડિયમ બનાવવા માટેની જગ્યા જોઈ ડઘાઈ ગયો હતો, ઊબડખાબડ મેદાનમાંથી મોટેરા બનાવનાર મૃગેશ જયકૃષ્ણએ વર્ણવી જૂની યાદો

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને મોટેરા સ્ટેડિયમનું સ્ટ્રક્ચર બતાવતા મૃગેશ જયકૃષ્ણ (કાળા કોટમાં) અને તેમની સાથે ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. - Divya Bhaskar
તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને મોટેરા સ્ટેડિયમનું સ્ટ્રક્ચર બતાવતા મૃગેશ જયકૃષ્ણ (કાળા કોટમાં) અને તેમની સાથે ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી.
  • 38 વર્ષ પહેલાં મોટેરા સ્ટેડિયમનો પાયો નાખનાર અમદાવાદના ઉદ્યોગપતિ મૃગેશ જયકૃષ્ણએ દિવ્ય ભાસ્કર સાથે પોતાની જૂની યાદો તાજી કરી
  • માત્ર 8 મહિના અને 13 દિવસમાં સ્ટેડિયમ તૈયાર થયું, 1800થી વધારે કામદારો માટે રોજ સવાર-સાંજ માટે જમવાનું બનાવવામાં આવતું હતું

આજે મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવા નામ સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે, પરંતુ આ સ્ટેડિયમનો ઇતિહાસ અને એનો પાયો નાખનાર લોકો પણ એટલા જ આકર્ષક છે; જેટલું આકર્ષક આજે મોટેરા સ્ટેડિયમ લાગી રહ્યું છે. દિવ્ય ભાસ્કરે 1983માં મોટેરા સ્ટેડિયમ બનાવનાર અમદાવાદની મલ્ટીનેશનલ કંપની અસાહી સોંગવોન કલર્સ લિમિટેડના ચેરમેન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પૂર્વ વાઇસ-પ્રેસિડેન્ટ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના પૂર્વ પ્રમુખ મૃગેશ જયકૃષ્ણએ દિવ્ય ભાસ્કર સાથે વગોળ્યા મોટેરા સ્ટેડિયમ બનાવવાના અનુભવો. વાંચો... તેમના જ શબ્દોમાં તેમની યાદો...

દિવ્ય ભાસ્કર સાથે જૂની વાતો શેર કરતા મૃગેશભાઈ. તેમના ઘરે ક્રિકેટરોના સિગ્નેચર કરેલાં ક્રિકેટ-બેટનું મોટું કલેક્શન છે.
દિવ્ય ભાસ્કર સાથે જૂની વાતો શેર કરતા મૃગેશભાઈ. તેમના ઘરે ક્રિકેટરોના સિગ્નેચર કરેલાં ક્રિકેટ-બેટનું મોટું કલેક્શન છે.

વિચાર આવ્યો કે ક્રિકેટ સ્ટેડિયમ બનાવીએ
એ સમયે મોટા ભાગે એચએલ કોલેજમાં ક્રિકેટ મેચના આયોજનો થતાં હતાં. GCAની ઓફિસ પણ એટલી નાની હતી કે એમાં માત્ર 15-20 લોકો જ બેસી શકે એટલી જ જગ્યા હતી. અમે જોયું છે કે દરેક રાજ્યની એક ખાસિયત હોય છે, જેમ કે બંગાળમાં ફૂટબોલ બહુ પ્રચલિત છે અને ત્યાં ઘણાં ગ્રાઉન્ડ પણ છે. એવી જ રીતે ગુજરાત અને ગુજરાતીઓને શેરબજાર અને ક્રિકેટ વગર ના ચાલે. આ વિચારે જ અમને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી.

ગ્રાઉન્ડ માટે જગ્યા જોઈને અમે ડઘાઈ ગયા
ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે અમે રાજ્ય સરકારને જમીન આપવા માટે વિનંતી કરી. એ સમયે માધવસિંહ સોલંકીની સરકાર હતી. તેઓ જમીન આપવા તૈયાર હતા અને સરકારે મોટેરામાં જમીન આપવાનું કહ્યું. અમે સ્ટેડિયમ માટે એલોટ કરાયેલી જગ્યા જોવા ગયા તો જમીન જોઈને અમે થોડીવાર માટે તો ડઘાઈ જ ગયા હતા. એ સમયે મોટેરામાં કોતરો અને ઉજ્જડ જગ્યા જ હતી. અમદાવાદ શહેર આટલું મોટું ન હતું અને તેથી ત્યાં આસપાસ આજની જેમ માનવ વસતિ પણ નહોતી દેખાતી.

અમારી પાસે કોઈ ચોઈસ જ ન હતી
રાજ્ય સરકારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મોટેરામાં જમીન આપી અને જગ્યા જોઈને અમે થોડા સમય માટે કોઈ નિર્ણય પર નહોતા આવી શક્યા. જોકે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ના હતો, એટલે સરકારે અમને જે જગ્યા આપી એ સ્વીકારી અને એના પર જ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય કર્યો.

ગ્રાઉન્ડ લેવલિંગ કરવા જ રૂ. 29 લાખ ખર્ચ થયો
અમારી સામે સૌથી મોટો પડકાર એ હતો કે મોટેરામાં ચારે તરફ કોતરો હતી અને જમીન પણ ઘણી ઊબડખાબડ હતી. આ જમીનને સમથળ એટલે કે એનું લેવલિંગ કરવા માટે જ રૂ. 29 લાખ જેવો ખર્ચ થયો હતો. એ સમયે આટલી મોટી રકમ કાઢવી GCA માટે અશક્ય હતી. આ ખર્ચ કાઢવા માટે અમે સ્ટેડિયમની ડિઝાઇનમાં 8 એર કન્ડિશનર બોક્સ બનાવ્યાં અને એને દેશના જાણીતા ઉદ્યોગગૃહોને રૂ. 4.5 લાખમાં વેચ્યા હતા. આ રીતે અમે લેવલિંગ માટે ખર્ચ કાઢ્યો હતો. આ બોક્સ મફતલાલ ફેમિલી, સિન્ટેક્સ ગ્રુપ જેવા ઉદ્યોગપતિઓને વેચવામાં આવ્યાં હતાં.

પર્સનલ ગેરન્ટી પર બેન્કો પાસેથી લોન લીધી
સ્ટેડિયમ બનાવવા માટે રૂપિયાની જોગવાઈ કરવી એ સૌથી મોટો પ્રશ્ન હતો. સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડથી વધારે રકમની જરૂર હતી અને એસોસિયેશન પાસે એ સમયે આટલું મોટું ફંડ હતું નહીં. પણ... સ્ટેડિયમ તો બનાવવું જ હતું. મિત્રો પાસે મદદ માગી, સહકારી બેન્કોમાં પર્સનલ ગેરન્ટી પર લોન લીધી અને સ્ટેડિયમ બનાવવા માટે ફંડ ભેગું કર્યું.

માત્ર 8 મહિના અને 13 દિવસમાં સ્ટેડિયમ તૈયાર કર્યું
વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમ 1983માં નવેમ્બરમાં ભારતના પ્રવાસે આવવાની હતી અને જો મોટેરા સ્ટેડિયમ તૈયાર ન હોય તો અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાઈ ન શકે. ટૂંકા ગાળામાં ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ તૈયાર કરવું અમારા માટે જરૂરી હતું, એટલે અમે માત્ર 8 મહિના અને 13 દિવસમાં સ્ટેડિયમ તૈયાર કરી દીધું. સ્ટેડિયમ તૈયાર થતું હતું ત્યારે ત્યાં કામ કરતા 1900 જેટલા કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે રોજ સવાર- સાંજ જમવાનું તૈયાર થતું હતું.

જેમણે વાનખેડા બનાવ્યું તેમની પાસે જ મોટેરાની ડિઝાઇન બનાવડાવી
સ્ટેડિયમની ડિઝાઇન અને એનું સ્ટ્રક્ચર કેવું બનાવવું એ નક્કી કરવા અમે જેમણે મુંબઈનું વાનખેડા સ્ટેડિયમ બનાવ્યું હતું એ શશિ પ્રભુનો સંપર્ક કર્યો અને તેમની પાસે મોટેરાની ડિઝાઇન તૈયાર કરાવી હતી. આ ઉપરાંત જે કમિટી બની હતી એમાં સુનીલ ગાવસ્કર, બિશન સિંહ બેદી, પોલી ઉમરીગર, રાજસિંગ ડુંગરપુર, ચંદ્રશેખર, પ્રસન્ના સલાહકાર તરીકે જોડાયા હતા. સુનીલ ગાવસ્કર દર મહિને અમદાવાદ આવી મોટેરાનું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન કરતા હતા અને જરૂરી સલાહ-સૂચનો આપતા હતા. આ બધાની સલાહ મુજબ અમે આગળ વધતા હતા.

મોટેરા સ્ટેડિયમનું ઇન્સ્પેક્શન કરતા સુનીલ ગાવસ્કર અને તેમની સાથે મૃગેશ જયકૃષ્ણ.
મોટેરા સ્ટેડિયમનું ઇન્સ્પેક્શન કરતા સુનીલ ગાવસ્કર અને તેમની સાથે મૃગેશ જયકૃષ્ણ.

અડચણો ઘણી આવી, સપોર્ટ પણ ઘણો મળ્યો
સ્ટેડિયમ બનાવવાનાં કામમાં ઘણા અવરોધો આવ્યા. અમારા પર 15-16 જેટલા કેસ પણ થયા, એમ છતાં અમે હાર ન માની અને અડીખમ રહીને સ્ટેડિયમ બનાવીને જ રહ્યા. આ કામમાં અમને રાજકીય અને સામાજિક બંને રીતે સપોર્ટ મળ્યો હતો. કોંગ્રેસ હોય કે ભાજપ, સત્તાપક્ષ હોય કે વિપક્ષ તમામ પ્રકારના લોકોએ અમને અને અમારા કામને સતત ટેકો આપ્યો હતો અને એટલે જ અમે ટૂંકા ગાળામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી શક્યા.

પહેલી મેચમાં માત્ર 40% ટિકિટોનું વેચાણ થયું
મોટેરા સ્ટેડિયમ બન્યું ત્યારે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પહેલી ટેસ્ટમેચ હતી. સ્ટેડિયમને લઈને વિરોધીઓએ ઘણી વાતો ફેલાવી હતી કે સ્ટેડિયમ શહેરથી ઘણું દૂર છે, પીવાનું પાણી પણ નથી મળતું વગેરે વગેરે... મોટેરામાં ત્યારે 55,000ની બેઠક વ્યવસ્થા હતી અને આવી બધી વાતોને કારણે માત્ર 40% ટિકિટનું જ વેચાણ થયું હતું. બેઠક વ્યવસ્થાની દૃષ્ટિએ મોટેરાની કેપેસિટી વાનખેડા કરતાં વધુ હતી. ટિકિટો ભલે ઓછી વેચાઈ હોય, પણ પહેલી મેચમાં અમારો પ્રોફિટ મુંબઈ કરતાં વધુ હતો.

અન્ય સમાચારો પણ છે...