• Gujarati News
  • Dvb original
  • More Than 35,000 Jobs Will Be Created In Information Technology Sector Of Gujarat In The Next 6 8 Months

નવા વર્ષના ગુડ ન્યૂઝ:ગુજરાતના IT સેક્ટરમાં આગામી 6-8 મહિનામાં 35,000થી વધુ નોકરીઓ ઊભી થશે

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • જાન્યુઆરી-માર્ચ મહિના દરમિયાન મોટા પ્રમાણમાં હાયરિંગ થઈ શકે છે
  • IT કંપનીઓ અત્યારે અટકેલાં ઇન્ક્રિમેન્ટ, પગારવધારો પણ આપી રહી છે
  • અમેરિકામાંથી બહોળા પ્રમાણમાં ભારતને કામ મળવાની અપેક્ષા

કોરોનાએ દેશ અને દુનિયાની ઈકોનોમીને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને આવી સ્થિતિમાં લાખો લોકોએ નોકરી પણ ગુમાવી હતી, પરંતુ હવે નવું વર્ષ શરૂ થયું છે અને વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર એ છે કે ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ઇન્ડસ્ટ્રીમાં આવનારા 6-8 મહિનામાં મોટા પ્રમાણમાં નવી ભરતી શરૂ થશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ગેસિયા IT એસોસિયેશન)ના ચેરમેન મૌલિક ભણસાલીએ જણાવ્યું હતું કે ભારતમાં ધીમે ધીમે કામ વધ્યું છે અને હવે વેસ્ટર્ન દેશોમાંથી પણ જાન્યુઆરીથી કામ આવવાનું શરુ થશે. આ બધી પરિસ્થિતિઓને જોતાં આવનારા દિવસોમાં IT સેક્ટરમાં અંદાજે 30,000-35,000 નવી નોકરી ઊભી થઈ શકે છે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં જોબનો રેટ 10-15% વધી શકે છે.

કંપનીઓ જાન્યુઆરી પછી હાયરિગ કરશે
દેવ ઇન્ફોકોમના સીએમડી જૈમિન શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં હાલમાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ત્યાંથી કેટલો અને કેવો બિઝનેસ આવશે એ જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થશે. મોટા ભાગની કંપનીઓ હાયરિંગ તો કરશે, પણ આવતા કેલેન્ડર વર્ષમાં. પરિસ્થિતિ સામાન્ય બનશે એ મુજબ કંપનીઓ નવી ભરતી શરૂ કરશે. અમે પણ જાન્યુઆરી પછી હાયરિંગ કરીશું.

હવે ગ્રોથ વધારવા પર IT કંપનીઓનું ફોકસ
મૌલિક ભણસાલીએ કહ્યું હતું કે અત્યારસુધી કંપનીઓએ એમ્પ્લોયી પાસેથી ઘરેથી કામ કરાવી પોતાના વ્યવસાયને ટકાવી રાખ્યો છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે એને જોતાં IT કંપનીઓનું ફોકસ હવે ગ્રોથ કેમ કરવો એના પર છે. પશ્ચિમી દેશોમાં ડિસેમ્બરમાં ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થશે અને જાન્યુઆરીથી નવાં કામના બજેટિંગ પણ થશે. આમાંથી ઘણું કામ ભારતમાં આવવાની શક્યતા છે, એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આવતા કેલેન્ડર વર્ષની શરૂઆતથી IT સેક્ટરમાં નવી ભરતી શરૂ થશે.

જોબ માર્કેટમાં 40% ડિમાન્ડ IT કંપનીઓની
રિક્રૂટમેન્ટ એજન્સી પોસ્ટ અ રિઝયુમના ફાઉન્ડર અને બિઝનેસ હેડ વિપુલ માલીએ જણાવ્યું હતું કે IT અને એની સાથે સંકળાયેલાં સેક્ટર્સ તરફથી નવી રિક્રૂટમેન્ટ વધી રહી છે. અમારી પાસે જે કંપનીઓની ડિમાન્ડ આવે છે એમાંથી 40% આવી કંપનીઓ તરફથી હોય છે. આ અંગે કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોના અને લોકડાઉન બાદ તમામ ક્ષેત્રની કંપની પોતાના સોફ્ટવેર, વેબસાઈટ અને મોબાઇલ એપ અપગ્રેડ કરી રહી છે યા તો નવી બનાવી રહી છે. આવી સ્થિતિમાં IT સેક્ટરમાં કામ ઘણું વધ્યું છે. નવા સંજોગો ઊભા થયા છે તેના લીધે કંપનીઓ પોતાનું IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરી રહ્યા છે, એને કારણે આ સેક્ટરમાં આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં જોબ ક્રિએશન આવશે.

કંપનીઓએ ઇન્ક્રિમેન્ટ આપવાનું શરૂ કર્યું
IT સેક્ટર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં અમેરિકા સહિતના દેશોમાંથી કામ આવવાની શરૂઆત થશે. કંપનીઓને આશા છે કે આવનારા દિવસોમાં કામ જરૂરથી વધશે અને એ જોતાં અત્યારે કંપનીઓએ અટકી પડેલી ઇન્ક્રિમેન્ટ સાઈકલ ફરી શરૂ કરી છે, જે કોરોનાને કારણે અટકી પડી હતી. પેમેન્ટના ઈશ્યુને કારણે ઘણી IT કંપનીઓએ પગારવધારો અટકાવી દીધો હતો, હવે તેઓ ફરી સેલરી રિવ્યુ કરી રહી છે.

ગુજરાતમાં 85-90% કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે
સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેજીન્દર ઓબેરોયે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ઉદ્યોગમાં અંદાજે 3 લાખ લોકો કામ કરી રહ્યા છે. લોકડાઉન શરૂ થયું ત્યારે ગુજરાતમાં આવેલી 3000થી વધુ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું હતું. માર્ચમાં લગભગ 2.25 લાખ લોકો ઘરેથી કામ કરતા થયા હતા અને આજની તારીખે 90% જેટલો સ્ટાફ એટલે કે અંદાજે 3.5 લાખથી વધુ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ સરળ નથી, સૌથી મોટો પ્રશ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આવે છે અને કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરે સેટઅપ કરવા માટે મદદ કરી રહી છે. આ ઉપરાંત સિક્યોરિટીનો પ્રશ્ન આવે છે. લોકડાઉનમાં લોકો હવે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પર ફોકસ કરી રહ્યા છે, જેથી એમ્પ્લોયી અને કંપની બંનેને ફાયદો થાય.

આ પણ વાચો: ગૂગલ, ફેસબુક અને ટ્વિટરની જેમ ગુજરાતની IT કંપનીઓ પણ હવે કાયમી વર્ક ફ્રોમ હોમ કલ્ચરનું વિચારી રહી છે

સરકારી પોલિસીથી ફાયદો થયો
સરકારની પોલિસીમાં ચેન્જ આવ્યા છે, જેનાથી BPOનું કામ કરતી કંપનીઓને ફાયદો થયો છે. હવે વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટ અંગે સરકાર પણ વિચારી રહી છે. જરૂરી નથી કે કામ કરવા મોટા શહેરમાં આવવું, હવેના સમયમાં ગમે ત્યાંથી કામ થઇ શકે છે એટલે નાના સેન્ટરમાંથી પણ નિમણૂક થઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓને તેમજ દિવ્યાંગોને પણ આનાથી સારો લાભ છે. હવે કોઈ કંપનીની ઓફિસ બેંગલુરુમાં હોય તો તેને કર્મચારીને ત્યાં બોલાવવાની જરૂર નહિ. આ બધું કરવાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ બચે છે.