ભાસ્કર એક્સક્લૂસિવસૌથી પહેલા લવિનાનાં અંગો જોનારના મુખે આખો ઘટનાક્રમ:'જેવું મોઢું અંદર નાખીને જોયું તો ડૂચા જેવું લાગ્યું, એ સમયે લાગ્યું હતું કે બિલાડી જેવું કંઈક હશે, હાથ જોતાં જ બધા ગભરાઈ ગયા'

પાટણ9 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ/ કમલ પરમાર
  • કૉપી લિંક

તારીખઃ 7 મે 2023
સમયઃ સાંજે 7.30 વાગે
સ્થળઃ સિદ્ધપુર

એક દીકરી ગુરુદ્વારામાં જવાનું કહીને પોતાના ઘરેથી નીકળે છે, એ પછી સમય વીતતો જાય છે છતાં એ દીકરી પોતાના ઘરે પરત ફરતી નથી. એ દીકરીના પરિવારના સભ્યો દીકરી ક્યાં ગઈ, ક્યારે ઘરે આવશે એની ચિંતામાં આસપાસમાં અને સંબંધીઓને ફોન કરીને તેની ભાળ મેળવવાના પ્રયત્નો કરે છે. જોકે આમ છતાં તેમની દીકરીની કોઈ જ ભાળ મળતી નથી. દીકરીની શોધખોળમાં નિરાશા હાથ લાગ્યા બાદ પરિવાર પાસે હવે માત્ર પોલીસનો જ સહારો બાકી રહ્યો હતો, એટલે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચે છે અને દીકરી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવે છે. હવે પોલીસ આ ફરિયાદ અંગે તપાસ શરૂ કરે છે. પોલીસ પણ થોડા દિવસ તો હવામાં જ ફાંફાં મારતી રહે છે, પરંતુ એક દિવસ અચાનક જ એક ઘટના સામે આવે છે અને આખા કેસમાં નવો જ વળાંક આવે છે. જોકે આ ટ્વિસ્ટ આ કેસને વધુ પેચીદો બનાવી દે છે અને અનેક નવા સવાલો ઊભા કરી દે છે.

'એ પછી સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ'
બીજી તરફ, આ ઘટના બન્યાના લગભગ 9 દિવસ બાદ વોર્ડ નંબર-5 માં રહેતા સ્થાનિકો દ્વારા પાણી દુર્ગંધવાળું આવે છે એવી ફરિયાદો આવવા લાગી, પરંતુ અહીં સવાલ એ થાય કે દીકરી ગાયબ થવાની ઘટના અને વોર્ડ નંબર-5માં આવી રહેલા ગંદા અને દુર્ગંધવાળા પાણીને શું લાગેવળગે? પહેલા દિવસે દુર્ગંધવાળું પાણી આવ્યા પછી તો વોર્ડ નંબર-5માં રહેતા સ્થાનિકોના ઘરે જ પાણી આવતું બંધ થઈ ગયું અને ગ્રામજનોની ફરિયાદો ચીફ ઓફિસર સુધી પહોંચવા લાગી. જ્યારે પાણી બંધ થવાની ફરિયાદનું નિવારણ કરવા માટેની તપાસ શરૂ થઈ એ પછી સૌકોઈની આંખો પહોળી થઈ ગઈ. એની પાછળનું કારણ પીવાના પાણીમાંથી મળેલા માનવ અવશેષો હતા.

સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી મળેલાં માનવ અંગો અને સિદ્ધપુરમાંથી જ ગુમ થયેલી યુવતીની બનેલી ઘટના વચ્ચે સુસંગતતા છે. ગ્રામજનો, પરિવારજનથી લઈને પોલીસ, સ્થાનિક તંત્ર અને સૌથી પહેલા પાણીની પાઈપમાં માનવ અંગો જેણે જોયા એ ફર્સ્ટપર્સને શું જોયું એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે અમદાવાદથી 115 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર પહોંચીને ઈન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું. આ ઈન્વેસ્ટિગેશનમાં દિવ્ય ભાસ્કરના રિપોર્ટર મનોજ કે. કારિયા અને કમલ પરમારે જે જોયું એ અંગેનો અહેવાલ અહીં રજૂ કરી રહ્યા છીએ.

'ગામમાં ખરું થઈ ગયું હોં ભાઈ' દિવ્ય ભાસ્કરની ટીમ 20 મેના દિવસે સવારે અમદાવાદથી સિદ્ધપુર પહોંચી ત્યારે શહેરમાં પ્રવેશતાં જ સામાન્ય ચહલપહલ જોવા મળી હતી. જ્યારે સિદ્ધપુર નગર સેવા સદનની કચેરીમાં ભારેખમ વાતાવરણ જોવા મળ્યું હતું. અહીં આવતા અને જતા લોકોના મોઢે એક જ વાત ચર્ચાતી હતી કે ગામમાં ખરું થઈ ગયું હોં ભાઈ. આ વાત વચ્ચે અમારી મુલાકાત ચીફ ઓફિસર સંજય પટેલ સાથે થઈ. તેમના આગમનની સાથે કચેરીમાં ધમધમાટ શરૂ થઈ ગયો. આ ધમધમાટ વચ્ચે સિદ્ધપુરમાં બનેલી ઘટના પાછળના કારણથી લઈને હાલની સ્થિતિ શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ચીફ ઓફિસર સંજય પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં ધરોઈ મુક્તેશ્વર ડેમ અને બોર મારફત પાણી આવી રહ્યું છે. આ પાણીને 14 ઓવરહેડ ટાંકી દ્વારા 70 હજારની વસતિ સુધી પહોંચાડવામાં આવે છે. આ તમામ 14 ટાંકીને વર્ષમાં બેવાર સાફ કરવામાં આવે છે. હાલમાં 14 ટાંકી પૈકી 13 ટાંકી પર સિક્યોરિટી સ્ટાફ પણ તહેનાત છે. જ્યારે સૈફીપુરા વોટર વર્કસ (પાણીની ટાંકી) પાસે કોઈપણ સિક્યોરિટી કાર્યરત નથી. 2016-17માં બનેલી આ ટાંકીની ઊંચાઈ 18 મીટર છે, જેમાં 20 લાખ લિટર પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે. આ વાતો વચ્ચે દિવ્ય ભાસ્કરે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે શા માટે સૈફીપુરાની ટાંકી પર કોઈ પણ સિક્યોરિટી નથી મૂકવામાં આવી ત્યારે એક ક્ષણ માટે ખુદ ચીફ ઓફિસર પણ મૌન થઈ ગયા હતા. હવે ત્યાં બે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેવો જવાબ આપીને પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પાણીની ટાંકી પાસે પહોંચેલી દિવ્ય ભાસ્કરની ટીમ.
પાણીની ટાંકી પાસે પહોંચેલી દિવ્ય ભાસ્કરની ટીમ.

'7થી 8 જગ્યાએ ફોલ્ટ શું છે એ જાણવા ખોદકામ કરાવ્યું'
અમારી આ મુલાકાતમાં ચીફ ઓફિસરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે જ્યારે પાણી ગંદું અને દુર્ગંધયુક્ત આવે છે તેવી ફરિયાદો સ્થાનિકો તરફથી મળી એટલે અમે તરત જ અમારા સ્ટાફને કાર્યરત કર્યો હતો. આ દરમિયાન ક્યાં બ્લોકેજ હશે, કેમ પાણી નથી પહોંચતું, આ માટે 50 લોકો અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા હતા. જોકે દરેક લોકોને પાણી પહોંચાડવાની પ્રાથમિકતા હોવાના કારણે અત્યારસુધીમાં 500 કરતાં વધુ ટેન્કરો દ્વારા તમામને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. એ અરસામાં 7થી 8 જગ્યાએ ફોલ્ટ શું છે એ જાણવા ખોદકામ કરાવ્યું, પરંતુ ત્રણ દિવસ ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ પરિણામના નામે માત્ર અને માત્ર નિષ્ફળતા જ મળી. જોકે 16 મેના દિવસે બપોરે 1 વાગ્યાની આસપાસ ઉપલી શેરી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર પાસે પાઈપલાઈનમાંથી માનવ અવશેષ મળ્યા, એ સૌકોઈ માટે ચોંકાવનારા હતા.

જ્યારે પાણીની પાઈપલાઈન ખોલવાની અને તપાસની કામગીરી ચાલતી હતી ત્યારે સૌથી પહેલા માનવ અંગો જોનાર કલ્પેશભાઈ પરમાર સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.

'ઉપલી શેરી વિસ્તારમાં માનવ અંગ જેવું જરાક દેખાવા લાગ્યું'
છેલ્લાં 15 વર્ષથી સિદ્ધપુર નગરપાલિકાની પાણીની પાઈપલાઈનમાં લિકેજ જેવી બાબતોનું નિરાકરણ કરતા કલ્પેશભાઈ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નગરપાલિકામાં સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે અમારા વિસ્તારમાં પાણી આવતું બંધ થઈ ગયું છે, તો કેટલાક વિસ્તારમાં એવી પણ ફરિયાદ મળી કે અહીં પાણી ગંદું આવે છે અને એમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવી રહી છે. એ પછી તો પાણીનો પ્રવાહ જ વહેતો બંધ થઈ ગયો. આ ફરિયાદના આધારે મને સૂચના મળી એ પછી મેં મારી ટીમને કામે લગાવી અને અલગ અલગ જગ્યાએ ખાડા ખોદાવ્યા અને સર્કિટની ચકાસણી કરાવડાવી કે પાણી બ્લોક કેમ થઈ ગયું છે. આ દરમિયાન જે જગ્યાએ પાણીનો પ્રવાહ બંધ થયો હતો એ તમામ જગ્યાની મેં સર્કિટો કપાવડાવી. જ્યારે સર્કિટો કપાવડાવી ત્યારે એમાંથી અતિશય દુર્ગંધ આવી રહી હતી. મારા સ્ટાફને એ સમયે એમ હતું કે આમાં ક્યાંક બિલાડી કે એવું કંઈક હશે પણ કંઈ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું કે આ દુર્ગંધ શેની છે. એ પછી પણ બીજા બે દિવસ સુધી અમારો સ્ટાફ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે મથી રહ્યો હતો ત્યારે ઉપલી શેરી વિસ્તારમાં માનવ અંગ જેવું જરાક દેખાવા લાગ્યું એટલે મારા સ્ટાફના મિત્રોએ કામગીરીને બંધ કરીને તરત જ અધિકારીઓને જાણ કરીને ત્યાં સ્થળ પર બોલાવી લીધા.

પાઇપમાં મોઢું નાખીને ચેક કરી રહેલો કારીગર.
પાઇપમાં મોઢું નાખીને ચેક કરી રહેલો કારીગર.

'હું એ વસ્તુ જોઈ ન શક્યો અને સીધો જ સાઈડમાં જ જતો રહ્યો'
કલ્પેશભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે અમે આ સર્કિટ કાપવા માટે પંચાલ લોકોને ત્યાં બોલાવ્યા હતા. પંચાલે ત્યાં આવીને સર્કિટ તોડવાની કામગીરી શરૂ કરી એટલે તેણે કહ્યું હતું કે અરે આમાં તો ખૂબ જ દુર્ગંધ આવે છે, તેણે જેવું મોઢું અંદર નાખ્યું ને કહ્યું કે અહીંથી તો ડૂચા જેવું લાગે છે, પરંતુ અમારા કારીગરને એવું લાગ્યું કે આ તો માનવ અંગ(હાથનો ભાગ) લાગે છે. એ જોઈને હું એ વસ્તુ જોઈ ન શક્યો અને સીધો જ સાઈડમાં જ જતો રહ્યો અને અમારા કારીગરો તો સ્થળ પર જ ગભરાઈ ગયા, કારણ કે અમે બધાએ લાઈફમાં પહેલીવાર આ રીતનું જોયું હતું, આજદિન સુધી અમારી લાઈનમાં અમે આવો બનાવ બનતા જોયો નથી. અમારી કામગીરી ચાલતી હતી આ દરમિયાન નગરપાલિકાના સદસ્ય ટીનાભાઈ પણ અમારી સાથે ખડેપગે ઊભા રહ્યા હતા. આ સાથે જ મેં ઉપરી અધિકારીઓને પણ સમગ્ર બાબત વિશે જાણ કરી હતી ને આ આખો ઘટનાક્રમ સામે આવ્યો.

'સર્કિટ કપાવી તો ત્યાંથી પણ બોડીનો પગ મળ્યો'
કલ્પેશભાઈ પરમારે પહેલીવાર જ્યારે ઉપલી શેરીની પાણીની લાઈનમાં માનવ અંગ જોયું ત્યારે તેમને આઘાત લાગ્યો હતો ત્યારે ડોશીની પોળમાં મળેલા પગને જોઈને તેમના હાવભાવ કેવા હતા એ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, પહેલીવાર અમે જ્યારે આવાં અંગો જોયાં ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો હતો પણ એ પછી ડોશીવાળી પોળમાં પણ બ્લોકેજ હતું એટલે અંદાજ આવી ગયો કે અહીં પણ કોઈક માનવ અંગ જ હશે. અમે ત્યાં જઈને પંચાલ પાસે સર્કિટ કપાવી તો ત્યાંથી પણ બોડીનો પગ મળ્યો હતો.

સીસીટીવીમાં એકલી રાત્રે ટાંકી તરફ આવતા રસ્તા પર જઈ રહેલી લવિના.
સીસીટીવીમાં એકલી રાત્રે ટાંકી તરફ આવતા રસ્તા પર જઈ રહેલી લવિના.

'માનવ શરીર મળ્યું એ 10ના ગાળાની પાઈપ હતી'
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કલ્પેશભાઈ વારંવાર કહી રહ્યા હતા કે અમે પંચાલને સર્કિટ કાપવા માટે બોલાવ્યા હતા એટલે અમે તેમને સવાલ પૂછ્યો કે શા માટે એમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, આમાં કેવું છે કે અમુક વસ્તુઓ અમારા માણસો કાપતા ન હોય એ બહારથી જ વેલ્ડિંગવાળા માણસોને બોલાવવા પડે કારણ કે આ પાઈપો જમીનની અંદર હોય છે. જેથી એ કપાવવા માટે પંચાલને બોલાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઈપોની સાઈઝ અલગ અલગ હોય છે જેમાં સિદ્ધપુરમાં જે જગ્યાએ પહેલીવાર માનવ શરીર મળ્યું એ 10ના ગાળાની પાઈપ હતી.

ટાંકીની સીડીમાં કોઈ રેલિંગ નથી તો યુવતી ઉપર કઈ રીતે પહોંચી?
આ સમગ્ર ઈન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળ્યું કે પાણીની પાઈપનલાઈમાંથી માનવ અંગો મળી આવ્યાં હતાં અને આ માનવ અંગો વોર્ડ નંબર-5માં વિતરિત થતાં પાણીની ઓવરહેડ ટાંકીમાંથી આવ્યાં હતાં. જેથી ઓવરહેડ ટાંકીમાં ઉપર સુધી કેવી રીતે કોઈ વ્યક્તિ પહોંચી શકે તે અંગેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ ટાંકીની અંદર શરૂઆતમાં 72 પગથિયાંની ફરતી સીડી છે પણ આ સીડીમાં કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરતી રેલિંગ નથી જેથી કોઈ વ્યક્તિ ઉપર કઈ રીતે પહોંચી શકે તે જાણવા અમે ટાંકી પાસે પહોંચ્યા હતા.

કોઠારીવાસની ટાંકીમાંથી મળેલો લવિનાનો દુપટ્ટો.
કોઠારીવાસની ટાંકીમાંથી મળેલો લવિનાનો દુપટ્ટો.

એ જગ્યાએ રાત્રે કોઈ છોકરી કઈ રીતે એકલી જઈ શકે?
બપોરના લગભગ 1 વાગ્યા આસપાસનો સમય હતો. અમે જ્યારે આ ટાંકી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ચકલુંય ફરકતું જોવા નહોતું મળ્યું, અવાવરું સ્થળે આવેલી આ ટાંકી પાસે ઝાડી ઝાંખરાં ઊગી ગયેલા હતાં. અહીં એક તરફ ગંદકીના થર જામેલા હતા જેના કારણે ભૂંડ અને કૂતરાઓ આંટાફેરા મારી રહ્યાં હતાં. ટાંકીની ચારેય તરફ સોસાયટી હતી પણ એ સોસાયટીઓનો પાછળનો ભાગ આવેલો હતો. ટાંકીની સામેની બાજુ એક ગલી આવેલી છે જેમાંથી પ્રવેશ કરતા સામે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. વાહન પણ માંડ માંડ નીકળી શકે તેવા આ રસ્તા પર માત્ર એકલ-દોકલ વ્યક્તિ જ પગપાળા પસાર થતાં જોવા મળ્યા હતા. જેથી સમગ્ર વિસ્તાર સૂમસામ હતો. તો બીજી તરફ ટાંકી સુધી પહોંચવા માટેના રસ્તાના પણ ઠેકાણાં નહોતાં. જેમ તેમ કરીને અમે આ ટાંકી પાસે પહોંચ્યા. ત્યાં ટાંકીના દરવાજા પર તાળું મારેલું જોવા મળ્યું. દિવસે પણ જે જગ્યાએ જવામાં તકલીફ પડી હતી એ જગ્યાએ રાત્રે કોઈ છોકરી કઈ રીતે એકલી જઈ શકે? અને ઉપર જઈને આવું કૃત્ય કરી શકે તેવા સતત મનમાં વિચાર ચાલી રહ્યા હતા.

જ્યારે અમારી નજર ટાંકીની પાસેથી પસાર થતાં કપલ પર પડી
આ વિચાર વચ્ચે અમારી નજર ટાંકીની પાસેથી પસાર થતાં એક કપલ પર પડી એટલે તેમની પાસેથી ટાંકીના દરવાજા પર લટકતું તાળું કાયમી હોય છે કે નહીં તે અંગે પ્રશ્ન કરતાં તેમણે જણાવ્યું કે, આ ટાંકીનો દરવાજો તો કાયમ ખુલ્લો જ રહે છે. આ ઘટના બન્યા પછી અમે તો પહેલીવાર અહીં લટકતું તાળું જોયું છે. તો જ્યારે અમારી મુલાકાત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સાથે થઈ ત્યારે તેમણે પણ આ વાતને સમર્થન કરતાં સ્વીકાર્યું હતું કે આ ટાંકીનો દરવાજો ખુલ્લો જ રહે છે.

કેટલાક લોકો તો એટલા બધા ગભરાઈ ગયા કે કંઈ બોલ્યા જ નહીં
સિદ્ધપુરમાં બનેલી આ ઘટના બાદ શહેરમાં કેવી ચર્ચા છે અને સ્થાનિકો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે એ જાણવા માટે અમે નિશાચક્ર વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં કેટલીક મહિલાઓ અને પુરુષો આ ઘટના વિશે જ ચર્ચા કરી રહ્યા હતા કે બોલો સાત સાત દિવસ થઈ ગયા છતાં હજી પાણીનાં ઠેકાણાય પડતા નથી. ક્યાં સુધી આ ટેન્કરોનું પાણી પીવાનું કહીને એકબીજા સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા, એટલામાં અમારી નજર સામે જ ત્રણ જેટલા પાણીનાં ટેન્કરો આવતાં મહિલાઓ અને બાળકો પાણીનાં બેડાં અને ડોલ લઈને પાણી ભરવા માટે પહોંચી ગયાં હતાં. તો પાણી ભરવામાં સરળતા રહે એ માટે પુરુષો વ્યવસ્થા કરી રહ્યા હતા. આ અંધાધૂંધીભર્યા માહોલ વચ્ચે કેટલાક લોકોએ દિવ્ય ભાસ્કર સમક્ષ સરકારી તંત્ર અને રાજકારણીઓ સામેનો પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તો કેટલાક લોકો તો આ બનાવથી એટલા બધા ગભરાઈ ગયા હતા કે કંઈ જ બોલવા માટે તૈયાર નહોતા. તો બીજી તરફ આ ઘટનાને બીજો નિર્ભયા કાંડ હોવાનું ખુલ્લે આમ કહ્યું હતું. જો આ ઘટનામાં આપણે નહીં બોલીએ તો ભવિષ્યમાં બહેન-દીકરીઓને એકલાં નીકળવું પણ ભારે પડશે એવી વાત જણાવી હતી.

ટાંકીમાંથી મળેલા લવિનાના અંગોની અંતિમવિધિની તૈયારીઓ.
ટાંકીમાંથી મળેલા લવિનાના અંગોની અંતિમવિધિની તૈયારીઓ.

આ વાત ગ્રામજનોના ગળે જ ઊતરતી નથી
આમ દિવ્ય ભાસ્કરની ટીમને દિવસ દરમિયાન સિદ્ધપુરમાં ફરતી વખતે માનવ અંગો છે કોના? તે મુદ્દો ચર્ચાતો જોવા મળ્યો હતો. આ ચર્ચા દરમિયાન પાટણ જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલની પ્રેસ કોન્ફરન્સની જાણ થતાં ત્યાં પહોંચી હતી. ત્યારે તેમણે મહિલાનાં માનવ અંગો હોવાનો સ્વીકાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ માનવ અંગો 21થી 40 વર્ષની વયની સ્ત્રીનાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે માનવ અવશેષો કોના છે તે અંગે તેમણે ડીએનએ રિપોર્ટ સોમવારે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત માનવ અંગોના પી.એમ. રિપોર્ટની વાત કહી હતી. જેમાં માનવ અંગો પર મુત્યુ પહેલાં કોઇ જાતની ઇજા થઈ નહીં હોવાની સાથોસાથ મુત્યુ પહેલાં કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા કે શાર્પ કટિંગ કે પછી બોથડ પદાર્થથી ઇજા જણાઇ નહીં હોવાનું સાફ શબ્દોમાં જણાવ્યું હતું. તો બીજી તરફ ગ્રામજનો દ્વારા કોઇ યુવતી અવાવરું સ્થળે એકલી કઈ રીતે પહોંચે તે વાત ગળે ઊતરતી નહીં હોવાનું જણાવીને તેમણે યુવતીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

લવિનાના ઘરમાં અમે શું શું જોયું?
યુવતીની ઓળખથી માંડીને ગુમ થયેલી યુવતીની શનિવાર સુધી કોઇ ભાળ મળી ન હતી. પરંતુ પાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો તથા કડું ગુમ થયેલી યુવતી લવિનાની હોવાનું પરિવારના સભ્યોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાથી અમે લવિનાનાં પરિવારજનો સાથે વાતચીત કરવા માટે ઘનશ્યામનગર સોસાયટીમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાં જ અમે જોયું કે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો એટલે અમે તે દરવાજાને ખખડાવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદરથી લોક કરવામાં આવ્યો છે. એ પછી પરિવારનો ફોન દ્વારા સંપર્ક કરતાં અંદરથી દરવાજો ખોલવામાં આવ્યો અને અમે તેના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશતાં જ જોયું કે દીકરી લાપતા થવાના કારણે પરિવાર તેની પાછળ આંસુ વહાવી રહ્યો હતો. તો તેની માતાની અને પિતાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી હતી. ઘરમાં બિલકુલ સન્નાટો જોવા મળ્યો હતો.

લવિનાની અંતિમવિધિ સમયે મંત્રોચ્ચાર સમયે તેમનાં પરિવારજનો.
લવિનાની અંતિમવિધિ સમયે મંત્રોચ્ચાર સમયે તેમનાં પરિવારજનો.

'સાહેબ મારી દીકરી સ્કૂલમાં ભણાવતી ઘરે ટ્યૂશન પણ કરતી'
ઘરમાં વ્યાપેલા આ સન્નાટા વચ્ચે અમે લવિનાના પિતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતાં તેમણે દીકરી વિશે વાતો કરતાં જણાવ્યું હતું કે 'સાહેબ મારી દીકરીએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને એ સ્કૂલમાં જઈને બાળકોને ભણાવતી પણ હતી અને ઘરે ટ્યૂશન પણ કરતી હતી. દીકરી ગુમ થઈ એના ચાર દિવસ પછી તો તેનાં લગ્ન થવાના હતા અમે તો કંકોત્રીઓ પણ છપાવી દીધી હતી અને પરિવારજનોને આમંત્રણ આપી દીધું હતું. તો મારી દીકરી આ લગ્નથી એટલી ખુશ હતી કે તેણે પોતાનાં મનપંસદ કપડાં ખરીદ્યાં હતાં અને પ્રી-વેડિંગ પણ શૂટ કરાવ્યું હતું, એટલે મારી દીકરીએ આત્મહત્યા કરી હોવાનું કોઈ કારણ જ નથી, તેની હત્યા જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.'

પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે?
પાણીની પાઇપલાઇનમાંથી મળેલા અવશેષોને લઇને તરેહ-તરેહની ચર્ચા વચ્ચે સોમવારે પોલીસ સમક્ષ ડીએનએનો રિપોર્ટ આવી ગયો હતો. આ રિપોર્ટ પ્રમાણે પાણીની પાઇપલાઇનમાંથી મળેલાં માનવ અંગો લવિનાનાં જ હોવાની ઓળખ થઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાથ લાગેલા સાંયોગિક પુરાવા જોતા લવિનાએ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ પરિવારજનો સહિત ગ્રામજનો લવિનાની હત્યા થઇ હોવાની શંકા સેવી રહ્યા છે ત્યારે પોલીસ પાસે હવે બે થિયરી પર તપાસ કરવી પડે તેવી સ્થિતિ છે. જો લવિનાએ આત્મહત્યા કરી હોય તો તેની પાછળનું કારણ શું એ જાણવાનું રહેશે અને જો લવિનાની હત્યા થઈ હોય તો કોણે અને કેમ કરી તે બાબત તપાસનો વિષય બનશે.

લવિનાની સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામના ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
લવિનાની સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામના ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

7મીએ ગુમ થઈ ને 22મીએ અંતિમવિધિ
DNA રિપોર્ટમાં પાઇપલાઇનમાંથી મળેલા માનવ અવશેષો લવિનાના જ હોવાનું પુરવાર થતાં તેમનાં પરિવારજનો દ્વારા મૃતદેહના અવશેષોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 22 મેની સાંજના 6.30 કલાકે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામના ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.