રાજકીય હોદ્દો ધરાવતી અને એમાં પણ સત્તામાં બેઠેલી વ્યક્તિ સામાન્ય જિંદગી જીવતી હોય એવું હવે ભાગ્યે જ જોવા મળે છે. એમાં પણ પ્રજાના પ્રતિનિધિ બન્યા પછી એસી ઓફિસમાં બેસી પાંચ વર્ષ સુધી ગાયબ રહેવું એ તો આજના મોટા ભાગના રાજકારણીઓની ઓળખ બની ગઈ છે. જોકે આજે પણ ઘણા નેતાઓ સામાન્ય લોકો વચ્ચે રહીને તેમની મદદ માટે સતત ખડેપગે રહે છે. આવતીકાલે એટલે કે 8 માર્ચે મહિલા દિન હોવાથી અમારે વાત કરવી છે એક યુવા મહિલા નેતાની. એન્જિનિયર અને એકદમ સાધારણ પરિવારમાંથી આવતાં આ મહિલા નેતા પ્રજા વચ્ચે તો રહે જ છે, પણ એની સાથે સાથે ઘરની પણ સઘળી જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યાં છે. યોગાનુયોગ આ મહિલા નેતાનો જન્મદિન પણ મહિલા દિવસે જ છે.
પિતા ચલાવે છે ચાની કીટલી
વર્ષ 2021માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સૌપ્રથમ વખત જ લડી અને જીત મેળવ્યા બાદ 192 કોર્પોરેટરમાંથી સૌથી યુવા એવાં અમરાઇવાડી વોર્ડનાં મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબે આજે પ્રજાની સેવાની સાથે સાથે પોતાના ઘરની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે, જ્યારે પ્રતિભા દુબેના પિતા ચાની કીટલી ધરાવે છે. પિતાએ દીકરી પ્રતિભાને ભણાવી-ગણાવીને એન્જિનિયર બનાવી છે. જનસંઘના સમયથી ભાજપના કાર્યકર્તા રહેલા એવાં પ્રતિભા દુબેના પિતાએ ક્યારેય કોઈ રાજકીય પદ મેળવ્યું નથી અને કાર્યકર્તા તરીકે જ આખી જિંદગી કામગીરી કરી છે. આજે તેમની દીકરી હવે ભાજપની કોર્પોરેટર છે ત્યારે તેઓ પણ પોતાની દીકરીને સપોર્ટ કરી રહ્યા છે.
દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ પુરુષ સમોવડી બની ગઈ છે. મહિલાઓનું દરેક જગ્યાએ સ્થાન વધ્યું છે, ત્યારે દિવ્ય ભાસ્કર નાની વયે જ રાજકારણમાં પ્રવેશ કરી પ્રથમ વખત જ ચૂંટાઈને 27ની ઉંમરમાં જ કોર્પોરેટર બનેલી પ્રતિભા દુબે અંગે જણાવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરે પ્રતિભા દુબેના ઘરની મુલાકાત લઈ તેમની અને તેમના પિતા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. પ્રતિભાના પરદાદા અને દાદા જનસંઘના કાર્યકર રહી ચૂક્યા છે, જ્યારે પિતા પણ જનસંઘના સમયથી જ પાર્ટી માટે કામ કરવાની શરૂઆત કરી હતી. આમ, પ્રતિભાનો પરિવાર ચાર પેઢીથી ભાજપ સાથે સંકળાયેલો છે.
પ્રતિભાનો પરિવાર મૂળ ક્યાંનો છે અને પરિવારમાં કોણ કોણ છે?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રતિભા દુબેએ જણાવ્યું હતું કે આજે ભાજપનાં મહિલા કોર્પોરેટર હોવાનો મને ગર્વ છે. અમે મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છીએ, પરંતુ મારા દાદાના સમયથી અમે અમદાવાદમાં જ રહીએ છીએ. મારા પિતાનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. પરિવારમાં માતા-પિતા અને બે મોટા ભાઈ છે. પિતા ઘરની સામે જ ચાની કીટલી ધરાવે છે. પિતા જનસંઘના સમયથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમના લોહીમાં જ ભાજપ વસેલો છે અને તેમના જ ગુણો મારામાં પણ ઊતરી આવ્યા છે, એટલે કે હું પણ ભાજપની જ કાર્યકર્તા તરીકે વર્ષ 2015થી રાજકારણમાં સક્રિય થઈ હતી. ચાર વર્ષ સુધી ભાજપના આઇટી સેલના એક કાર્યકર્તાથી લઇને કોરોનાકાળ દરમિયાન કરેલી કામગીરીને મારા પ્રદેશ અને શહેર સંગઠને ધ્યાનમાં રાખી સૌપ્રથમ વખત એક યુવા અને મહિલા તરીકે મને ચૂંટણી લડાવી અને પ્રજાએ મને મત આપી જિતાડી છે.
ઘર અને પાર્ટીનાં કામને લઈ પડે છે મુશ્કેલી, રગેરગમાં છે રાજકારણ
પ્રતિભા દુબેએ આગળ જણાવ્યું હતું કે આજે ભાજપના એક કોર્પોરેટર તરીકે હું સવારથી લઈને રાત્રે મોડા સુધી પ્રજાનાં કામો અને પાર્ટીનાં કામોમાં જ વ્યસ્ત હોઉં છું અને ઘરકામમાં પણ મારી માતાને મદદરૂપ બનું છું. બંને જગ્યાએ મારે ધ્યાન આપવાનું હોય છે, જેમાં થોડીઘણી તકલીફ પડે છે, પરંતુ હું તેને મારી રીતે સંભાળી લઉં છું. જોકે ઘણી વખત મારી માતાની ફરિયાદ હોય છે, પરંતુ હું તેમને સમજાવી દઉં છું. અગાઉ પણ જ્યારે રાજકારણમાં હું નહોતી અને નોકરી કરતી હતી ત્યારે પણ ઘરમાં સમય ઓછો આપતી હતી, તેથી બંનેમાં થોડોઘણો ફેર છે, પરંતુ હું એમાં બધી રીતે સંભાળી લઉં છું. રાજકારણનો અનુભવ ખૂબ નજીકથી કર્યો છે અને મારા લોહીમાં જ પહેલેથી જ રાજકારણ હોય એવું કહી શકીએ તો પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અને જનસંઘ સમયથી ભાજપના કાર્યકર્તા છે. તેમના ભાઈ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયેલા છે, જેથી રાજકારણની હું પહેલેથી જ થોડી જાણકાર છું.
એન્જિનિયરિંગ દરમિયાન બની ભાજપની કાર્યકર, આ જવાબદારી સંભાળી
પ્રતિભા દુબેએ પોતાના ભણતરથી લઈને રાજકારણમાં આવવા માટે કરેલા સંઘર્ષ અંગેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ધોરણ 10 સુધી ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ પોલિટેક્નિકમાં ડિપ્લોમા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કર્યું. ઓટોમોબાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલતો હતો ત્યારે વર્ષ 2015માં હું સૌપ્રથમવાર ભાજપાની કાર્યકર્તા બની હતી. સૌપ્રથમવાર હું અમરાઈવાડી વિધાનસભા વિસ્તારના આઈટી સેલની કાર્યકર્તા બની અને કામગીરી કરવાની શરૂઆત કરી હતી. પિતા એક કાર્યકર્તા હતા અને તેઓ કાર્યકર્તા તરીકે જ કામ કરતા હતા. તેમના જ ગુણોને ધ્યાનમાં રાખી પાર્ટીના સિનિયર લોકોની સાથે રહી ધીરે ધીરે તે આગળ વધી હતી.
કોરોનાકાળની કામગીરીનું મળ્યું ટિકિટરૂપે ઇનામ
પહેલી ચૂંટણી અને કોરોનાકાળમાં કરેલી કામગીરી અંગે પ્રતિભા દુબે કહે છે, વર્ષ 2020માં કોરોના આવ્યો એ દરમિયાન પાર્ટીના આદેશ મુજબ લોકોની સેવા કરવાનું અને તેમના વચ્ચે જવાનો મોકો મળ્યો અને પ્રજાની વચ્ચે કામ કર્યું હતું. પેજ સમિતિનું કામ અને બૂથ સુધીની કામગીરી કરી હતી. એક કાર્યકર્તા તરીકે સતત કામગીરી કરી અને કોરોનાકાળમાં કરેલી કામગીરીની અમારા અમરાઈવાડી વિધાનસભા વિસ્તારના તત્કાલીન ધારાસભ્ય જગદીશ પટેલથી લઈ પ્રદેશ અને શહેર સંગઠનના તમામ લોકોએ તેની નોંધ લીધી હતી. એને ધ્યાનમાં રાખી એક ભાજપના સામાન્ય કાર્યકર્તા, જેઓ ચાની કીટલી ધરાવે છે, તેમની દીકરીને પાર્ટીએ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. પ્રજા વચ્ચે જઈ એક યુવા અને શિક્ષિત મહિલા તરીકે પ્રજાનાં કામો અને ભારતીય જનતા પાર્ટીનાં કરેલાં વિકાસનાં કામોને પ્રજા વચ્ચે મત માગ્યા ને પ્રજાએ મને ચૂંટીને મોકલી હતી.
‘ઘણી તકલીફો પડે છે છતાં લોકોના પ્રશ્નો સાંભળું છું’
પહેલીવાર ચૂંટણી લડવા અંગે કોર્પોરેટર પ્રતિભા દુબે કહે છે કે જ્યારે મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું ને આજે હું કોર્પોરેટર બની પ્રજા વચ્ચે જઈ રહી છું. ખરેખર જે વિચાર કર્યો હતો અને આજે લોકોની વચ્ચે જઈ કામ કરવાનું હોય એમાં ખૂબ જ ફેર છે. હું જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવી છું એ ગરીબ વિસ્તાર છે અને અહીંના લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. લોકોને વિવિધ યોજનાઓથી લઈ કઈ રીતે સરકારના મળે છે તેની જાણકારી આપવી પડે છે અને ખરેખર જો વાત કરું તો રાજકારણમાં આવી અને સમાજના લોકો વચ્ચે રહી સેવા કરવી એવું મને લાગતું લાગતું હતું, પરંતુ ખરેખર જ્યારે હવે હું ચૂંટાઈને કોર્પોરેટર બની છું ત્યારે લાગે છે કે ખરેખર કેટલા પ્રશ્નો હોય છે, શું હોય છે, કેવી રીતે એને સંભાળવા પડે છે વગેરે બાબતો મને જાણવા મળી છે. ઘણી તકલીફો પડે છે, પરંતુ સંભાળી લઉં છું.
‘કામ માટે લોકો ગમે ત્યારે ફોન કરે અને ઘરે પણ આવે છે’
કોર્પોરેટર તરીકેની જવાબદારી અંગે તેમણે જણાવ્યું હતું કે મહિલા કોર્પોરેટર બન્યા બાદ ઘણી બધી જવાબદારી વધી જાય છે. વોર્ડની જવાબદારી હોય છે અને એ સવારથી શરૂ થઈ જતી હોય છે, જેમાં ગટર પાણીની સમસ્યા હોય છે, પરંતુ મારી એક ચાલતી ઓફિસ હોય એના જેવું છે કે ગમે ત્યારે કોઈપણ વ્યક્તિનો ફોન આવે અથવા તો લોકો ઘરે આવી જાય, જો તેમની ફરિયાદ કે કંઈ કામગીરી હોય તો પણ હું કરું છું અને ભરત પાર્ટી પ્લોટ પાસે ઓફિસે પણ સવારે બે કલાક અને સાંજે બે કલાક બેસું છું. જો કોઈપણ નાગરિક ફરિયાદ લઈને આવે તો તેની ફરિયાદનું નિવારણ કરતા હોઈએ છીએ. ઘણી વખત અડધી રાત્રે પણ કોઈ હોસ્પિટલના કામથી અથવા તો અન્ય મદદ માગતા હોય છે તોપણ કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી મદદ કરું છું.
વહેલી સવારે ઊઠી કરે છે ઘરકામ, 8.30 વાગ્યે નીકળે છે રાઉન્ડમાં
ઘરની જવાબદારી અંગે વાત કરતાં યુવા કોર્પોરેટર પ્રતિભા દુબેએ કહ્યું હતું કે એક મહિલા તરીકેની એકમાત્ર જવાબદારી નથી હોતી, ઘણી બધી હોય છે એમ મારી ઘરની અને ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ પણ મારી જવાબદારી છે. મહિલા તરીકે ઘણી બધી તકલીફો પડતી હોય છે. સવારે સાડાપાંચ-છ વાગ્યે ઊઠીને સૌથી પહેલા ઘરનું કામ 8 વાગ્યા સુધીમાં પૂરું કરી દઉં છું અને 8:30 વાગ્યા બાદ વોર્ડમાં રાઉન્ડમાં નીકળું છું. કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો એને સાંભળીને તાત્કાલિક જે-તે સંબંધિત વિભાગના અધિકારીને જાણ કરીને એનું નિરાકરણ જલદીથી આવે એનો પ્રયાસ કરવામાં આવે છે. 12 વાગ્યા સુધી વોર્ડનું કામ પતાવ્યા પછી થોડુંઘણું ઘરનું કામ અને પાર્ટીએ સોંપેલી કામગીરી કરું છું. એમાં ઘણી વખત માતાની ફરિયાદો હોય છે, પરંતુ બધું મેનેજ થઈ જાય છે. આમ, સવારથી લઈને હવે એક નહીં, પરંતુ ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહી છું.
આ છે પ્રતિભાના આદર્શ રાજનેતા
પોતાના આદર્શ અંગે વાત કરતાં પ્રતિભા દુબે કહે છે કે રાજકારણમાં કોઈ માર્ગદર્શક અને આદર્શ તો હોય જ છે. મારા માર્ગદર્શક તરીકે અમારા અમરાઈવાડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ છે, કારણ કે તેઓ ધારાસભ્ય હતા ત્યારે અમે તેમની સાથે કામગીરી કરી છે અને ત્યાર બાદ હું એક યુવા અને મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવી. ત્યાર બાદ તેમના જ માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં કઈ રીતે પાણી-ગટરના પ્રશ્નોનો ઉકેલ લાવવો, કઈ રીતે સમસ્યાનું નિરાકરણ લાવવું એ તમામ બાબતો તેમની પાસેથી મેળવું છે.
પરદાદા તથા દાદાએ અટલ-અડવાણી સાથે કર્યું છે કામ
યુવા અને મહિલા કોર્પોરેટર એવાં પ્રતિભા દુબેના પિતા મહેન્દ્રભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારો પરિવાર જનસંઘના સમયથી રાજકારણમાં છે. મારા દાદા વર્ષ 1954માં જનસંઘમાં કાર્યરત હતા અને તેમણે વર્ષો સુધી કામ કર્યું. ત્યાર બાદ મારા પિતા પણ જનસંઘમાં જોડાયા હતા અને તેઓ કાર્યરત હતા. જનસંઘના સમયમાં પંડિત દિનદયાળ, પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓ સાથે મારા દાદાએ કામ કર્યું હતું. વર્ષ 1980થી પણ જનસંઘ અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી બની, એમાં કાર્યરત થયો હતો. એ ખૂબ જ સંઘર્ષનો સમય હતો.
બેનરો લગાવવા જતાં ક્યારેક માર પડતો તો ક્યારેક થતો ટપલીદાવ
‘કોંગ્રેસની સરકાર હતી અને હજી તો ભારતીય જનતા પાર્ટી નવી પાર્ટી તરીકે હતી અને મારી ઉંમર ખૂબ જ નાની હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરવાનો અને બેનરો લગાવવાનો શોખ હતો એટલે એ લગાવવા જતાં તો ક્યારેક તો અમને માર પણ પડતો અને ટપલીદાવ પણ થઈ જતો હતો. જ્યારે સોમનાથથી યાત્રા નીકળી હતી અને ઠેર ઠેર માર ખાવાનો વારો પણ આવ્યો હતો, એટલે ઘણા બધા એવા પ્રસંગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કર્યું અને એમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે’.
જ્યારે પિતાએ PM મોદીએ કરેલી પદની ઓફર પણ નકારી
મહેન્દ્રભાઈ દુબે આગળ કહે છે કે ઘણા બધા એવા સંઘર્ષ કરવા પડ્યા હતા. જેૃ-તે સમયે હરિન પાઠક, ગોરધન ઝડફિયા, કમલેશ પટેલ સહિતના નેતાઓની સાથે રહી અને કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે, કારણ કે અમરાઈવાડી વિધાનસભા પહેલાં મણિનગર વિધાનસભા વિસ્તારમાં આવતો હતો. નરેન્દ્ર મોદી મણિનગરના ધારાસભ્ય અને તેઓ મુખ્યમંત્રી પણ હતા, જેથી તેમની સાથે પણ કામગીરી કરી છે. ઘણી વખત મને જ્યારે પાર્ટીના લોકોની સાથે બેસીને વાત કરવાનો મોકો મળ્યો ત્યારે મને તેમણે પદની ઓફર પણ કરી હતી, પરંતુ એને મેં નકારી દીધી હતી, કારણ કે પરિવારની પણ મોટી જવાબદારી હતી, બાળકોને ભણાવવાગણાવવા અને મોટા કરવાં. સૌથી મોટી વાત એ છે કે કોઈ પદની જરૂરિયાત નથી, એક કાર્યકર્તા તરીકે કામ કરીએ એ યોગ્ય લાગે છે, જેથી કાર્યકર્તા તરીકે જ કામ કર્યું છે.
પરિવારનું બેકગ્રાઉન્ડ જોઈ આપે છે ટિકિટ
દીકરીને સૌપ્રથમ વખત જ કોર્પોરેટરની ચૂંટણીમાં ટિકિટ મામલે મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આજે રાજકારણમાં યુવા અને શિક્ષિત વર્ગની વધુ જરૂરિયાત છે, કારણ કે જેમ સમય બદલાય છે તેમ ઘણું બધું બદલાતું હોય છે, ત્યારે પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે પાંચ વર્ષ વિધાનસભામાં આઈટી સેલમાં કામગીરી કરી. આ ઉપરાંત પાર્ટી પરિવારનું બેકગ્રાઉન્ડ જોતી હોય છે અને અમારો પરિવાર તો વર્ષોથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. પાર્ટીમાં મારી દીકરીમાં તેની કામગીરીને જોઈને ટિકિટ આપી અને પ્રજાએ તેને જિતાડી, ત્યારે અમારા પરિવારનો પણ તેને ખૂબ જ સપોર્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.