બ્લેકબોર્ડપુત્રવધૂ લાવવા પિતાએ દારૂડિયા સાથે લગ્ન કરાવ્યા:પતિએ આંગળી કાપી નાખી, અશ્લીલ ફોટો વાઇરલ કર્યા; મેડમ... મને બચાવી લો

પાલી, રાજસ્થાનએક મહિનો પહેલાલેખક: દીપ્તિ મિશ્રા

આટા-સાટાની રાજસ્થાનમાં પ્રથા છે. પુત્રવધૂ મેળવવા માટે પરિવારના સભ્યો પુત્રી આપે છે અને પુત્રનાં લગ્ન કરાવે છે. ન તો દીકરીઓની ઈચ્છા પૂછવામાં આવે છે અને ન તો તેના લાયક છોકરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. દીકરીને જે મળ્યું તેની સાથે બળજબરીથી પરણાવી દેવામાં આવે છે. એને કારણે અનેક મહિલાઓએ આત્મહત્યા કરી છે. ઘણી સ્ત્રીઓએ છૂટાછેડા લીધા છે.

આજે બ્લેકબોર્ડમાં આ મહિલાઓની કહાનીઓ જોઈએ... પહેલા આ કિસ્સો વાંચો...

“મારા ભાઈનું ઘર વસાવવા માટે મારા પિતાએ બળજબરીથી મારાં લગ્ન કરાવ્યા. જ્યારે હું મારા સાસરે પહોંચી તો પહેલા જ દિવસે મારા પતિએ કહ્યું કે તે મને પસંદ નથી કરતા. મારો ચહેરો જોવા નથી માગતો, તેણે તેની બહેનનું ઘર વસાવવા માટે મારી સાથે લગ્ન કર્યાં છે. થોડા દિવસો પછી મારા પર આરોપ મૂકવામાં આવ્યો કે આના પેટમાં પહેલેથી જ એક બાળક છે.

મારી સાથે મારપીટ કરી, ઘરમાંથી કાઢી મૂકી. મેં મારા પિતાને ફોન કર્યો તો તેમણે કહ્યું - 'તારે જેમ રહેવું હોય એમ ત્યાં જ રહે. જો સાસરિયાં મારી નાખશે તો હું અંતિમસંસ્કાર કરવા આવીશ.

સાસરિયાંમાં કોઈ વાત કરતું નહોતું. સાસુ અને સસરા મોં ફેરવી લેતાં. પતિ ઘણા દિવસો સુધી રૂમમાં આવ્યો ન હતો. એક દિવસ મેં પતિને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે કોઈ બીજીને પસંદ કરે છે. મેં કહ્યું તો પછી તમે મારી સાથે લગ્ન કેમ કર્યાં. આના પર તેણે કહ્યું- પોતાની બહેનનું ઘર વસાવવા અને પોતાનું કુંવારાપણું ઉતારવા માટે.

હું નહોતી ઈચ્છતી કે મારા કારણે મારાં ભાઈ-ભાભીનું ઘર ભાંગે, તેમની વચ્ચે ઝઘડો થાય. એટલા માટે ઘણા દિવસો સુધી ચૂપ રહી. બધું સહન કર્યું. એક રાત્રે પતિએ કહ્યું કે તું પહેલેથી જ તારા ગર્ભમાં એક બાળકને લઈને આવી છો. મને આ વાતનો આઘાત લાગ્યો. મેં તેમને કહ્યું કે ડોક્ટર પાસે તપાસ કરાવો. તેના પછી તેમણે મને મારવાનું શરૂ કર્યું. ત્યાર બાદ દિયરે પણ મને માર માર્યો હતો.

પતિએ કહ્યું હતું કે તું અહીંથી જતી રહે, નહીંતર તને મારી નાખીશ. મને મધરાતે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. મેં મારા પિતાને ફોન કરીને આખી વાત કહી, પરંતુ તેમણે મારી મદદ કરી નહીં. તેઓ કહેવા લાગ્યા કે ત્યાં જ રહે, અહીં આવતી નહીં. જો તેઓ તને મારી નાખશે, તો અમે અર્થી લેવા આવીશું.

હું આખી રાત ઘરની બહાર બેસી રહી. જ્યારે સવાર પડી ત્યારે પિયર આવી. મારા પિયર આવ્યાં પછી ભાભી તેમનાં પિયર જતાં રહ્યાં. તે ફરી ક્યારેય પરત આવી નહીં. તેને એક વર્ષનું બાળક પણ છે, પરંતુ અમે તેને જોયો નથી. જ્યારે ભાઈ ભાભીને લાવવા ગયો ત્યારે તેમણે તેને માર માર્યો અને ભગાડી દીધો.

તે લોકોએ મારો અશ્લીલ ફોટો-વીડિયો વાઇરલ કર્યો છે. મેડમ, મને બહુ ગંદા ફોન આવે છે. મારો જીવ પણ જોખમમાં છે. પોલીસ પણ મદદ કરતી નથી. મને બચાવો."

મમતા તેના પિતા અને ભાઈ સાથે. મમતાના પિતા સ્વીકારે છે કે આટા-સાટાને કારણે તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે.
મમતા તેના પિતા અને ભાઈ સાથે. મમતાના પિતા સ્વીકારે છે કે આટા-સાટાને કારણે તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે.

મમતાનાં લગ્ન બે વર્ષ પહેલાં પાલીના રહેવાસી હનુમાન દેવસી સાથે આટા-સાટા પરંપરા હેઠળ થયાં હતાં. તેના બદલામાં હનુમાનની બહેન કિરણનાં લગ્ન મમતાના ભાઈ ત્રિલોક સાથે થયાં. હવે બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે. ન તો મમતા તેના પતિ સાથે છે, ન તેની ભાભી.

હું જયપુરથી લગભગ 355 કિમી દૂર પાલી જિલ્લાના સરદારપુરા ધાની પહોંચી, આટા-સાટાનો ભોગ બનેલી કેટલીક અન્ય મહિલાઓની કહાની જાણવા…

સાંજનો સમય. એક કાચું મકાન, જેની આગળ છાપરું છે. 27 વર્ષીય રૂપી દેવી, તેના ચાર વર્ષના પુત્ર સાથે બેઠી છે. તેની માતા ચૂલા પર ભોજન બનાવે છે. રૂપીને ત્રણ ભાઈ અને બે બહેન છે. બહેનોમાં તે સૌથી મોટી છે. મોટા ભાઈનાં લગ્ન કરાવવા માટે તેણે આટા-સાટા રિવાજ હેઠળ લગ્ન કર્યાં હતાં. ત્યારે તે 17 વર્ષની હતી. હવે તેના છૂટાછેડા થઈ ગયા છે.

રૂપી કહે છે, 'મારાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં. ત્યારે મને ખબર નહોતી કે હું મારા ભાઈનાં લગ્ન કરાવવા માટે લગ્ન કરી રહી છું. જ્યારે હું મારા સાસરે પહોંચી ત્યારે મને બે દિવસ પછી ખબર પડી કે મારી નણંદ મારા ભાઈ સાથે લગ્ન કરી રહી છે. આ રીતે નણંદ મારી ભાભી બની.’

2-3 મહિના સુધી બધું બરાબર હતું. આ પછી ટોણાં મારવાં, અપશબ્દો બોલવા અને મારપીટ કરવાનું શરૂ થયું.

આખો દિવસ ઘરકામ કરતી. પાકું મકાન હતું, જેમાં ઝાડુ મારતી અને લૂંછતી, પણ તેને એમાં ઊઠવા- બેસવાની છૂટ નહોતી. ઘરની એક દીવાલ પર છાપરું હતું, જેમાં તે આડશ રાખીને રહેતી હતી. દરમિયાન એક પુત્રનો પણ જન્મ થયો.

તે તેના પિયરમાં તેની સમસ્યાઓ જણાવવા માગતી હતી, પરંતુ તેને ડર હતો કે એને કારણે તેના ભાઈનું ઘર તૂટી જશે. આ રીતે ચાર વર્ષ વીતી ગયાં. હું ફરીથી માતા બનવાની હતી. એક દિવસ અચાનક મારા પતિએ મને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. મેં ઘણી વિનંતી કરી, પણ તેમણે સાંભળ્યું નહિ.

બીજા દિવસે સવારે ભાઈ આવ્યો અને મને ઘરે લઈ ગયો. અહીં બીજા પુત્રનો જન્મ થયો. થોડા દિવસો પછી તે તેના સાસરે પાછી આવી, પરંતુ તેનાં સાસુએ તેને ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. થાકીને મેં પંચાયત બોલાવી. આનાથી તેને તેના સાસરે રહેવાની મંજૂરી મળી, પરંતુ તે ખર્ચ પોતે જ ઉઠાવતી હતી. અહીં કોઈ મારી સાથે વાત કરતું નથી કે બાળકોને કોઈ રમાડતું નહોતું. કોઈક રીતે તે ત્રણ મહિના સુધી ચાલ્યું, ત્યાર બાદ મને માર માર્યા બાદ ફરીથી કાઢી મૂકવામાં આવી.

રૂપી દેવી અને તેની માતા. તસવીરમાં રૂપી દેવી બેઠી છે. રૂપીનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં.
રૂપી દેવી અને તેની માતા. તસવીરમાં રૂપી દેવી બેઠી છે. રૂપીનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં.

મેં પૂછ્યું ભાભી ક્યાં છે?

જવાબ મળ્યો - ભાઈ-ભાભીનું જીવન સારું ચાલતું હતું. ભાભી ગર્ભવતી હતી. રાજીખુશીથી પિયર ગઈ, પણ પરત આવી નહીં. ભાઈ ઘણીવાર ગયા. પાંચ વખત પંચાયતો યોજાઈ હતી. પંચાયતને ખવડાવવા માટે લાખો રૂપિયા પણ ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. ભાભી અને મારા પતિએ નંબર બ્લોક કર્યો છે.

હું તેમને હાથ જોડું છું, તેમના પગે પડું છું કે તેઓ મને બોલાવે. બસ, સાસરે રહેવા માટે છત આપો. મહેનત કરીને ખાઈશ. સમાજનાં ટોણાં અને મારા ભાઈનું ઘર તોડવાના આરોપથી હું બચી જઈશ.

વાદળી ઘાઘરા અને ગુલાબી ઓઢાણીમાં સજ્જ રૂપી દેવીની માતા ચોખી દેવી કહે છે, 'આટા-સાટાના કારણે તેનાં બે સંતાનોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. પુત્રવધૂ જ્યારે ઘરેથી ગઈ ત્યારે તે ગર્ભવતી હતી. આઠમો મહિનો ચાલી રહ્યો હતો. ભારે ખુશી હતી કે પૌત્ર-પૌત્રી આવશે. તેને એક પૌત્ર થયાની જાણ થઈ, પરંતુ અમે આજ સુધી તેનો ચહેરો જોયો નથી.

મેં રૂપીના પતિ સાથે પણ વાત કરી. લગ્નજીવન થોડા મહિનાઓ સુધી સારી રીતે ચાલ્યું, તેમણે કહ્યું. રૂપી મારાં માતા-પિતા સાથે વાત કરતી ન હતી. તે તેમને માન આપતી ન હતી. જ્યારે મેં સમજાવવાની કોશિશ કરી તો મારા પર આક્ષેપ કરવામાં આવ્યો. જ્યારે તે તેના પિયરમાં ગઈ ત્યારે તેણે ત્યાં મારી બહેનને પરેશાન કરવાનું શરૂ કર્યું. તેનું જીવન પણ બરબાદ કર્યું.

આ પછી હું પાલીના વોર્ડ નંબર-25માં રહેતી સુમન અને તેની ભાભી શોભાને મળી. શોભા કહે છે, 'માએ મામાના લગ્ન કરાવવાની વાત કરી હતી. માતાનું 6 વર્ષ પહેલાં અવસાન થયું હતું. કાકી અને દાદી તેમના પર દબાણ કરવા લાગ્યાં. થોડા સમય પછી તેના મામાના લગ્નના બદલામાં તેના પર લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

શોભા (ગુલાબી ઓઢણીમાં) અને તેની નણંદ સુમન. સુમનના છૂટાછેડા થઈ ગયા છે.
શોભા (ગુલાબી ઓઢણીમાં) અને તેની નણંદ સુમન. સુમનના છૂટાછેડા થઈ ગયા છે.

મારા પતિ સાથે મારું સારું બોન્ડિંગ હતું. જ્યારે મામા અને ભાભી વચ્ચે અણબનાવ રહેતો હતો. ભાભી પણ ગર્ભવતી હતી અને હું પણ. જ્યારે મારી ભાભીના છૂટાછેડા થયા ત્યારે મને પણ છૂટાછેડા લેવાની ફરજ પડી હતી. મારા મામાએ બળજબરીથી પૈસા લઈને બીજે લગ્ન કરાવવાનું શરૂ કર્યું, પછી મેં ભાગીને મારા પતિ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. હવે પિયર સાથેનો સંબંધ તૂટી ગયો છે, મારી સાથે કોઈ વાત કરતું નથી.

શોભાની નણંદ સુમન કહે છે, 'પતિ દારૂ પીને મારપીટ કરતો હતો. જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તે કહેવા લાગ્યો કે આ મારું બાળક નથી. હવે તમે જ કહો, મેડમ, આવા માણસ સાથે કેવી રીતે રહેવું?'

પાલીના આશાપુરાનગરના રહેવાસી પંડિત પુરુષોત્તમ આટા-સાટાનો ઉલ્લેખ થતાં જ રડવા લાગે છે. કહેવાય છે કે 'તે જેકંઈ કમાયો એ બીમારી અને દહેજ પાછળ ખર્ચી નાખ્યું. નજીકના ગામમાં દીકરાના લગ્ન માટે દીકરીનો સંબંધ કર્યો હતો. પુત્રવધૂ અહીં માત્ર 5 દિવસ રોકાઈ હતી. આ પછી દહેજ અને બળાત્કારનો આરોપ લગાવી દીધો.

દીકરી મનીષા બે વર્ષ સુધી સાસરિયાં સાથે રહી. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેને માર માર્યો, તેની આંગળી કાપી નાખી અને પછી તેને ઘરની બહાર કાઢી મૂકી. દીકરીની ડિલિવરી અહીં જ થઈ હતી. હવે જમાઈ વારંવાર પૈસા માગે છે. તેણે કહ્યું હતું કે જો તમારે છૂટાછેડા જોઈએ છે તો મને 5 લાખ રૂપિયા અને પુત્ર આપો. નહિતર તે આ રીતે ઘરે ઘરે ભટકતી રહેશે.

પંચો સમાધાનના નામે પૈસા ખાય છે
સરદારપુરા ગામના ભૂતપૂર્વ સરપંચ મદન સિંહ જગરવાલ કહે છે, છોકરીઓની મરજી આટા-સાટામાં ચાલતી નથી. પરિવારના સભ્યો નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. જ્યારે તેઓ થોડી મોટી થાય છે ત્યારે તેમને ગૌના કરીને તેમના સાસરે મોકલવામાં આવે છે. બાદમાં જ્યારે તેનું શોષણ થાય છે ત્યારે તે ખુલ્લેઆમ વિરોધ કરી શકતી નથી.

જ્યારે સંબંધ બગડે છે ત્યારે કુટુંબ અને પંચ સમાધાન કરાવે છે, પરંતુ ખૂબ થોડા કિસ્સાઓમાં ઉકેલ મળી જાય છે. પંચ દ્વારા લાદવામાં આવેલો દંડ તેઓ પોતે ખાઈ જાય છે. એનાથી કોઈપણ પરિવારનું ભલું થતું નથી. આવા અસંખ્ય કેસોમાં પંચાયતના લોકોએ નાણાં હડપ કર્યા છે.

જ્યારે ભાઈના સંબંધો બગડે છે ત્યારે બહેનને તેના પતિ સાથેના સંબંધો તોડવાની ફરજ પડે છે

પાલી મહિલા પોલીસ સ્ટેશનમાં આટા-સાટાના કેસમાં કાઉન્સેલિંગ કરતી હિમાંશી કહે છે, “ઘણીવાર આ કેસમાં છોકરીને બલિદાન આપવું પડે છે. જો કોઈ કારણસર ભાઈ-ભાભીના સંબંધો બગડે તો પરિવાર તેમની દીકરી પર દબાણ લાવવાનું શરૂ કરી દે છે. તે તેને પોતાના અહંકાર તરીકે લે છે, તેથી જ દીકરી પણ સંબંધ તોડી નાખે છે.

એટલું જ નહીં, જો ભાઈ અને બહેન બંનેના છૂટાછેડા થઈ જાય છે,તો બહેન પોતાનાં બાળકોને છોડીને ભાઈનાં બાળકોને જ પોતાની સાથે રાખે છે.

મોટા ભાગના કેસ ક્યારેય પોલીસ કે કોર્ટ સુધી પહોંચતા નથી
જયપુર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ ઋષિરાજ સિંહ શેખાવત કહે છે, “આટા-સાટાના મોટા ભાગના કેસો ઓછા શિક્ષિત પરિવારોમાં છે. તેઓ એકબીજા સાથે મારપીટ કરે છે. સંબંધો તૂટે છે. આ પછી પંચાયત યોજાય છે. જ્યાં પૈસા લઈને મામલો થાળે પડે છે. આવા મામલા ક્યારેય પોલીસ સ્ટેશન કે કોર્ટ સુધી પહોંચતા નથી, જેને કારણે પીડિત પક્ષકારને ન્યાય મળતો નથી.

મેં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી. પોલીસ સ્ટેશનમાં આટા-સાટાના કેટલા કેસ આવે છે એ જાણવાની કોશિશ કરી?

પાલી જિલ્લાના એસપી ગગનદીપ સિંગલાએ કહ્યું, કાયદાકીય રીતે બાળલગ્ન એ ગુનો છે, આટા-સાટા નહીં. આ મામલે કેસ નોંધવામાં આવે તોપણ તેમાં આટા-સાટાનો ઉલ્લેખ નથી થતો. એમાં ઘરેલુ હિંસા અને દહેજનો કેસ નોંધાય છે. એ મુજબ પોલીસ કાર્યવાહી કરે છે, તેથી દર વર્ષે આટા-સાટા પ્રથાના કેટલા કિસ્સા બને છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઉપરાંત આ અંગે કોઈ સમિતિ નથી, જે તેના સાચા આંકડા આપી શકે.

70%થી વધુ ઘરોમાં આટા-સાટા દ્વારા લગ્ન થયાં છે
મેં મુલાકાત લીધેલાં બે ગામમાં 70%થી વધુ ઘરોમાં આટા-સાટા દ્વારા લગ્ન થયાં છે. પાલી ઉપરાંત રાજસ્થાનના ઉદયપુર, નાગૌર, બાડમેર, સીકર, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, જાલોર, પ્રતાપગઢ અને ઝાલાવાડ જેવા જિલ્લાઓમાં પુત્રવધૂઓને સાસરે લાવવા માટે દીકરીઓને બળજબરીથી પરણાવી દેવામાં આવે છે.

મોટા ભાગના કિસ્સાઓમાં દીકરીઓ સગીર હોય છે. નાની ઉંમરે, તેણે તેના કરતાં બમણી ઉંમરના છોકરા સાથે લગ્ન કર્યા છે. આટલું જ નહીં, ભણેલા-ગણેલા લોકો પણ પોતાના પુત્રના લગ્ન કરાવવા અને મનગમતી પુત્રવધૂ મેળવવા માટે આટા-સાટા વિધિથી દીકરીઓના લગ્ન કરાવે છે. એનું મુખ્ય કારણ રાજસ્થાનમાં છોકરા-છોકરીઓ વચ્ચેનો જેન્ડર ગેપ પણ છે.

રાજસ્થાન સરકાર આટા-સાટા રોકવા માટે કાયદો ઘડવાની વાત કરી ચૂકી છે. એક વર્ષ પહેલાં મહિલા અને બાળવિકાસમંત્રી મમતા ભૂપેશે કહ્યું હતું કે સરકાર આ અંગે ઘણી ગંભીર છે. સંશોધન સતત થઈ રહ્યું છે. જ્યાં પણ આ દુષ્ટ પ્રથા ચાલી રહી છે ત્યાં વિશેષ ટીમો દ્વારા એને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.