ડેટા સ્ટોરી:માર્કેટને 56,000 પહોંચાડવામાં અદાણીનો મહત્વનો ફાળો પણ શેરબજારના સિંહ તો આજે પણ મુકેશ અંબાણી જ છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રિલાયન્સ કરતાં અડધું
  • 3 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 59.37% જ્યારે અદાણીનું 352.22% વધ્યું

તાજેતરમાં જ સેન્સેક્સ 56,000ની સપાટીએ પહોંચ્યો હતો અને માર્કેટ નિષ્ણાતો માને છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું પરફોર્મન્સ રહ્યું છે તે મુજબ શેરબજારને નવી ઊંચાઈએ પહોંચાડવામાં અદાણીનું મહત્વનું યોગદાન છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સ 185-945% વધ્યા છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચે જે તફાવત હતો તે પણ ઘણો ઓછો થયો છે. અદાણી ગ્રૂપમાં આટલું બધુ ડેવલપમેન્ટ થવા છતાં શેરબજારના સિંહ તો આજે પણ મુકેશ અંબાણી જ છે. દિવ્યભાસ્કરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરથી આંકડા મેળવી તેનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે, ગૌતમ અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.11 લાખ કરોડ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂ. 13.77 લાખ કરોડ છે.

માર્કેટ કેપ ટોપ-25માં અદાણીની એક પણ કંપની નહીં
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 240.86 લાખ કરોડ છે. આમાં રૂ. 13.77 લાખ કરોડ સાથે રિલાયન્સ પહેલા નંબર પર છે. અદાણી ગ્રૂપની એક પણ કંપની માર્કેટ કેપ ટોપ-25 લિસ્ટમાં પણ નથી. BSE ટોપ-100 માર્કેટ કેપ લિસ્ટમાં અદાણી એન્ટરપ્રાઇઝ રૂ. 1.60 લાખ કરોડ સાથે 27માં નંબર પર છે.
માર્કેટ કેપની રીતે ટોપ-25 કંપનીઓ

કંપનીમાર્કેટ કેપ (રૂ. લાખ કરોડ)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ13.77
ટાટા કન્સલ્ટન્સી13.16
HDFC બેન્ક8.36
ઈન્ફોસિસ7.35
હિન્દુસ્તાન યુનિલીવર5.83
HDFC લિમિટેડ4.89
ICICI બેન્ક4.77
બજાજ ફાઇનાન્સ3.95
SBI3.75
કોટક મહિન્દ્રા બેન્ક3.47
વિપ્રો લિમિટેડ3.44
ભારતી એરટેલ3.42
HCL ટેકનોલોજીસ3.07
એશિયન પેઇન્ટસ2.88
ITC2.57
બજાજ ફિનસર્વ2.38
એવન્યુ સુપરમાર્ટ2.36
એક્સિસ બેન્ક2.31
L&T લિમિટેડ2.29
અલ્ટ્રાટેક સિમેન્ટ2.19
મારુતિ સુઝુકી2.06
સન ફાર્માસ્યુટિકલ1.87
નેસ્લે ઈન્ડિયા1.82
ટાટા સ્ટીલ1.80
JSW સ્ટીલ1.78

સંદર્ભ: BSE

માર્કેટ કેપમાં અંબાણી કરતાં અદાણી પાછળ, પણ ગ્રોથમાં આગળ
બંને ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જોઈએ તો રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપ ઘણું પાછળ છે. રિલાયન્સનું માર્કેટ કેપ અત્યારે રૂ. 13.77 લાખ કરોડ છે. એની સામે અદાણીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.10 લાખ કરોડ છે. જોકે 2019થી અત્યારસુધીનો ગ્રોથ જોઈએ તો છેલ્લાં 3 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 59.37% વધ્યું છે, જ્યારે અદાણીનું માર્કેટ કેપ 352.22% વધ્યું છે.

સ્ટોકના વિવાદથી અદાણીના માર્કેટ કેપને અસર થઈ
જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના ખાતાં ફ્રીઝ કરી દીધાં છે એવા અહેવાલો આવ્યા બાદ અદાણીના સ્ટોક્સમાં ભારે ધોવાણ થયું હતું. આ જ કારણે ગ્રુપની માર્કેટ કેપમાં પણ ધોવાણ થયું છે. આ સમયે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 8 લાખ કરોડથી પણ વધારે હતું, જે એક તબક્કે ઘટીને રૂ. 7 લાખ કરોડની અંદર પહોંચી હતું, જોકે બાદમાં એમાં રિકવરી રહી છે.

અદાણીએ રોકાણકારોને ઘણો લાભ કરાવ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટમાં બતાવ્યા મુજબ, રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોને ઘણી જ સારી કમાણી થઈ છે. 52 સપ્તાહની સૌથી નીચી અને ઊંચી સપાટી જોઈએ તો રિલાયન્સના શેર 29.44%નો વધારો થયો છે. એની સામે અદાણી જૂથની કંપનીઓમાં 188%થી લઈને 945% જેવો ગ્રોથ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 500%થી વધારેની વૃદ્ધિ થઈ છે.

સંપત્તિ સર્જનમાં મુકેશ અંબાણી હજુ પણ આગળ
માર્કેટ કેપ હોય કે પછી શેરના ભાવમાં થયેલા વધારાના મામલે ગૌતમ અદાણીની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી રહી છે, પરંતુ સંપત્તિ સર્જનમાં મુકેશ અંબાણી આજે પણ આગળ છે. ફોર્બ્સના ડેટા મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે રૂ. 4.18 લાખ કરોડ છે, જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ રૂ. 6.14 લાખ કરોડ છે. અદાણીના વેલ્થ ક્રિએશનમાં છેલ્લાં બે વર્ષથી એનર્જી અને ગેસ બિઝનેસનું કન્ટ્રિબ્યુશન વધ્યું છે. એની સામે રિલાયન્સના ટેલિકોમ અને રિટેલ બિઝનેસને કારણે અંબાણીને ફાયદો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...