મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920માં આશ્રમ રોડ પર સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ આજે 100 વર્ષ પછી પણ ગાંધીવિચારો સાથે આગળ વધી રહી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમને શિક્ષણની સાથે સાથે સમૂહ જીવન થકી જીવન જીવવાના પાઠ પણ ભણાવાય છે. ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી પણ અહીં અભ્યાસ માટે આવે છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા પરિવારમાંથી આવે છે, જેમના વાલી પાસે આગળના વર્ષની ફી ભરવાની પણ સગવડ હોતી નથી, પરંતુ આવા વિદ્યાર્થીઓનો પૈસાના અભાવે અભ્યાસ ન બગડે અને કોઈની પાસે હાથ લાંબો કરવાની જગ્યાએ સ્વાભિમાનથી જીવી શકે એ માટે વર્ષ 2015થી શરૂ કરેલો યુવા સ્વાભિમાન કાર્યક્રમ આજે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
8 કલાક કામગીરી કરી વિદ્યાર્થીઓ એક દિવસમાં રૂ.400નું વળતર મેળવે છે
યુવા સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ, સાદરા અને રાંધેજા આમ ત્રણેય પરિસરના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વમાનભેર કામ કરીને શિષ્યવૃત્તિ મેળવે છે. આ કાર્યક્રમમાં જોડાનારા વિદ્યાર્થીઓ પાસે શનિ-રવિ અને વેકેશન દરમિયાન વિદ્યાપીઠ પરિસરની અંદર 8 કલાકની કામગીરી સોંપવામાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કામગીરી કરે છે. આ કામગીરી સામે વિદ્યાર્થીઓને એક કલાકના 50 રૂપિયા લેખે દિવસના 400 રૂપિયા જેટલું વળતર પણ ચૂકવવામાં આવે છે, જેમાંથી આગામી વર્ષની ફી તેઓ સરળતાથી ભરી શકે છે.
7 વર્ષમાં ગૂજરાત વિદ્યાપીઠે 57 લાખ કરતાં વધુની સહાય ચૂકવી
ગૂજરાત વિદ્યાપીઠે 2015થી શરૂ કરેલા યુવા સ્વાભિમાન કાર્યક્રમ થકી ચૂકવેલી સહાય પર નજર કરીએ તો વર્ષ 2015-16માં 12,82,680, રૂ. વર્ષ 2016-17માં 13,91,440 રૂ., વર્ષ 2017-18માં 11,32,090 રૂ.,વર્ષ 2018-19માં 12,18,718 રૂ., વર્ષ 2019-20માં 06,94,140 રૂ., વર્ષ 2020-21માં 11,760 અને વર્ષ 2021-22માં 2,960 રૂ.ની રકમ ચૂકવી છે. આમ, કુલ મળીને અત્યારસુધીમાં ગૂજરાત વિદ્યાપીઠે આ કાર્યક્રમ થકી 57,33,788 રૂ.ની મદદ કરી છે.
વિદ્યાર્થીઓ સ્વાભિમાનથી શિષ્યવૃત્તિ મેળવે એ માટે શરૂ કર્યુંઃ ડો.રાજેન્દ્ર ખીમાણી યુવા સ્વાભિમાન કાર્યક્રમ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો.રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યુું હતું કે આ યોજના છેલ્લાં આઠ વર્ષથી કાર્યરત છે. સામાન્ય રીતે વિદ્યાર્થીને તેની જ્ઞાતિના આધારે કે પછી તેના મેરિટના આધારે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ત્યારે આપનારના મનમાં ઉપકારની ભાવના પેદા થાય છે અને લેનાર વિદ્યાર્થીને થોડો હાથ નીચો રાખીને માગતો હોય એવો ભાવ પેદા થાય છે. એને બદલે સ્વાભિમાનથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવે એ માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. એમાં વિદ્યાર્થી પોતે જાતમહેનત કરીને શિષ્યવૃત્તિ મેળવે છે અને તેમના આગળના વર્ષની ફી પણ એમાંથી ચૂકવે છે, જેને કારણે વિદ્યાર્થીઓના વાલીઓને પણ આર્થિક ભારણ નથી પડતું ને સાથે જ વિદ્યાર્થીઓ પણ આ મહેનતની કમાણીની કિંમત સારી રીતે સમજી શકે છે.
વિદ્યાર્થીઓ કામ કરીને 17થી 18 હજારનું વળતર મેળવે છેઃ જયેશ વાઘેલા
યુવા સ્વાભિમાન કાર્યક્રમનું સંચાલન કરી રહેલા જયેશ વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે યુવા સ્વાભિમાન કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સાથે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ જોડાય છે, જેને પોતાની જાતે સ્વાવલંબી બનીને આગળના વર્ષની ફી ભરવી હોય છે. દર વર્ષે આ કામગીરીમાં 40થી 45 વિદ્યાર્થીઓ વેકેશમાં જોડાય છે, જેમની પાસે કેમ્પસ સફાઈ, ખંભાતી કૂવાની સફાઈ, ધાબાની સફાઈ, અલગ અલગ છોડવાને પાણી પિવડાવવાની સાથે એની માવજત કરવાની કામગીરી સાથે જ કેમ્પસમાં ભેગા થતા કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી સોંપવામાં આવે છે. આમ જેની પરિસ્થિતિ ખરેખર નબળી છે તેવા વિદ્યાર્થીઓ વેકેશનમાં કામગીરી કરીને 17થી 18 હજારનું વળતર મેળવીને પોતાના પરિવારને મદદરૂપ થવાની સાથે આગળના વર્ષની ફી પણ ભરે છે.
આગળના વર્ષની ફી ભરવાની ચિંતા દૂર થઈઃ અનિતા રાઠવા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ કાર્યક્રમમાં કામ કરી રહેલી અનિતા રાઠવા કહે છે, હું છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાંથી ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્યમાં અભ્યાસ કરવા માટે આવી છું. મારા પિતા ખેતમજૂરી કરે છે, જેથી અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. હું જ્યારે 11માં ધોરણમાં હતી ત્યારથી જ વેકેશન દરમિયાન બહાર મજૂરી કરવા જતી હતી, પરંતુ અહીં જ્યારે એડમિશન લીધું ત્યારે જાણ્યું કે અહીં સ્વાભિમાન શિષ્યવૃત્તિ કાર્યક્રમ ચાલે છે, એટલે હું આમાં જોડાઈ છું અને મને ખુશી પણ થઈ રહી છે કે દર વર્ષની જેમ મારે મજૂરી કરવા નહીં જવું પડે. હવે આગળના વર્ષની ફી ભરવાની ચિંતા દૂર થઈ છે.
ગૂજરાત વિદ્યાપીઠ શિક્ષણની સાથે રોજગારી આપે છેઃ હાબેલ ગામીત
છેલ્લાં ચાર વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી રહેલો ગામીત હાબેલ કહે છે, આ સંસ્થા માત્ર શિક્ષણ જ નથી આપતી, શિક્ષણની સાથે સાથે અમને રોજગારી પણ આપે છે. હું એવા પરિવારમાંથી આવું છું કે મારો પરિવાર મારી ફી ભરી શકે એમ નથી, એટલે હું ઘરેથી પૈસા માગવાની જગ્યાએ વેકેશન દરમિયાન સ્વાભિમાન કાર્યક્રમમાં જોડાઈ જાઉં છું. અહીં જે પણ કામ સોંપવામાં આવે એ કરીને રોજગારી મેળવું છું. એવું નથી કે આ કાર્યક્રમમાં માત્ર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જ જોડાય છે, પરંતુ એવા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે, જે પોતાની જાતે પગભર થવા માગે છે.
જાતે પગભર થવા યુવા સ્વાભિમાન કાર્યક્રમમાં જોડાઈઃ અશ્વિના ભાલિયા
એમ.એડ.નો અભ્યાસ કરતી અશ્વિના ભાલિયાએ કહે છે, આવતા વર્ષની ફી માટે મારે મારા પરિવાર પાસેથી પૈસા નથી લેવા. હું મારી જાતે જ કમાઈને મારો ખર્ચો ઉઠાવવા માગું છું, જેથી હું આ કાર્યક્રમમાં જોડાઈ છું, સાથે જ આ કાર્યક્રમના કામના કલાકો સિવાય અહીં મને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવાનો પણ સમય મળી રહ્યો છે, જેથી પૈસા મળવાની સાથે સાથે મારો અભ્યાસ પણ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.