મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેનાની સરકાર બની અને ઉદ્ધવ ઠાકરેનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવ્યું ત્યારે એવું કહેવાતું હતું કે, ઉદ્ધવ ઠાકરે રાજકારણના માણસ નથી. એમનો જીવ તો કેમેરામાં અટકેલો છે. એમને ફોટોગ્રાફીનો ગજબનો શોખ છે. ઉદ્ધવ ઠાકરેને તેમના પિતાજી બાળાસાહેબ ઠાકરે પાસેથી શિવસેનાનો વારસો મળ્યો અને રાજકારણમાં એન્ટ્રી થઈ ત્યારે જ રાજકીય તજજ્ઞો કહેતા હતા કે સ્વભાવથી બિનરાજકીય વ્યક્તિને રાજગાદી સોંપીને ભૂલ કરી છે. અત્યારે ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રી તરીકેની ગાદી હચમચી ગઈ છે. આવનારા દિવસોમાં શું થશે અને કેવા સમીકરણો સર્જાશે તે કહી શકાય તેમ નથી. અહીં ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના રાજકારણની વાત એકબાજુએ મૂકીને ફોટોગ્રાફર ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ. ઉદ્ધવ ઠાકરેએ હેલિકોપ્ટરમાંથી ફોટોગ્રાફી કરી અને તેમાંથી ચૂંટેલા ફોટોગ્રાફ્સનું મસ્ત મજાનું પુસ્તક બનાવ્યું. 'મહારાષ્ટ્ર દેશા' નામથી પ્રકાશિત આ પુસ્તક મરાઠી અને અંગ્રેજીમાં તૈયાર થયું છે. દિવ્ય ભાસ્કર તમને ઉદ્ધવ ઠાકરેએ ક્લિક કરેલા એરિયલ ફોટોગ્રાફમાંથી ચૂંટેલા ફોટોગ્રાફ અહીં બતાવી રહ્યું છે...
એરિયલ ફોટોગ્રાફીમાં શું તકલીફ પડી
બાળાસાહેબ ઠાકરે ખૂબ સારા ફોટોગ્રાફર અને કાર્ટૂનિસ્ટ હતા. ફોટોગ્રાફીનો શોખ ઉદ્ધવ ઠાકરેમાં પણ રોપાયો. નાનપણથી ઉદ્ધવજી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા. જાતજાતના કેમેરા પણ ખરીદતા. એ સમયે ડિજિટલ ફોટોગ્રાફનો જમાનો નહોતો. રોલ હતા. એમના બંગલામાં બે કબાટ તો ફોટોના રોલથી ભરેલા રહેતા. સમયની સાથે ઉદ્ધવ ઠાકરેનો ફોટોગ્રાફીનો શોખ વધારે વિકસ્યો. તેમણે નક્કી કર્યું કે, હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ ફોટોગ્રાફી કરવી અને આખું મહારાષ્ટ્ર કેમેરામાં કંડારવું...
2003માં એમણે એરિયલ ફોટોગ્રાફી માટે તૈયારી શરૂ કરી. મહારાષ્ટ્રના 28 કિલ્લા, સમુદ્ર, મંદિરો, ગામડાં, પર્વતો, નદીઓ, ઈમારતો, મુંબઈ શહેરની કેટલીક જગ્યાઓ આકાશમાંથી ક્લિક કરવાની હતી. અમુક કિલ્લા અને સમુદ્રના ભાગો તો એવા હતા કે આર્મી,નેવી અને એરફોર્સની પરમિશન લેવી પડી. અમુક સ્થળોએ હેલિકોપ્ટર ઊડાન માટે કેન્દ્ર સરકારની પણ મંજૂરી લીધી. આ બધી તૈયારી કર્યા પછી 10 દિવસ માટે ચોપર ભાડે કર્યું. 10 દિવસમાં 40 કલાક ઊડાન ભરીને 4500થી વધારે ફોટોગ્રાફ ઉદ્ધવ ઠાકરેએ ક્લિક કર્યા.
વાત અહીંથી અટકતી નથી. ફોટોગ્રાફી કરેલા તમામ રોલ ટોપ સિક્રેટ લેવલ સાથે હોમ મિનિસ્ટ્રીમાં મોકલાયા. ત્યાંથી ઈન્ટેલિજન્સ ઓથોરિટીએ મંજૂરી આપી ત્યારે મહારાષ્ટ્રની એરિયલ તસવીરો દુનિયાની સામે આવી. જો કે 2004 પછી પણ કેટલાક નવા સ્થળો ઉમેરાયા તો ફરીથી ફોટોગ્રાફી કરી. આ પુસ્તકના પહેલી આવૃતિ મે 2010માં પ્રકાશિત કરવામાં આવી.
એકવાર તો ચોપરમાંથી પડતાં બચી ગયા હતા
શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ ભરતકુમાર રાઉતે એકવાર પોતાના ઉદ્દબાધનમાં ઉદ્ધવ ઠાકરેના ફોટોગ્રાફીના શોખ વિશે કહ્યું હતું અને ત્યારે તેમણે વાત કરી હતી કે, "એકવાર હેલિકોપ્ટરથી કિલ્લાના ફોટોગ્રાફ્સ લેતી વખતે, ઉદ્ધવજી આગળ ઝૂક્યા હતા પણ સેફ્ટી બેલ્ટ બાંધવાનું ભૂલી ગયા હતા એટલે ચોપરમાંથી પડવાની તૈયારીમાં જ હતા ત્યાં બેઠેલા સાથીઓએ તેમને પકડી લીધા.
'મહારાષ્ટ્ર દેશા' બુકમાં ક્યા ફોટા છે
મહારાષ્ટ્ર પક્ષીઓની નજરે જોવું હોય તો ઉદ્ધવ ઠાકરેના પુસ્તક 'મહારાષ્ટ્ર દેશા' જોઈ લેવું. આમ જુઓ તો આ પુસ્તકમાં વાંચવાનું કશું જ નથી, માત્ર હેલિકોપ્ટરમાંથી ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ જ જોવાના છે. આ પુસ્તકમાં લોહગઢ, રાજમાચી, ગોપાલગઢ, મલ્હારગઢ જેવા 28 કિલ્લાઓ, શનિવારવાડા, ઉલ્હાસ નદી, મીઠી નદી, કૃષ્ણા, મુથા, બાણગંગા, ચંદ્રભાગા જેવી નદીઓ, ધાર્મિક સ્થળો જેવા કે અમૃતેશ્વર મંદિર, ગણપતિ ફૂલે, શિરડી સાંઈબાબા, બ્રહ્મગિરિ, ત્ર્યંબકેશ્વર મંદિર, ઘૃશ્ણેશ્વર મંદિર, મહાલક્ષ્મી-મુંબઈ, આ સિવાય મુંબઈનો ગેટ વે ઓફ ઈન્ડિયા, ભાઉચા ધક્કા ડોકયાર્ડ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, બાંદરા-વરલી સી-લિંક, ધારાવી ઝુંપડપટ્ટી, સમુદ્રના મોજાં, ખેતરમાં કામ કરતા મજૂરો, ધુબાકા મારતા બાળકો, ચાસ પાડતો ખેડૂત, ઊડાન ભરતા જથ્થાબંધ ફ્લેમિંગો પણ કેમેરામાં કેદ થયા છે.
ટાઈટલ પેજ પાછળનો હેતુ
આ પુસ્તકનું ટાઇટલ પેજ એક તળાવનું છે. 52,000 વર્ષ પહેલાં બુલઢાણા જિલ્લાના લોનાર ખાતે 20 લાખ ટન વજનનો એક વિશાળ ખડક અવકાશમાંથી પડ્યો હતો અને તેમાંથી આ સુંદર સરોવરનું નિર્માણ થયું હતું. લોનાર સરોવરનું પાણી દરિયાના પાણી કરતાં 10 ગણું ખારું છે. મહારાષ્ટ્રની આ અતિ પ્રખ્યાત અને રહસ્યમયી જગ્યા છે પણ આ સરોવર નજીકથી એક નજરમાં સમાતું નથી. આ તસવીર ચોપરમાંથી લેવામાં આવી છે એટલે અદ્દભૂત નજારો જોવા મળે છે.
ફોટોગ્રાફી મારા માટે ઓક્સિજન : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ ફોટોગ્રાફર તરીકે ઘણીવાર વનમેન શો કર્યા છે. લગભગ દર વર્ષે એમણે ક્લિક કરેલી તસવીરોનું પ્રદર્શન થતું. 2015માં ફોટોગ્રાફના એક્સિબિઝન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ''ફોટોગ્રાફી મારા માટે ઓક્સિજન સમાન છે. મારો શોખ મારો શ્વાસ છે.''
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.