આશા:LICમાં રોકાણકારો ચિંતા ન કરે, ગ્રે માર્કેટમાં ભાવ ભલે ઓછા હોય, પણ લિસ્ટિંગ 15-20% ઉપર થવાની સંભાવના

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • IPO ખૂલ્યા બાદથી માર્કેટમાં 7.5% કરેક્શન આવ્યું છે
  • ગ્રે માર્કેટમાં LICના શેરના ભાવ અત્યારે ડિસ્કાઉન્ટમાં

દેશમાં બહુચર્ચિત લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ઓફ ઈન્ડિયાનો શેર આવતા સપ્તાહે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે. જે પ્રકારે છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજારોમાં કરેક્શન આવ્યું છે એના કારણે ગ્રે માર્કેટમાં LICના શેરનો ભાવ ઇસ્યુ પ્રાઇસથી આશરે 10% જેવો નીચે ચાલી રહ્યો છે. જોકે LICમાં ઇન્વેસ્ટ કરનારા લોકો માટે સારા સમાચાર એ છે કે શુક્રવારે માર્કેટમાં રિકવરી આવતાં બજાર-નિષ્ણાતો માને છે કે આ IPOનું લિસ્ટિંગ 15-20% ઊંચું થઈ શકે છે.

માર્કેટ સુધરતાં ઊંચા લિસ્ટિંગની આશા
આપકા ઇન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર હિતેશ સોમાણીએ જણાવ્યું કે, વૈશ્વિક બજારો અને સ્થાનિક લેવલે પોલિસી ચેન્જના કારણે ભારતીય શેરબજારોમાં મોટું કરેક્શન આવ્યું છે. જેના કારણે ગ્રે માર્કેટમાં LICના શેર ડિસ્કાઉન્ટમાં છે. જોકે, શુક્રવારથી માર્કેટમાં રિકવરી શરૂ થઈ છે અને જો આ રિકવરી આગામી સપ્તાહે પણ ચાલુ રહે તો LICનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇઝથી 15-20% ઉપર થવાની પૂરી સંભાવના છે.

માર્કેટમાં બ્લડ બાથ માટે LIC IPO પણ જવાબદાર
ઈન્વેસ્ટ અલાઈન સિક્યોરિટીઝના કો-ફાઉન્ડર ગુંજન ચોકસીએ જણાવ્યું કે, માર્કેટમાં એક કરેક્શન ડ્યુ હતું તેવા સમયે LICનો પબ્લિક ઇશ્યૂ આવ્યો એટલે ઘણા લોકોએ સેકન્ડરી માર્કેટમાંથી પૈસા કાઢી અને પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કર્યું છે. બીજી રીતે જોઈએ તો LICના રૂ. 20,000 કરોડનો IPO અંદાજે ત્રણ ગણો ભરાયો છે. આ હિસાબે બજારમાંથી રૂ. 60,000 કરોડ તો નીકળી ગયા. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વિદેશી રોકાણકારોની વેચવાલીથી શેરબજારમાં જે કરેક્શન આવતું ત્યારે મ્યુચ્યુઅલ ફંડ અને રિટેલ ઈન્વેસ્ટર્સની ખરીદી રહેતી હતી જેનાથી માર્કેટને સપોર્ટ મળતો હતો. પરંતુ આ વખતે આવું થવાનું પ્રમાણ ઓછું હતું. આ સિવાય RBI પોલિસી અને વૈશ્વિક પરિબળો પણ કરેક્શન માટે જવાબદાર છે.

ગ્રે માર્કેટમાં નીચા ભાવનું કારણ
લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગના વેસ્ટ ઝોનના વાઇસ-પ્રેસિડેન્ટ વિરલ મહેતાએ ગ્રે માર્કેટમાં નીચા ભાવનું કારણ સમજાવતા જણાવ્યું કે, ગ્રે માર્કેટ એટલે કોઈ કંપનીનો શેર કયા ભાવે લિસ્ટ થશે તેનું અનુમાન. સામાન્ય રીતે મોટી સાઇઝના IPOમાં એવું જોવાયું છે કે તેમાં અરજી કરનારા મોટાભાગના લોકોને એલોટમેન્ટ આવે છે. આના કારણે તે કંપનીના શેર ઓપન માર્કેટમાં ખરીદનારા ઘટી જાય છે અને તેનું આકર્ષણ પણ ઓછું થઈ જાય છે. પેટીએમના IPO વખતે પણ આવું થયું હતું. તેનો ભાવ પણ ગ્રે માર્કેટમાં ઓછો હતો. જોકે, ગ્રે માર્કેટમાં અત્યારે LICના ભાવ 10% જેવા ઓછા છે પણ હવે રિકવરી થઈ રહી છે તે જોતાં લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇઝ કરતાં 10% ઉપર થશે તેમ લાગી રહ્યું છે.

FIIએ મે મહિનામાં રૂ. 26,000-27,000 કરોડનો માલ વેચ્યો
LICનો IPOમાં 4 મેથી ઓપન થયો હતો અને ત્યારથી લઈએ 12 મે સુધીમાં સેન્સેક્સ 7.35% અને નિફ્ટી 7.55% જેટલી ઘટી ગઈ છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ મે મહિના દરમિયાન સરેરાશ રૂ. 26,000-27,000 કરોડનો માલ વેચ્યો છે. FIIનું દૈનિક સરેરાશ રૂ. 3,500 કરોડનું વેચાણ છે. તેની સામે આ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ સહિત ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશન્સની ખરીદી સરેરાશ રૂ. 18,000-20,000 કરોડની છે.

ઇશ્યૂ પ્રાઇઝ પર લિસ્ટિંગ થાય તો પણ રિટેલ ઈન્વેસ્ટર્સને ફાયદો થશે
ઓશિયન ફિનવેસ્ટના ફાઉન્ડર સમીર વોરાએ જણાવ્યું કે, LICના લિસ્ટિંગને લઈને રિટેલ રોકાણકારોમાં થોડી ચિંતા છે કેમ કે ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. કોર્પોરેશને રિટેલ ઈન્વેસ્ટર્સ અને પોલિસી હોલ્ડર્સને પહેલાથી જ નીચા ભાવે શેર્સ ઓફર કર્યા છે તે જોતાં ઇશ્યૂ પ્રાઇઝ પર પણ LICનું લિસ્ટિંગ થાય છે તો પણ રિટેલ ઈન્વેસ્ટર્સ તેમાં ફાયદામાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...