• Gujarati News
  • Dvb original
  • Leaving The Study Of Engineering And Becoming A Young Woman From Surat, Celebrity Modern Hair Stylist Earns Rs 5 Lakh A Year By Training Beauticians From Home And Abroad.

આજની પોઝિટિવ સ્ટોરી:એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને સુરતની યુવતી બની સેલિબ્રિટી મોડર્ન હેરસ્ટાઇલિસ્ટ, દેશ-વિદેશની બ્યુટિશિયનોને ટ્રેનિંગ આપીને વર્ષે 5 લાખ કમાય છે

સુરત3 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
હેરસ્ટાઇલને મોડર્ન ઇન્ડિયન ટચ આપીને પાયલ પટેલે બ્યુટિશિયનોમાં નામના મેળવી છે.
  • કોરોનાકાળમાં પાયલ પટેલે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન સેમિનારથી તાલીમ આપી

હેરસ્ટાઈલ એ ફેશન પૂરતી જ સીમિત નથી રહી. અત્યારે ઘરમાં હોય કે બહાર કે પછી ઓફિસ, દરેક જગ્યાએ વાળને સરસ હેરસ્ટાઈલમાં ગૂંથીને રાખવા એ આજકાલનો ટ્રેન્ડ બન્યો છે. એવામાં સુરતની યુવતીએ કેશ ગૂંથન(હેરસ્ટાઈલ) ભારતીય પરંપરા અને દેશ-વિદેશના ટ્રેન્ડને મોડર્ન સ્ટાઈલમાં રજૂ કરવામાં મહારથ હાંસલ કરી છે. એન્જિનિયરિંગનો ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યા બાદ ડીગ્રી કરવાની જગ્યાએ સુંદરતા નિખારવાના વ્યવસાય એવા પાર્લરની તાલીમ લઈને ટૂંક સમયમાં જ પોતાનું પાર્લર કરીને નોખી-અનોખી હેરસ્ટાઈલ બનાવીને આજે સેલિબ્રિટી મોડર્ન હેરસ્ટાઈલિસ્ટ બની ગઈ છે, સાથે જ દેશ-વિદેશની બ્યુટિશિયનોને તાલીમ આપવા સતત પ્રવાસો કરીને વર્ષે 5 લાખ જેટલી કમાણી કરી રહી છે.

દેશ-વિદેશની બ્યુટિશિયનોને તાલીમ આપવા પાયલ પટેલ સતત પ્રવાસો કરે છે.
દેશ-વિદેશની બ્યુટિશિયનોને તાલીમ આપવા પાયલ પટેલ સતત પ્રવાસો કરે છે.

પાર્લરના વ્યવસાયના નિર્ણયથી પરિવારને આંચકો લાગેલો
પાયલ પટેલે જણાવ્યું હતું કે મેં ધો-10 પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું, પરંતુ ડીગ્રીમાં એડમિશન મળે એ અગાઉ બે મહિનાનો સમય મારી પાસે હતો, જેથી આ સમયનો સદુપયોગ કરવા મેં પાર્લરનું શીખવાની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. કોર્સ અધૂરો મૂકીને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનું સલૂન શરૂ કરવાનું નક્કી કર્યું હતું. મારા આ નિર્ણયથી પરિવારને આંચકો લાગ્યો હતો. એન્જિનિયરિંગની જગ્યાએ હું સાવ જુદા જ ફિલ્ડમાં જવા માગતી હતી, જેમાં ઘરથી વધારે બહાર રહેવાનું હોવાથી પરિવાર મારા નિર્ણય સામે સવાલ ઉઠાવતું હતું, પરંતુ હું મક્કમ હતી.

મહિલાની સુંદરતા વધારતા વાળને પાયલ પટેલ મોડર્ન ટચ આપે છે.
મહિલાની સુંદરતા વધારતા વાળને પાયલ પટેલ મોડર્ન ટચ આપે છે.

નાના સલૂનથી શરૂઆત કરી
આત્મવિશ્વાસથી ભરપૂર અને કંઈક કરવાના મક્કમ ઈરાદા સાથે આગળ વધવા માગતા હો, તો ભગવાન પણ ચોક્કસ સાથ આપે છે. આ કુદરતના નિયમ પ્રમાણે જ મારી સાથે થયું હોવાનું ઉમેરતાં પાયલ કહે છે, શરૂઆતમાં બધાને એમ હતું કે મારામાં બિઝનેસની આવડત નથી, તેથી મેં જાતે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું. દુકાન શોધી. એ જોઈ મારા પિતાએ રૂપિયા 1 લાખ મને આપ્યા. મેં એ જ રકમમાં મારા નાના સલૂનની શરૂઆત કરી.

સેમિનાર અને વર્કશોપથી પાયલ બ્યુટિશિયનોને તાલીમ પણ આપે છે.
સેમિનાર અને વર્કશોપથી પાયલ બ્યુટિશિયનોને તાલીમ પણ આપે છે.

ઘરેઘરે ફરીને બ્રોશર આપતી, આજે લોકો શીખવા આવે છે
ગમતું મળે તો ગુંજે ને ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ. આ પંક્તિને ન્યાય આપતાં પાયલે વર્ષ 2014-15માં પાર્લરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં કોઈ કમાણી થતી નહોતી. જાતે જ વીડિયો જોઈને સ્ટાઈલિંગ કરવાનું શરૂ કર્યું. દરેકના ઘરે જઈ જઈને બ્રોશર આપીને માર્કેટિંગ કર્યું હતું. હવે ત્રણ વર્ષમાં ગુજરાત સહિત હું ભારતનાં દરેક રાજ્યમાં ટ્રેનિંગ આપી ચૂકી છું તેમજ દુબઈ, મલેશિયા, આફ્રિકાથી લોકો શીખવા આવતા હોવાનું પાયલ જણાવે છે.

અવનવી હેરસ્ટાઈલ બનાવવા માટે પાયલ પટેલ ભારે જહેમત ઉઠાવે છે.
અવનવી હેરસ્ટાઈલ બનાવવા માટે પાયલ પટેલ ભારે જહેમત ઉઠાવે છે.

હેરસ્ટાઈલ તૈયાર કરતાં પહેલાં આકરી મહેનત કરે છે
નાની ઉંમરમાં સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટમાં નામના મેળવી ચૂકેલી પાયલ પટેલ સતત પોતાની હેરસ્ટાઈલમાં કંઈક ને કંઈક પ્રયોગો કરતી રહે છે. મનમાં આવતી નવી ડિઝાઈનને પહેલા તે કેનવાસ પર ઉતારે છે. યોગ્ય લાગ્યા બાદ તેનો વાળ સાથે પ્રયોગ કરે છે. પોતાના સ્ટુડિયોમાં સતત વ્યસ્ત રહેતી પાયલને એક નવી હેરસ્ટાઈલ તૈયાર કરતાં ક્યારેક ઘણા દિવસો સુધી મહેનત કરવી પડતી હોય છે.

દુબઈ, મલેશિયા, આફ્રિકાથી લોકો આજે પાયલ પાસે શીખવા આવે છે.
દુબઈ, મલેશિયા, આફ્રિકાથી લોકો આજે પાયલ પાસે શીખવા આવે છે.

10થી 15 હજાર બ્યુટિશિયનોને તાલીમ આપી
દેશ-વિદેશની સ્ટાઈલને પોતાની કોઠાસૂઝથી મોડર્ન ટચ આપતી પાયલ પટેલે હેરસ્ટાઇલમાં નિપુણતા મેળવી છે, જેને કારણે આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની વર્કશોપમાં શીખવે છે, જેમાં તેઓ વિદેશી વિદ્યાર્થીઓને હેરસ્ટાઈલની ટ્રેનિંગ આપે છે. 19 વર્ષની ઉંમરમાં જ જાતે સલૂનની શરૂઆત કરી, આજે વિવિધ રાજ્યોમાં વર્કશોપ અને સેમિનાર આપે છે. ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેન કર્યા છે, સાથે ભારતનાં દરેક રાજ્યમાં ઓફલાઈન ટ્રેનિંગ આપવા માટે જાય છે.

પાયલે ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેન કર્યા છે.
પાયલે ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેન કર્યા છે.

કોરોનાકાળમાં ઓનલાઈન સેમિનાર લીધા
કોરોનાકાળમાં ઓફલાઈન સેમિનાર કે વર્કશોપ લઈ શકાય એવી સ્થિતિ નહોતી. જોકે હિંમત હારે તે બીજા... પાયલ પટેલ અને તેમની ટીમે ઓનલાઈન વર્કશોપ અને સેમિનાર થકી બ્યુટિશિયનોને તાલીમ આપવાનું શરૂ રાખ્યું હતું, જેથી ઓફલાઈનમાં જે લોકો જોડાઈ નહોતા શકતા તેવા લોકો માટે સીમાડાના બંધન તૂટી ગયા અને દેશ-વિદેશથી પણ રૂપ નિખારતા વ્યવસાયીઓ જોડાવા લાગ્યા. દેશ-પરદેશમાંથી પણ પાયલ પાસે ટિપ્સ મેળવનારાની સંખ્યા વધી ગઈ. સોશિયલ મીડિયામાં પાયલના વીડિયો જોનારાની સંખ્યા પણ લાખોમાં નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...