નવા બંધારણ દ્વારા નવા નક્શા સુધીની ભૂલની શ્રેણીમાં બગડેલા ભારત-નેપાળના સંબંધો હવે સુધરવાની દિશામાં છે. ખાસ વાત એ છે કે આર્મી ડિપ્લોમસીને કારણે આ થઈ શક્યું છે. પડોશી દેશના રાજનેતાઓના નિવેદનમાં ભલે કડવાશ આવી હોય પણ બંને દેશના આર્મી વચ્ચેના સંબંધોની ઉષ્મા ક્યારેય ઘટી નથી. હાલમાં જ ભારતના રૉના વડા સામંતકુમાર ગોયલના પ્રવાસ અને હવે 4 નવેમ્બરે ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નવરણેનો નેપાળ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધ સુધારવાની દિશામાં મોટું પગલું ગણાય છે.
નેપાળમાં ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળી આર્મી અને ખાસ કરીને આર્મી ચીફ જનરલ પૂર્ણચંદ થાપાના પ્રયાસોનું આ પરિણામ છે. નેપાળમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પક્ષની અંદરોઅંદરની ખેંચતાણ સુધી ચીનની દખલ હોવા છતાં અહીંનું આર્મી નથી ઇચ્છતું કે ભારત સાથેના સંબંધો ખરાબ કરવાની કિંમતના ભોગે ચીનની નજીક પહોંચવું. ભારત-ચીન મુદ્દે નેપાળ તટસ્થ રહેવા માંગે છે. નરવણેના પ્રવાસ પછી વિદેશમંત્રી કે વિદેશસચિવ સ્તરનો પ્રવાસ શક્ય છે. નેપાળી આર્મીના એક વરિષ્ઠ મેજર જનરલના જણાવ્યા મુજબ અનેક સંદેશા દ્વારા ભારત અને નેપાળના આર્મી ચીફ એ વાત પર સંમત થયા કે બંને દેશોએ તમામ સ્તરે વાતચીત શરૂ કરવી જોઈએ. જેથી ખોટા ભ્રમ દૂર થાય અને ત્રીજા પક્ષને રમત રમવાની તક ના મળે. 2016માં ભારત આવી ચૂકેલા અને વાતચીતની પહેલ કરનારા થાપા માને છે કે આ સ્પષ્ટ સંદેશો આપવાની તક પણ છે કે ભારત અને ચીન વચ્ચે નેપાળ તટસ્થ છે.
નેપાળના પ્રવાસ દરમિયાન 5 નવેમ્બરે નરવણેને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડાળી નેપાળી આર્મીના માનદ ચીફ તરીકે સન્માનશે. એવી પરંપરા છે કે બંને દેશોના આર્મી ચીફ એકબીજાના દેશના આર્મીના માનદ ચીફ હોય છે. આ સાથે જ વાતચીતનો સિલસિલો શરૂ થશે. નરવણે રાષ્ટ્રપતિ ભંડારી અને તેમના સમકક્ષ જનરલ થાપા સાથે પણ વાતચીત કરશે.
ઓલીને આશા હતી કે પહેલા ડોભાલ આવશે, પણ ભારતે રૉના ચીફને મોકલ્યા
જૂન મહિનાના અંતમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડમાં આંતરિક વિવાદ ચરણસીમાએ હતો. જો કે પીએમ ઓલીએ નાટકીય રૂપે તેને નેપાળમાં ચીની રાજદૂતની મદદથી ઉકેલ્યો. ઓલીએ પક્ષમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને ભારત સાથે સંબંધ સુધારવા પર જોર આપ્યું. ઓલીએ પીએમ મોદી સાથે 15 ઓગસ્ટે વાતચીત કરી. સૂત્રો કહે છે કે હવે બંને પક્ષો ઔપચારિક ચર્ચા માટે સહમત છે. ત્યારપછી ઓલી રાહ જોતા હતા કે ભારતના એનએસએ ડોભાલ કે વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા આવશે પણ ભારતે નક્કી કર્યું કે પહેલા રોના વડા અને પછી આર્મી ચીફને મોકલવા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.