ભાસ્કર એક્સક્લૂસિવદિવ્ય ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ:રાજ્યમાં સરકારી માધ્યમિક શાળા શરૂ કરવાની 300થી વધુ અરજીઓ પેન્ડિંગ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું હોવાના આક્ષેપોને ચરિતાર્થ કરતી હોય એવી વધુ એક હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે. ગુજરાતમાં સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 300થી વધુ અરજીઓ રાજ્યના સ્કૂલ્સ ઓફ કમિશનરની કચેરીમાં પડી રહી હોવાની વિગતોનો ઘટસ્ફોટ થયો છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે ગામના સરપંચથી માંડીને ધારાસભ્યો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ જ સકારાત્મક પરિણામ આવતું નથી.

એક તરફ, કન્યા કેળવણીની વાતો અને બીજી તરફ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર તરફથી તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે જે વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ રહ્યા છે એવા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાંથી જ આ અરજીઓ થવા પામી છે. કચ્છ, દાહોદ, છોટાઉદેપુર તેમ જ બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાંથી આ અરજીઓ આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માધ્યમિક શાળાના ધો.9ને મંજૂર કરીને અરજી મોકલવામાં આવી છે, પરંતુ સ્કૂલ્સ ઓફ કમિશનર કચેરીમાંથી નિર્ણય લેવાતો નથી, જેને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઇ રહ્યા છે અથવા દૂર અભ્યાસ કરવા જવા મજબૂર થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ કોઈપણ શાળા શરૂ કરવી હોય તો એના પ્રથમ વર્ષને મંજૂરી આપવામાં આવે છે, એટલે કે માધ્યમિક શાળા શરૂ કરવી હોય તો પહેલા ધો.9ના વર્ગને મંજૂરી આપવામાં આવે છે. ત્યાર બાદ આપોઆપ વિદ્યાર્થીઓ આગલી કક્ષામાં પહોંચે એમ આગળના ધોરણને મંજૂરી આપવામાં આવતી હોય છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.30-6-99ના ઠરાવથી ગુજરાતમાં શાળાઓના અંતર અંગે ધોરણો નક્કી કરવામાં આવ્યાં હતાં. આ ધોરણો મુજબ ગુજરાતમાં શાળાઓ દૂર દૂર આવેલી હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ પોતાની દીકરીઓને દૂરની શાળામાં અભ્યાસ માટે મોકલવાનું ટાળે છે, જેને કારણે કન્યાઓ અધવચ્ચે અભ્યાસ છોડી દેતી હોવાનું રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ દૂરની શાળામાં અભ્યાસ અર્થે આવવા-જવા માટે વિદ્યાર્થીઓને વાહન ભાડું ચૂકવવું પડે છે. એ ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને પોષાતું નથી અને આવવા- જવામાં સમય વ્યય થતો હોવાથી એની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી હોવાનું પણ સરકારના ધ્યાનમાં આવ્યું હતું.

આ પરિસ્થિતિ તથા કારણો ઉપરાંત રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 5 કિલોમીટરના અંતરે માધ્યમિક શાળા અને 7 કિલોમીટરના અંતરે ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા સૂચવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા 23-1-2009ના ઠરાવથી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનમાં જોડાયું હતું, જેથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નોર્મ્સ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નોર્મ્સમાં સામ્યતા રાખવાના હેતુસર પણ વિભાગના 30-6-99ના ઠરાવમાં સુધારો કરવો જરૂરી હતો, જેથી સરકારે 30-6-99ના ઠરાવમાં સુધારો કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેના અંતરનાં ધોરણોમાં ફેરફાર કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ત્રિજ્યાલક્ષી નોર્મ્સ ઉપરાંત દરેક વિસ્તારની ભૌગોલિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવાની રહેશે. અંતરિયાળ આદિવાસી વિસ્તાર અને ડુંગરાળ પ્રદેશોમાં આ ધોરણોને માત્ર અંતરના આધારે વર્ગીકુત કરવાના સ્થાને વધારે વ્યવહારિક દૃષ્ટિબિંદુ અપનાવવાનું રહેશે. શાળાની મંજૂરીમાં કન્યા કેળવણી અને ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ પર વધારે જોક આપવાનો રહેશે.

આ ઠરાવને અનુલક્ષીને રાજ્યભરમાંથી સરકારી શાળાઓ શરૂ કરવા માટે અનેક અરજીઓ સરકારમાં થઈ હતી. એમાંથી ઘણી શાળાઓને મંજૂરી પણ આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાળાઓની મંજૂરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને કારણે હાલ 300થી વધુ શાળા શરૂ કરવા માટેની અરજીઓ સ્કૂલ્સ ઓફ કમિશનરની કચેરીમાં ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.

શું કર્યો હતો ફેરફાર

શાળાનો પ્રકાર હાલનું ધોરણ - સુધારેલું ધોરણ

માધ્યમિક શાળા

  • સામાન્ય વિસ્તારમાં 10 કિ.મી. 05 કિલોમીટર
  • આદિવાસી વિસ્તારમાં 5 કિ.મી. 05 કિલોમીટર
  • શહેરી વિસ્તારમાં 10,000ની શહેરી વિસ્તારમાં ત્રિજ્યાલક્ષી નોર્મ્સને સ્થાને હાલનું ધોરણ યથાવત્ રાખીને વસતિદીઠ ખાસ કરીને નવા વિકસતા વિસ્તાર અને પછાત એરિયાને અગ્રિમતા આપવાની રહેશે.

ઉચ્ચતર માધ્યમિક શાળા

  • સામાન્ય વિસ્તારમાં 15 કિ.મી. 10 કિ.મી.
  • આદિવાસી વિસ્તારમાં 10 કિ.મી. 07 કિ.મી.
  • શહેરી વિસ્તારમાં 30,000ની શહેરી વિસ્તારમાં ત્રિજ્યાલક્ષી નોર્મ્સના સ્થાને હાલનું ધોરણ યથાવત્ રાખીને વસતિદીઠ ખાસ કરીને નવા વિકસતા વિસ્તાર અને પછાત એરિયાને અગ્રિમતા આપવાની રહેશે.

મંત્રીએ ખાતરી આપી છે છતાં મંજૂરી મળી નથી: ધારાસભ્ય બળદેવજી ઠાકોર
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કલોલ તાલુકાના ગોલથરા ગામે માધ્યમિક સરકારી શાળા શરૂ કરવા માટે અમે છ મહિના પહેલાં અરજી કરી છે. અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ અંગે મંત્રીએ પણ મંજૂરી આપવાની ખાતરી મળી છે છતાં શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. મારા માનવા મુજબ સરકારે 145 જેટલી સરકારી શાળાઓ બજેટમાં મંજૂર કરી છે. એમાંથી 100 જેટલી શાળાઓ શરૂ કરાઈ છે, પરંતુ હજુ 40થી 50 શાળાઓ બાકી હોવાની માહિતી મને મળી છે.

હવે તો એ ગામ સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઈ ગયુ: વી. ડી. ઝાલાવાડિયા, ધારાસભ્ય- સુરત
સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે કામરેજ તાલુકાના કઠોદરા ગામમાં માધ્યમિક શાળા માટે ધો.9ની મંજૂરી માટે અરજી કરી હતી. 2020માં અરજી મંજુર થઇ ગઇ હતી, પણ બજેટમાં આવી નહોતી, પણ હવે સુરત મહાનગરપાલિકામાં 11 ગામડાંનો સમાવેશ થયો છે. એમાં કઠોદરા ગામનો પણ સમાવેશ થઇ ગયો છે, સુરત મહાનગરપાલિકાએ તાજેતરમાં જ 22 ઓરડા મંજૂર કરી દીધાં છે. એનું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે, એટલે હવે કોઇ પ્રશ્ન રહેતો નથી.

ધોરણદીઠ શિક્ષક હોય તો શિક્ષણ થાય, બાકી તો કાગળ પર એનરોલમેન્ટ થાય - વિનોદ રાવ, સચિવ- શિક્ષણ વિભાગ
રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ માગણી પ્રમાણે થતી નથી. જરૂરિયાત પ્રમાણે થાય છે. હવે બધાને પોતાના ગામમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાથી માંડીને બધું શરૂ કરવું છે, પરંતુ એ ના થઈ શકે. હવે જ્યાં સેડો એરિયા ( પછાત વિસ્તાર ) છે અને જ્યાં પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે ત્યાં ના આપીએ અને દરેક ગામમાં જેટલી વધારે શાળાઓ કરશો તો ઉપલબ્ધ બાળકો તૂટીને જ આવવાનાં છે ને. આ રીતે જ શાળાઓ શરૂ કરીને શિક્ષણનો સ્તર ઘટાડયો છે. અમે પણ ગાડીમાં બેસીને 5-6 કિલોમીટર દૂર શાળામાં જતા હતા. હવે સ્કૂલ ટ્રાન્સપોટેશન પર આપણે ફોકસ કરીએ છીએ. 120થી 150 વિદ્યાર્થી હોય તો ધોરણદીઠ શિક્ષક મળે, ધોરણદીઠ વર્ગખંડ મળે. અને ગ્રેડ એપ્રોપિયેટ લર્નિંગ થાય. 40 બાળકો બે ઓરડામાં બેસીને આઠ વર્ષ પૂરાં કરે એ શિક્ષણ ના કહેવાય. કેર સેન્ટર કહેવાય, એટલે જો લર્નિંગ ઇકો સિસ્ટમ કરવું હોય તો ધોરણદીઠ એક શિક્ષક હોય એટલે જો 8 ધોરણ હોય તો ઓછામાં ઓછાં આઠ શિક્ષક હોય તો જ શિક્ષણ થાય.,નહીંતર ફક્ત કાગળ પર એનરોલમેન્ટ બતાવી શકીએ.

સરકારી શાળાઓની બદતર હાલત
તાજેતરમાં માર્ચ-2022માં મળેલી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના રાજ્યના શિક્ષણમંત્રીએ જવાબો આપ્યા હતા. આ જવાબોની માહિતી સંકલિત કરીને કોંગ્રેસે જાહેર કરી હતી. એ મુજબ સરકારી શાળાઓ તેમ જ આંગણવાડીની બદતર હાલત છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાંની ઘટ હોવાનું સરકારે સ્વીકાર કર્યું હતું. એ જ રીતે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકીની 23 શાળામાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી અને 5,439 સરકારી પ્રાથમિક શાળા અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નહીં હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ રાજ્યમાં 7,408 આંગણવાડી ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલતી હોવાનું પણ કોંગ્રેસના ધારાસભ્યોએ તારાંકિત પ્રશ્નોત્તરીમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં પ્રકાશમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...