• Gujarati News
  • Dvb original
  • Modi Biden First Meeting Today, Find Out What Issues Will Be Discussed? What Will Be In The Quad Formed To Face China?

ભાસ્કર એક્સપ્લેનર:મોદી-બાઈડેનની પ્રથમ મુલાકાત આજે, જાણો કયા મુદ્દાઓ પર થશે વાતચીત? ચીનનો સામનો કરવા બનેલા ક્વૉડમાં શું-શું હશે?

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાની મુલાકાતે છે. શુક્રવારે મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે. આ મોદી અને બાઈડેનની આમને-સામને પ્રથમ મુલાકાત હશે. આ સાથે જ મોદી ક્વૉડ દેશોની ઈન પર્સન મીટિંગમાં પણ સામેલ થશે.

મોદી-બાઈડેનની મીટિંગનો એજન્ડા શું હશે? ક્વૉડ શું છે? તેમાં કયા દેશો સામેલ છે? આ વખતની સમિટનો એજન્ડા શું હશે? ક્વૉડ દેશોને ચીનથી શું મુશ્કેલી છે? આવો જાણીએ...

મોદી-બાઈડેનની મીટિંગનો એજન્ડા શું હશે?
બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમવાર વડાપ્રધાન મોદીને મળશે. બંને ઓછામાં ઓછી ત્રણ વખત વર્ચ્યુઅલ મીટિંગ કરી ચૂક્યા છે. માર્ચમાં ક્વૉડ સમિટ દરમિયાન, એપ્રિલમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટ અને જૂનમાં યોજાયેલી G-7 સમિટમાં બંને નેતાઓએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. નવેમ્બર 2020માં જ્યારે બાઈડેન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તેના પછી ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી.

વ્હાઈટ હાઉસમાં યોજાનારા મોદી-બાઈડેનની પ્રથમ મુલાકાત દરમિયાન ડિફેન્સ, પારસ્પરિક સંબંધો, ભારતીયોના વિઝાનો મુદ્દો અને ટ્રેડ પર ચર્ચા થવાની સંભાવના છે. કૂટનીતિ અને સંરક્ષણ બંનેના હિસાબે આ સૌથી મહત્વની મીટિંગ હશે.

આ મીટિંગ દરમિયાન આતંકવાદની સાથે અફઘાનિસ્તાન મામલે પણ વાત થશે. આ જાણકારી મોદી અમેરિકાની મુલાકાતે નીકળ્યા એ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ મંગળવારે આપી હતી. આ દરમિયાન ભારત અફઘાનિસ્તાનને લઈને પોતાની ચિંતાઓ પણ બાઈડેન શાસન સમક્ષ વ્યક્ત કરશે. બાઈડેન સાથે મુલાકાત પછી મોદી ક્વૉડ સમિટમાં સામેલ થશે.

ક્વૉડ દેશોની બેઠકમાં કોણ-કોણ સામેલ થશે?
શુક્રવારે જ મોદી ક્વૉડની પ્રથમ ઈન પર્સન મીટિંગમાં પણ સામેલ થશે. આ સમિટમાં વડાપ્રધાન મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા ઉપરાંત પ્રેસિડન્ટ જો બાઈડેન પણ ઉપસ્થિત રહેશે. ચારેય દેશોના વિદેશ મંત્રી અને NSA પણ મીટિંગમાં સામેલ થશે.

આ મીટિંગમાં ચારેય નેતા માર્ચમાં યોજાયેલી વર્ચ્યુઅલ સમિટના પરિણામો પર વાત કરશે. તેની સાથે જ હિન્દ-પ્રશાંત ક્ષેત્રના ભવિષ્ય માટે સહયોગી વ્યૂહનીતિ પર પણ વાત કરશે.

આ વખતની સમિટનો એજન્ડા શું હશે?
આ સમિટ અગાઉ 12 માર્ચે ક્વૉડની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં નક્કી થયેલા એજન્ડા પર આ વખતની બેઠકમાં વાત થશે. આ ઉપરાંત કોવિડ-19, જળવાયુ પરિવર્તન, નવી ટેકનીકો, સાઈબરસ્પેસ અને ઈન્ડો-સ્પેસિફિક ક્ષેત્રને મુક્ત રાખવા જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ફોકસ કરવામાં આવશે.

12 માર્ચે યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં ચારેય દેશોએ કોરોના વેક્સિન બનાવવા માટે પોતાના સંસાધનોને શેર કરવા અંગે સહમતિ વ્યક્ત કરાઈ હતી. તેનો અર્થ એ છે કે ચારેય દેશો પાસે વેક્સિન બનાવવાની જે ક્ષમતાઓ છે, તેમને વધુ આગળ વધારવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે US ઈન્ડો પેસિફિકમાં તમામ સહયોગીઓ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે પરસ્પર સહયોગ વધારવા માટે એક નવું મિકેનિઝમ લાવી રહ્યા છે.

ક્વૉડ શું છે?

  • ક્વૉડ એટલે કે ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ ચાર દેશોને સમૂહ છે. તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સામેલ છે. આ ચારેય દેશો વચ્ચે સમુદ્રી સહયોગ 2004માં આવેલી સુનામી પછી શરૂ થયો.
  • ક્વૉડનો આઈડિયા 2007માં જાપાનીઝ વડાપ્રધાન શિંજો આબેએ આપ્યો હતો. જો કે ચીનના દબાણમાં ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાંથી બહાર રહ્યું. ડિસેમ્બર 2012માં શિંજો આબેએ ફરીથી એશિયાના ડેમોક્રેટિક સિક્યુરિટી ડાયમંડનો કન્સેપ્ટ રાખ્યો, જેમાં ચારેય દેશોને સામેલ કરીને હિન્દ મહાસાગર અને પશ્ચિમી પ્રશાંત મહાસાગરના દેશોને સ્પર્શતા સમુદ્રમાં ફ્રી ટ્રેડને પ્રોત્સાહન સામેલ હતું. આખરે નવેમ્બર 2017માં ચારેય દેશોનું ક્વૉડ ગ્રૂપ બન્યું. તેનો ઉદ્દેશ ઈન્ડો-પેસિફિકના સમુદ્રી માર્ગો પર કોઈપણ દેશ, ખાસ કરીને ચીનનું પ્રભુત્વ ખતમ કરવાનો છે.
  • આજે આ ચારેય લોકતાંત્રિક દેશ સુરક્ષા, અર્થવ્યવસ્થા અને આરોગ્યના મુદ્દાઓ પર એક વ્યાપક એજન્ડા અંતર્ગત કામ કરે છે.

ક્વૉડ દેશોને ચીનથી શું તકલીફ છે?

  • અમેરિકાની પોલિસી પૂર્વ એશિયામાં ચીનને કાબુમાં લેવાની છે. આ કારણથી તેઓ આ ગ્રૂપને ઈન્ડો-પેસિફિક રિજિયનમાં ફરીથી પ્રભુત્વ હાંસલ કરવાની તક તરીકે જૂએ છે. અમેરિકાએ તો પોતાની નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં રશિયાની સાથે-સાથે ચીનને પણ વ્યૂહાત્મક હરીફ કહ્યું છે.
  • ઓસ્ટ્રેલિયાને પોતાની જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિટિક્સમાં ચીનની વધતી રૂચિ અને યુનિવર્સિટીઝમાં તેના વધતા પ્રભાવને લઈને ચિંતા છે. ચીન પર નિર્ભરતા એટલી વધુ છે કે તેણે ચીનની સાથે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ચાલુ રાખી છે.
  • જાપાન છેલ્લા એક દાયકામાં ચીનથી સૌથી વધુ પરેશાન રહ્યું છે, જે પોતાના અધિકાર ક્ષે6ને વધારવા માટે સેનાનો ઉપયોગ કરવામાં પણ અચકાતું નથી. મહત્વપૂર્ણ એ છે કે જાપાનની ઈકોનોમી એક રીતે ચીનની સાથે થનારા ટ્રેડ વોલ્યુમ પર નિર્ભર છે. આ કારણથી જાપાન ચીનની સાથે પોતાની આર્થિક જરૂરિયાતો અને પ્રાદેશિક ચિંતાઓમાં સંતુલન સાધી રહ્યું છે.
  • ભારત માટે ચીનની વધતી સૈન્ય અને આર્થિક તાકાત સ્ટ્રેટેજિક પડકાર છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં દ્વિપો પર કબજો કરી લીધો છે અને ત્યાં મિલિટરી એસેટ્સ વિકસિત કરી છે. ચીન હિન્દ મહાસાગરમાં ટ્રેડ રૂટ્સ પર પોતાનું પ્રભુત્વ વધારવાની કોશિશ પણ કરી રહ્યું છે, જે ભારત માટે ચિંતા વધારનારી વાત છે.