તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • MF, Traditional Post Schemes Against SIP Weakened, 10 50% Reduction In Number Of Investors In Postal Department Schemes

ટ્રેન્ડ બદલાયો:MF, SIP સામે પોસ્ટની પરંપરાગત યોજનાઓ નબળી પડી, પોસ્ટલ ડિપાર્ટમેન્ટની સ્કીમમાં ઇન્વેસ્ટર્સની સંખ્યામાં 10-50% ઘટાડો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • વ્યાજદરમાં ઘટાડો અને સમયમર્યાદા વધી જવાથી રોકાણકારો પોસ્ટની રોકાણ યોજનાથી દૂર થઈ રહ્યા છે
  • જોકે PPF, સિનિયર સિટિઝન અને નવી આવેલી સુકન્યા સમુદ્ધિ યોજનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો

હાલના સમયમાં લોકોને રોકાણ માટે અનેક વિકલ્પો મળી રહ્યા છે, જેને કારણે પોસ્ટ વિભાગની પરંપરાગત બચત યોજનાઓથી લોકો દૂર જઈ રહ્યા છે. જાણકારોના મતે, આમ થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કિસાન વિકાસપત્ર, સેવિંગ અકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે પોસ્ટલ યોજનાઓમાં વ્યાજદરમાં સતત ઘટાડો થયો છે. એની સામે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, SIPમાં તેના કરતાં વધુ વળતર મળી રહ્યું છે. બીજી તરફ, સિનિયર સિટિઝન, PPFની સાથે સુકન્યા સમુદ્ધિ યોજના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે, જેમાં વ્યાજદર સૌથી વધુ હોય છે, એમાં રોકાણનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.
KVP, NSC, NSS, SBમાં રોકાણકારો ઘટ્યા
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પોસ્ટ વિભાગની બચત તેમજ રોકાણલક્ષી યોજનાઓમાં ઈન્વેસ્ટર્સની સંખ્યામાં 10-50% જેવો ઘટાડો થયો છે. સેવિંગ અકાઉન્ટમાં અન્ય સ્થાન કરતાં વ્યાજનો દર વધુ હોવા છતાં બચત ખાતામાં 49% રોકાણકારો ઘટ્યા છે. NSSમાં 27%, KVPમાં 14.06% ઈન્વેસ્ટર્સ ઘટ્યા છે. RD એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં પણ વ્યાજદર પાછલાં ત્રણ વર્ષમાં સતત ઘટી રહ્યા છે. હાલ RDમાં વ્યાજદર 5.8 નોંધાયેલા જોવા મળી રહ્યા છે.

રોકાણકારો ઘટ્યા, પરંતુ પોસ્ટ વિભાગ પર લોકોનો વિશ્વાસ કાયમ છે
ગુજરાત પોસ્ટ સર્વિસના ડિરેકટર એસ.એન દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે પોસ્ટ વિભાગની સૌથી મોટી ખાસિયત એ છે રોકાણકારો માટે સૌથી વિશ્વસનીય વ્યવસ્થા છે. લોકોનો પોસ્ટ ઓફિસની બચત ખાતા પર વર્ષોથી વિશ્વાસ ટકેલો છે. ઉપરાંત વ્યાજના દરમાં રોકાણકારોને ફાયદો થતો હોય છે, પરંતુ કેટલીક યોજનામાં હવે મેચ્યોરિટીનો સમય લંબાયો છે, જેથી લાંબા સમયગાળાના રોકાણવાળી યોજનામાં લોકોની રુચિ ઘટી છે. જોકે તેની સામે PPF, SSA, SCSS જેવી યોજનામાં રોકાણકારો વધ્યા છે.

પોસ્ટમાં રોકાણ અને ઉપાડની જટિલ પ્રક્રિયા
ઇન્વેસ્ટર પોઇન્ટના જયદેવ ચૂડાસમાના કહેવા પ્રમાણે, નવી જનરેશન માટે SIP, મ્યુચ્યુઅલ ફંડ, IPO વગેરે જેવાં રોકાણ માટેના વિકલ્પો ઊભા થયા છે, જેથી પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં લોકોનો ઝુકાવ ઘટ્યો છે. માત્ર એટલું જ નહિ, પરંતુ પોસ્ટ વિભાગને બદલાતા સમયની સાથે ડિજિટલ સેવાનો વિકલ્પ આપવામાં સફળતા નથી મળી. એટલે કે પોસ્ટના રોકાણમાં ખાતાધારકને પોતાના રોકાણ અંગેની માહિતી મેળવવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટ પર આધાર રાખવો પડે છે, જ્યારે હાલના રોકાણના વિકલ્પોમાં પૈસા લેવા, ઉપાડવાની પ્રક્રિયા સરળ રહે છે, જેથી પોસ્ટ પ્રત્યે લોકોનો ઝુકાવ ઘટ્યો છે.

PPF, SCSS, SSAમાં રોકાણકારો વધ્યા
પાછલાં 3 વર્ષ દરમિયાન પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ પૈકી સૌથી વધુ PPFમાં રોકાણકારોની સંખ્યા વધી છે. જોકે ગત વર્ષથી તેના વ્યાજદર 7.10 ટકા પર સ્થિર જોવા મળી રહ્યા છે. આ સિવાય ગત વર્ષની સરખામણીએ સિનિયર સિટીઝન સેવિંગ અકાઉન્ટ (SCSS)માં પણ 24% વધારો જોવા મળ્યો છે. સિનિયર સિટિઝનોને રોકાણ માટે પોસ્ટ વિભાગની આ યોજનામાં વ્યાજદર વધુ હોવાથી આ યોજનામાં એના રોકાણકારો વધ્યા છે. ઉપરાંત SSA બચત ખાતામાં પણ વ્યાજના દર સૌથી વધુ જોવા મળ્યા છે, સાથે-સાથે MISમાં દર મહિને વ્યાજ મળે છે. એટલું જ નહિ, પરંતુ દર મહિને મળતા વ્યાજને પણ એ યોજનામાં રોકાણ કરવાની તક આપવામાં આવે છે.

નવરંગપુરા પોસ્ટ ઓફિસ (ફાઇલ ફોટો).
નવરંગપુરા પોસ્ટ ઓફિસ (ફાઇલ ફોટો).

જાહેર સ્થાનો પર કેમ્પ કરી પોસ્ટની યોજનાઓ અંગે માહિતી અપાય છે
નવરંગપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહના જણાવ્યા પ્રમાણે, ખાનગી અને નેશનલાઇઝ બેંક કરતાં વ્યાજનો દર વધુ હોવાથી લોકો રોકાણ તો કરી જ રહ્યા છે. અગાઉનાં વર્ષોમાં KVPમાં રોકાણ કરનારા ખાતેદારોને સર્ટિફિકેટ આપવામાં આવતાં, પરંતુ હવે ખાતાધારકોની સગવડતા માટે પાસબુક આપવામાં આવે છે. લોકો પોસ્ટ વિભાગની બચત યોજનાઓમાં રોકાણ કરે તે માટે પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકોને પોસ્ટની વિવિધ યોજનાઓ અંગે માહિતી પણ આપતા હોય છે, સાથે સાથે જાહેર સ્થળો પર કેમ્પ યોજીને સુકન્યા સમુદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે લોકોને પ્રેરિત કરે છે, ઉપરાંત પ્રતિષ્ઠિત લોકોને ગરીબ કે મધ્યમવર્ગીય દીકરીઓ માટે SSA ખાતા ખોલવા માટે સંપર્ક કરે છે, જેમાં પણ સફળતા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...