શિક્ષિકાઓએ વાઘાણીને લાગણીસભર પત્રો મોકલ્યા:'બે હાથ જોડું છું, મારા જેવી અનેક બહેનો તમારા નિયમોને કારણે દુઃખી છે, અમારી રક્ષા કરો'

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • પત્રો વાઇરલ થતાં એ લખનારી શિક્ષિકા સુધી દિવ્ય ભાસ્કર સુધી પહોંચ્યું

રાજ્યની ગ્રાન્ટેડ બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીના પ્રશ્નો છેલ્લાં ઘણાં વર્ષોથી અટવાઈ પડ્યાછે, ત્યારે હવે કંટાળેલી શિક્ષિકા બહેનોએ નાછૂટકે પોતાની મજબૂરી વ્યક્ત કરવી પડી રહી છે. તેમણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાની વ્યથા ઠાલવી છે. રાજ્યની 12 હજાર કરતાં વધુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી 4 હજારથી વધુ શિક્ષિકા છે.

આ તમામ શિક્ષિકા દ્વારા રાજ્ય સરકારને પોતાની બદલીના નિયમો ઘડીને એના લાભ મળી શકે એ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ સરકારે તો આ અંગે કોઈ પગલાં ભર્યાં જ નથી, પરંતુ છેલ્લા 11 મહિનાથી શાસન કરી રહેલી નવી રાજ્ય સરકાર પણ આળસ દાખવી રહી છે. આજે રક્ષાબંધન પર્વ છે ત્યારે આ 4000 મહિલા પૈકી 100થી વધુ શિક્ષિકાએ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને રાખડી મોકલી છે અને સાથે સાથે વેદના ઠાલવતો લાગણીસભર પત્ર પણ લખ્યો છે.

શિક્ષિકાઓએ રાખડી સાથે શિક્ષણમંત્રી વાઘાણીને લાગણીસભર પત્ર પણ લખ્યો છે.
શિક્ષિકાઓએ રાખડી સાથે શિક્ષણમંત્રી વાઘાણીને લાગણીસભર પત્ર પણ લખ્યો છે.

બે હાથ જોડું છું, મારા જેવી અનેક બહેનો બહુ દુઃખી છે: રૂપલ જીવાણી, શિક્ષિકા - દાહોદ
કેન્દ્રીયકૃત ભરતી તો થઈ છે, પરંતુ બદલી નથી થતી, એટલે મારા જેવી અનેક બહેનો બહુ દુઃખી છે. વતનથી દૂર હોવાથી સામાજિક અને વ્યવહારિક કામ નથી કરી શકતી એનું દુઃખ છે. બે હાથ જોડી અને રક્ષાબંધનના પર્વ દિવસે વિનંતી છે કે જિતુભાઈ વાઘાણી અમારી રક્ષા કરે. અમે રક્ષા માગી રહ્યા છે.

રાખડી એટલે મોકલી છે, કેમ કે બહેનની વેદના સમજી શકાય: રાહી ઝા, શિક્ષિકા
મહેસાણા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રાહી ઝા રડતી આંખે કહે છે, રક્ષાબંધનના પવિત્ર પર્વ પર શિક્ષણમંત્રીને એટલી વિનંતી છે કે અમે અમારા ભાઈને રાખડી બાંધવા જઈ શકતા નથી. 500થી 700 કિલોમીટર દૂર છીએ. ઘરની જવાબદારી હોવાથી નોકરી પણ જરૂરી છે, પરંતુ એકલતામાં જીવવું પડે છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના કર્મચારીઓને જ કેમ બદલીના લાભથી વંચિત રાખો છો ? રાખડી મોકલું છું, જેથી બહેનની વેદના સમજી શકો.

રક્ષાબંધનના દિવસે બદલીની ભેટ આપો: દક્ષા કટારિયા, શિક્ષિકા
શિક્ષિકા દક્ષા કટારિયા વેદના વ્યક્ત કરતાં કહે છે, નોકરી સ્થળથી 170 કિ.મી. દૂર છું. રક્ષાબંધનના દિવસે તમે તંદુરસ્તીમય જીવન જીવો એવી શુભેચ્છા. ગર્વ છે કે શિક્ષક છું ,પરંતુ દુઃખ છે કે પરિવારથી દૂર છું. ગ્રાન્ટેડમાં પણ બદલીનો નિયમ આવે અને પરિવાર સાથે અમે સુખમય જીવન પસાર કરી શકીએ એવી અમારી માગ છે. તમે ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે, એમ આ પ્રશ્નો પણ ઉકેલો એવી અમને આશા છે. બદલીની ભેટ રક્ષાબંધનના દિવસે આપો એવી અમારી માગ છે.

રક્ષાનું કવચ આપો - લાખી કંડોરિયા: શિક્ષિકા - સાબરકાંઠા
આપશ્રીને પત્ર અને રાખડી મોકલું છું. વિનંતી છે કે નિયમોમાં ફેરફાર કરી રક્ષાનું કવચ મારા જેવી હજારો બહેનોને આપી પવિત્ર તહેવારનું મૂલ્ય સાર્થક કરશો.

કોર્ટના ચુકાદા બાદ સરકારે ભરતી પોતાના હસ્તક લીધી
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11-2-2011 અગાઉ ભરતીના નિયમો અલગ હતા. જે-તે સમયે સંચાલકમંડળ ભરતી કરતું હતું. જોકે વર્ષ 2016માં આ નિયમોને કોર્ટમાં પડકારવામાં આવતાં એના ચુકાદાને આધીન સરકારે ભરતીના નિયમોમાં ફેરફાર કરીને ભરતીની સત્તા પોતાના હસ્તક લઈ લીધી. કેન્દ્રીય કૃત ભરતીનો નિયમ આવતાં મેરિટને આધીન જ્યાં નોકરી મળે ત્યાં જવું પડે, જેને કારણે વતનથી દૂર ભરતી લેવી પડે અને નિવૃત્તિ સુધી એ જ શાળામાં રહેવું પડે એ પ્રકારનો નિયમ લાગુ થયો. એ નિયમ મુજબ, હાલ સુધી એ જ પદ્ધતિથી ભરતીપ્રક્રિયા ચાલી રહી છે.

નિયમો લાગુ કર્યા, બદલીના નિયમોની જોગવાઈ જ ભુલાઈ
ભરતી નિયમો પ્રમાણે, સરકારે વર્ષ 2016થી સંચાલકમંડળ પાસેથી ભરતીપ્રક્રિયા તો હસ્તક કરી અને મૂળ નિયમોમાં તો સુધારો કર્યો, પરંતુ વિનિમયમાં સુધારો કરવાનો મુદ્દો જ ઉલ્લેખાયો નહિ. જો નિયમોમાં ફેરફાર કરતી વખતે બદલીને લગતી જોગવાઈ કરી હોત તો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીની સમસ્યા ઉદ્ભવી ના હોત.

સમસ્યા કેવી રીતે ઉકેલી શકે ?
સરકાર દ્વારા બદલી પ્રક્રિયાના નિયમો કરવા હોય તો તેણે જ આ અંગે શરૂઆત કરીને સંચાલકમંડળ સાથે ચર્ચા કરવી પડે તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયમાં સુધારો કરવો પડે. જો આ સુધારો કરવામાં આવે તો 12 હજાર શિક્ષકને પડી રહેલી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

શિક્ષિકાઓએ રક્ષાબંધનના દિવસે બદલીની ભેટ આપવાની માંગ કરી છે.
શિક્ષિકાઓએ રક્ષાબંધનના દિવસે બદલીની ભેટ આપવાની માંગ કરી છે.

જૂના શિક્ષકની ભરતી જ વર્ષ 2009થી બંધ છે
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1:3ના પ્રમાણમાં ભરતી કરવાનો અગાઉ નિયમ હતો. નિયમ પ્રમાણે 1 જૂના શિક્ષક સામે 3 નવા શિક્ષકોની ભરતી કરવાની હોય છે. જોકે વર્ષ 2009 બાદ રાજ્ય સરકારે જૂના શિક્ષકની ભરતી જ નથી કરી, એવી જાણકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાંથી જાણકારી મળી રહી છે.

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમમાં સરકારે સુધારા કર્યા
નવી સરકારના વિભાગીય 100 દિવસમાં કામ કરવાના હેતુ અન્વયે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારા કર્યા હતા, જેમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે જવાની તક મળી શકે છે તેમજ પતિ-પત્નીના કિસ્સામાં લાભ મળવાની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...