કટ્ટર ઈસ્લામિક સંગઠન તાલિબાન અત્યારે અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યું છે અને ત્યાંની પ્રજા હેરાન થઈ રહી છે. ભારત અને ગુજરાતમાં અભ્યાસ કરતાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનું માનવું છે કે તેમના દેશની અત્યારે જે હાલત છે તેના માટે ક્યાંકને ક્યાંક પાકિસ્તાન પણ જવાબદાર છે. અફઘાની યુવાનોએ દિવ્યભાસ્કર સાથે પોતાના વતનની, પરિવાર અને મિત્રોની મુશ્કેલી વર્ણવી હતી. ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ અત્યારે સોશિયલ મિડીયામાં 'સેંક્શન પાકિસ્તાન' (#sanctionpakistan)હેશ ટેગ મુવમેન્ટ ચલાવી રહ્યા છે.
પાકિસ્તાન સામે સોશ્યલ મિડીયામાં મોરચો
અમદાવાદમાં અભ્યાસ કરતાં મૂળ કાબુલના મોહમ્મદ આગા જિલ્લાના મોહમ્મદ ખાલિદે દિવ્યભાસ્કર સાથે વાત કરતા કહ્યુ કે હાલ અમારા દેશમાં ઝેર વવાઇ રહ્યું છે, જે દુઃખદ ઘટના છે. માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ વિશ્વભર માટે આ બાબત ચિંતાજનક છે. જેથી અમે પાકિસ્તાન પર નિયંત્રણો મુકીને તેની સાથેના તમામ પ્રકારના વ્યવહારો બંધ કરવા માંગ કરી રહ્યાં છીએ. જેમને તાલિબાન કહેવામાં આવી રહ્યાં છે, તેઓ હકિકતમાં તાલિબાન નથી. તેમના વર્તન મુજબ તેઓ તાલિમ બદ્ધ આર્મીમેન હોય, તેમ લાગી રહ્યું છે, આર્મી પાસે જે હથિયારો હોય છે, એ પ્રકારના હથિયારથી સજ્જ જાણાઇ રહ્યા છે.
પાકિસ્તાનની ચીજ-વસ્તુઓનો અફઘાનમાં બહિષ્કાર
મોહમ્મદ ખાલિદનું કહેવુ છે કે ભારતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના અંદાજે 15 હજાર, ગુજરાતમાં અંદાજે 500 જેટલા જેટલા યુવાનો હેશટેગ 'સેંકશન પાકિસ્તાન' થકી તેમના દેશમાં બની રહેલ ઘટના અંગે વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. કારણ કે આ સ્થિતી સર્જાવા પાછળ પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાનને આર્થિક રીતે નબળુ પાડવા પાકિસ્તાની ચીજ-વસ્તુઓનીનો બહિષ્કાર પણ કરી રહ્યાં છે. વિવિધ દેશમાં પાકિસ્તાનન એમ્બેસી સામે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે, તાલિબાનીઓ જે આંતક ફેલાવી રહ્યાં છે, તે ઇસ્લામની વિરુદ્ધ છે. આ સ્થિતિ પાછળ પાકિસ્તાન હોવાની સાબિતી મળી રહી છે, કારણ કે તાલિબાનના જેમના મૃત્યુ થઇ રહ્યા છે, તેમના દસ્તાવેજો પાકિસ્તાનના છે અને દફનવિધિ માટે પાકિસ્તાન લઇ જવામાં આવી રહ્યાં છે.
તાલિબાની હરકતોને નજરે જોઇ
મોહમ્મદ ખાલિદે ભાસ્કર સાથેની વાતમાં મોટી વાત એ પણ કહી કે, બે મહિના પહેલા ત્યાં હતા ત્યારે તેમને પોતે તાલિબાની હરકતો અંગે સરકારને જાણ કરી હતી. તેમની દિકરી 2-3 દિવસથી શાળામાં નહોતી જતી, જ્યારે તેમને પૂછ્યુ કે કેમ નથી જતી, ત્યારે તેમની દિકરીએ કહ્યું કે શાળા પાસે જ તાલિબાનીઓએ બોમ્બ મુક્યા છે, જે અંગે સરકારને જાણ કરી, સ્થળ પર આવીને બોમ્બને ડિફ્યુસ કર્યો, જેથી શાળાના બાળકો જીવ બચાવી શક્યા. આમ, આ બોમ્બ અંગેની જાણ કરવા પાછળ જીવને પણ જોખમ હતુ, જો કે હિંમત રાખી તે કર્યુ.
અફઘાનમાં રેપ થઇ રહ્યા છે, આંખો કાઢી લેવાય છે
અઝિઝગુલ હુસૈન નામની વિદ્યાર્થિની કે જે મૂળ અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં રહે છે અને હાલ અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે મારી ઉંમરના યુવાનો તેમના દેશમાં ક્યારેય શાંતિ નથી જોઇ. હાલ ત્યાં અનિશ્ચતતાભર્યુ જીવન છે, ઘર છોડીને જવુ તો ક્યાં જવુ છે? તાલિબાનીઓ પોલીસ અને આર્મીના લોકોને શોધી રહ્યા છે અને મારી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં હથિયારો સાથે પાકિસ્તાનીઓ અફઘાનિસ્તાનમાં આવી રહ્યાં છે. તાલિબાનીઓ રેપ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જ્યારે તેઓ ભાગે છે, ત્યારે તેમની આંખો કાઢી લેવાય છે. અભ્યાસ પૂર્ણ થવાથી દેશમાં પરત જવાનું વિચારી રહી હતી પરંતુ ત્યાં હાલની સ્થિતીને જોતા તે શક્ય નથી. પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને મદદ કરે છે, એટલા માટે જ સોશિયલ મિડીયામાં પાકિસ્તાન સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
અમે દૂર છીએ અને અમારા પરિવારમાં ડરનો માહોલ
અમદાવાદમાં અભ્યાસ કરી રહેલા રાશિદ નામના વિદ્યાર્થીનું કહેવુ છે કે અમારી સાથે રહેતા વિદ્યાર્થીઓ સતત પરેશાન અને ચિંચાતુર જણાઇ રહ્યાં છે. જ્યારે પરિવારજનો સાથે વાત થાય છે, ત્યારે આસપાસ હુમલા થવાની વાતો મળી રહી છે. લોકો બોલતા પણ ડરી રહ્યાં છે, અમારા કેટલાય જાણીતાઓને ત્યાં મારવામાં આવી રહ્યાં છે, જે દુઃખદ બાબત છે. પરિવારજનોને પણ બહાર ન નીકળવા માટે કહી રહ્યાં છીએ, ડરનો માહોલ છે, જેથી બંન્ને એકબીજાની ચિંતા કરી રહ્યાં છે, હવે અમે શાંતિ ઇચ્છીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.