ભાવુક કરી દેતો સંઘર્ષ:12 વર્ષ પહેલાં માતાનું મોત, કોરોનામાં નોકરી છૂટી, હિંમત હાર્યા વગર BCA પાસ યુુુવતીએ શરૂ કર્યું પાણીપૂરીનું કાઉન્ટર

એક મહિનો પહેલાલેખક: સારથી એમ. સાગર, કિશન પ્રજાપતિ
  • કોલેજ પછી પિતાને મદદરૂપ થવા શરૂ કરેલી નોકરી કોરોનામાં છૂટી ગઈ
  • જોબ ન મળતાં અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે ટેબલ લગાવી પાણીપૂરી વેચવાનું શરૂ કર્યું
  • સંબંધીઓએ ટોણાં માર્યાં, કહ્યું- ''છોકરી થઈને આ રીતે રોડ પર ઊભી રહે છે?''

'સંતાનમાં દીકરો જ માતા-પિતાનો સાહરો બને', આવી વાતો તમે અનેકનાં મોઢે સાંભળી હશે. જોકે વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. પુત્રોએ માતા-પિતાને તરછોડી દીધાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે દીકરીને સાપનો ભારો માનતા લોકોના ગાલે તમાચા સમાન એક કિસ્સો આવ્યો છે. અમદાવાદમાં માતા વિનાની એક દીકરી પિતાની જિંદગીનો સાહરો બની છે. ધોમધખતા તાપ અને હજારો વાહનોની અવરજવર વચ્ચે BCA પાસ 21 વર્ષની દીકરી પાણીપૂરી વેચી રહી છે. ઘરકામ કરવાની સાથે રોડ પર ટેબલ લગાવીને પાણીપૂરી વેચતી આ દીકરીની આંખમાં પિતા માટે કંઈક કરી છૂટવાની ખેવના સ્પષ્ટ દેખાય છે. મુશ્કેલીમાં નાસીપાસ થતા લોકો માટે આ દીકરીનો જુસ્સો શીખ સમાન છે. પાણીપૂરી વેચતી વખતે અમુક પુરુષોની ખરાબ નજર અને સંબંધીઓનાં મહેણાંટોણાં વચ્ચે દીકરીનો સંઘર્ષ તમને ભાવુક કરી દેશે.

વાત થઈ રહી છે 21 વર્ષની જાનવી કડિયાની. અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે, એમકે ટ્રાવેલ્સની સામે સાંજના સમયે નાસ્તાનું કાઉન્ટર ચલાવતી જાનવી કડિયાની માતાનું 12 વર્ષ અગાઉ નિધન થયું હતું. આ અંગે જાનવી જણાવે છે, "મારી માતાનું બાર વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને લિવરનું કેન્સર હતું. પરિવારમાં હું, મારા પિતા અને દાદી હતાં. દાદીનું પણ એક વર્ષ અગાઉ મૃત્યુ થયું. ત્યારથી પરિવારમાં હું અને મારા પપ્પા જ છીએ."

''પિતાને મદદ થવા શરૂ કરેલી નોકરી કોરોનામાં છૂટી ગઈ''
અમદાવાદના મણિનગરમાં રહેતી જાનવી કડિયાએ વર્ષ 2019માં લોકમાન્ય કોલેજમાંથી BCA (બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કર્યું છે. હાલમાં નાસ્તાનું કાઉન્ટર ચલાવતી જાનવી કહે છે, પિતાને મદદરૂપ થવા કોલેજનાં ત્રીજા વર્ષમાં જ એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં બેક ઓફિસમાં કામ કરતી હતી. કોરોનાની સેકન્ડ વેવમાં ઓફિસ જ બંધ થઈ ગઈ. અન્ય ઘણા લોકોની જેમ મારે પણ ઘરે બેસવાનો વારો આવ્યો. બે મહિના ઘરે બેઠી પછી આ નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું.

''દાદીએ શિખવાડેલું કામ આવ્યું''
તે કહે છે, મને પહેલેથી ફૂડ બનાવવામાં શોખ હતો. વળી, સેકન્ડ વેવ પછી ક્યાંય જોબ પણ મળતી નહોતી. પછી આ સેટઅપ ચાલુ કર્યું. મારે પહેલેથી આ લાઇનમાં જવું જ હતું, પણ પૈસેટકે મારું બેકગ્રાઉન્ડ એટલું સારું નહોતું કે શોપ રાખીને ધંધો કરી ના શકું. એટલા માટે આ રીતે લારી શરૂ કરી. હવે આના પરથી મોટા પર જવું છે. મારા દાદીએ મને બનાવતા શિખવાડ્યું હતું અને મેં ચાલુ કર્યું.

''શરૂઆતમાં ખૂબ તકલીફ પડી''
તે આગળ જણાવે છે, કસ્ટમરને કઈ રીતે બોલાવવા કે કઈ રીતે ભેગા કરવા એ શરૂઆતમાં ખબર નહોતી પડતી, પણ ટેસ્ટ સારો લાગ્યો એમ બધા આવતા ગયા. નવ મહિના પહેલાં હું વસ્ત્રાલ ઊભી રહેતી હતી, પણ ખૂબ દૂર થઈ જતું હતું, એટલે સામે લક્ષ્મણભાઈ વાઘેલા નામના ચાવાળા કાકાને વાત કરી તો તેમણે આ સીટીએમની જગ્યા બતાવી હતી. અહીં ટ્રાવેલ્સની ભીડ વધુ હોય છે. છ મહિનાથી અહીં મારો બિઝનેસ સારો ચાલે છે.

તસવીરમાં જાનવી તેના પિતા પંકજભાઈ કડિયા સાથે. બાજુની તસવીર જાનવીના માતા રંજનબેન છે, જેમનું 12 વર્ષ પહેલાં નિધન થયું હતું.
તસવીરમાં જાનવી તેના પિતા પંકજભાઈ કડિયા સાથે. બાજુની તસવીર જાનવીના માતા રંજનબેન છે, જેમનું 12 વર્ષ પહેલાં નિધન થયું હતું.

''અમુક ખરાબ નજરવાળા કસ્ટમર પણ આવે છે''
લેડીઝ એકલી જુએ એટલે અમુક એવા ખરાબ નજરવાળા કસ્ટમર આવી જાય, પણ હું ઇગ્નોર કરું છું. આપણે તો ઘર ચલાવવાનું છે એટલે ઊભું જ રહેવું પડે ને. રોજના 1200થી 1300 રૂપિયાનો ગલ્લો થઈ જાય છે. મારા ફાધર મને આમાં મદદ કરે છે. મારે આમાંથી મોટી રેસ્ટોરાં સુધી પહોચવું છે એ જ લાઈફનો ગોલ છે. મારો એક ફ્રેન્ડ છે, જે મને સપોર્ટ કરે છે. મારા ફાધર મને બહારથી બધો માલસામાન લાવી આપે છે. હું ઘરે બધી સામગ્રી તૈયાર કરું છું, પછી એ જ મને બીજી બાબતોમાં પણ હેલ્પ કરે છે.

''સંબંધીઓ કહે છે કે છોકરીએ આ રીતે રોડ પર ઊભા ન રહેવાય''
તે વધુમાં કહે છે કે જ્યારે આ વ્યવસાયમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે નજીકનાં સગાંએ આમ કરવાની ના પડી હતી. તેમનું કહેવું છે કે છોકરીથી આ રીતે ના ઊભા રહેવાય. મારા ફાધરને પણ સંભળાવે છે કે તમને ખબર નથી પડતી કે તમારી છોકરીને આ રીતે રોડ પર ઊભી રાખો છો. કોઇની કેવી નજર હોય? હું ખાલી એટલું જ કહેવા માગું છું કે રોડ પર ઊભા રહીને કઈ ખરાબ કામ નથી કરતા. તમારે એને સપોર્ટ કરવો હોય તો કરો, નહીંતર તેને જે કરવું છે એ કરવા દો.

''પિતાજીને ઓપરેશન કરાવવું પડ્યું''
12 વર્ષ પહેલાં માતા અને 1 વર્ષ પહેલાં દાદી ગુમાવી ચૂકેલી જાનવીના પિતાની પણ તબિયત સારી નથી રહેતી. જાનવીના પિતાને બહુ સમયથી હાડકાંનો પ્રોબ્લેમ છે. નોકરી દરમિયાન તેમનો પગ વળી ગયો હતો અને પહેલું લોકડાઉન પૂરું થતાં જ તેમનું ઓપરેશન કરવાનું આવ્યું. તેના પિતા અગાઉ સિક્યોરિટીમાં જોબ કરતા હતા. એ ચાર મહિના પથારીમાં રહ્યા હતા.

ખરેખર 21 વર્ષની દીકરી જાનવીનો સંઘર્ષ જોઈને તમે પણ તેને સલામ કરશો...

અન્ય સમાચારો પણ છે...