ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ:દેવ કોરડિયાએ પાંચ વર્ષમાં કાગદડીની સિકલ બદલી નાખી, મોડેલ વિલેજને પણ ઝાંખા પાડે એવા કામ કર્યા

એક મહિનો પહેલા

ગુજરાતમાં આજે સાડા આઠ હજારથી વધારે ગામડાંઓમાં પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. આ નિમિત્તે વાત કરીએ એક અનોખા સરપંચની. આ ગામ છે, રાજકોટનું કાગદડી અને તેના અનોખા સરપંચ એટલે દેવ કોરડિયા. હા, એ જ દેવ કોરડિયા જે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ છે. 2017માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દેવ કોરડિયા 21 વર્ષની ઉંમરે સરપંચ બન્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ યુવા સરપંચે ગામમાં કયા કયા કામ કર્યા છે અને કેવી રીતે ગામની સિકલ બદલાવી છે તે સમજીએ.

'મારે મારા ગામ માટે કંઈક કરવું હતું'
હું નાનો હતો ત્યારથી જ એવી ભાવના હતી કે, મારે મારા ગામ માટે કંઈક કરવું છે. મારા ગામને નિર્મળ બનાવવું હતું, આખા ગામમાં પાકા રસ્તા બનાવવા હતા, ઘરે ઘરે પાણી પહોંચાડવું હતું. આ જ વિચારે મને ચૂંટણી લડવા પ્રેર્યો અને ગામલોકોના સહયોગથી અને ઈશ્વરના આશીર્વાદથી હું સરપંચ બની ગયો. આ પાંચ વર્ષમાં મારા એક-એક વિચારને, સપનાંને ગામ માટે સાકાર કરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે.

'સરપંચ તરીકે ઉંમરમાં સૌથી નાનો હોવાથી વિશેષ માન મળતું'
2017ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા ત્યારે દેવ કોરડિયાની ઉંમર માત્ર 21 વર્ષની હતી. એટલે કે, તે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ હતા. આ વાત કરતાં દેવ કોરડિયા કહે છે કે, સૌથી નાની ઉંમર હોવાને કારણે ગાંધીનગર સુધી તેમની નોંધ લેવાતી. ગામમાં પંચાયતના સભ્યો જ નહીં, તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પણ તેને વિશેષ માન આપતા. એટલું જ નહીં કોઈ નેતા કે મંત્રી સાથે મુલાકાત થાય તો પણ તેને એટલો જ આદર આપવામાં આવતો. આ વિશેષ માન અને આદરને કારણે જ પાંચ વર્ષમાં ગામમાં ધાર્યાં કામ કરાવી શક્યો છું.

21 વર્ષની ઉંમરે ચૂંટાયા
21 વર્ષની ઉંમરે ચૂંટાયા

કાગદડીને ટૂરિઝમ વિલેજ બનાવવાનું સપનું
દેવ કોરડિયા ભલે 12 ધોરણ ફેઈલ હોય પણ તેનાં સપનાં ઘણાં મોટાં છે. આ યુવા સરપંચ તેમનાં ગામને ટૂરિઝમ વિલેજ બનાવવા માગે છે. આ માટે તેમણે ગામમાં ગાર અને માટીના બે મકાન પણ બનાવ્યાં છે. આ માટે પંચાયતે પ્રાઈવેટ યુનિવર્સિટીની પણ મદદ લીધી છે. યુનિવર્સિટીના સહયોગથી આ ગામને દેશ-વિદેશમાં ઓળખ મળી છે. આ જ કારણ છે કે, જૂદા જૂદા અનેક દેશના વિદ્યાર્થીઓ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે.

'આખાં ગામનાં બ્લડ ગ્રૂપનો ડેટાબેઝ તૈયાર કર્યો'
સરપંચ બન્યા બાદ દેવ કોરડિયાએ ગામના વિકાસની સાથેસાથે આરોગ્યને પણ પ્રાધાન્ય આપ્યું હતું. આ માટે તેમણે ગામના તમામ લોકોનાં બ્લડ ગ્રૂપનો ડેટા બેઝ તૈયાર કરાવ્યો હતો. આજે પંચાયત પાસે તમામ ગ્રામજનોના બ્લડ ગ્રૂપનો રેકોર્ડ છે. ગામમાં કોઈ દુર્ઘટના ઘટે કે કોઈને બ્લડની જરૂર પડે તો શોધવા જવું ના પડે. જરૂર પડ્યે બ્લડ ગ્રૂપ મુજબ જ જે-તે વ્યક્તિને ફોન કરવામાં આવે છે અને જરૂરિયાતમંદને બ્લડ આપવામાં આવે છે. ગુજરાતના અનેક મોડેલ ગામમાં પણ હજુ સુધી આવી કોઈ વ્યવસ્થા નથી.

'કોરોનાકાળમાં કરેલ કામ જીંદગીભર નહીં ભૂલું'
કોરોનાના કપરા કાળમાં પણ આ યુવા સરપંચે ગામની ચિંતા કરી છે. લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ના નીકળે તેની સતત કાળજી કરી છે. ઘરે-ઘરે જઈને લોકોને ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સેનિટાઈઝર સહિતનો ઉપયોગ કરવા માટે ગામલોકોને જાગૃત કર્યા છે. આ સમયગાળામાં પંચાયતે ઘરે-ઘરે માસ્કનું વિતરણ પણ કર્યું છે. બીજી લહેરમાં જ્યારે સ્થિતિ વિકટ બની ત્યારે પણ આગળ રહ્યા. ગામમાં કોઈ ઘરે કોરોનાનો કેસ આવે એટલે તેમના ઘરે અચૂક ઓક્સિમીટર પહોંચાડી દેતાં અને તેના વિશે સમજાવતા. જરૂર પડ્યે ઓક્સિમીટરથી લઈને ઓક્સિજન સિલિન્ડર સુધીની તમામ મદદ કરી છે. ગામલોકોના આરોગ્યની ચિંતા કરીને પંચાયતે ઘરે-ઘરે જઈને લોકોને વેક્સિન અપાવી છે.

કોરોનાળા કાળમાં માસ્ક વિતરણ કર્યું
કોરોનાળા કાળમાં માસ્ક વિતરણ કર્યું

શહેરમાં, મોડેલ ગામાં હોય એવી બધી જ સુવિધા
કાગદડી ગામ આજે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. ગામમાં પાણી, લાઈટ અને પાકા રસ્તાની સુવિધા છે. નિયમિત સફાઈને કારણે ગામ ચોખ્ખું ચણાક છે. લોકોની સુરક્ષા માટે આખા ગામમાં CCTV કેમેરા લગાવાયા છે. CCTV કેમેરાથી આખાં ગામનું મોનિટરિંગ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં જે જે કામો થયા છે તેની આસપાસના ગામડાંઓએ પણ નોંધ લીધી છે.