ભાસ્કર ઇન્ટરવ્યૂ'નાની હતી ત્યારે લોકો મને જોઈને રડતા હતા':14 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, લગ્નમાં નાચીને ગુજરાન ચલાવતાં હતાં AAPનાં પહેલાં ટ્રાન્સ ઉમેદવાર

3 મહિનો પહેલા

'ભગવાને મને થોડી અલગ બનાવી છે, પરંતુ મેં પોતાના સપના જોવાનું નથી છોડ્યું. 14 વર્ષની હતી, જ્યારે ઘર છોડવું પડ્યું, લોકોની ટીકાનો ભોગ બની. તેમ છતાં બીજા માટે હંમેશાં ઊભી રહી. કિન્નરોનો કોઈ પરિવાર નથી હોતો. સમગ્ર દુનિયા અમારો પરિવાર છે'

આ બોબી છે, દિલ્હીની MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર. તેઓ સુલ્તાનપુર માજરા વિધાનસભાના 43એ વોર્ડથી લડી રહ્યા છે. આ પહેલી વખત છે, જ્યારે AAPએ ટ્રાન્સ સમુદાયની વ્યક્તિને ટિકિટ આપી હોય. ટિકિટ માટે થયેલા પાર્ટીના ઈન્ટરનેશનલ સર્વેમાં તેમનું નામ આવ્યું હતું. ધારાસભ્ય મુકેશ કુમાર અહલાવતે પણ તેમના નામની ભલામણ કરી હતી.

બોબી ચૂંટણીપ્રચાર કરી રહી છે. અમે તેમની સાથે એક દિવસ પસાર કર્યો અને નાનપણથી લઈને અત્યારસુધીની સફર જાણી...

સવાલ-તમારું સાચું નામ શું છે, તમારું નાનપણ કેવું રહ્યું?
જવાબ- મારું નામ પહેલાંથી બોબી જ છે. જન્મ દિલ્હીમાં થયો. સુલ્તાનપુર વિસ્તારમાં ભણી અને મોટી થઈ. હું જાટવ પરિવારથી છું. જ્યારે મોટી થઈ રહી હતી, પરિવારે મારી સાથે ખરાબ વર્તન ન કર્યું, પરંતુ પછી પરિવાર પણ લોકોના દબાણમાં આવ્યો. લોકો મને ગમે તે બોલી દેતા હતા. ઉંમર ઓછી હતી, લોકો કહેતા હતા- હાય! આ કોની છોકરી આવી ગઈ. મને જોઈને રોતા પણ હતા, તેઓ મારી ચિંતા પણ કરતા હતા.

શરૂઆતમાં ખરાબ લાગતું હતું, પરંતુ સપના જોવા અને એને જીવવાનું મેં બંધ ન કર્યું. મને હંમેશાં આશા હતી કે ભગવાન કંઈક રસ્તો બતાવશે અને મારા માટે સારા દિવસો આવશે.

સવાલ- તમે મોટા થઈ રહ્યાં હતાં, તો આસપાસના લોકો કેવું રિએક્ટ કરતા હતા?
જવાબ- સ્કૂલમાં મારી સાથે ખરાબ વર્તન થતું હતું. આથી મારે સ્કૂલ છોડવી પડી. 14-15 વર્ષની ઉંમર હશે, ત્યારે મજબૂરીમાં ઘર પણ છોડવું પડ્યું. ત્યાર પછી હું મારા ગુરુ સાથે કિન્નરો સાથે રહેવા લાગી. હવે મારા ગુરુ આ દુનિયામાં નથી. આજે હું જે કંઈપણ છું તેમના કારણે છું. તેમણે જ મને રહેવા માટે છત આપી અને પ્રેમ પણ આપ્યો. એક છત નીચે મને મારા જેવા ઘણા લોકો મળ્યા.

સવાલ- ઘર છોડ્યું તો ગુજરાન કેવી રીતે ચાલતું હતું?
જવાબ- અમારું ગુજરાન લગ્નની શુભકામનાઓ આપી અને આવા કામ કરીને ચાલતું હતું. ઘણા મુશ્કેલ દિવસો હતા. ડાન્સ કરવો પડતો હતો, ઘણી મહેનત કરતાં હતાં. પછી ધીરે-ધીરે બુદ્ધિ આવી અને 21 વર્ષની ઉંમરે NGO સાથે જોડાઈ. આ દરમિયાન લખતા-વાંચતા શીખ્યું. પછી NGO સાથે અમે ગરીબ છોકરીઓના લગ્ન કરાવવાનું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું શરૂ કર્યું.

સવાલ-આજે પણ પોતાના ઘરે જાવ છો, પરિવાર સાથે કેવા સંબંધ છે?
જવાબ- મહિનામાં ઓછામાં ઓછું એક વખત ઘરે જઉં છું અને પરિવાર સાથે સમય પસાર કરું છું. મારી મમ્મી મને ખૂબ પ્રેમ કરે છે. તે આસપાસનાં ઘરોમાં નાનાં-મોટાં કામ કરે છે. મારી બહેન પણ મારા ચૂંટણીપ્રચારમાં આવે છે. નાનો ભાઈ ખાનગી નોકરી કરે છે. મારા પિતા ઢાબા ચલાવતા હતા, જે હવે નથી રહ્યા.

સવાલ- આમ આદમી પાર્ટી સાથે કેવી રીતે જોડાયાં, રાજનીતિમાં પ્રવેશ કેવી રીતે કર્યો?
જવાબ- એ સમયે અણ્ણા હઝારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. તેમને જોઈ મારામાં પણ ભાવ જાગ્યો કે વૃદ્ધ વ્યક્તિ દેશ માટે સંઘર્ષ કરી શકે, તો હું કેમ નહીં. પછી હું પણ આંદોલન સાથે જોડાઈ. અણ્ણા કહેતા હતા કે રાજનીતિ કાદવ અને દલદલ જેવી છે, ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કાદવમાં જ કમળ ખીલે છે. બસ, ત્યાંથી જ અમારી રાજનીતિમાં એન્ટ્રી થઈ. અમે શપથ લીધા હતા કે કાદવના રાજકારણમાં વિવિધ રંગોનાં ફૂલ ઉગાડીશું.

સવાલ- રાજનીતિમાં ટ્રાન્સ સમુદાયની હિસ્સેદારી કેવી રીતે વધશે?
જવાબ- મારો કોઈ પરિવાર નથી અને પરિવાર માટે મારે કંઈ કરવું નથી. હું ઈચ્છું છું કે મારા સમુદાયના લોકો રાજનીતિમાં આવીને કામ કરે. મારા સમુદાયના લોકોને સમાજ માટે આગળ વધીને કામ કરવું જોઈએ, તેઓ સમાજ માટે આગળ આવશે તો સમાજના લોકોનો અમારા માટે દૃષ્ટિકોણ બદલાશે. સ્થાનિક સંસ્થાથી લઈને વિધાનસભા અને સંસદ સુધી ટ્રાન્સ કોમ્યુનિટી માટે અનામત હોવી જોઈએ, તો જ આપણો હિસ્સો વધશે.

સવાલ- સમર્થકો તમને 'બોબી ડાર્લિંગ' કહીને બોલાવે છે, આ પાછળ શું કહાની છે?
જવાબ- હા, કેટલાક લોકો કહે છે. ડાર્લિંગને ખરાબ અર્થ તરીકે કેમ લઈએ. લોકોનો મારા પ્રતિ પ્રેમ છે આથી લોકો મને આ નામથી બોલાવે છે.

સવાલ-ક્યારેય વિચાર્યું હતું કે ચૂંટણી લડવાની તક મળશે?
જવાબ- ક્યારેય નહીં. વિચાર્યું જ નહોતું કે મને ચૂંટણી લડવા કોઈ પાર્ટી ટિકિટ આપશે. સુલતાનપુરના લોકોએ મને વિશ્વાસ અપાવ્યો કે તે લોકો મારી સાથે છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ભેદભાવ વગર ટિકિટ આપી. આ ટિકિટ મને કામના આધારે મળી છે.

અન્ય સમાચારો પણ છે...