‘રસિયો રૂપાળો રંગરેલિયો રે લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી.’ આ સોંગ લલકારતાં જ ડાયરામાં કીર્તિદાન ગઢવી પર ચલણી નોટો ઊડવા લાગે છે. જોકે તાજેતરમાં આવી જ ચલણી નોટો ઉઘરાવવા માટે, એટલે કે બાકી લાઇટ બિલ ભરાવવા માટે UGVCLના એક કર્મચારીએ લાઉડસ્પીકરમાં આ ગીત ગાયું હતું. એનો વીડિયો વાઇરલ થતાં જ UGVCLના આ કર્મચારી ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા છે. તમે વીડિયો તો જોઈ લીધો હશે, પરંતુ આ વ્યક્તિ કોણ છે અને તેને કેવી રીતે સિંગિંગનો શોખ જાગ્યો એ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે.
આ વીડિયો પાટણના UGVCLના કર્મચારીનો છે, જ્યાં 5 હજાર ગ્રાહકનું 56 લાખનું વીજબિલ બાકી છે. આ બાકી બિલ ભરવા વીજ ગ્રાહકોમાં જાગૃતિ આવે એ માટે UGVCLના કર્મચારી એવા જગદીશ ગોસ્વામીએ ‘રસિયો રૂપાળો રંગરેલિયો રે લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી’ ગાઈને લોકોને અપીલ કરી હતી.
આ જગદીશ ગોસ્વામી કોણ છે અને તેઓ કેમ સારી રીતે ગીતો ગાઈ શકે છે એ અંગે જાણવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના અભ્યાસ, સંઘર્ષ, ગાયકીના શોખથી લઈ પરિવાર અંગે જણાવ્યું હતું.
‘બસ, અમદાવાદમાં એ દિવસે મને કિક વાગી’
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જગદીશ ગોસ્વામીએ કહ્યું હતું કે મને બાળપણથી જ ગાવાનો શોખ હતો. જ્યારે અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યો હતો ત્યારે મારા શિક્ષકને મારો અવાજ બહુ ગમતો હતો. સ્કૂલમાં પણ હું પ્રાર્થના સ્તુતિ ગાતો હતો. મારા અવાજને કારણે મારા શિક્ષક મને કહેતા હતા કે તારે સ્કૂલમાં વહેલા આવી જવાનું અને પ્રાર્થના તારે ગાવાની, તારો આવાજ સારો છે. મેં વર્ષ 1983માં SSC પાસ કર્યું હતું. જ્યારે માણસા પાસેના ગોઝારિયા બોરું પાસેના ગામના વતની એવા નારાયણ પટેલ અને જેરામ પટેલ બંને મારી સ્કૂલના શિક્ષક હતા. આમ નાટક કે પછી સારું ગીત ગાવાનું હોય તો બંને શિક્ષક મને સહકાર આપીને સપોર્ટ કરતા હતા. મારો યુવક મહોત્સવમાં જિલ્લા લેવલે ત્રીજો નંબર આવતો હતો. સ્કૂલમાં પણ વિવિધ સંગીતના કાર્યક્રમમાં હું ભાગ લેતો હતો. મારી જ્યારે 12 વર્ષની ઉંમર હતી ત્યારે ગિરધરનગર AMC સ્કૂલ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારે મેં પ્રથમવાર જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો અને મારો પ્રથમ નંબર આવ્યો. બસ, ત્યારે મને કિક વાગી કે મારા અવાજમાં જાદુ છે, એ જમાનામાં લોકો મને બક્ષિસ આપતા હતા.
અમદાવાદમાં પિતાની નોકરી છૂટી ને ગામડે જવું પડ્યું
‘મારી 17 વર્ષની ઉંમર હતી ત્યાં સુધી અમારો પરિવાર અસારવા ગિરધરનગર શિવરામ સુખરામની ચાલીમાં ભાડે રહેતો હતો. મારા પિતા અમદાવાદની ધી ન્યૂ કોમર્શિયલ મિલમાં નોકરી કરતા હતા, પરંતુ 1983માં મિલ બંધ થઈ ગઈ અને તેમની નોકરી છૂટી ગઈ એટલે આર્થિક રીતે અમે પડી ભાંગ્યા અને જીવનનિર્વાહ માટે અમે ગામડે જતા રહ્યા. એને કારણે અમારે અમદાવાદ છોડવું પડ્યું. મારું ગામ વીસનગર તાલુકાનું રંગાપુર ગામ છે અને મારા ગામથી 5 કિલોમીટર દૂર ગોઢવા ગામે જે.બી. વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. મેં ત્યાં જ 11 અને 12માં ધોરણનો અભ્યાસ કર્યો હતો, ત્યાં સાહેબે મને એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગવડાવ્યું હતું, ત્યારે મેં ગીત ગાયું એટલે મારા શિક્ષકોને ગમ્યું અને મને કહ્યું કે ‘હવે તમારે સ્કૂલ પ્રવૃત્તિ હોય કે સંગીત સ્પર્ધા... ભાગ લેવાનો.’
અમદાવાદથી માથે સાડીનું પોટલું ઉપાડી વીસનગર સુધી માતા સાડી વેચતાં
‘અમારે પોણો વીઘા જમીન છે અને કોઈપણ જગ્યાએ બોરનું કનેક્શન નહોતું, જેથી ખેતી થાય તેમ નહોતી. જેથી મારા માતા-પિતાએ ઉછીના પૈસા લઈને સાડીઓ વેચવાનું શરૂ કર્યું અને મારાં માતા અમદાવાદના પાંચકૂવાથી માથે સાડીનું પોટલું ઉપાડી વીસનગર તેમજ અમારા મામા કે માસી અને અન્ય સગાંવહાલાંનાં ગામમાં જતાં હતાં. સમાજના લોકોને ઓળખતા હોઈ, તેમના ઘરે જઈને મારી મમ્મી કહેતાં કે તેમણે સાડીનો વેપાર શરૂ કર્યો છે અને એમ કરીને ગામેગામ જઈ સાડી વેચતાં હતાં. જ્યારે મારા પિતા પણ સાઇકલ પર સાડી વેચવા માટે ફેરી કરતા હતા’.
રાત્રે ફરતા હતા ને ડાયરામાં પ્રફુલ દવે મળી ગયા
‘મારા મોટા ભાઈ વસંતગિરિ, નાના ભાઈ હરીશગિરિ અને હું... અમે ત્રણેય ભણતા હતા. મારાં માતા-પિતાની ઉંમર થવા લાગી અને 1984માં મોટા ભાઈને ગોધરા પોલીસમાં વાયરલેસ ટેક્નિશયનમાં નોકરી મળી ગઈ. ત્યાર બાદ મારી અને મારા ભાઈની જવાબદારી તેમણે ઉપાડી લીધી. મારા ભાઈ પાવાગઢ દર્શન કરીને ઊતરતા હતા ત્યારે પેપરમાં વાંચ્યું હતું કે ગોધરા ITIમાં 2 જગ્યા ખાલી છે. ત્યાર બાદ તેમણે મને કહ્યું કે ‘તે 12 ધોરણ પાસ કર્યું છે તો ડીગ્રી પણ કરી લે’ એટલે મને તેમણે ગોધરામાં ITI કરાવવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે મારા નાના ભાઈને પણ ITI કરાવ્યું. આ દરમિયાન ગોધરામાં હું અને મારા મોટા ભાઈ રાત્રે ફરવા નીકળ્યા હતા... ત્યારે લોકડાયરો ચાલતો હતો, મને તો નાનપણથી ગાવાનો શોખ હતો એટલે અમે ત્યાં ગયા. જ્યાં અમે પ્રફુલભાઈ દવે સાથે મુલાકાત કરી અને તેમણે કહ્યું, તમારો ભાઈ સારું ગાતો હોય તો 100 ટકા આગળ વધશે, તેને વ્યવસ્થિત તૈયાર કરવો હોય તો વડોદરા MS યુનિવર્સિટીમાં મ્યુઝિકમાં ડીગ્રી કરાવો, જેથી સારો કલાકાર બની શકશે. મને એવી ઇચ્છા હતી કે મને સ્ટેજ પર ગાવા મળે, પણ એ ઇચ્છા મારી પૂરી ના થઈ’.
ફીના પૈસા ના હોવાથી MS યુનિ.માં સંગીત ના શીખી શક્યા
‘પ્રફુલ દવેએ આપેલી શિખામણ બાદ મારા ભાઈ મને વડોદરા MS યુનિવર્સિટીમાં સૂરસાગરમાં સંગીતના અભ્યાસ માટે લઇ ગયા, ત્યારે કીર્તિદાન ગઢવી એ વખતે 19 વર્ષના હતા અને ત્યાં અભ્યાસ કરતા હતા. મારો ઇન્ટરવ્યૂ થઈ ગયો, પણ નસીબનો કંઈક અલગ જ ખેલ હતો. MS યુનિવર્સિટીમાં એ વખતે હોસ્ટેલમાં રહેવું પડતું અને મહિનાની ફી 890 રૂપિયા હતી, પરંતુ મારા મોટા ભાઈનો એટલો પગાર નહોતો એટલે હું ત્યાં સંગીતનો અભ્યાસ ના કરી શક્યો અને ITI કરવાનું ચાલુ રાખ્યું’.
છોટે મોરારિબાપુએ 13ની ઉંમરે ગીત ગવડાવ્યું
‘જોકે ITI પત્યા પછી પણ મને ક્યાંય નોકરી મળી નહોતી, એટલે હું અને મારો નાનો ભાઈ ગામડે આવી ગયા, જ્યાં અમે મમ્મી-પપ્પાને મદદ કરતા હતા, ત્યારે આજુબાજુનાં ગામના લોકો મને ગાવા માટે લઈ જતા હતા. એ મારો કઠિન સમય હતો અને 22 વર્ષે હીરા ઘસવાનું શરૂ કર્યું. બળવંતપુરાના છોટે મોરારિબાપુએ અમે જ્યારે અમદાવાદમાં રહેતા હતા ત્યારે મને 13 વર્ષની ઉંમરે એક ગીત ગવડાવ્યું હતું. ત્યારે તેમણે મારા પિતાને કહેલું કે ‘તમારો છોકરો સારું ગાય છે, તેને મારી સાથે મોકલો,’ પરંતુ મારા માતા-પિતાએ હું ભણતો હોવાથી મનાઈ કરી દીધી હતી. જોકે જોગાનુજોગ છોટે મોરારિબાપુના કોઈ સગા અમારા ગામમાં હતા, જેથી મારા વતનમાં મારા ઘરે ચા પાણી માટે આવ્યા અને મારા પિતાને પ્રશ્ન કર્યો કે ‘જગદીશ અત્યારે શું કરે છે’?. જેના જવાબમાં મારા પિતાએ કહ્યું, ‘હાલ તો નોકરી નથી, એટલે ઘરે છે અને ભણી રહ્યો છે’. તેમણે કહ્યું, ‘મારી જોડે કથામાં મોકલો.’ આમ મારી જિંદગીમાં મને સૌથી પહેલા રામકથાનું સ્ટેજ મળ્યું. ’ત્યાર બાદ વડોદરાના સાધલીની રામકથામાં મેં હાર્મોનિયમ વગાડ્યું.
મિલ બંધ થઈ જતાં સંગીત વિશારદ ના બની શક્યા
બાળપણની વાતો યાદ કરતાં જગદીશભાઈએ કહ્યું હતું કે જોગાનુજોગ સતીશભાઈ તિવારી, જે વસ્ત્રાપુર સંગીત સ્કૂલમાં શિક્ષક હતા અને પ્રજ્ઞાચક્ષુ હતા. હું જ્યાં રહેતો હતો એ અમદવાદના ગિરધરનગરમાં તેમના મિત્રને મળવા માટે આવ્યા હતા. અમારી ચાલીમાં રામા મંડળનો કાર્યક્રમ હતો, ત્યારે મારી વસાહતના લોકોએ કહ્યું હતું કે ‘તું સારું ગાય છે, કંઈક ગાવો.’ આ સમયે ગીત ગાતો હતો ત્યારે સતીશભાઈએ મારો અવાજ સાંભળ્યો અને મારા ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે ‘મને તારા ઘરે લઈ જા.’ ત્યાર બાદ હું તેમને મારા ઘરે લઈ ગયો અને મારા ઘરે આવીને મારા પિતાને કહ્યું કે ‘તમારો બાબો સારું ગાય છે, હું તેને હાર્મોનિયમ શિખવાડીશ, મારે તેનો એક પૈસો પણ લેવો નથી’. બસ ત્યારથી સતીશભાઈ તિવારી બસમા બેસીને ગિરધરનગરમાં મારા ઘરે રોજ સાંજે સાથે આવતા અને વગર પૈસે 3 વર્ષ મને તાલીમ આપી હતી. મેં સંગીતની પરીક્ષા આપી, પણ મિલ બંધ થઈ ગઈ એટલે હું સંગીત વિશારદ ના બની શક્યો.’
કીર્તિદાન સાથે શું છે ખાસ કનેક્શન?
‘છોટે મોરારિબાપુની કથામાં હું હાર્મોનિયમ વગાડતો અને વ્યાસપીઠ પરથી ભજન સ્તુતિ આવે તો હું ગાતો હતો. મેં 6 વર્ષ આ કથામાં હાર્મોનિયમ વગાડવાનું અને ભજન ગાવાનું કામ કર્યું. છોટે મોરારિબાપુની વડોદરામાં નદીશ્રી GIDC એસ્ટેટમાં કથા હતી ત્યારે કીર્તિદાનભાઈ ગઢવીનો વાલોડમાં અભ્યાસ ચાલુ હતો. રિયાઝ માટે ત્યાં આવ્યા હતા. મને ખ્યાલ નહીં, અમે બંને 9 દિવસ સાથે રહ્યા, માત્ર એટલું જ નહીં, અમારો ઉતારો પણ એક જ રૂમમાં હતો, એ પણ ગાતા અને હું પણ ગાતો. આ સમયે કીર્તિદાનભાઈની ઉંમર 22 વર્ષ આસપાસ હશે, અમારી બંનેની ઉંમર સરખી હતી. શરૂઆતમાં મને આ કામના 9 દિવસના 250 રૂપિયા મળતા હતા, જ્યાં મેં 4 વર્ષ કામ કર્યું. ત્યાર બાદ અનેક લોકોનો સંપર્ક થયો અને અનેક લોકો મને કથામાં ભજન ગાવા માટે બોલાવતા હતા’.
ખેતરમાં જઈને ઢોલ, કેસિયોની પ્રેક્ટિસ કરતા
‘23 વર્ષે મેં GEBમાં નારદીપુર-કલોલ ખાતે 2 વર્ષની ટ્રેનિંગ લીધી હતી. હું દિવસે ટ્રેનિગ લેતો અને રાત્રે મને નારદીપુરના આજુબાજુનાં ગામના કાર્યક્રમ મળે એ કરતો હતો. હું જે મહોલ્લામાં રહેતો હતો એ બધાએ વાત કરી કે અમારી જોડે પૈસા છે, ભલે તમારી જોડે ના હોય, આપણે સંગીતના સાધન લાવી દઈએ. અમે મિત્રો સાથે ખેતરમાં જઈને ઢોલ, કેસિયોની પ્રેક્ટિસ કરતા અને નાનકડી ટીમ બનાવી. GEBમાં એ સમયે મારો મહિને 2500 રૂપિયા પગાર હતો. મારાં પત્ની સાથે અમે ભાડાના મકાનમાં રહેતા હતા. એ સમયે 2500 મારી આવક હતી, જેમાંથી હું 450 મકાનનું ભાડું આપતો હતો. આ પરિસ્થિતિમાં મારા ઘરનું પૂરું કરવા હું રાત્રે આજુબાજુનાં ગામડાંમાં કાર્યક્રમ કરતો હતો’.
ભેંસો રાખી અને ખેતી કરી, 4 વર્ષની ટ્રેનિંગ છતાં GEBમાં નોકરી ના મળી
‘26 વર્ષની ઉંમરે ટ્રેનિંગ પત્યા પછી રંગાપુર આવી ગયો, જ્યાં મેં પણ ભેંસો રાખી અને મારી પત્ની સાથે ખેતર જતો હતો. મેં સતત ચાર વર્ષ સુધી ખૂબ મહેનત કરી. જોકે GEBમાં ટ્રેનિંગ બાદ પણ મને નોકરી ના મળી. જેથી હું મારા ગામ રંગાપુર પરત ફર્યો. 30 વર્ષની ઉંમર થઈ એટલે મારો અપોઈટમેન્ટ લેટર આવ્યો. ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 1998માં પાટણ ડિવિઝનમાં હાજર થયો. હું 26 વર્ષથી પાટણ UGVCLમાં નોકરી કરું છું. હાલમાં લાઈનમેન તરીકે ફરજ બજાવું છું. વર્ષનો અંતિમ મહિનો હોવાથી અમારે ગ્રાહકને જાણ કરવી પડે, એટલે ટેક્નિકલ સ્ટાફના મિત્રોએ કહ્યું, આજુબાજુ લગ્નમાં ગાવો છો તો આપણા માટે પણ ગાવોને... તો કોઈને વીજબિલ ભરવા માટે કહેવા ના જવું પડે’.
બાળપણથી જ આપોઆપ ગીતના શબ્દો સૂઝી જાય છે
‘મેં 14 માર્ચના રોજ પહેલીવાર આ ગીત ગાયું. બાળપણથી જ મને હું જ્યાં ઊભો હોવ ત્યાં આપોઆપ ગીત સૂઝી જાય છે અને આ ગીતમાં પણ આવું જ થયું. આ ગીત ગાઈએ એટલે કોઈને કહેવા નથી જવું પડતું, લોકો પ્રેમથી લાઈટ બિલ ભરી દે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ અભિનંદનની વર્ષા થઈ રહી છે. મારી નોકરીના સમય પછી રાત્રે હું ધાર્મિક કાર્યક્રમમાં ગાવા જાઉં છું’.
UGVCL દ્વારા સન્માન કરાયું, હવે સ્ટુડિયોમાં ગીત બનાવ્યું
‘આ ગીત પછી ઉત્તર ગુજરાત વીજ કંપની તરફથી પ્રોત્સાહન સર્ટિફિકેટ મને આપ્યું છે. સંગીતના લેવલથી મેં લોકોને જાગ્રત કર્યા એ કામગીરી માટે UGVCL તરફથી મને પ્રોત્સાહન અપાયું. અત્યારે મારા પરિવાર સાથે પાટણ રહું છું. મેં સાદા માઈકમાં ગાયું હતું, લોકોનો પ્રતિભાવ સારો મળવા લાગ્યો એટલે મને વિચાર આવ્યો કે સારું મ્યુઝિક અને સારા સ્ટુડિયોમાં કરીએ તો મજા આવે અને મને સાહેબે પ્રોત્સાહન આપ્યું અને મેં સ્ટુડિયોમા ગીત બનાવ્યું’.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.