તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Gujarat Govt Manipulate Ventilated Patient Figure There Are More Than 1500 Patients Daily On Ventilators Instead Of 700

આરોગ્ય વિભાગનું હળહળતું જુઠ્ઠાણું:રાજ્યમાં સરકારી ચોપડે માત્ર 412થી લઈ 792 દર્દી વેન્ટિલેટર પર, હકીકતમાં દૈનિક 1500થી વધુ દર્દી હોય છે વેન્ટિલેટર પર

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • અમદાવાદમાં જેટલા દર્દી વેન્ટિલેટર પર હોય એટલા જ આખા રાજ્યના બતાવવામાં આવ્યા
  • વડોદરા, રાજકોટ, સુરત અને અન્ય શહેરોમાં કેટલા દર્દી વેન્ટિલેટર પર છે એની તો વાત જ રહેવા દો
  • માત્ર બે અમદાવાદ અને વડોદરામાં જ 1500 દર્દી વેન્ટિલેટર પર હોય તો આખા રાજ્યમાં કેટલા હશે?

હાલ ગુજરાતમાં કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ 11000ની આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે. આ અંગે આરોગ્ય વિભાગ રોજ કુલ દર્દી, તેમની સ્થિતિ અંગે માહિતી આપે છે, જે મુજબ મે મહિનાની શરૂઆતથી લઇને 10મી મે સુધી રાજ્યમાં 700થી 792 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. એકલા વડોદરામાં જ 1100થી વધુ વેન્ટિલેટર છે, જે પૈકી 1 હજારથી વધુ બેડ ફુલ છે. રાજ્યભરમાં પાછલા 15 દિવસથી 10 હજારથી વધુ પોઝિટિવ કેસ મળી રહ્યા છે, જેમાં કેટલાક દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે ક્યારેય વેન્ટિલેટર પરના દર્દીનો આંક 800થી વધુ બતાવ્યો નથી.

આ અંગે DivyaBhaskarએ અમદાવાદ અને વડોદરાનાં વેન્ટિલેટર સાથેનાં બેડની વિગતો એકઠી કરીને એક સુપર એક્સક્લૂઝિવ અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં સરકારના આંકડાઓની પોલ ખૂલી પડી ગઈ છે.

જ્યારે વાસ્તવમાં અમદાવાદ અને વડોદરામાં જ 1500 જેટલા દર્દી વેન્ટિલેટર પર હોય છે. આ સિવાય અન્ય શહેરો અને જિલ્લાની તો વાત જ ક્યાં કરવી?

ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયાં હતાં
જ્યારથી કોરોનાએ ગતિ પકડી ત્યારથી ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર બેડ મળવા મુશ્કેલ હતાં, જેના કારણે જ એમ્બ્યુલન્સની હોસ્પિટલ બહાર કતારો જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજ્યમાં ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયાં હતાં, ત્યારે સરકારી ચોપડે એક હજારની અંદર વેન્ટિલેટરનો આંક, સૌકોઇને આશ્ચર્ય પમાડે તેવો છે.

પ્રેસનોટમાં વિગત આપવામાં આવે છેઃ આરોગ્ય કમિશનર
આ બાબતે DivyaBhaskarએ આરોગ્ય વિભાગના કમિશનર જે.પી. શિવહરે સાથે વાત કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ વાત કરવાથી દૂર રહ્યા અને અંતે ટેક્સ્ટ મેસેજ મારફત જવાબ આપ્યો. આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ મારફત સાંજે જારી કરવામાં આવતી પ્રેસનોટમાં વેન્ટિલેટર પર કેટલા દર્દી છે એ અંગે માહિતી આપવામાં આવે છે. જોકે જ્યારે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના વેન્ટિલેટર બેડ પરના દર્દીના આંકડામાં વિસંગતતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોઇ જવાબ ન મળ્યો.

કેસ ઘટ્યા, પણ વેન્ટિલેટર પરના દર્દી નહીં વડોદરામાં કેસ ભલે ઓછા આવતા હોય, પરંતુ વેન્ટિલેટર પરના દર્દી હજુ કાયમ છે. VMCની વેબસાઇટ પર ખાલી બેડ અંગેની માહિતી મુજબ 9 મેએ શહેરમાં 1137 દર્દી વેન્ટિલેટર પર હતા, જ્યારે 16 વેન્ટિલેટર બેડ ખાલી હતાં. 10 મેએ 1137 દર્દી, ખાલી બેડ 16, જ્યારે 11 મેના રોજ 1143 વેન્ટિલેટર બેડ ફુલ અને 13 બેડ ખાલી છે.

સૌથી વધુ વેન્ટિલેટર વડોદરામાં, અત્યારસુધી તમામ બેડ ફુલ રહ્યાં
​​​​​
​​​​​રાજ્યભરમાં વડોદરા શહેરમાં સૌથી વધુ વેન્ટિલેટરની સુવિધા છે. વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ પર દર્શાવાતી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના સારવાર માટે કુલ 14,197 બેડ છે, જેની સામે 1156 ICU-વેન્ટિલેટર બેડ કોરોના દર્દી માટે સારવાર માટે ઉપલબ્ધ છે. જ્યારથી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ ત્યારથી ઓક્સિજન બેડની સાથે વેન્ટિલેટર બેડની માગ ખૂબ વધી હતી. જોકે 11 મેની બપોર સુધીના આંકડા મુજબ, 1,153 પૈકી 1,144 વેન્ટિલેટર બેડ ખાલી છે. પાછલા 4થી 5 દિવસ દરમિયાન કેસ ઘટતાં વેન્ટિલેટરના અંદાજે 10થી 15 બેડ ખાલી રહે છે, જ્યારે મહત્તમ બેડ ભરાયેલાં છે.

છેલ્લા 15 દિવસ દરમિયાન સરકારી ચોપડે અને અમદાવાદમાં વેન્ટિલેટરની સ્થિતિ

તારીખરાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીAMCના આંકડોકુલ કેસ
26 એપ્રિલ41242814340
27 એપ્રિલ41843014352
28 એપ્રિલ42143114120
29 એપ્રિલ57243014327
30 એપ્રિલ61342114605
1 મે63743013748
2 મે72242912978
3 મે74741812820
4 મે77841613050
5 મે79241612955
6 મે78641612545
7 મે77541312064
8 મે78241511892
9 મે78641411084
10 મે79241411592

15 દિવસમાં અમદાવાદમાં એકપણ વેન્ટિલેટર બેડ ખાલી નથી
અમદાવાદમાં 170 જેટલી ખાનગી હોસ્પિટલમાં 430 અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 437 વેન્ટિલેટર બેડ છે. એક તરફ આરોગ્ય વિભાગ દાવો કરતો હોય કે 2 મેથી 722 અને 10 મે સુધીમાં 792 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના દૈનિક ખાલી બેડ અંગે અપાતી માહિતી અનુસાર, અમદાવાદમાં છેલ્લા 15થી વધુ દિવસથી વેન્ટિલેટરનાં ખાલી બેડ જોવા નથી મળ્યાં.

જોકે 8મી મેથી કેસની સંખ્યા 12 હજારથી નીચે પહોંચી ત્યારે માંડ એક કે બે ખાલી બેડ જોવા મળ્યાં. રસપ્રદ વાત એ છે કે અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલના કુલ વેન્ટિલેટરનો સરવાળો કરીએ તો 867 થાય છે. DRDOનાં 130, ઉપરાંત કોર્પોરેશન હોસ્પિટલનાં વેન્ટિલેટર બેડ પણ મોટા ભાગે ફુલ જોવા મળ્યાં છે, જો આ હોસ્પિટલોનો આંકડો અમદાવાદમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા વધી જાય.

સરકારી ચોપડે આંકડો 800ની અંદર લોક
આરોગ્ય વિભાગ એક દૈનિક પ્રેસનોટ જારી કરી એક્ટિવ કેસ, સ્ટેબલ કેસ, વેન્ટિલેટર પરના દર્દીની માહિતી આપે છે. 1 એપ્રિલથી લઇ 10 મે સુધી પ્રેસનોટમાં, 2 મેથી વેન્ટિલેટર બેડના આંકડા 700 ઉપર જોવા મળ્યા, જે 10 મે સુધી 792 સુઘી પહોંચ્યો. જ્યારે હકીકત કંઇક અલગ જ છે. રાજ્યનાં મહાનગરોમાં તો વેન્ટિલેટર બેડની અછત જોવા મળી છે, 108માં બેડ માટે 1 દિવસ રાહ જોવી પડી હતી. આ સ્થિતિમાં આ પ્રકારે વાસ્તિવતાથી તદન વિપરીત માહિતી આપી આરોગ્ય વિભાગ શું સાબિત કરવા માગે છે એ સવાલ સૌકોઇના મનમાં છે.

સૌથી વધુ કેસ આવ્યા એ દિવસે 613 દર્દી જ વેન્ટિલેટર પર બતાવ્યા
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કોરોના સારવાર બાબતે કરેલા સોગંદનામા પ્રમાણે, કુલ 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ છે, જેમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. દર્દીઓ પાછલા 1 મહિના દરમિયાન વેન્ટિલેટર બેડ માટે વલખાં મારી રહ્યા હતા, પરંતુ બેડ ન મળી શક્યા. એવામાં સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે રાજ્યમાં 30 એપ્રિલે રાજ્યમાં અત્યારસુધીના સૌથી 14605 કેસ નોંધાયા, એ દિવસે પ્રેસનોટ પ્રમાણે રાજ્યમાં માત્ર 613 દર્દી વેન્ટિલેટર પર દર્શાવાયા.