ભાસ્કર એક્સક્લૂસિવકહાની 9000 મૃતદેહ ચીરનારી ગુજરાતની એક મહિલાની:‘અચાનક મારી સામે એક મૃતદેહ આવ્યો ને ચહેરો જોતા પગ નીચેથી જમીન સરકી, ટાંકા લેતાં હાથ ધ્રૂજ્યા ને આંખો ભીની થઈ’

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
  • કૉપી લિંક

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારી મહામારી જેટલી ગંભીર બની રહી છે, આ બીમારી એટલે હાર્ટ એટેક. ખાસ કરીને હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યાં છે અને આ ગંભીર સ્થિતિને લઈ સરકારની સાથે-સાથે આરોગ્ય નિષ્ણાતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં એક મહિનામાં પાંચથી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ ફરી કોરોના અને H3N2ના કેસો પણ વધવા લાગ્યા છે. હાલ સમગ્ર વિશ્વ માટે આરોગ્ય એક મોટો પડકાર બન્યું છે. આ સ્થિતિ વચ્ચે પણ આપણા આરોગ્યકર્મીઓ ખડેપગે રહીને સેવા બજાવી રહ્યા છે. જો કે આ આરોગ્યકર્મીઓમાં એક આરોગ્યકર્મી સૌથી અલગ તરી આવે એવા છે. તેને તમે કોરોના વોરિયરથી લઈ એક હિંમતવાન મહિલા પણ કહી શકો.

2001માં સોલા સિવિલમાં સાફ-સફાઈનું કામ શરૂ કર્યું
વર્ષ 2001માં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કેસરિયાજીની રહેવાસી એક 26 વર્ષની મહિલા નોકરીની શોધમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ ભણેલી આ મહિલાને સિવિલમાં સર્વન્ટ તરીકે નોકરી આપવામાં આવે છે. જેમાં તેમને પોસ્ટમોર્ટમ રૂમની સાફ-સફાઈની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ સમય જતાં આ મહિલા કોઠાસૂઝ અને અનુભવના આધારે ડોક્ટરની સહયોગી બની ગયાં અને ડોક્ટર સાથે પોસ્ર્ટમોર્ટમની કામગીરી સંભાળવા લાગ્યાં. ઉલ્લેખનીય છે કે, 8 માર્ચના રોજ એટલે કે મહિલા દિવસ નિમિત્તે આ મહિલાના હાથે સિવિલ હોસ્પિટલમાં કેક કાપવામાં આવી હતી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સોલા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરી રહેલાં શાંતાબહેન.
સોલા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરી રહેલાં શાંતાબહેન.

હાલ 48 વર્ષનાં શાંતાબહેન પરમાર નામના આ મહિલા છેલ્લાં 22 વર્ષથી સોલા સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. આ 20 વર્ષ દરમિયાન તેમણે સંભવતઃ દેશમાં ડોક્ટરના સહયોગી તરીકે સૌથી વધુ પોસ્ટમોર્ટમ કર્યાં છે. તેમણે કરેલા પોસ્ટમોર્ટમ અને તેમની જિંદગી વિષે જાણવા દિવ્ય ભાસ્કરે શાંતાબહેન તથા સોલા સિવિલ હોસ્પિટલના RMO પ્રદીપ પટેલ સાથે વાતચીત કરી હતી.

...ને એક દિવસ પોસ્ટમોર્ટમ સહાયક જતા રહ્યા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શાંતાબહેન પરમારે જણાવ્યું કે, હું 2001થી સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. પહેલાં સર્વન્ટ તરીકે સેવા બજાવતી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રૂમની સાફ-સફાઈ કરતી હતી. ત્યારબાદ એકવાર પોસ્ટમોર્ટમ કરનાર સહાયક જતા રહ્યા તો મને પોસ્ટમોર્ટમ કરવામાં રસ જાગ્યો એટલે મેં પોસ્ટમોર્ટમમાં આસિસ્ટ કરવાનું શરૂ કર્યું.

‘એક સમયે હું ઇન્જેક્શનથી પણ ડરતી’
શાંતાબહેન પોતાને શરૂઆતના સમયમાં કેવો ડર લાગતો તે અંગે કહે છે કે, પોસ્ટમોર્ટમ રૂમમાં જતાં પણ લોકો ડરે છે ત્યારે હું ગમે તે સમયે પોસ્ટમોર્ટમમાં રૂમમાં જાઉં છું. શરૂઆતના સમયમાં તો મને ઇન્જેક્શનથી પણ ડર લાગતો હતો. પરંતુ ધીરે ધીરે મારો આ ડર દૂર થતો ગયો હતો. હવે હું કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોસ્ટમોર્ટમમાં સહયોગી તરીકે કામ કરું છું. શરૂઆતમાં હું સર્વન્ટ તરીકે કામ કરતી હતી. ત્યારબાદ ધીરે ધીરે બધું શીખી અને હું પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ચીરવાનું અને પોસ્ટમોર્ટમ થઈ જાય પછી તેને ટાંકા લેવાનું તેમજ મૃતદેહને પેક કરવાનું પણ કામ કરું છું.

સગાંસંબંધીઓનો મૃતદેહ આવે ત્યારે તે મૃતદેહ ખોલતા હું ધ્રૂજી જતી હતીઃ શાંતાબહેન.
સગાંસંબંધીઓનો મૃતદેહ આવે ત્યારે તે મૃતદેહ ખોલતા હું ધ્રૂજી જતી હતીઃ શાંતાબહેન.

‘અઠવાડિયા સુધી તો ચેન નહોતું પડ્યું’
પોસ્ટમોર્ટમ કરવા માટે ડોક્ટરના સહયોગી તરીકે કામની શરૂઆત કરી તે સમયે કેવો ડર લાગતો હતો તે અંગે શાંતાબહેને જણાવ્યું કે, સર્વન્ટમાંથી પોસ્ટમોર્ટમમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અઠવાડિયા સુધી તો મને ક્યાંય ચેન નહોતું પડતું કારણે કે દિવસની શરૂઆત થાય અને મૃતદેહ જોવાના આવે ત્યારે મને લાગતું કે આ કામ આપણું નથી કારણ કે પહેલાં કોઈ દિવસ સોઇ પણ નહોતી લગાવી અને હવે દરરોજ મૃતદેહ જોવાના અને તેને ચીરવાના થાય એટલે મને બહુ બીક લાગતી હતી.

‘મારા હાથ ધ્રૂજી રહ્યા હતા અને મારી આંખો ભીની હતી’
શાંતાબહેને પોતાની જિંદગીનો એક દુઃખદ કિસ્સો જણાવતા ઉમેર્યું કે, ત્યારબાદ ધીમે ધીમે આ કામ મને સેવાનું કામ લાગ્યું. હું જ્યારે પોસ્ટમોર્ટમમાં કામ કરતી હોઉં અને ખાસ કરીને કોઈ સગાંસંબંધીઓનો મૃતદેહ આવે ત્યારે તે મૃતદેહ ખોલતા હું ધ્રુજી જતી હતી અને આખો દિવસ મનમાં વિચારો આવતા કે આમનું પોસ્ટમોર્ટમ હું ના કરું. મને આવો જ કિસ્સો યાદ આવે છે. આજથી 20 વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં રીનાબહેન નામની મહિલાએ મને સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવી હતી. ત્યાર બાદ થોડાં વર્ષ પછી રીનાબહેન સેવા નિવૃત્ત થયાં. એક દિવસ દરરોજની જેમ હું પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત હતી ત્યારે અચાનક જ મારી સામે એક મૃતદેહ આવ્યો અને તેનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું. જેથી મેં પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યું. પરંતુ મારી નજર તેમના ચહેરા પર જતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે જેમણે મને નોકરી અપાવી હતી તે રીનાબહેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મારી સામે પડ્યો હતો. પોસ્ટમોર્ટમમાં મૃતદેહ ચીરતી વખતે અને પોસ્ટમોર્ટમ બાદ જ્યારે રીનાના મૃતદેહના ટાંકા લઈ રહ્યા હતા ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારી આંખો ભીની હતી.

‘કોઈ વાર મારા પૈસામાંથી મૃતદેહ ઢાંકવા કપડું લાવું છું’
શાંતબેહેને આગળ કહ્યું કે, સાહેબ બિનવારસી મૃતદેહ આવે ત્યારે તેનું કોઈ વાલી કે વારસ પણ હોતું નથી કોઈ વાર મારા પૈસામાંથી તેને ઢાંકવા માટે કપડું પણ હું જ લઈ આવું છું, જેનો 200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આપણે તો સેવા જ કરીએ છીએ તો પછી એમાં કહેવાનું ક્યાં આવે, આ પણ સેવાનું જ કામ છે એટલે તો હું આ કામ કરું છું, એમાં હું કોઈ ઉપકાર કરતી નથી.

મહિલા દિવસ નિમિત્તે સોલા સિવિલમાં શાંતાબહેન (ગ્રીન અને રેડ સાડી)ના હાથે કેક કપાવી તેનું સન્માન કર્યું હતું.
મહિલા દિવસ નિમિત્તે સોલા સિવિલમાં શાંતાબહેન (ગ્રીન અને રેડ સાડી)ના હાથે કેક કપાવી તેનું સન્માન કર્યું હતું.

શાંતાબહેનના પરિવારમાં કોણ કોણ છે?
પોતાના પરિવાર અંગે શાંતાબહેને જણાવ્યું કે, મારા પરિવારમાં બે છોકરી અને બે છોકરા છે. મારા આ બધાં સંતાનોના લગ્ન પણ કરાવી દીધાં છે. જ્યારે મારા પતિ ગામડે રહે છે અને ખેતીકામ કરે છે.

શાંતાબહેનની કામગીરી અને પોસ્ટમોર્ટમ કઈ રીતે થાય છે તે અંગે જાણવા દિવ્ય ભાસ્કરે સોલા સિવિલ હોસ્પિટલના RMO પ્રદીપ પટેલ સાથે વાતચીત કરી હતી.

અત્યાર સુધી 9 હજાર જેટલા પોસ્ટમોર્ટમ માટે આસિસ્ટ કર્યું
સોલા સિવિલ હોસ્પિટલના RMO પ્રદીપ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. મેડિકલ ઓફિસર કહે કે અહીં ચેકો મૂકો, હાથ નાંખીને આ અંગ બહાર કાઢો એ પ્રમાણે તે કોઈ મૃતદેહને ચીરવાનું અને ટાંકા લેવાનું કામ શાંતાબહેન કરે છે. તેની સાથે સાથે તેઓ પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ મૃતદેહને પેક કરવાનું અને સાફ-સફાઈ કરવાનું પણ કામ કરે છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં વર્ષના અંદાજિત 475 જેટલાં પોસ્ટમોર્ટમ થાય છે. આ અંદાજ મુજબ ગણતરી કરીએ તો 20 વર્ષમાં શાંતાબહેને આસિસ્ટન્ટ તરીકે 9 હજાર જેટલા પોસ્ટમોર્ટમ કર્યા હોવાની શક્યતા છે. સોલા સિવિલના પોસ્ટમોર્ટમ સિવાય બોપલ-ઘુમા CHCમાં પણ પોસ્ટમોર્ટમ રૂમ નથી, ત્યાં જે પોસ્ટમોર્ટમ આવે એ પણ સોલા સિવિલના મેડિકલ ઓફિસર જ કરે છે અને તેમાં પણ શાતાબહેનની આસિસ્ટન્ટ તરીકે મદદ લેવામાં આવે છે. જેમાં વર્ષે 25થી 30 પોસ્ટમોર્ટમ થાય છે.

સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર પ્રદીપ પટેલ.
સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર પ્રદીપ પટેલ.

‘અઠવાડિયા સુધી વિચારોમાં ખોવાઈ જતાં’
પોસ્ટમોર્ટમ રૂમ એટલે ભૂતનો રૂમ એ માન્યતા અંગે રેસિડન્ટ મેડિકલ ઓફિસર પ્રદીપ પટેલ કહે છે કે, આ એક ભ્રમ છે કે પોસ્ટમોર્ટમ રૂમ એટલે ભૂતનો રૂમ. શરૂઆતના સમયમાં શાંતાબહેનને પણ ડર લાગતો હતો. તેઓ અઠવાડિયા સુધી વિચારોમાં ખોવાઈ જતાં કે આ કામ આપણું નથી. પરંતુ એ મનથી નીડર હતાં એટલે એમણે આ કામ શરૂ કર્યું. કોઈક વાર ઇમર્જન્સી સમયે રાત્રે કે એક્સિડન્ટ સમયે પોસ્ટમોર્ટમ કરવું પડે તો અમે શાંતાબહેનને ઘરેથી પણ બોલવીએ છીએ. ખાસ કરીને પોસ્ટમોર્ટમ રૂમમાં કોઈ કામ કરવા પણ તૈયાર હોતું નથી. જેથી 20 વર્ષથી આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકે એ માટે અમને શાંતાબહેન સિવાય પોસ્ટમોર્ટમ રૂમમાં બીજા કોઈ વ્યક્તિ પણ મળ્યા નથી. છેલ્લા 2 વર્ષમાં 950 જેટલા પોસ્ટમોર્ટમ કર્યા છે. દર વર્ષે સરેરાશ 475 પોસ્ટમોર્ટમ થયા છે.

પરિવારજનો મૃતદેહથી દૂર ભાગતા છતાં શાંતાબહેને તેને પેક કરતા
જ્યારે કોરોનાકાળમાં શાંતાબહેને કરેલી કામગીરી અંગે પ્રદીપ પટેલ કહે છે કે, કોરોનામાં પોઝિટિવ હોય તેવા લોકોનું મોત થાય તો પોસ્ટમોર્ટમ નહીં કરવાનો નિયમ હતો એટલે પોસ્ટમોર્ટમ નહોતા કરતા. પરંતુ કોરોનાથી મોતને ભેટેલા લોકોના મૃતદેહને જ્યારે સંબંધી કે તેમનાં પરિવારજનો હાથ પણ નહોતા લગાડતા એ સમયે શાંતાબહેન સોલા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પ્લાસ્ટિકના કવરથી પેક કરવાનું પણ કામ કરતા હતા. કોરોનાની ત્રણેય લહેરમાં તેમણે અનેક મૃતદેહને પ્લાસ્ટિકથી પેક કર્યા હતા.

‘9 હજાર લાશ જોવી એ એક સાહસનું કામ’
શાંતાબહેને સૌથી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમમાં આસિસ્ટ કરવા અંગે સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે જણાવ્યું કે, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આખા ગુજરાતમાં કોઈ મહિલાએ 9 હજાર પોસ્ટમોર્ટમમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હોય અને પોસ્ટમોર્ટમમાં સહયોગી રહ્યા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એક મહિલા તરીકે 9 હજાર લાશો જોવી અને તેના પોસ્ટમોર્ટમ કરવામાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવું તે સાહસનું કામ છે. આ પ્રકારની સાહસી કામગીરી કરવા બદલ અમે દર વર્ષે શાંતાબહેનનું સન્માન પણ કરીએ છીએ. તેમની સાથેના ચીફ મેડિકલ ઓફિસર બદલાતા રહ્યા છે, પરંતુ છેલ્લાં 20 વર્ષથી શાંતાબહેન તો એકના એક જ છે.

પોસ્ટમોર્ટમ એટલે શું?
પોસ્ટમોર્ટમ શું કામ કરવામાં આવે છે તે અંગે પ્રદીપ પટેલે જણાવ્યું કે, જ્યારે કોઈ બનાવમાં કે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન છે, કોઈ પણ વ્યક્તિના મૃત્યનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સહમતી લેવી પણ જરૂરી હોય છે. જો કે, હત્યા જેવા કેટલાક કેસોમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ડેડબોડી આવે એટલે તેનું કામ શરૂ કરવામાં આવે છે. ડોક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમમાં શરીરના અંદરનાં અંગો જેવા કે હ્રદય, લિવર, કિડની, ફેફસાં, ખોપડી વગેરેને તપાસવામાં આવે છે. ત્યાર બાદ ડેડબોડી ઉપર સફેદ કપડું ઢાંકીને પેક કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...