તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • MBBS Students Studying Abroad Have Failed In The Country, Only 21% Have Been Able To Get License To Practice In Last 3 Years

એક્સક્લૂઝિવ:વિદેશમાં MBBS ભણી આવેલા વિદ્યાર્થીઓ દેશમાં 'ફેલ', પાછલાં 3 વર્ષમાં માત્ર 21% જ પ્રેક્ટિસ માટે લાઇસન્સ મેળવી શક્યા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • વિદેશમાં MBBS ભણેલાને દેશમાં પ્રેક્ટિસ માટે લાઇસન્સ આપવા FMGE પરીક્ષા લેવાય છે
  • વિદેશના અભ્યાસનાં ધારા-ધોરણો અને માપદંડો ન જળવાતાં પરિણામ ઓછું નોંધાય છે- જાણકારો

જો તમે માનતા હોવ કે વિદેશમાં મેડિકલનો અભ્યાસ ભારત કરતાં શ્રેષ્ઠ અથવા ત્યાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ એડવાન્સ હોય છે, તો તમારી ધારણા ખોટી છે, જેની સાબિતી પાછલાં વર્ષોની ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની પરીક્ષાનાં પરિણામ આપી રહ્યાં છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ ન મેળવી શકનારા ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં ડૉક્ટરનો અભ્યાસ કરવા જતા હોય છે અને તેમણે દેશમાં પરત ફરી પ્રેક્ટિસ કરવા માટે FMGEની પરીક્ષા આપવી પડે છે, જોકે આ એક્ઝામનાં પરિણામ ઘણાં જ નિરાશાજનક રહ્યાં છે.

પાછલાં ત્રણ વર્ષનું માત્ર 21% પરિણામ
પાછલાં 3 વર્ષમાં 6 સેશનમાં FMGEની પરીક્ષાનાં પરિણામના આંકડા પર નજર કરવામાં આવે તો કુલ 85,722 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 17,812 વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરી લાઇસન્સ મેળવવામાં સફળતા મળી છે, એટલે કે માત્ર 21% પરીક્ષાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શક્યા છે. આ આંકડા વિદેશમાં અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓની ગુણવત્તા સામે સવાલો ઊભા કરે એવા છે અને દેશના મેડિકલ શિક્ષણ જગતમાં ચિંતા વધારી છે. ગુજરાત યુનિવર્સિટી મેડિકલ ફેકલ્ટીના ડિન રશ્મિકાંત દવેનું કહેવું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એક કરતાં વધુ ટ્રાયલ આપતા હોય છે, જ્યારે નવા ફ્રેશ વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય છે, કારણ કે વિદેશની કેટલીક મેડિકલ કોલેજમાં સ્ટાન્ડર્ડ નથી જળવાતું.

નરેન્દ્ર કુમાર, પીજી સ્ટુડન્સ, બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ.
નરેન્દ્ર કુમાર, પીજી સ્ટુડન્સ, બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ.

પહેલા અટેમ્પ્ટમાં પરીક્ષા પાસ કરવી મોટો પડકાર
રશિયામાં MBBS કર્યા બાદ બી.જે. મેડિકલ કોલેજમાં પીજીમાં પ્રવેશ મેળવનાર નરેન્દ્ર કુમારનું કહેવું છે કે પહેલા અટેમ્પ્ટમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરવી મોટો પડકાર છે. આ પરીક્ષાનું સ્ટાન્ડર્ડ પણ ઊંચું હોય છે, જે જરૂરી પણ છે. સ્થિતિ એવી છે કે વિદેશમાં ભણ્યા બાદ આ પરીક્ષા માટે પણ કોચિંગ લેવું પડે છે. વર્ષ 2020ના પહેલા સેશનની પરીક્ષામાં માત્ર 11.62% પરિણામ નોંધાયું હતું. જેમાં 17,198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને માત્ર 1,999 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે સૌથી ઊંચું પરિણામ વર્ષ 2019માં ડિસેમ્બર સેશનમાં લેવાયેલી પરીક્ષાનું નોંધાયું, જેમાં 15,663 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જૈ પૈકી 4,444 વિદ્યાર્થી પાસ થયા હતા.

શું છે FMGE પરીક્ષા ?
વર્ષમાં બેવાર નેશનલ એક્ઝામિનેશન​​​​​ બોર્ડ(NEB) આ લાઇસન્સ માટેની પરીક્ષાનું આયોજન કરતું હોય છે. 2002થી વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી દેશમાં પરત ફરતા ભારતીય વિદ્યાર્થીઓને લાઇસન્સ આપવા માટે સ્ક્રીનિંગ ટેસ્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. વિદેશમાં MBBS કર્યા બાદ આ FMGE પાસ કરવી પડતી હોય છે. બાદમાં આવા વિદ્યાર્થીઓએ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરવી પડે છે. ત્યાર બાદ જ તેમને સ્થાનિક સ્તરે પ્રેક્ટિસ કરવાનું મેડિકલ કાઉન્સિલ તરફથી લાઇસન્સ આપવામાં આવે છે. ચીન, ફિલિપિન્સ તથા રશિયા વગેરે જેવા દેશમાં ગુજરાત અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી વિદેશમાં અભ્યાસ માટે જાય છે.

નીતિન વોરા, ચેરમેન ગુજરાત મેડિકલ કાઉન્સિલ.
નીતિન વોરા, ચેરમેન ગુજરાત મેડિકલ કાઉન્સિલ.

વિદેશમાં મોટા પ્રમાણમાં કોલેજો ખૂલી
સોલા જીમર્સ મેડિકલ કોલેજના ડીન અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન નીતિન વોરાનું કહેવું છે કે આપણા દેશમાં મેડિકલ શિક્ષણનાં ધારા-ધોરણો અન્ય દેશો કરતાં સારાં છે. ઉપરાંત ભારતમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત હોય છે, જેની સામે વિદેશમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ હોય છે. સૌથી મોટી વાત એ છે કે વિદેશમાં મેડિકલ કોલેજો પણ મોટા પ્રમાણમાં ખૂલી છે, એટેલે આપણા દેશ જેવા માપદંડો જળવાતા નથી, જેથી મેડિકલ એજ્યુકેશનની ગુણવત્તાએ મોટો પ્રશ્ન બન્યો છે અને આ સ્થિતિ સર્જાઈ છે.

બિપિન પટેલ, અધ્યાપક, MK શાહ મેડિકલ કોલેજ.
બિપિન પટેલ, અધ્યાપક, MK શાહ મેડિકલ કોલેજ.

ઓછી ટકાવારી હોવાથી વિદેશમાં ભણવા જાય છે
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્ર​મુખ અને MK શાહ મેડિકલ કોલેજના અધ્યાપક બિપિન પટેલનું કહેવું છે કે એ વાત ચોક્કસ છે કે પહેલાં કરતાં પરિણામની ટકાવારી થોડી વધી છે, પરંતુ સંતોષકારક પરિણામ નથી આવી રહ્યું. ઉપરાંત વિદેશના ક્લિનિકલ નોલેજ તથા ભણાવવાની પદ્ધતિમાં પણ મોટો તફાવત હોય છે, જેને કારણે આ સ્થિતિ સર્જાઇ છે. સૌથી મોટી વાત એ છે કે ઓછી ટકાવારી હોવાથી વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ ન મળી શકવાથી વિદેશ જાય છે, જેથી લાઇસન્સ પરીક્ષાના પરિણામમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે 2023થી NEET-એક્સિટ એક્ઝામ અમલમાં આવી રહી છે, જેમાં MBBSના અભ્યાસ બાદ ન માત્ર વિદેશના, પરંતુ દેશમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ફરજિયાત એક્સિટ એક્ઝામ પાસ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...