તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • A Young Man From Ahmedabad Left A Busy Business And Started Imparting Knowledge Of Fetal Rites For Free. He Could Not Even Shake The Offer Of A High Profile Job In Dubai.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:અમદાવાદના યુવકે જામેલો બિઝનેસ છોડીને મફ્તમાં ગર્ભ સંસ્કારનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું, દુબઈની હાઇ પ્રોફાઇલ જોબની ઓફર પણ ન ડગાવી શકી

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: રાજેશ વોરા
જીવનમાં પોતાનો અને બીજાનો આનંદ વધારવાના ધ્યેય સાથે આશિષ ભલાણી કામ કરે છે.
  • શારીરિક અને માનસિક દુઃખોને દૂર કર્યાં બાદ હવે લોકોને ખુશ રાખવા મથે છે

ગુજરાતી ભાષાના મૂઠી ઊંચેરા કવિ મકરંદ દવેની એક ખ્યાતિપ્રાપ્ત કવિતા છે કે ગમતું મળે તો ગુંજે ન ભરી અને ગમતાનો કરીએ ગુલાલ..પરંતુ ગમતું કરવામાં હંમેશાં વ્યક્તિએ સેફ સાઈડ છોડવી પડતી હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં રહેતા યુવકે કર્યું છે. MBAનો અભ્યાસ કર્યા બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રનો અભ્યાસ કર્યા બાદ કંપની સ્થાપી. ભારે સફળતા મળ્યા બાદ માત્ર આત્મસંતોષ ખાતર બિઝનેસ છોડી દીધો..દુબઈની હાઈ પ્રોફાઈલ જોબની ઓફરમાં ડગ્યા વગર મફતમાં ગર્ભ સંસ્કાર આપવાનું કામ શરૂ કર્યું છે આશિષ ભલાણીએ.. અંદરની જીદ અને શોખથી કામ કરવા પ્રેરાયેલા આશિષ કહે છે, એક સમય એવો હતો કે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો, અલ્સરની બીમારી થઈ ગઈ, પરંતુ આ નવા જીવનમાં હવે માત્ર હેપીનેસ હેકર તરીકે જ આગળ વધવા માગું છું. જીવનમાં હવે એક જ ધ્યેય છે આનંદ પોતાનો અને બીજાનો વધારવો..

ગમતું કામ કરીને આશિષ ભલાણી સફળતા મેળવી રહ્યા છે.
ગમતું કામ કરીને આશિષ ભલાણી સફળતા મેળવી રહ્યા છે.

પૂજ્ય મોટાની પ્રેરણાથી ગમતું કામ ઉપાડ્યું
યુવા વયે જ અનેક તડકી-છાંયડી જોઈ ચૂકેલા આશિષ ભલાણી હાલ દુબઈની ઓફર નકારીને વિના મૂલ્યે ગર્ભ સંસ્કારનું કામ કરી રહ્યા છે. DivyaBhaskar સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રકારનાં કામ દરમિયાન મને દુબઈ સેટ થવાનો અને કામ કરવાનો જીવનનો કદાચ ગોલ્ડન ચાન્સ મળ્યો, પણ અદભુત વિભૂતિ પૂજ્ય મોટાએ એક ઉત્તમ કારકિર્દી માટેની વ્યાખ્યા કરતા કહેલું કે અમુક લોકો રૂપિયા કમાવવા કામ કરે, અમુક પેટ માટે તો અમુક લોકો જે ગમે એ જ કામ કરે અને ચોથા પ્રકારમાં કશુંક ચોંટી જાય અને પછી એ જ કરવા લાગે, એ જ ઉત્તમ કારકિર્દી છે. મને લાગે છે કે મને આ હેપીનેસ અને ગર્ભ સંસ્કારનું કામ ચોંટી ગયું છે. જેથી મેં દુબઈની ઓફરને સ્વીકારી નહીં.

આશિષ લોકોને દરેક તબક્કે કેમ ખુશ રહી શકાય એ અંગેનું સતત માર્ગદર્શન આપતા રહે છે.
આશિષ લોકોને દરેક તબક્કે કેમ ખુશ રહી શકાય એ અંગેનું સતત માર્ગદર્શન આપતા રહે છે.

પુરાણોનું જ્ઞાન વેચવા કરતાં વહેંચે છે
આશિષ ભલાણી ગર્ભ સંસ્કાર અંગે કહે છે, ગર્ભ સંસ્કારની હું હાલ કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરતો નથી. જેમ પુરાણોમાં આપણા ઋષિઓ જ્ઞાન વેચતા નહીં, પણ વહેંચતા હતા એવું જ કંઈક હું કરી રહ્યો છું. ગર્ભવતી માતા અને તેનો પરિવાર જે મૂલ્ય યોગ્ય લાગે એ નક્કી કરીને મને કવર આપે છે. શું આપ્યું એ મારા માટે અગત્યનું નથી, પણ મારા પરનો તેમનો વિશ્વાસ જ અમૂલ્ય છે. હું માનું છું કે સરહદ પર કહેવાતા દુશ્મનોને રોકવા જેટલા જરૂરી છે એના કરતાં પણ વધુ જરૂરી મને લાગે છે કે નબળી માનસિકતા અથવા શારીરિક નબળાઈવાળું બાળક ન જન્મે અને એક ઉત્તમ નાગરિક સમાજને મળે એ જરૂરી છે. સુરતની ટોપ ત્રણ આઇટી કંપનીમાંની એક કંપનીએ મને તેમની કંપની કલ્ચરમાં આનંદ(હેપીનેસ) કેમ વધી શકે એના માટે મને હાયર કર્યો છે.

બીમારીઓ વખતે પણ આશિષે હકારાત્મકતા દાખવી હતી.
બીમારીઓ વખતે પણ આશિષે હકારાત્મકતા દાખવી હતી.

એન્જિનિયરિંગ વખતે અકસ્માત થયો
પોતાના જીવન સંઘર્ષ અંગે વાત કરતાં આશિષ ભાલાણી આગળ કહે છે, 2011માં એન્જિનયરિંગના છેલ્લા વર્ષનું છેલ્લું પેપર આપવા જતી વખતે અકસ્માત થયો અને સ્પાઇનનો એક મણકો ભાંગીને ભુક્કો થયો, જેને કારણે 19 દિવસ હોસ્પિટલમાં અને 2 મહિના સાવ જ બેડ પર તથા 6 મહિના ઘરમાં જ રહીને સારવાર લીધી. અક્સ્માતમાં જો જરા પણ વધુ આમતેમ થયું હોત તો પેરેલિસિસથી શરીરનું કોઈપણ અંગ નકામું થઈ શકે એવી પૂરી શક્યતા હતી. હવે આ 2 પ્લેટ અને 6 સ્ક્રૂના સહારે રહેવાનું છે. પત્ની પણ એવી મળી છે, જે આ સ્થિતિ અંગે જાણતી હોવા છતાં મારી સાથે લગ્ન કરવા તૈયારી બતાવી. હું તેનો આભારી છું.

આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા ઓર્ગેનાઈઝેશનના મંચ પર પણ આશિષને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા ઓર્ગેનાઈઝેશનના મંચ પર પણ આશિષને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો છે.

ધંધો જામી ગયો હતો
વર્ષ 2014માં MBA પૂરું કર્યા પછી 16 દિવસની એક નોકરી કરીને પોતાનો ધંધો કરવો છે એમ નક્કી કરીને ત્રણ જણા ભેગા મળીને માથામાં નાખવાનું તેલ બનાવ્યું હોવાનું કહેતાં આશિષ ભલાણીએ ઉમેર્યું કે હું માર્કેટિંગનું ભણેલો અને અનુભવ હતો, એટલે જાણતો હતો કે કોઈ દુકાનવાળો મારી પ્રોડક્ટ નહીં જ વેચે, એટલે અમે બ્યૂટીપાર્લર અને હેર સલૂનમાં મળવાનું શરૂ કર્યું અને લગભગ 2 મહિનામાં 50 કરતાં વધુ બ્યૂટીપાર્લર અને હેર સલૂનમાં અમારી પ્રોડક્ટ સેલ થવા લાગી. પછી તરત જ અમે શેમ્પૂ બનાવ્યું અને માર્કેટમાં રિપીટ ઓર્ડર આવવાનું શરૂ થયું હતું. આ રીતે ધંધો જામી ગયો હતો.

નબળી માનસિકતા અથવા શારીરિક નબળાઈવાળું બાળક ન જન્મે એ માટે કામ કરે છે.
નબળી માનસિકતા અથવા શારીરિક નબળાઈવાળું બાળક ન જન્મે એ માટે કામ કરે છે.

કામમાં સંતોષ મળતો નહોતો
આશિષ ભલાણીએ કહ્યું, મારા સ્કૂલના બેસ્ટ ફ્રેન્ડ વિશાલ ગોટીએ મને તેની સાથે જોડાવાની ઓફર આપી, જેમાં પણ મારે માર્કેટિંગ ભાગ જ જોવાનો હતો અને તે ધંધામાં 1 વર્ષ એકપણ રૂપિયાનો ધંધો ના લાવી શક્યો અને વર્ષના અંતે L&T કંપનીનો 1 કરોડ અને 30 લાખનો એક મોટો કોન્ટ્રેક્ટ મારા થકી નક્કી થયો અને પછી 3 વર્ષમાં ખૂબ કામો કર્યાં. અલગ અલગ શહેરો અને રાજ્યો ફરવા મળ્યાં. મુંબઈ, કોલકાતા,આંધ્રપ્રદેશ,વગેરે જગ્યાએ અંદરથી કામનો સંતોષ નહોતો મળતો, કેમ કે 2009થી મનમાં હતું કે હું કોમ્યુનિકેશન અથવા એજ્યુકેશન ક્ષેત્રે જ કામ કરીશ. હું ત્યારે EC(ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન) ભણી રહ્યો હતો એટલે ઇલેક્ટ્રોનિક્સ કાઢીને મેં કોમ્યુનિકેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

હસતા ચહેરા જોઈને આશિષને વધુ આનંદ મળે છે.
હસતા ચહેરા જોઈને આશિષને વધુ આનંદ મળે છે.

બ્રાન્ડિંગ એજન્સી સ્થાપતાં ગમતું કામ મળ્યું
અમે બે મિત્રોએ મળીને અમદાવાદમાં એક બ્રાન્ડિંગ એજન્સી સ્થાપી અને કામો શરૂ કર્યું એમ આગળ કહેતાં આશિષ ભલાણીએ કહ્યું હતું કે અમને કામો મળ્યાં, ખૂબ મળ્યાં, પણ એક દિવસ એક વડોદરાના ડૉક્ટરને ગર્ભ સંસ્કાર પર એપ બનાવવી હતી. એ પ્રોજેક્ટ હું જોઈ રહ્યો હતો અને એ કામનો એવો નશો ચડ્યો કે થાક લાગે જ નહીં અને પછી નક્કી કર્યું કે કામ કરવું તો આ જ.. અને મેં 2020ના દશેરાના દિવસે અચાનક જ નક્કી કર્યું કે કાલથી હું કામ નહીં કરું અને પૂરું ફોકસ ગર્ભ સંસ્કાર પર કરીશ.

ગર્ભ સંસ્કારની કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરાતી નથી.
ગર્ભ સંસ્કારની કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરાતી નથી.

માંદગી સામેનો સંઘર્ષ
7 મહિનાના બાળકને લાખોમાં એકને થાય એવી બીમારી થઈ, જે મારો ભત્રીજો અને તેના જન્મ વખતે મારો ભાઈ બેલ્જિયમની જેલમાં સજા કાપી રહ્યો હતો અને એ જ સમયે મારા જીવનના અતિ પ્રિય એવી વ્યક્તિ મારા દાદાનું રોડ માર્ગ અકસ્માતમાં રિકવર ના થવાથી મૃત્યુ થયું અને આ બધી જ ચિંતામાં મને તે જ વર્ષે અલ્સર ડિટેક્ટ થયું તથા ઘર પરિવારને વધુ ચિંતા એ વાતની કે 2007માં મારા કાકાનું પેટના કેન્સરથી મૃત્યુ થયું અને મને અલ્સર આવ્યું પણ ભગવાનની દયાથી આજે બધું જ ખૂબ સરસ છે. આજે મારો ભાઈ મારા માટે પ્રેરણા સમાન છે, જે સમાજમાં પોતાની ભૂલ સ્વીકારી અને આર્થિક નુકસાન થવા છતાં હિંમત ના હારી પોતાનો સંઘર્ષ કરે છે. તે મારા માટે ખૂબ મોટો પ્રેરણા સ્તંભ બને છે. એ સિવાય મારાં માતા-પિતા અને પત્નીનો ખૂબ આભારી છું મને સહકાર આપવા બદલ.

બાળકો સાથે આશિષ ભલાણી આનંદ માણી લેતા હોય છે. ગર્ભ સંસ્કારની હું હાલ કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરતો નથી.
બાળકો સાથે આશિષ ભલાણી આનંદ માણી લેતા હોય છે. ગર્ભ સંસ્કારની હું હાલ કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરતો નથી.

આનંદ લૂંટવા કંઈપણ કરી છૂટે છે
હું અને મારા મિત્ર નિલેશે અચાનક નક્કી કર્યું કે આ વખતે ભાવનગર સાઇકલ લઈને જઈએ. હવે અમારા બંનેમાંથી એકપણ રેગ્યુલર સાઇકલ કે જિમ કે ફિટનેસ માટે કંઈજ કરીએ નહીં અને છતાં આ સાહસ કરવાનું નક્કી કર્યું. મારે સ્પાઇનમાં પ્લેટ અને મનોબળ ચકાસવા નીકળી ગયા ને આજે મારા માટે સ્વ આનંદનો એક મોટો માઇલસ્ટોન બની ગયો. અમે ક્યાંય પણ હોટલમાં ન તો રોકાયા અને ન તો જમ્યા, બસ, મંદિર જિંદાબાદ. પછીના વર્ષે નક્કી કર્યું કે સુરતથી ભાવનગર લિફ્ટ લઈને જવું, તેના પાછળ પણ એક મોટું કારણ કે મારામાં ધીરજ ઓછી છે. હું જાણું છું અને તેનો ટેસ્ટ લેવા અને લોકોને જાણવા તેમજ મળવાના આશયથી નીકળી ગયો. એવા એવા કિસ્સા અને વાર્તા મળ્યાં છે જે જીવનની યાદગાર પળોમાં કહી શકાય.

સુરતથી સૌરાષ્ટ્ર સુધી મિત્ર સાથે સાઇકલથી પ્રવાસ ખેડ્યો હતો.
સુરતથી સૌરાષ્ટ્ર સુધી મિત્ર સાથે સાઇકલથી પ્રવાસ ખેડ્યો હતો.

લોકડાઉનમાં સેવા કરી
સુરતથી લોકડાઉનના 5 દિવસ પહેલા જ શિફ્ટ થયો અને પછી આસપાસના લોકો સાથે સંબંધ કેમ બનાવવો એ વિચાર સાર્થે મેં એક પ્રયોગ કર્યો અને મારી ઘરની નાની લાઇબ્રેરીને લોકો માટે ઓપન કરી અને લોકોએ ખૂબ લાભ લીધો વાંચનનો. મને નવા સબંધો અને મિત્રો મળ્યા. લોકડાઉનમાં ભૂખ્યાને ભોજન પહોંચાડવા દાલરોટી નામનું એક પ્લેટફોર્મ બનાવ્યું, જેના દ્વારા લોકોને મદદ કરી. પછી UAEની એક કોમ્પિટિશનમાં ભાગ લીધો અને અમારા આઇડિયાને ટોપ 10માં સ્થાન મળ્યું તેમજ દિવ્ય ભાસ્કરે અમને ઇનોવેશન વોરિયર્સનો અવૉર્ડ આપ્યો.

આ પણ વાંચોઃ-વડોદરામાં 4 એન્જિનિયર મિત્રોએ મળીને કાફે સ્ટાર્ટઅપ શરૂ કર્યુ

કોરોનામાં મનથી પોઝિટિવ રહ્યા
1 મે 2020ના રોજ અમને થયો કોરોના અને અમે 10 દિવસના હોસ્પિટલ વેકેશનમાં ગયા અને ત્યાં બનાવેલો અમારો વીડિયો વાઈરલ થયો. એ વીડિયો મેં મારા ફેમિલી માટે બનાવેલો, કેમ કે, લોકોના ખૂબ ફોન આવે અને જો આ શેર કરું તો તેમની ચિંતામાં કંઈક ઘટાડો થાય. આ વીડિયો વાઈરલ થવાથી મને પદ્મશ્રી ગુણવંત શાહનો ફોન આવ્યો મારા પોઝિટિવ વલણ માટે. જે મારા માટે અવૉર્ડથી કમ નહોતું.

આ પણ વાંચોઃ-સુરતના પ્રગતિશીલ ખેડૂતે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી આધુનિક ટેક્નોલોજીથી ખેતી આદરી

પૈસા માટે કામ નથી કરતા
મને 2 વ્યક્તિએ ગર્ભ સંસ્કાર એપ માટે ફંડ આપવાની તૈયારી બતાવી, પરંતુ મેં નક્કી કર્યું કે હવે હું પૈસા લઈને આ કામ નહીં કરી શકું અને જાતે જ આ વિચારને આગળ લઈ જઈશ. TEDx જેવા વર્લ્ડ પ્લૅટફોર્મ પર બોલવાનો મોકો મળ્યો અને એ પણ હેપીનેસ વિશે. આ પણ જીવનની યાદગાર પળોમાંની એક કહી શકાય, એમ આશિષ ભલાણીએ વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો