કડક કાર્યવાહી:સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, ચાર જ મહિનામાં 150થી વધુ ગુના નોંધ્યા, ગુજરાત પોલીસતંત્રમાં ફફડાટ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • સ્ટેટ વિજિલન્સ સેલે ગત વર્ષની સરખામણીમાં 45 જેટલા વધુ ગુના નોંધ્યા, 100થી વધુ દારૂ અને 47 જુગારની રેડ પાડી

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. આ ચૂંટણીને લઈને સરકારની છબિ ખરડાતી બચાવવા અને સરકાર અંગે પ્રજાની સેન્સ જાણવા માટે સરકાર દ્વારા કરાયેલી બદલીમાં કેટલાક અધિકારીઓને આઇબી તથા સ્ટેટ વિજિલન્સ સેલમાં મૂકવામાં આવ્યા છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓની સ્ટેટ વિજિલન્સ સેલમાં નિમણૂક થતાંની સાથે જ ગુનેગારોમાં જ નહીં, બલકે પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સ્ટેટ વિજિલન્સ સેલે જાન્યુઆરીથી 25મી એપ્રિલ સુધીમાં જ દારૂ-જુગારના 150થી વધુ ગુના નોંધીને સપાટો બોલાવી દીધો છે. આ ગુનાઓમાં 3 કરોડના દારૂના જથ્થા સાથે કુલ 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, એમાં પણ ક્વૉલિટી કેસ કરીને પોલીસ-ઇન્સ્પેકટર સહિત ડઝેનક જેટલા પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ થવા પામ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગત 2021ના વર્ષમાં આ જ સમયગાળામાં સેલ દ્વારા કરવામાં આવેલા કેસોની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં 45 જેટલા વધુ ગુના નોંધાયા છે.

રાજ્ય પોલીસદળમાં કડક છાપ ધરાવતા સ્ટેટ વિજિલન્સ સેલના પોલીસ-અધીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક કે.ટી. કામરિયાની દેખરેખ હેઠળ સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ગુજરાતમાં રોજબરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરીને ચકચાર મચાવી દીધી છે. સ્ટેટ વિજિલન્સ સેલની ટીમ જાન્યુઆરીથી 25 એપ્રિલ 2022 સુધીમાં 118 પ્રોહિબિશનના ગુના નોંધીને 3.59 કરોડની કિંમતના દારૂના જથ્થા સહિત 6.43 કરોડનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ગુનાઓમાંથી 71 ક્વૉલિટી કેસ હતા. 1 લાખ કે તેથી વધુ કિંમતના દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય એને ક્વૉલિટી કેસ ગણવામાં આવે છે. એ જ રીતે જુગારના 47 કેસ કરીને 14 લાખથી વધુની રોકડ રકમ સહિત કુલ 70.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમ તો 25 હજારથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, 15 હજારથી વધુ દેશી દારૂનો જથ્થો અને જુગારના કેસોમાં 10 હજારથી વધુ રોકડ જપ્ત કરી હોય એને ક્વોલિટી કેસ ગણવામાં આવે છે.

આ જથ્થો જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાન કે ગોડાઉનમાંથી પકડાયો હોય તો સ્થાનિક પોલીસ-ઇન્સ્પેકટર સહિત જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવતી હતી, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને એમાં સૈદ્ધાંતિક સુધારો કરવામાં આવ્યો છે. હાલ 1 લાખ કે તેથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ નિયમ અંતર્ગત નારોલના પીઆઇ સહિત બે પીએસઆઇ ઉપરાંત રાજકોટના 3 હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલ સહિત ચાર જણા અને મહેસાણા તાલુકાના પોલીસ-ઇન્સ્પેકટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે પાટણ અને વડનગરના પોલીસ-ઇન્સ્પેકટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

ગત 2021ના વર્ષમાં આ જ સમયગાળામાં, મતલબ કે જાન્યુઆરીથી એપ્રિલ 2021ની વાત કરીએ તો પ્રોહિબિશનના 81 ગુના નોંધીને 2,59,62,511ની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ 4,79,13,956નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ 81 ગુનામાં 44 ગણનાપાત્ર (ક્વૉલિટી કેસ) કરવામાં આવ્યા હતા. એ જ રીતે જુગારના 25 કેસ કરીને 10.15 લાખની રોકડ સહિત કુલ 39.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 22 ગણનાપાત્ર (ક્વૉલિટી કેસ) કરવામાં આવ્યા હતા. એની સામે જાન્યુઆરીથી 25 એપ્રિલ 2022ના સમયગાળાની વાત કરીએ તો 118 પ્રોહિબિશનના કેસો કરીને 3.59 કરોડની કિંમતના દારૂના જથ્થા સાથે કુલ 6.43 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, એમાં 71 ગણનાપાત્ર (ક્વૉલિટી કેસ) હતા. જ્યારે જુગારના કેસોની વાત કરીએ તો એના 47 કેસ કરીને 14.04 લાખની રોકડ સહિત કુલ 70.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કરવામાં આવેલા કેસોની વિગત જોઇએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 37 વધુ ગુના નોંધાયા છે. એટલું જ નહીં, પરંતુ 1,00,36,457ની વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને 1.64 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એ જ રીતે જુગારના કેસોની સરખામણી કરીએ તો 22 વધુ ગુના નોંધવામાં આવ્યા છે. તો 3.88 લાખથી વધુની રોકડ અને 31.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...