તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Engineering Education Level In Gujarat Goes Down , Students Lose Interest Due To Poor Education And Low Salaries

કથળતું શિક્ષણ:એન્જિનિયરિંગ કોલેજોની 57% બેઠકો ખાલી રહે છે, લાખો રુપિયા ખંખેરતી ખાનગી કોલેજો વિદ્યાર્થીઓને નોકરી અપાવવા સક્ષમ નથી

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • દર વર્ષે એન્જિનિયરોનો ફાલ ઉતરે છે પણ નોકરી મળતી નથી, મળે છે તો પૂરતો પગાર હોતો નથી
  • છેલ્લાં 20 વર્ષમાં સરકારી કોલેજ ફક્ત 10 વધી, જ્યારે ખાનગી કોલેજોની સંખ્યા 15થી વધીને 112 સુધી પહોંચી છે, પણ 57% બેઠકો ખાલી રહે છે

એક તરફ વડાપ્રધાન મોદીની આત્મનિર્ભરતાની હાકલ વચ્ચે તેમના ખુદના હોમ સ્ટેટમાં એન્જિનિયરિંગ શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરુચિ ઘટી રહી છે. રાજ્યમાં આડેધડ ખોલી દેવાયેલી એન્જિનિયરિંગ કોલેજોને લીધે બેઠકોની સંખ્યાના પ્રમાણમાં વિદ્યાર્થીઓ પૂરતા થતા નથી અને પ્રતિ વર્ષ એમાં ઘટાડો થઈ રહ્યો છે. દર વર્ષે થોકબંધ એન્જિનિયર બહાર પડતા હોવા છતાં આવશ્યક સ્કિલના અભાવે મોટા ભાગના એન્જિનિયરોને પૂરતો પગાર મળતો નથી, જેને લીધે એન્જિનિયરિંગ પ્રત્યેની રુચિ ઘટી રહી છે.

આનંદીબેન પટેલ શિક્ષણમંત્રી હતા એ સમયગાળામાં ખાનગી કોલેજોની સંખ્યા ઝડપભેર વધવા લાગી હતી અને સરકારી કોલેજોની સંખ્યા યથાવત રહી.
આનંદીબેન પટેલ શિક્ષણમંત્રી હતા એ સમયગાળામાં ખાનગી કોલેજોની સંખ્યા ઝડપભેર વધવા લાગી હતી અને સરકારી કોલેજોની સંખ્યા યથાવત રહી.

દે દામોદર દાળમાં પાણી... 15 વર્ષમાં 90 ખાનગી કોલેજો વધી, સરકારી માત્ર 2
એન્જિનિયરિંગ શિક્ષણ અંગેની તેમજ એન્જિનિયરિંગ કોલેજોને માન્યતા આપવા અંગેની સરકારની નીતિને જાણે કોઈ ધોરણ કે માપદંડ જ ન હોય એમ રાજ્યમાં આડેધડ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. તેની સામે ધોરણસરની લાયકાત ધરાવતા પ્રાધ્યાપકો, વર્કશોપ્સ, લેબ ધરાવતી સરકારી એન્જનિયરિંગ કોલેજો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય એવું ચિત્ર ઊપસે છે. વર્ષ 2000માં રાજ્યમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા 9 અને ખાનગી કોલેજોની સંખ્યા 15 હતી. પાંચ વર્ષ પછી સરકારી કોલેજોમાં નવી 2 કોલેજ ઉમેરાઈ, એની સામે ખાનગી કોલેજ 22 થઈ, પરંતુ 2002-2007 દરમિયાન આનંદીબહેન પટેલ રાજ્યના શિક્ષણમંત્રી હતા ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખોલવા અંગેના નિયમોમાં ભારે છૂટછાટ અપાવાથી 2005થી 2010 દરમિયાન 50 નવી ખાનગી કોલેજો ખૂલી ગઈ. એ પછી પ્રત્યેક વર્ષે આ પ્રમાણ સતત વધતું જ ગયું છે અને સરકારી કોલેજોની સંખ્યા 19 પર સ્થિર રહી છે.

મોટા ઉપાડે ખોલેલી કોલેજોમાં 57% બેઠકો ખાલી
ભારે છૂટછાટ આપીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપી દેવાઈ, પરંતુ ધોરણસરના શિક્ષણ, પૂરતી નોકરીઓ અને ખાસ તો યોગ્ય પગારધોરણના અભાવે એન્જિનિયરિંગ શિક્ષણમાં ગુજરાતી વિદ્યાર્થીઓની રુચિ લગાતાર ઘટી રહી છે. એનું સીધું પ્રમાણ એ છે કે વર્ષ 2010થી એન્જિનિયરિંગની બેઠકો કદી પૂરી ભરાઈ જ નથી. વર્ષ 2013થી ખાલી બેઠકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ જાય છે. 2013માં 10,778, 2015માં 28,102, 2018માં 33255 બેઠકો ખાલી પડી રહી હતી. અત્યારે હાલત એવી છે કે સરકારી-ખાનગી કોલેજોની દરેક ફેકલ્ટીની થઈને કુલ 64,087 બેઠકો છે એ પૈકી માંડ 27,218 બેઠકો ભરાઈ હતી, જ્યારે કે 36,869 બેઠક ખાલી રહી હતી. બીજા શબ્દોમાં કહીએ તો 57% જેટલી બેઠકો ખાલી પડી છે.

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ જેવી સરકારી કોલેજોની સુવિધા અદ્યતન કરવાને બદલે સરકાર આડેધડ ખાનગી કોલેજોને મંજુરી આપી રહી છે
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ જેવી સરકારી કોલેજોની સુવિધા અદ્યતન કરવાને બદલે સરકાર આડેધડ ખાનગી કોલેજોને મંજુરી આપી રહી છે

'આડેધડ મંજૂરી અને રેઢિયાળ શિક્ષણે ઘોર ખોદી'
રાજ્યમાં એન્જિનિયરિંગ શિક્ષણની આવી બદતર સ્થિતિ શા માટે એ વિશે ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ એમ.એન.પટેલ કહે છે કે 'દેશમાં અને રાજ્યમાં વધુપડતી ખાનગી કોલેજની મંજૂરી અપાઇ, જેને કારણે કેટલીક કોલેજોમાં પૂરતી સગવડા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ન મળવાથી હાલ એન્જિનિયરિંગની સ્થિતિ કથળી છે. આ ઉપરાંત અદ્યતન વર્કશોપના અભાવે વિદ્યાર્થીઓ પૂરતા પ્રેક્ટિકલ નોલેજથી વંચિત રહે છે, એટલે મોટી સંખ્યામાં એન્જિનિયર બહાર પડતા હોવા છતાં સ્કિલ્ડ સ્ટુડન્ટ્સ ન મળતા હોવાની ફરિયાદો વ્યાપક છે. સરવાળે રોજગારીની તકો ઘટે છે અને નોકરી મળે તોપણ પગારધોરણ સાવ નીચું હોય છે. એ સંજોગોમાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગને બદલે અન્ય ફેકલ્ટી તરફ દોરાય છે.'

પ્રેક્ટિકલ શિક્ષણનું યોગ્ય સ્તર ન હોવાથી મોટી ઈન્ડસ્ટ્રિઝમાં નોકરીની તકો ઘટી જાય છે
પ્રેક્ટિકલ શિક્ષણનું યોગ્ય સ્તર ન હોવાથી મોટી ઈન્ડસ્ટ્રિઝમાં નોકરીની તકો ઘટી જાય છે

ખાનગી કોલેજમાં 4થી 11 લાખ જેટલો ખર્ચ
સરકારી કોલેજમાં એન્જિનરિંગ અભ્યાસ માટે વાર્ષિક 1500 રૂપિયા ફિ હોય છે, જ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઇપણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. અમદાવાદસ્થિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, મોરબીસ્થિત લખધીરસિંહ એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગરસ્થિત શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ સહિતની સરકારી કોલેજોમાં પ્રાધ્યાપકોની યોગ્યતા સહિતનાં તમામ ધોરણોનું ચુસ્ત પાલન થતું હોવાથી ત્યાં શિક્ષણની સ્થિતિ હજુ પણ સારી રહી છે. દરેક વર્ષે અહીં એડમિશન માટેનું મેરિટ પણ ખાસ્સું ઊંચું જાય છે. જ્યારે ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ રુ. 60 હજારથી 2.50 લાખ સુધીનું હોય છે. આ ઉપરાંત રહેવા-જમવાના ખર્ચ સહિત 4 વર્ષના અભ્યાસ દરમિયાન સહેજે 4 લાખથી 11 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. એ પછી પણ નોકરી ન મળે અથવા ઓછા પગારમાં મળે એવી સ્થિતિને લીધે એન્જિનિયરિંગ પ્રત્યેનો ઝુકાવ ઘટી રહ્યો છે. બેરોજગારી મુદ્દે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે એટલા માટે જ રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ પર ભાર મૂકી રહી છે.

અન્ય સમાચારો પણ છે...