• Gujarati News
  • Dvb original
  • More Than 3 Lakh Non covid Patients Were Treated In Government Hospitals In Ahmedabad, Vadodara, Surat Between March And May Between Corona.

વોરિયર્સ:કોરોના વચ્ચે માર્ચથી મે દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરતની સરકારી હોસ્પિટલોમાં 3 લાખથી વધુ નોન-કોવિડ દર્દીઓની સારવાર થઈ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • કોવિડની સાથે સરકારી હોસ્પિટલોમાં ઓપરેશન, ડિલિવરી, અકસ્માત સંબંધિત દર્દીની સારવાર થઈ
  • કેટલાક ડોક્ટરોએ કોરોના અને નોન-કોવિડ વોર્ડમાં ફરજ નિભાવી

પાછલા 3 મહિનાથી કોરોનો કહેર વર્તાઇ રહ્યો હતો, એવામાં અન્ય રોગના દર્દીઓની સારવાર પણ મોટો પડકાર હતો. સૌકોઇનું ધ્યાન માત્ર કોરોના પર કેન્દ્રિત હતું, ત્યારે રાજ્યનાં મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડની સાથે નોન-કોવિડ વિભાગમાં ડોકટરોએ અન્ય રોગના 3 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી હતી. કોરોના સિવાય હોસ્પિટલોમાં મોટા ભાગે અકસ્માત, ડિલિવરી તેમજ ઓર્થોપેડિકને લગતા દર્દીના નાના-મોટા ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદ સિવિલમાં કોરોના પીક દરમિયાન સૌથી વધુ ડિલિવરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એમ્બ્યુલન્સની લાગેલી કતારોથી તલવીરોથી સૌકોઈ વાકેફ છે, પરંતુ આ સમયગાળામાં એક તરફ કોવિડથી દર્દીનાં મોત થઇ રહ્યાં હતાં તો બીજી તરફ સિવિલ કેમ્પસમાં ડિલિવરી વિભાગમાં નવજાત બાળકોનાં જન્મ થઇ રહ્યાં હતાં. જાન્યુઆરીથી લઈ મે સુધી સિવિલ હોસ્પિટલમાં 16,535 મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. માર્ચમાં કોરોના પીક પર આવી રહ્યો હતો એ સમયે 4,255 ડિલિવરીના કિસ્સા ઓપરેટ થયા હતા. કોરોનાના કહેરને કારણે સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં કામના ભારણ વચ્ચે સિવિલના સ્ટાફે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.

જે.પી મોદી, સુપરિન્ટેન્ડન્ટ, અસારવા સિવિલ હોસ્પિટલ.
જે.પી મોદી, સુપરિન્ટેન્ડન્ટ, અસારવા સિવિલ હોસ્પિટલ.

બન્ને તરફની કામગીરી મોટો પડકાર હતો
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ જે.પી. મોદીનું કહેવું છે કે કોરોનાની સાથે-સાથે અન્ય દર્દીઓની સારવારને અસર ન પહોંચે એ એક મોટો પડકાર હતો. જૂના બિલ્ડિંગમાં નોન-કોવિડ દર્દીની સારવાર કરવામાં આવતી, જ્યાં અંદાજે 3 હજાર જેટલો સ્ટાફ કાર્યરત હતો. કોવિડની પરિસ્થિતિમાં પણ 13,606 જેટલી મેજર અને માઇનોર સર્જરી તેમજ 253 જેટલી ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી હતી. આ બધું હોસ્પિટલના હેડ અને સ્ટાફના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જરી કર્યા બાદ દર્દી સાથે ડોકટરોની ટીમ (ફાઇલ ફોટો).
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જરી કર્યા બાદ દર્દી સાથે ડોકટરોની ટીમ (ફાઇલ ફોટો).

અમદાવાદ સિવિલમાં કોરોનાની સામે અન્ય દર્દીઓની વધુ સારવાર
અમદાવાદ સિવિલ કેમ્પસમાં માત્ર અમદાવાદ નહિ, પરંંતુ રાજ્યના વિવિધ વિસ્તાર અને અન્ય રાજ્યમાંથી પણ સારવાર કરાવવા માટે આવતા હોય છે. માર્ચથી કોરોના પીક પર આવી રહ્યો હતો, સૌથી મોટી કોવિડ હોસ્પિટલ હોવાથી પ્રાથમિકતા કોવિડની સારવાર કરવાની હતી. સિવિલ કેમ્પસમાં અંદાજે એક લાખ દર્દીઓએ કોવિડની સારવાર લીધી, જ્યારે માર્ચથી લઇ મે મહિના સુધી OPDમાં 1,23,003 દર્દીએ સારવાર લીધી, 15,564 દર્દીએ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લીધી. જોકે જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચ-એપ્રિલમાં અન્ય દર્દીનું પ્રમાણ અડધું થયું હતું.

રાગિણી વર્મા, સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત.
રાગિણી વર્મા, સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત.

સુરતમાં રોટેશન પ્રમાણે તેમને ડોકટરોને કામગીરી સોંપાતી
સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માનું કહેવું છે કે આ સમયગાળામાં 1300થી વધુ મહિલાની ડિલિવરીના કિસ્સા પણ ઓપરેટ કર્યા, જે તેમના માટે મોટી અને ખુશીની વાત હતી. રોટેશન પ્રમાણે ડોકટરોને કામગીરી સોંપવામાં આવતી, જેથી તેમને કોવિડ અને નોન કોવિડના દર્દીની સારવાર કરવામાં સફળતા મળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી લઇ મે સુધીમાં 1,86,500થી વધુ દર્દીની સારવાર થઇ, જ્યારે 12,000થી વધુ દર્દીએ હોસ્પિલમાં દાખલ થઇ સારવાર મેળવી, સાથે-સાથે 9 હજારથી વધુ માાઇનોર અને મેજર સર્જીરી થઇ. ઉપરાંત 758 ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી. જ્યારે તેની સામે કોરોનાના 32 હજાર જેટલા દર્દીની સારવાર કરવામાં આવી. સુરત સિવિલ કેમ્પસમાં જૂના બિલ્ડિંગમાં નોન-કોવિડ દર્દીની સારવાર આપવામાં આવી.

રંજન ઐયર, સુપરિન્ટેન્ડન્ટ, SSG હોસ્પિટલ.
રંજન ઐયર, સુપરિન્ટેન્ડન્ટ, SSG હોસ્પિટલ.

વડોદરાની SSG હોસ્પિટલમાં ડબલ ડ્યૂટી કરી નોન-કોવિડની થઈ સારવાર
વડોદરાની SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે માર્ચથી મે સુધીનો સમય ખૂબ પડકારજનક હતો, સ્ટાફની અછત હોવા છતાં અન્ય દર્દીની સારવાર માટે તેમણે તમામ પ્રયાસ કર્યા, જે-તે વિભાગના વડાઓએ સહિત અન્ય સ્ટાફે ડબલ ડ્યૂટી કરી કોવિડની સાથે નોન કોવિડ વોર્ડમાં અન્ય દર્દીઓની સંભાળ પણ રાખી. હોસ્પિટલમાં 1500 બેડ પૈકી 800 બેડ કોવિડ, જ્યારે બાકીનાં બેડ નોન-કોવિડ દર્દી માટે રિઝર્વ રાખવામાં આવ્યાં હતાં. જાન્યુઆરીથી લઇને મે સુધી કોવિડના 7897 દર્દીની સારવાર થઇ, જ્યારે બીજી તરફ 198478 દર્દીની OPD, જ્યારે 27316 દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર મેળવી. આ સમયગાળા દરમિયાન 15944 જેટલાં નાનાં-મોટાં ઓપરેશન પણ થયાં, જ્યારે 2042 ડિલિવરીના કિસ્સા ઓપરેટ કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...